સો વર્ષોથી સંયુક્ત કુટુંબમાં રહેતા આ પરિવારની એકતાને સલામ

03 June, 2020 09:21 PM IST  |  Mumbai | Bhakti D Desai

સો વર્ષોથી સંયુક્ત કુટુંબમાં રહેતા આ પરિવારની એકતાને સલામ

મર્ચન્ટના પરિવાર

બોરીવલીના ૮૪ વર્ષના રણજિતભાઈ કરસનદાસ મર્ચન્ટના પરિવારમાં તેમનાં પત્ની માલતી, પુત્ર જિતેન્દ્ર, પુત્રવધૂ તૃપ્તિ, પૌત્ર ભાવિન, પૌત્રી મીત, દીકરો ઇલેશ, વહુ ધૃતિ, પૌત્રી વિધિ તથા સૌથી નાના પુત્ર જતીન, પુત્રવધૂ રક્ષા અને પૌત્રી પર્લ આમ ૧૨ સદસ્યો છે. આ પરિવારની વિશિષ્ટતા એ છે કે રણજિતભાઈના અન્ય પાંચ મોટા ભાઈઓ પણ તેમના પરિવાર સહિત આ જ બિલ્ડિંગમાં રહે છે. જો કાકા-બાપાના આખા પરિવારને આવરી લેવાય તો આશરે ૭૦થી વધારે સભ્યોનું આ કુટુંબ છે. 

સાથે રહેવું એ આ કુટુંબની પરંપરા છે એ વિશે વાત કરતાં રણજિતભાઈ કહે છે, ‘મારો જન્મ મુંબઈના કાલબાદેવીમાં થયો. અમે છ ભાઈઓ અને ત્રણ બહેનો છીએ. એ સમયે પણ કાલબાદેવીમાં મારા પપ્પાના દરેક ભાઈઓનો આખો પરિવાર એક જ મકાનમાં રહેતો અને આ રીતે આખા કુટુંબના દરેક સભ્યો સાથે જ રહેતા. અમારા પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની પરંપરા છેલ્લાં સો વર્ષોથી ચાલતી આવી છે. બોરીવલીમાં અમારી પાસે પહેલેથી જ જગ્યા હતી અને વર્ષો પહેલાં અમારો પરિવાર જેમ વધતો ગયો એમ કાલબાદેવીમાં જગ્યાની અછત જણાતાં અમુક સભ્યો કાલબાદેવીથી બોરીવલી રહેવા આવી ગયા  અને થોડા સમય પછી અમે બધા જ એક બિલ્ડિંગમાં સ્થાયી થઈ ગયા.’

વ્યવસાય જુદા, ઘર એક

પરિવારના વેપાર-ધંધા વિશે રણજિતભાઈ કહે છે, ‘એ સમયે પરિવારો મોટા હતા. ભણતરમાં દસમું અથવા બારમું કરી અમે બધા નોકરીએ લાગી જતા તેથી મેં પણ અમારી જ્ઞાતિની ઠાકરસી મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કર્યું. પછી ઇલેક્ટ્રૉનિકસની દુકાન કરી. આગળ જતાં ડેકોરેશનનો વેપાર શરૂ કર્યો, જેને આશરે પચાસ વર્ષ થઈ ગયાં જે મારો નાનો દીકરો જતીન અને હું સંભાળી રહ્યા છીએ. જિતેન્દ્રભાઈ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીમાં છે. મોટી ઇવેન્ટ હોય તો ડેકોરેશનથી લઈ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું કામ અમે સાથે કરીએ છીએ.’

નાના દીકરા જતીનભાઈ કહે છે, ‘હું ઘણી નાની ઉંમરથી મારા પપ્પા સાથે કામમાં જોડાઈ ગયો અને અમારા ડેકોરેશનના કે ઇવેન્ટના વેપારમાં ઝડપથી નવીનતા આવે છે. હું પપ્પાના માર્ગદર્શનથી એનો વિકાસ કરતો જાઉં છું. પપ્પાના સમયે ઘરે-ઘરે જઈને સામાન્ય વેપાર થતો અને હવે સમય મોનોપૉલીનો છે.’

મોટા પુત્ર જિતેન્દ્રભાઈ અહીં કહે છે, ‘આમ તો લોકો મોટા પરિવારમાં એક બિઝનેસ કરે છે અને જુદા ઘરમાં રહેતા હોય છે, પણ અમે ત્રણે ભાઈઓ કામ અલગ-અલગ કરીએ છીએ અને રહીએ સાથે છીએ. મારું કામ મારા પપ્પાના વેપારને

લગતું છે, પણ હું તેમની સાથે ન જોડાયો; કારણ કે હું વિચારતો હતો કે બધાએ એક જ કામમાં ન રહેવું જોઈએ.’

માથે ઓઢવાની પરંપરામાં બદલાવ

પરંપરાની વાત કરતાં માલતીબહેન કહે છે, ‘જ્યારે હું લગ્ન કરીને આ પરિવારમાં આવી ત્યારે લાજ કાઢવાનો રિવાજ નીકળી ગયો હતો પણ સાડી પહેરવી, જેઠ કે સસરા હોય તેથી માથે ઓઢવું આ બધા રિવાજ હતા, પણ મારે માટે તો મારી વહુઓ દીકરી જ છે.’

તૃપ્તિબહેન હસતાં-હસતાં અહીં કહે છે, ‘હું લગ્ન કરીને આવી ત્યારથી મમ્મીએ અમને પહેરવા-ઓઢવાની છૂટ આપી જ છે. સમય અને અનુકૂળતાને હિસાબે અમારે માટે બદલાવ લાવવાની સમજ મારાં મમ્મીમાં છે. હવે તો અમે જ્યારે બહાર પિકનિક પર જઈએ ત્યારે મમ્મી (સાસુ)ને કહીએ છીએ કે તેમણે સાડી પહેરવાની જરૂર શું છે? તેમણે ડ્રેસ પહેરવો જોઈએ, પણ તેમને વર્ષોની આદત છે તેથી આજે પણ અમે ક્યાંય પણ જઈએ તો મમ્મી સાડી જ પહેરે છે.’

બેઠું રસોડું અને કેળના પાનની થાળી

માલતીબહેન કહે છે, ‘પહેલાં અમે લોકો નીચે બેસીને રસોઈ બનાવતાં ત્યારે પ્લૅટફૉર્મ નીચે હતાં. વારેઘડીએ ઊઠબેસ કરવી પડે તેથી મહેનત એટલી થાય કે જિમમાં જવાની કોઈ જરૂર જ ન રહે. અમે બોરીવલીમાં આવ્યાં ત્યારે પણ બેઠાં રસોડાં જ હતાં, પણ વહુઓ આવી ત્યાં સુધીમાં ઉપર પ્લૅટફૉર્મ બનાવી લીધું હતું. મને યાદ આવે છે કે એ સમયમાં અમારા ઘરની પાસે કેળનાં ઝાડ ઘણા હતાં. મહેમાન આવે ત્યારે અમે કેળનાં પાન તોડી એની પર જ જમતાં. વાસણ પણ ઓછાં થાય અને આરોગ્ય માટે પણ ઉત્તમ. બાળકોએ આ અનુભવ નથી કર્યો, કારણ હવે આસપાસ ઝાડ નથી. પણ હવેલીનો પ્રસાદ કેળના પાન પર આવે ત્યારે જૂની યાદો તાજી થાય.’

પોતાના બાળપણને યાદ કરતાં ધૃતિબહેન પિયરની વાત કરતાં કહે છે, ‘મને મમ્મીની વાત પરથી યાદ આવે છે કે મારા પિયરમાં હું કેળના પાન પર જમી છું. મમ્મીની વાત સાથે હું સહમત છું. તેમના જમાનામાં કામ વધારે રહેતું, કારણ કે સુવિધાઓ ઓછી હતી. અમારા સમયમાં વૉશિંગ મશીન, મિક્સર, માઇક્રોવેવ આ બધાં સાધનો આવી ગયાં તો કામની હાડમારી ઓછી થઈ ગઈ અને સરળતા વધી ગઈ.’ 

પેઢીઓમાં તફાવત

ઑનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા ઇલેશભાઈ કહે છે, ‘અમે જોઈએ છીએ કે જમાના પ્રમાણે બદલાવ આવતા જાય છે. પપ્પાના સમયે દસમું કે બારમું કર્યા પછી આગળ ભણવા કરતાં પણ ગણવાનું એટલે કે નોકરી-ધંધામાં લાગવાનું મહત્ત્વ વધારે હતું. એ સમયે પરિવારો ખૂબ મોટા હતા અને જવાબદારીઓ વધારે હતી. અમારા સમયે ગ્રૅજ્યુએશન કરવું સામાન્ય હતું. હવે શિક્ષણનું જ મહત્ત્વ છે તેથી આગળની પેઢી વધારે ભણે છે.’

ધૃતિબહેન કહે છે, ‘આ ઘરની દીકરીઓની પેઢી ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે, મીત એન્જિનિયરિંગમાં છે, વિધિ સીએ કરી રહી છે અને પર્લ ફૅશન-ડિઝાઇનિંગ કરે છે. તેઓ પોતાના ક્ષેત્રમાં એટલાં વ્યસ્ત છે કે અમારા જેટલું કામ કરવાનો સમય તેમને મળશે પણ નહીં. તેઓ બધાં કામગરાં છે. હાલમાં લૉકડાઉન દરમ્યાન વાસણ ધોવાં, ઘરની સાફસફાઈ તથા રસોઈમાં મદદ કરીને અમને સાથ આપે છે. પણ એક તફાવત છે કે મારાં મમ્મી જેટલું કામ અમે નથી કરતાં અને અમારા જેટલું કામ આગળની પેઢી નહીં કરે.’

આજની પેઢી આખા બોલી

તૃપ્તિબહેન ખૂબ જ રમૂજી રીતે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, ‘હું જ્યારે પણ મારા ઘરનાં બાળકોને જોઉં તો મને નવાઈ લાગે કે તેમને કોઈ પણ વાત ન ગમે અથવા યોગ્ય ન લાગે તો કોઈને સારું લગાડવા ચૂપ ન બેસે. જેમ કે મીતને હું કોઈક વાર તેના રૂમમાં પથારા પડ્યા હોય અને કહું કે ‘દીકરા, રૂમ વ્યવસ્થિત કરી દે, પથારા ઊંચકી લે, કોઈ આવશે તો કેવું લાગશે?’ ત્યારે તે મને પ્રેમથી કહી દે કે ‘જો મમ્મી, કોઈ આવેને તો કહી દેવાનું કે આ હોટેલ નથી, ઘર છે. તેથી પથારા તો હોય. બહારનું કોઈ મારા રૂમમાં નહીં આવે, જે આવશે તે ઘરનું જ હશે અને તેને તકલીફ થાય તો કહેવાનું કે રૂમ બરાબર કરી આપો.’ મને ક્યાંક એમ થાય કે આ જવાબની પાછળ એક નિખાલસતા છે, હમદિલી છે કે જ્યાં પ્રેમથી પોતાનો દૃષ્ટિકોણ સામે મૂકવામાં આવે છે. પહેલાંના જમાનાના લોકો તેમનાથી નાનાં બાળકોને બોલવાનો અવકાશ ન આપતાં અને અમને પણ એમ થતું કે કોઈની સામે કેવી રીતે બોલાય? પણ હવે આ બે પેઢીઓમાં ઘણી આત્મીયતા આવી ગઈ છે.’

માતૃભાષા જ બોલાય

આજે ઘણા પરિવારોમાં નવી પેઢીનાં બાળકો પોતાની ભાષા ભૂલીને ઘરમાં પણ અંગ્રેજી બોલતાં થઈ ગયાં છે ત્યાં આ ઘરમાં

અંદર-અંદર વાત કરવા માટે ભાટિયા ભાષા જ બોલાય છે. માલતીબહેન કહે છે, ‘બાળકો જે ભાષા સાંભળીને મોટાં થયા હોય એ જ તેમના સંવાદનું પણ માધ્યમ બને. મારાં પૌત્ર અને પૌત્રીને આ ભાષા આવડે છે, પણ અમારા જેઠને ત્યાં જૈન અને લોહાણાપરિવારમાંથી જે દીકરીઓ પરણીને આવી છે તે પણ આજે અમારી ભાષા વ્યવસ્થિત બોલે છે.’

 

સંયુક્ત પરિવારમાં છે મજા જ મજા

સંયુક્ત પરિવાર વિષે ધૃતિબહેન કહે છે, ‘પરિવારના પ્રેમથી બાળકો ઘડાઈ ગયાં છે. તેમને એકલાં રહેવાની આદત નથી. ફળો આવે કે પહેલાં ઠાકોરજીનો હિસ્સો બાજુએ મૂકી પછી બધાં એકબીજાને આપીને જ ખાય. તૃપ્તિભાભીને બધાં બાળકો મા કહે છે. અમે મમ્મી, પણ તેમનો દરજ્જો માનો છે. વિધિ અને પર્લને પણ તેઓ એટલાં પ્રિય છે કે નાનપણથી માથું ઓળાવવું, કપડાં પહેરવાં આ બધાં લાડ તેમની પાસે જ કરાવે. અમે પણ બહારનાં કામ બાળકોને મા પાસે મૂકીને કરી આવીએ. બાળકોની બોર્ડ પરીક્ષામાં સેન્ટર દૂર આવે તો મારા જેઠ જેમની પરીક્ષા હોય તેમને ગાડીમાં મૂકીને આવે. સંયુક્ત પરિવારમાં રહેવાની મજા જ અલગ છે. અમે દેરાણી-જેઠાણી એકબીજાની સખી બનીને રહીએ છીએ.’

ફાઇનૅન્શ્યલ પ્લાનર પૌત્ર ભાવિન કહે છે, ‘અમે બધાં જ ભાગ્યશાળી છીએ કે અમારા પરદાદાથી સંયુક્ત પરિવારના સંસ્કાર અમને વારસામાં મળ્યા છે. આગળ આ આખા પરિવારને જોડાયેલો રાખવાનું ઉત્તરદાયિત્વ પણ અમારી પેઢીનું રહેશે. હું ખુશનસીબ છું કે મારી ભાવિ જીવનસંગિની હેમની પણ આ જ વિચારધારા છે. અમારી સગાઈ થોડા સમય પહેલાં જ થઈ છે’

મીત પોતાનો એક અનુભવ કહે છે, ‘ગયા વર્ષે મારી મમ્મી બહારગામ હતી અને મને ન્યુમોનિયા થઈ ગયો તેથી મને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. મારા ૭૦ જણના મોટા પરિવારમાંથી દરરોજ એક સદસ્ય મને જમાડવા હૉસ્પિટલમાં આવતા. માંદગીનો કપરો સમય કેટલો ઝડપથી નીકળી ગયો એની ખબર જ ન પડી.’

 વિધિ અહીં કહે છે, ‘ભાવિન અમને ત્રણે બહેનોને પ્રેમથી સંભાળે છે. અમે ત્રણે બહેનો અને આખો પરિવાર લૉકડાઉનમાં પણ મજા કરીએ છીએ. મારા ફ્રેન્ડ્સ મને ફોન કરીને એમ કહે છે કે લૉકડાઉન જલદી ખતમ થાય તો સારું, પણ અમને મારા મોટા પરિવારને કારણે સમય ક્યાં જાય છે એ જ નથી સમજાતું.’

columnists bhakti desai