કૉન્ગ્રેસ વાઘને પોમેરિયન ગણાવ્યા કરે તો બીજેપી કાગનો વાઘ બનાવે

સંજય રાવલ | Apr 06, 2019, 10:28 IST

ઇલેક્શન આવે ત્યારે ચૂંટણીઢંઢેરો જાહેર કરવાની એક પરંપરા હતી, જેને આજે પણ પાળવામાં આવે છે, પણ હવે આ મૅનિફેસ્ટોની કોઈ વૅલ્યુ રહી નથી. વૅલ્યુ ક્યાંથી હોય, કામ કરવાં હોય તો એનું મૂલ્ય રહે અને કામ થવાનાં હોય તો એની કદર પણ કરવામાં આવે

કૉન્ગ્રેસ વાઘને પોમેરિયન ગણાવ્યા કરે તો બીજેપી કાગનો વાઘ બનાવે
પ્રતીકાત્મક તસવીર

સંજયદૃષ્ટિ

ગુજરાત વિધાનસભાની ઇલેક્શન હતી ત્યારે વિકાસ શબ્દને એવી રીતે બદનામ કરવામાં આવ્યો કે માબાપને પોતાના બાળકનું નામ વિકાસ રાખવામાં પણ શરમ આવવા માંડે અને જેનું નામ પહેલેથી વિકાસ પડી ગયું હોય એને પોતાનું નામ કહેવામાં ખચકાટ થાય. આ વખતે એવું ચોકીદાર સાથે બની રહ્યું છે. એક કહે છે, ચોકીદાર ચોર છે અને બીજી પાર્ટી બધાને એવું શીખવી રહી છે કે તમે બધા પણ ચોકીદાર જ છો, આપણે દેશની રક્ષા કરવાની છે. હવે પ્રચાર શરૂ થશે અને આ પ્રચાર શરૂ થયા પછી પ્રજા ત્રસ્ત રહેવાની શરૂ થશે. એ પછી રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ આવશે ત્યાર પછી નેતાજી પાંચ વર્ષ માટે મસ્ત રહેવાના છે. પ્રજાની સેવા કરવાના નામે આ નેતાઓ અને તેમના કાર્યકરો હિંસક બનતાં પણ હવે અટકતા નથી. પ્રજાની સેવા કરવાના નામે હવે આ રાજકારણીઓને કોઈ પણ સ્તર પર જઈને ગાળો આપતા, જૂઠનો સહારો લેતાં ડરતા નથી.

તમે આજે દેશની હાલત જુઓ. જો સાચે જ ભારતમાતા એક મહિલા હોત અને આપણે બધા તેમને જોઈ શકતા હોત તો અત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોત. આજે દેશની હાલત એવી થઈ ગઈ છે. ભલે બીજેપી એવી વાતો કરે કે અમારા રાજમાં ભ્રષ્ટાચાર થતો નથી, પણ એ દિવાસ્વપ્ન છે, કારણ કે બીજેપીના રાજમાં ભ્રષ્ટાચાર બીજું કોઈ નહીં, પણ ખુદ બીજેપી સાથે જોડાયેલા લોકો જ કરે છે, તેમના જ કાર્યકરો કરે છે અને તેમના નેતાઓ જ કરે છે.

આજે ૯૫ ટકા તંત્રમાં પૈસા વગર કામ થતું નથી. કેમ? સમાજનાં સૌથી મહત્વનાં એવાં બે પાસાં જેની વાત અગાઉ તમને કરી હતી, શિક્ષક અને પોલીસ. આ બન્નેની હાલત નોકર નંબર વન જેવી છે. યુવાનો સાવ માયકાંગલા, વ્યસનયુક્ત અને સાવ જ હતાશ, ડિપ્રેસ. લોકો માટે પૈસા અને સેક્સ જ મહત્વનાં રહ્યાં છે, લોકો એના માટે જ જીવે છે. નાતજાત અને ધર્મના નામે સમાજના ટુકડા કરી નાખ્યા છે.

આજે કૉન્ગ્રેસ શું વાત કરે છે. શાસનમાં આવવા માટે ચૂંટણીઢંઢેરો પહેલાં બહુ મહત્વનો હતો, જેના આધારે પૉલિટિકલ પાર્ટી આવતાં પાંચ વર્ષમાં પોતે શું કામ કરશે એનું આછુંસરખું પિક્ચર દેખાડી શકે, પણ તમે જુઓ, હું આ લેખ લખું છું ત્યાં સુધી બીજેપીનો ચૂંટણીઢંઢેરો જાહરે થયો નથી અને કૉન્ગ્રેસે એના ચૂંટણીઢંઢેરામાં બોંતેર હજાર રૂપિયાની વાત કરી છે. એકે ગયા ઇલેક્શનમાં પંદર લાખ રૂપિયાનો વાયદો કર્યો હતો તો હવે બીજી પાર્ટી દર વર્ષો બોંતેર હજાર રૂપિયા આપવાનો વાયદો કરે છે. આ વાયદાઓ જ દેખાડે છે કે આ પાર્ટીઓને પણ સમજાઈ ગયું છે કે લોકોને મન હવે પૈસાથી મહત્વનું બીજું કશું નથી રહ્યું. આના પરથી એવું જ સાબિત થાય છે કે આ પાર્ટીઓ જ પહેલેથી ક્લિયર નથી કે એમણે શું કામ કરવાનાં છે અને એ કેવાં કામ કરવાનાં વચનો આપે તો પ્રજા એને મત આપવાની છે. મોદીભક્તો મને માફ કરે, પણ કૉન્ગ્રેસને હું અહીંયાં બીજેપી કરતાં થોડીક સારી કહીશ. એણે પહેલાં પોતાનો મૅનિફેસ્ટો જાહેર કર્યો, પણ બીજેપી તો સાવ ગઈ ગુજરી બનતી જાય છે. મૅનિફેસ્ટો માટે લૉલીપૉપ કહેવાય એવાં વચનો જાહેર કરવામાં પણ એને ભાર પડે છે. કોઈએ તેમને મળીને એવું કહેવું જોઈએ કે તમતમારે મૅનિફેસ્ટો ડિક્લેર કરી દો, તમારે આમ પણ એને લગતાં કામો કરવા જ ક્યાં છે.

હું તો કહીશ કે ઇલેક્શન કમિશનને જઈને કોઈએ પૂછવું જોઈએ કે શું મૅનિફેસ્ટોમાં કહેવાયેલી વાતોનું પાલન કરવા બાબતમાં કોઈ નિયમો નથી અને જો એ નથી તો શું કામ નથી એનો જવાબ પણ આપણે આ ઇલેક્શન કમિશન પાસે માગવો જોઈએ, પણ ના, એવું કોઈ કરવાનું નથી, કારણ કે પ્રજાની પાસે એવો સમય નથી અને પ્રજા પણ મૂર્ખ બનવા જ જન્મી હોય એવી રીતે વર્તે છે.

કૉન્ગ્રેસ છેલ્લાં પાંચ વર્ષથી વિરોધ પક્ષમાં બેઠી છે, પણ એને વિરોધ પક્ષ કહેવામાં ખચકાટ થાય છે. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. હું તો કહીશ કે શાસક પક્ષ કરતાં પણ વિરોધ પક્ષ વધારે મજબૂત હોવો જોઈએ. તમારા નામથી જો શાસકને ગભરાટ થવા માંડે અને પરસેવો છૂટવા માંડે તો તમે સાચા વિરોધી, બાકી તમને કોઈ ગણકારવા પણ રાજી ન હોય, તમારો વિરોધ સાંભળવાનો પણ જો શાસક પાસે સમય ન હોય તો શાના વિરોધી, શાનો વિરોધ અને શું તમારી આવશ્યકતા? કૉન્ગ્રેસની સૌથી મોટી મજબૂરી એ છે કે એ હજુ પણ એ વાત પચાવી નથી શકી કે એ હવે શાસનમાં નથી. આપણે તેને વારંવાર કહેવું પડે છે કે હવે તમારું વર્તન સુધારો, હવે તમારી કામ કરવાની શૈલી બદલો. તમે લોકો વિરોધ પક્ષમાં છો, પણ ના, એમ છતાં એને કોઈ ફરક નથી પડતો. હું કહીશ કે કૉન્ગ્રેસી નેતાઓનો તોર જોઈને તમને એવું લાગે કે આ બધાં રાજારજવાડાંના સમયથી આમ જ જીવનારાઓ હતા કે શું? બીજેપીની બાબતમાં પણ હું ખાસ કોઈ આશાવાદ ધરાવતો નથી. એક વાત કહું તમને, મેં જોયું છે કે જવાબ આપવા એ આ બીજેપીના નેતાઓને ગમતું જ નથી. એ એમ જ માને છે કે તેમને કોઈએ કશું પૂછવું જોઈએ નહીં.

પ્રેસ કે મીડિયામાં બોલી જવું પૂરતું નથી. દેકારાઓ કરવા પૂરતું નથી. સેનાના નામે ચરી જવું એ કોઈ રાજનીતિ નથી, પણ ના, તેમને આ વાત સમજાતી નથી અને પ્રજાને પણ આ વાત સમજાવવામાં રસ નથી. છેલ્લાં પાંચ વર્ષમાં પાંચસો પ્રશ્નો ઊભા કરી શકાયા હોત. ભ્રષ્ટ નેતાઓનાં પ્રકરણો ખોલી શકાયાં હોત. યુવાનોને કેન્દ્રમાં રાખીને નવી પૉલિસી, નવી યોજનાઓ બતાવી શકાય હોત. વિકાસ ગાંડો થયો છે એવું ભસવાને બદલે વિકાસની સાચી રૂપરેખા પ્રજાને સ્પષ્ટ રીતે દેખાડવાની જરૂર હતી. નોટબંધી, જીએસટી, વિદેશી રોકાણ અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને લોકોની સામે જઈ શકાયું હોત. આઝાદી સમયે આ દેશમાં એક કાગળ બનતો નહોતો એની સામે આજે આપણે મંગળયાન બનાવવા માંડ્યા છીએ એ પણ કૉન્ગ્રેસ કહી શકી હોત, પણ ના, આ બાબતની કોઈ ચર્ચા જ નથી, બોલો. અરે, તમે વિચાર તો કરો, આપણી કેવી મજબૂરી છે. એક પાર્ટી કાગનો વાઘ બનાવે છે અને બીજી પાર્ટી પોતાના વાઘને પોમેરિયન ગણાવીને ખૂણામાં બેસાડી રાખે છે.

શાસક પક્ષ બીજેપી પાસેથી વિરોધ પક્ષ કૉન્ગ્રેસે કંઈ શીખ્યો નથી. જે બીજેપીની પાસે એક સમયે રોકડી બે સીટ હતી એ બીજેપી આજે દેશ ચલાવે છે. જો કૉન્ગ્રેસે નરસિંહરાવ અને મનમોહન સિંહે લાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ પણ સમજાવી હોત તો લોકોને કૉન્ગ્રેસ શું છે એની ખબર પડી હોત.

આ પણ વાંચો : લોકશાહીનું સૌથી મોટું પર્વ આવી રહ્યું છે ત્યારે

બીજી બાજુ બીજેપી સતત સત્તાના નશામાં ભ્રષ્ટાચારને જાણ્યે-અજાણ્યે પોસતી રહી. યુવાનોને જબરદસ્ત રીતે રોજગાર મળે એવી વ્યવસ્થા ગોઠવી ન શકી. સમાજના અભિન્ન અંગ પોલીસ અને શિક્ષકોને પાયાની સગવડ આપી શકી નહીં. પ્રાઇવેટાઇઝેશન સામે કોઈ વિરોધ નથી, પણ એનું મોનિટરિંગ થવું જોઈએ. રોડરસ્તા બન્યા પછી એની સર્વિસ કે એના મેઇન્ટેન્સનું કામ થતું જ નથી. અરે, કેટલાક નેતાઓને તો એ પણ ખબર નથી કે રોડરસ્તાઓની પણ સર્વિસ હોય અને અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયામાં એ થાય છે અને એટલે જ ત્યાં તમને ક્યારેય ખાડાખબડાવાળા રસ્તા દેખાતા નથી. જૂની બસો અને ટ્રેન બદલાવાને બદલે સીધી બુલેટ ટ્રેન આપવામાં કેટલી યોગ્યતા છે? ન્યાયતંત્રની દશા ખરાબ છે. કૉન્ગ્રેસે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો એવું બીજેપી બોલતી રહી, પણ એ ભ્રષ્ટાચાર કરનારાઓમાંથી કેટલા જેલમાં ગયા. લોકશાહીમાં ગુણતંત્રના આધારે પ્રધાનોની પસંદગી કરી દાખલો બેસાડવાની સારી તક હતી, પણ એવું થયું નહીં. યુવાનો આત્મહત્યાના રસ્તા સુધી પહોંચી જાય છે અને એની માટે બેકારી કારણભૂત છે. યુવાનો બે પૈસા કમાઈને પગભર થઈ શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરવામાં બીજેપી નિષ્ફળ ગઈ છે. જેવો પક્ષ, એવા નેતા. બીજેપીમાં પણ વાણીવિલાસ સિવાય બીજું કંઈ નથી. એકબીજા પર આરોપો કરવાને બદલે જેને સમાજની સેવા કરવાની હતી એ લોકો પોતાની લીટી મોટી કરવા એકબીજાને ગાળો ભાંડતા ફરે છે. પ્રજા બધું જ સમજે છે. પ્રજા પાસે ઑપ્શન નથી એવું પણ નથી. આજે ભલે બીજેપી-બીજેપીના નારા વાગતા હોય, પણ આંધળો પ્રેમ અને આંધળો વિશ્વાસ ક્યારેક તો તૂટતો જ હોય છે અને એવું જ્યારે બને ત્યારે જ માણસને બીજી દિશામાં નજર કરવાનું મન થાય અને જ્યારે નજર કરવાનું મન થાય અને નજર કરવાની ક્ષમતા આવે ત્યારે જ નવો વિકલ્પ દેખાવો શરૂ થાય. બીજેપીએ ભૂલવું ન જોઈએ કે જે રીતે એ કૉન્ગ્રેસના સાઠ વર્ષના શાસનને ગણાવ્યા કરે છે એ જ રીતે એક દિવસ બીજેપીના આવા લાંબા શાસનની ગણતરી પણ શરૂ થશે, એવું ન બને એના માટે કામ કરવું, સાચી રીતે કામ કરવું અને યોગ્ય રીતે કામ કરવું જરૂરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK