હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ

27 July, 2019 01:14 PM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ

પ્રતીકાત્મક તસવીર

સંજય દૃષ્ટિ

આજના હેડિંગથી જ વાતની શરૂઆત કરીએ.

હરિનો મારગ છે શૂરાનો,
નહીં કાયરનું કામ જોને; 
પરથમ પહેલું મસ્તક મૂકી,
વળતાં લેવું નામ જોને 
સુતવિત દારા શીશ સમરપે
તે પામે રસ પીવા જોને
સિંધ મધ્યે મોતી લેવા,
માંહે પડ્યા મરજીવા જોને.

આ પંક્તિ જ ઈશ્વરની તાકાતનું નિર્દેશન આપી દે છે. ઈશ્વર શું છે, તેની તાકાત અને તેની ઉપલબ્ધિ કેવી છે એ દર્શાવે છે. જ્યારે પણ તકલીફ, મુશ્કેલી અને પીડા આવે ત્યારે એવી ફરિયાદ નહીં કરો કે ભગવાન તમને જ શું કામ આ બધું દેખાડે છે. તકલીફ અને મુશ્કેલી તો તમને વધારે પાવરધા, હોશિયાર અને વધુ કસાયેલા બનાવવાનું કામ કરવાની છે. યાદ રાખજો કે ઈશ્વર મુશ્કેલીઓ પણ તેને જ આપે જેને ઘડવાની માનસિકતા તેણે બનાવી હોય. તમે જુઓ, કોઈ પણ મહારથી જોઈ લો. તમે તેની લાઇફ વાંચો ત્યારે તમને સમજાઈ જાય કે તેણે કેવી-કેવી તકલીફ સહન કરી છે અને એ તકલીફ પછી તેનું સર્જન થયું છે. તેની સામે તમે સીધી અને સરળ રીતે જેકોઈએ સફળતા મેળવી છે તેની લાઇફ પણ જોઈ લો. સ્ટીવ જૉબ્સ જોઈ લો, ધીરુભાઈ અંબાણી જોઈ લો, જમશેદજી તાતા જોઈ લો. તમને તેમની લાઇફમાં એટલોબધો સંઘર્ષ દેખાશે કે એવું લાગે જાણે તેઓ આ સંઘર્ષગાથા કહેવા માટે જ જન્મ્યા હોય અને બધાની સામે દાખલો મૂકીને રવાના થઈ ગયા હોય. ઈશ્વર તકલીફ તેને જ આપે છે જેનામાં એ તકલીફ ફોડવાની ક્ષમતા હોય અને જેનામાં એ તકલીફને પાર કરવાની ત્રેવડ હોય. તમે જુઓ, ઈશ્વરે જેને તકલીફ ન આપી હોય તે નાનીસરખીય મુશ્કેલી આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. જુઓ, વિદેશથી આવતા ધોળિયાઓની આપણા દેશના તડકામાં શું હાલત થતી હોય છે. હું તો હંમેશાં કહેતો હોઉં છું કે ભગવાન બીજા બધા કરતાં આપણા પર વધારે મહેરબાન રહ્યો છે અને એટલે જ આપણે ગમે એવા સંજોગો વચ્ચે પણ મસ્તમજાના રહી શકીએ છીએ.

ભગવાનની વાત આવે ત્યારે મને બીજી પણ એક વાત કહેવાનું મન થાય છે કે ઉઘાડા પગે ચાલીને ભગવાનને પગે લાગવા જવાની માનતા ન લેતા. એવું કરશો તો ભગવાન ખુશ થશે એવું માનવાની ભૂલ પણ ન કરતા. આ ભૂલનું પુનરાવર્તન એકધારું ચાલુ છે, પણ હકીકતમાં ભગવાન ખુશ થાય એ કામ તો સાવ જુદું જ છે. તમારી આજુબાજુમાં રહેલા કે પછી તમારા કુટુંબના કે પછી તમે જેમને ઓળખતા હો એવા લોકોની તકલીફ દૂર કરશો તો ભગવાન ખુશ થશે, ધારો કે ભગવાન તેનાં દર્શન કરનારાઓથી ખુશ થાય છે તો આવું, બીજાની તકલીફો દૂર કરવાનું કામ કરનારા લોકોથી ભગવાન વધારે ખુશ થાય છે. દુખી લોકોને સાંત્વના આપવા જેટલી સેવા બીજી કોઈ હોઈ ન શકે. કોઈની વાત સાંભળવી, કોઈની તકલીફ સાંભળવી એ જ મોટું કામ છે. કોઈ જગ્યાએ કોઈ જરૂરિયાતમંદને ચીજવસ્તુ આપી હોય તો તેનો ફોટો ફેસબુક પર અપલોડ કરવાની જરૂર નથી. એ એમ જ ચિત્રગુપ્તના ચોપડામાં અપલોડ થઈ જાય છે. હૉસ્પિટલમાં બિસ્કિટનાં પૅકેટ આપવાં, પણ એનો ફોટો ક્યારેય ન પડાવવો અને જો એ ફોટો પડાવવાનું મન થતું હોય તો એક વખત એવી અવસ્થામાં તમને પોતાને જોઈ લેવા. જોઈ લેવું કે તમે હાથ લંબાવીને બિસ્કિટનું એક પૅકેટ લો છો અને એ આપનારો તમારો ફોટો પાડે છે. લંબાવેલા હાથમાં રહેલી શરમ તમને દેખાશે. દાન કરનારાઓએ યાદ રાખવું કે તે બહુ સારું કામ કરે છે, પણ દરેકેદરેક શાસ્ત્રમાં કહેવાયું છે કે ડાબા હાથે કરેલી મદદ જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ. શું કામ આવું કહેવામાં આવ્યું હશે એનો વિચાર ક્યારેય કર્યો છે ખરો? એટલા માટે આવી સલાહ આપવામાં આવી છે જેથી એ મદદ લેનારાની આંખની શરમ બીજા સુધી પહોંચે નહીં. ઘણા મારી પાસે એવી દલીલ કરે છે કે આવું કરીએ તો બીજાને પ્રેરણા મળે, બીજો પણ આવાં કામ કરે. છો ન કરે, એ તમારે જોવાની જરૂર નથી. તમારે તો એ જોવાનું છે કે તમને જે ભગવાને આપ્યું છે એ તમે સારા કામમાં વાપરો છો કે નહીં. પ્રેરણા આપવાની ન હોય, પ્રેરણાદાયી જીવવાનું હોય.

સ્વાર્થી નહીં બનો, સ્વાર્થી બનીને જીવવાનું કામ તો જંગલમાં રહેલાં પશુઓ અને આકાશમાં રહેલાં પક્ષીઓ પણ કરી લે છે, પરંતુ બીજા માટે જે જીવે છે તે ઈશ્વરનો પ્રિય છે અને એવા લોકો માટે જ ઈશ્વરની હયાતી હોય છે. એક હકીકત એ પણ છે કે આ પ્રકારના લોકોને મદદ ઈશ્વર કરે છે એટલે તેઓ ઈશ્વરના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનીને તેનું જ કામ કરવા માટે જન્મ્યા છે. તું કોઈનો ઈશ્વર બની જા, તારો ઈશ્વર તને મદદ કરશે. આવું જીવનારા અને લોકો માટે પરદુખભંજન બનનારાઓનાં આપણે ત્યાં મંદિર બન્યાં છે અને એ મંદિરો આજે પણ આસ્થાનાં પ્રતીક બન્યાં છે.

એક બીજી વાત પણ કહેવી છે મારે. જેમને પોતાનો વિકાસ કરવો છે, જેમને પોતાનું ઘર, પોતાનું કુટુંબ, સમાજનો વિકાસ કરવો છે તેમણે એક વાત સ્પષ્ટતા સાથે યાદ રાખવાની જરૂર છે કે સતત બીજાની મદદગારી માટે તૈયાર રહેજો. વિકાસ અને આગળ વધવાનું કાર્ય ત્યારે જ થતું હોય છે જ્યારે તમે બીજા કોઈનો વિકાસ કરવાનું કામ તમારી રીતે કરતા હો છો. દરેક વખતે એવું માનવાને, એવું ધારવાને કોઈ કારણ નથી કે ઈશ્વર જ તમને મદદ કરે. બને કે ઈશ્વર બીજાં કામમાં અટવાયેલો હોય એટલે તે તેના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરને કહી દે અને જતે તમારી મદદે આવી જાય. જો એવું બને અને તમે ખુશ હો તો તમારે પણ ઈશ્વરના સંકેતને સમજીને તેમના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનવું પડશે, બીજાને મદદ કરવાની તૈયારી રાખવી પડશે. પારકા માટે જીવે, તેનો વિચાર કરે, તેને ખુશી આપે અને પારકાઓની લાગણીઓનું ધ્યાન રાખે એનાથી ઉત્તમ બીજું કાંઈ હોઈ પણ શું શકે?

મને જો કોઈ એક વાતનો ખૂબ અફસોસ હોય તો એ એટલો કે આપણે બાળકોને ઈશ્વરની ઓળખ કરાવીએ છીએ, તેની પૂજા કેવી રીતે થાય એ પણ શીખવીએ છીએ અને પોતપોતાના ધર્મ મુજબના શ્લોક કે પછી મંત્રો શીખવીએ છીએ, પણ આપણે ક્યારેય તેમને ઈશ્વર વિશે વિગતે સમજાવતા નથી. ઈશ્વર શું છે, તે કોણ છે અને તે કેવી રીતે કામ કરે છે એ જો આપણે નાનપણથી જ બાળકોમાં રોપવાનું શરૂ કરીશું તો એના અઢળક ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ થશે કે તે બાળક ક્યારેય નાતજાતના ભેદભાવમાં નહીં પડે અને તે ક્યારેય કોઈના ઈશ્વરને નાનો અને પોતાના ઈશ્વરને મોટો નહીં ગણે. આપણે જાહેરમાં ક્યારેય આવી ચર્ચા નથી કરતા, પણ બીજાના ધર્મ માટે મનમાં તો આવી ભાવના કેળવતા જ હોઈએ છીએ. ઈશ્વર એક જ છે એવું હજારો વખત કહેવાઈ ગયું છે અને એ પછી પણ આપણે ઈશ્વરમાં અંતર રાખવાનું કામ અજાણતાં જ કરી બેસીએ છીએ. ઈશ્વર ન હોય તો (અહીં કોઈની ધાર્મિક લાગણી દૂભવવાનો લગીરેય વિચાર નથી) પણ તેની જે કલ્પના છે, તેની જે રૂપરેખા શાસ્ત્રો દ્વારા બનાવવામાં આવી છે એ જવાબદારી ઈશ્વરના સંતાન તરીકે આપણે પણ ઉપાડી શકીએ છીએ. સાવ સાચું છે, હરિનો મારગ છે શૂરાનો...

આ પણ વાંચો : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

આ કામ કરનારાઓ નરબંકા જ હોઈ શકે, કારણ કે કોઈને મદદ કરવાનું કામ કંઈ નાનુંસૂનું નથી, એને માટે હિંમત પણ જોઈએ, તૈયારી પણ જોઈએ અને પરસેવાની કમાણી આપી દેવાની ક્ષમતા પણ જોઈએ. જો એવું કરશો કે એવું કરવાની હિંમત કેળવશો તો ચોક્કસ તમને પણ ઈશ્વર કે પછી તેના સ્વરૂપમાં આવીને મદદ કરનારો મળી જશે. વાત આગળ વધવાની છે, વાત મુશ્કેલીમાંથી બહાર નીકળવાની છે. પછી બહાર કાઢવાનું કામ કોઈ પણ કરી લે તો તમને શું પ્રૉબ્લેમ છે. બસ શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો અને યાદ રાખવાનું કે શ્રદ્ધાની વાત હશે તો પુરાવાની જરૂર નથી. પયગંબરના હસ્તાક્ષર વિનાની કુરાન અને કૃષ્‍ણની સહી વિનાની શ્રીમદ ભગવદ્ગીતા આપણે સહર્ષ સ્વીકારી જ છેને.

Sanjay Raval columnists weekend guide