અનુભવ અને આઇડિયા: યે સંગમ તો ઝરૂરી હૈ

13 April, 2019 11:14 AM IST  |  | સંજય રાવલ

અનુભવ અને આઇડિયા: યે સંગમ તો ઝરૂરી હૈ

રણવીર કપૂર સાથે રિષી કપૂર

સંજયદૃષ્ટિ

મને હંમેશાં એક વાત પૂછવામાં આવે છે. ખાસ કરીને આજના યંગસ્ટર્સ મને પૂછે છે કે અમારે અમારાં ડ્રીમ પૂરાં કરવાં છે, અમારે કંઈક અલગ કરવું છે, રેગ્યુલર કે પરંપરાગત કરીઅર કરતાં કોઈ જુદી દિશામાં, જુદા ક્ષેત્રમાં અમારે જવું છે, પણ પેરન્ટ્સ અમને એવું કરતાં રોકે છે. તેમનું કહેવું છે કે એ દિશામાં જઈને કદાચ કંઈ થયું નહીં તો પછી લાઇફને સેટ કરવામાં વર્ષો નીકળી જશે. એના કરતાં તું પહેલાં લાઇફને થોડી સ્ટેબિલિટી આપી દે તો બીજી કોઈ ચિંતા રહે નહીં.

પ્રશ્ન બન્નેનો સાચો છે અને વાત પણ બેમાંથી કોઈ ખોટી નથી કરતા. સંતાનો જો કોઈ નવી દિશામાં જવા માગે અને સ્ટ્રગલ પણ કરવા માગે તો એ કરવાની, એમાં કશું ખોટું નથી અને તેમને એ છૂટ મળવી પણ જોઈએ. હંમેશાં કહેવાયું છે કે અધૂરાં સપનાંઓનો ભાર બહુ વધારે હોય છે. સામા પક્ષે પેરન્ટ્સ પણ જે વાત કહે છે કે એમાં પણ કશું ખોટું નથી. બે પાંદડે થવા માટે તેમણે પૂરતો સંઘર્ષ કર્યો છે એટલે તેમને ખબર છે કે લાઇફ સેટ કરવાનું કામ સરળ નથી. એ જે આગ્રહ રાખે છે કે લાઇફ પહેલાં સેટ કરો, જીવનમાં સ્ટેબલ થાઓ અને પછી તમારાં સપનાં પૂરાં કરો એ વાતમાં દૂરંદેશી છે.

મુદ્દો અહીં એ છે કે જો બન્ને વાત સાચી છે તો પછી ખોટું કોણ છે અને ચાલવું કયા માર્ગ પર? જો બન્ને વાત સાચી છે તો પછી જનરેશન ગૅપના નામે આ જે ઝઘડા થાય છે એ શું કામ થાય છે અને શું કામ સંતાનો અંદર ને અંદર ગૂંગળાયા કરે છે?

સૌથી પહેલાં આપણે યંગસ્ટરના પૉઇન્ટને સમજવાનો પ્રયન્ત કરીએ. પહેલાંના સમયમાં જીવનનો હેતુ શું હતો, લાઇફ-ગોલ્સ શું હતા? પચીસ-છવ્વીસ વર્ષ સુધીમાં તમે ભણતર પૂરું કરીને કોઈ સારી જગ્યાએ નોકરી કરો અને જો પિતાનો પોતાનો બિઝનેસ હોય તો એ સંભાળી લો. આવક ચાલુ થઈ ગઈ, સારું થયું. હવે ચાલો લગ્ન કરી લો અને પછી સંતાનો કરીને અમારી જેમ જ તમે પણ આ જીવનચક્રમાં જોડાઈ જાઓ; પણ મિત્રો, આજે એવું નથી.

હવે સવારે નવથી પાંચની નોકરી કે પછી ગવર્નમેન્ટ જૉબ કે મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ એ જ યુવાનોનું સપનું નથી રહ્યું, પણ હવે દરેકને પોતાનાં સપનાંઓ છે અને દરેકને એ પૂરાં કરવાં છે અને હું તો કહીશ કે આજનો આ જે યુવાન છે તે આ સપનાં પૂરાં કરવા માટે સક્ષમ પણ છે. જ્યારે વાત આવે છે સ્ટ્રગલની, તો આ યુવા પેઢી સંઘર્ષ માટે પણ તૈયાર છે, મથવા તૈયાર છે, લડવા તૈયાર છે, પણ તેઓ કદાચ પેરન્ટ્સના ડરથી બોલી નથી શકતા અને પછી ચૂપચાપ એ કર્યા કરે છે જેમાં તેમનું મન નથી લાગતું. એક વાત નક્કી છે કે જરૂરી નથી કે દરેકને ડૉક્ટર કે પછી એન્જિનિયર જ બનવું હોય કે બને. ઍકૅડેમિક્સ જરૂરી છે, પણ સાથે-સાથે તમારા બાળકનો આંતરિક અને માનસિક વિકાસ થાય એ પણ એટલો જ જરૂરી છે. જો તમને તમારા પેરન્ટ્સનો ડર લાગતો હોય તો એટલું નક્કી કે તમે ક્યાંક ને ક્યાંક કાં તો ખોટાં છો અને કાં તો તમને પોતાને હજી તમારા પર પૂરતો વિશ્વાસ નથી. આ બન્ને કે પછી બેમાંથી કોઈ એક વાત મનમાં હોય તો જ ડર લાગે અને ડર લાગે એનો અર્થ એ જ થાય કે જે દિશામાં જવાનું બોલો છો એ દિશામાં આગળ વધવામાં સાર નથી એવું તમે પણ ઊંડે-ઊંડે સ્વીકારી લીધું છે. પહેલાં તો આ ડબલ-માઇન્ડની અવસ્થા કાઢી નાખો. તમને જ્યારે ખબર છે કે તમારે શું કરવું છે અને કેવી રીતે કરવું છે ત્યારે ડર શેનો રાખવાનો. જે કરવાનું મન છે એ કહી દો અને એ પણ નક્કી કરો કે જ્યાં સુધી મહેનત નહીં કરો ત્યાં સુધી ચેનથી તમે નહીં બેસો. તમારા જીવનની એક જ મકસદ હશે અને એ આ, તમારું સપનું. મનોરંજન પણ નહીં અને બીજું કશું પણ નહીં. યારીદોસ્તી પણ ભૂલશો અને ગમતી પ્રવૃત્તિઓ પણ છોડી દેશો. કહી દો એક વાર પૂરા વિશ્વાસ સાથે. તમે કહી દીધું, હવે?

પેરન્ટ્સને કહી દીધું અને એ પછી પણ તેમણે ના પાડી દીધી તો?

તમારે બધું રિસર્ચ અને તપાસ કરીને પછી જ પેરન્ટ્સને વાત કરવાની છે. હું તો કહું છું કે મોઢામોઢ વાત કરવાને બદલે એક પ્રેઝન્ટેશન બનાવો અને એ પ્રેઝન્ટેશન તેમની સામે મૂકીને વાત કરો કે આ મારો કરીઅર-ગોલ છે અને એ માટે મને આટલા સમયની જરૂર છે. તમારે તમારાં સપનાં પૂરાં કરવાં છે તો પછી એને માટેની મહેનત પણ તમારી જ હશે અને તમારી મહેનતની ક્ષમતા પર તમને ખબર હશે જ કે એ સપનાંઓ સાકાર કરવા માટે તમને કેટલો સમય લાગશે. જો તમને એવું લાગતું હોય તો વિનાસંકોચ એ પણ કહો કે આટલો સમય તમને આપવામાં આવે. જો તમે અચીવ કરી શકો તો ઠીક છે, અન્યથા એ લોકો જે કહેશે એ કામ કે કરીઅર કે પ્રોફેશન તમે પસંદ કરીને એમાં પૂરા ખંત સાથે લાગી જશો.

ફરિયાદ નહીં કરો, મને આ ફરિયાદ સામે બહુ તકલીફ છે. નવું કરવા નીકળવાની વાત કરો છો અને એ માટે તમારે ભવિષ્યમાં દુનિયાને કન્વિન્સ કરવાની છે તો આજે એ નવું કરવા માટે તમારા પેરન્ટ્સને તો કન્વિન્સ કરો. આ કામમાં આકાશ-પાતાળ એક કરવાં પડે તો એ પણ કરો, કારણ કે તેમના થકી તમે આ દુનિયામાં આવ્યા છો અને જો એ લોકોને તમે સમજાવી નથી શકતા. મતલબ એ થયો કે તમે દુનિયાને ક્યારેય નહીં સમજાવી શકો. સ્ટાર્ટ વિથ યૉર હોમ ઍન્ડ યૉર પીપલ. દુનિયાને તો આખી જિંદગી પૂર્વ કરવાનું જ છે, પણ તમારા પેરન્ટ્સને એક વાર પૂર્વ કરી દો પછી એ આખું જીવન તમારી સાથે જ રહેવાના છે.

અહીં તમારે પેરન્ટ્સના પૉઇન્ટને પણ સમજવાના છે. તમને જે સલાહ આપે છે એ તમારા પોતાના છે અને એટલે તમને સલાહ આપે છે. આ સલાહ આપવા એ બહાર ક્યાંય જતા નથી, કારણ એ જ કે તમે તેમના પોતાના છો. સાચું શું અને ખોટું શું એ કહેવા માટે દરેક વ્યક્તિ તૈયાર નહીં હોય. પારકાઓને કશો ફરક પણ નહીં પડતો હોય, પણ પેરન્ટ્સને તમારી ચિંતા છે. એ તમારું ભલું ઇચ્છે છે એટલે આંખે થઈ જવું પડે તો પણ તમને સલાહ આપી દે છે. યાદ રાખજો કે સપનાંઓ ક્યારેય ભૂખ્યા પેટે નથી પૂરાં થતાં અને ભૂખ્યા પેટે એ ક્યારેય જન્મતાં પણ નથી. તમને મોટા કરવાનું, તમારું પેટ ભરવાનું કામ તમારાં માતાપિતાએ જ કર્યું છે તો તેમને તમારી ચિંતા હોય એ સ્વાભાવિક છે અને એટલે જ તમને ન ગમે એવી વાત પણ તે કહે છે. સૌથી મોટી વાત એ છે કે તેમને કોઈ સ્વાર્થ નથી, તમે જીવનમાં કંઈ પણ કરો તે ખુશ થશે, પણ તમે હેરાન ન થાઓ એનું ધ્યાન પણ તેમણે જ રાખવાનું છે. તમારે માટે આટલી ચિંતા કરનારી વ્યક્તિ ક્યાંથી તમને મળે? આખી જિંદગી તે તમારે માટે હેરાન થાય છે, શું કામ? તમારાં માતાપિતા તમને સક્સેસફુલ જોવા માગે છે અને દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને ન મળેલી દરેક ફૅસિલિટી તેમનાં સંતાનોને મળે અને તેમનું સંતાન જ્યારે કંઈ નવું કરવા જતું હોય ત્યારે એ નવું કરવામાં કેટલા પ્રકારનાં જોખમ છે એ તેને જણાવે. માતાપિતાનું કામ જ એ છે કે સંતાનો માટે બૉર્ડર બને જેથી સંતાન ક્યાંય દુખી ન થાય. જ્યારે આ વાત સંતાનો અને માતાપિતા બન્ને સમજી જાય ત્યારે કોઈની હાર નથી અને બન્નેની જીત થતી હોય છે.

આ પણ વાંચો : કૉન્ગ્રેસ વાઘને પોમેરિયન ગણાવ્યા કરે તો બીજેપી કાગનો વાઘ બનાવે

તમારું કામ કન્વિન્સ કરવાનું છે અને પેરન્ટ્સનું કામ બૉર્ડર બનીને ધ્યાન રાખવાનું છે કે જ્યાં જરૂર પડે ત્યાં સંતાનો માટે ઊભા રહે અને એ દરેક પેરન્ટ્સ કરે જ છે. બન્ને વચ્ચે માત્ર અભાવ છે તો એ એક જ વાતનો કે કોઈ કોઈનું સાંભળતું નથી અને સાંભળે છે તો માત્ર સાંભળે જ છે, સમજતું નથી. જો યુવાનો પોતાના પેરન્ટ્સને શાંતિથી સાંભળી લેશે તો અમુક પ્રશ્નો તેમને સાચા લાગશે અને પેરન્ટ્સે પણ એ જ નીતિ અપનાવવાની જરૂર છે. તેમણે માત્ર સંતાનોએ આપેલા વિચારને આજના સમય સાથે ચેક કરવાની જરૂર છે. નવું કરવું હશે તો સાહસ અને હિંમત જોશે અને એ બન્ને તમારા પોતાના ઘરમાં જ મળે છે. એની કોઈ ફૅક્ટરી નથી કે એનું ક્યાં સેલ નથી ચાલતું. અનુભવ અને આઇડિયાનો સંગમ કરો તો જનરેશન ગૅપ કાયમ માટે વિલીન થઈ જશે.

Sanjay Raval columnists