કચ્છની સંસ્કૃતિને છે સલામ જ્યાં ગૌ-છાત્રાલય ત્યાં નંદીશાળા પણ

01 September, 2020 11:22 PM IST  |  Kutch | Sunil Mankad

કચ્છની સંસ્કૃતિને છે સલામ જ્યાં ગૌ-છાત્રાલય ત્યાં નંદીશાળા પણ

નંદીશાળા

ગૌ-છાત્રાલય? જરા વિચિત્ર શબ્દ છે. વિદ્યાર્થીઓને રહેવાનું સ્થળ છાત્રાલય કહેવાય, પણ આ ગૌ-છાત્રાલય? નામ ભલે વિચિત્ર આપ્યું હોય, પણ એમાં ગાયોને રાખવામાં આવે છે છાત્રોની જેમ જ. હજારો ગૌવંશને નિ:સ્વાર્થ નિભાવતી પશુ પાંજરાપોળો કચ્છ માટે નવી વાત નથી, પણ ગૌસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સાવ જ નોખી, અનોખી તરી આવતી ભુજ તાલુકાના નારાણપર ગામની હરિકૃષ્ણ નિરાધાર ગૌસેવા ટ્રસ્ટની ‘કાઉ હૉસ્ટેલ’ નવતર પ્રયોગ છે. આ હૉસ્ટેલમાં ૧૦૬પ ગૌવંશનું વૈજ્ઞાનિક ઢબે સંચાલન થાય છે.
બાળકને જેમ ભણવા-રહેવા હૉસ્ટેલમાં મુકો એમ ગાય, વાછરડાં, બળદ, આખલાને મૂકી આવો. દૂઝણા કે ઉપયોગી થાય ત્યારે પાછા લઈ આવવાના. ગમાણ, ચારો, પાણી, બાંધવા-છોડવાની કોઈ ઝંઝટ નહીં. બદલામાં લીલો ચારો પહોંચાડવાનો. એ સિવાય કોઈ ખર્ચ નહીં.
કચ્છ-સૌરાષ્ટ્રમાં ચારિયાણ જમીનો સરકારે ઓછી કરી નાખી હોવાની લોકની ફરિયાદો વચ્ચે હવે પશુમાલિકો ઘરમાં ગાય-ભેંસને દોહી ગામમાં રખડતાં છૂટાં મૂકી દે છે. એમાંય આખલાઓનો ત્રાસ સહન કરી કચ્છના લોકો પરેશાન થઈ ગયા છે. અવારનવાર અકસ્માતો પણ થતા રહે છે. ચારિયાણ વગર અને જ્યાં પાંજરાપોળો છે ત્યાં ઘાસની અછત હોય ત્યાં પશુનો નિભાવ કરવો કઈ રીતે? કચ્છનો નાતો વિદેશો સાથે વધુ રહ્યો છે, એથી અહીંનો સમુદાય સ્વીડન, ડેન્માર્કના કાઉ ફાર્મની સંકલ્પના સમજે છે અને એનું જ પ્રતિબિંબ આ ગૌ-છાત્રાલય છે.
હરિકૃષ્ણ નિરાધાર ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ-ગૌસેવક ધનજીભાઈ કરશન વરસાણી કહે છે કે ‘નારાણપર વિસ્તારનાં ૧પથી ર૦ ગામોના ૧૦૬પ જીવ આ રીતે ઊછરી રહ્યા છે. ૧૦૦ જેટલી ગાય હાલમાં કૃષકો લઈ ગયાં છે. ગામના સેવાભાવી વડીલોના સહિયારા સંકલ્પ, સર્જન, નિભાવ અને સાથથી ૧૯૯રથી ગૌરક્ષણના ઉદ્દેશથી કાર્ય આરંભાયું હતું. ૩પ,૦૦૦ મણ સૂકા ચારાનો ગંજસંગ્રહ, દૈનિક રપ૦ મણ લીલા ચારાની કાયમી વ્યવસ્થા વચ્ચે ‘નિર્ભય’ અહીંનું ગૌવંશ લહેર કરે છે. ૪૦ કે ૪૪ ડિગ્રી ચડેલો તાપમાનનો પારો વૃક્ષો, પાણી છંટકાવ, ઊંચાઈમાં આવેલા સ્થળને કારણે ટકી શકતો નથી. મગફળી, પરાર, જુવાર, ગોવાત્રી, મગખોળ, ઠાલિયા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશથી મગાવી રખાય છે.
એક વાર અહીં પશુ જમા થયા પછી સંસ્થા જ પશુની માલિક બને છે. એવું નથી કે તમારું પશુ જ તમને મળે. ઉપલબ્ધિ હોય તો કોઈ પણ સારી ગાય દોહવા-પીવા લઈ જાઓ, પણ સુખી રાખવાની શરતે. માંદા, તરછોડાયેલા, દૃષ્ટિહીન ગૌવંશની સારવાર પણ અહીં કરાય છે. લક્ષ્મી નામની એક ન દેખતી ગાય અહીં ૧૧ વર્ષથી રહે છે. પ્રત્યેક ગાયનું અલાયદું નામ છે. રજિસ્ટર છે, ઓળખ છે.
એવું નથી કે કચ્છમાં આખલાઓનો ઉપદ્રવ વધ્યો છે તો તેમના પ્રત્યે જીવદયા નથી. કચ્છમાં ભારતભરની પ્રથમ એવી નંદીશાળા પણ કચ્છનો એક નવતર આયામ છે. આદિપુરમાં ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વિદાય સમારંભમાં ભાગ લઈ બાઇક પર અંજાર પરત ફરી રહેલા આશાસ્પદ વિદ્યાર્થીને આખલાએ અડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેનું મૃત્યુ થયું. ભુજમાં પણ બે આખલાઓ વચ્ચે શેરીયુદ્ધ થતાં અડફેટે આવી ગયેલા નિર્દોષ વૃદ્ધનું મૃત્યુ થયું.
કચ્છમાં જ નહીં, ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં રખડતાં ઢોરોની સમસ્યા એટલી હદે વકરી છે કે સ્થાનિક નગરપાલિકા પાસે એનો કોઈ ઉકેલ રહ્યો નથી. હા, હવે ગુજરાતભરની પહેલી (સંભવત: ભારતની પ્રથમ) એવી નંદીશાળા કચ્છના અંજાર શહેર નજીક શરૂ થઈ છે.
ગુજરાતનાં અન્ય શહેરોની જેમ કચ્છનાં ગામોમાં પણ હવે ગોચર જમીનોની અછતને કારણે ગૌવંશને તેમના માલિકો માત્ર દોહવા પૂરતાં ઘરે લાવી આખો દિવસ છૂટાં મૂકી દે છે. ખેતી વગેરેમાં બળદોની હવે જરૂરિયાત ન રહેવાથી આખલાઓ તો માલિકીવિહોણા બેફામ રખડતા જોવા મળે છે. શેરીઓમાં ઝઘડતા આખલાઓને કારણે અડફેટમાં આવી જતાં વૃદ્ધો અને બાળકોને ઈજાઓ થવાના કે ક્યારેક જાન ગુમાવવાના અનેક બનાવ બનતા હોય છે.
લોકવિરોધ ચરમસીમાએ પહોંચે ત્યારે સ્થાનિક નગરપાલિકાઓ ગાયોને વાડામાં પૂરી એને છોડાવવા માલિકો પાસેથી દંડ વસૂલે છે, પણ આખલાઓનું શું? નકામા બની ગયેલાં વાછરડાંઓ અને આખલાઓને મફતમાં ખવડાવવાનું આમ જનતા કે તંત્રને પોષાય નહીં એ સ્વાભાવિક છે, એથી આવા ગૌવંશને કતલખાને લઈ જવાતા અનેક વાર ગૌભકતો ઝડપી પાડતા હોય છે. નિરુપદ્રવી અને નકામા બની ગયેલા આખલાઓ-નંદીઓ પ્રત્યે જીવદયા જાગી શકે? કચ્છમાં અંજાર નજીક વીડી ગામ પાસે ગુજરાતની પ્રથમ એવી નંદીશાળા શરૂ થઈ છે. જીવદયાની આવી પ્રવૃત્તિ સંભવત: ભારતભરમાં પણ પ્રથમ હોઈ શકે.
પ્રથમ નંદીશાળા શરૂ કરવાનું શ્રેય જેમને જાય છે તેવા અંજારના સચ્ચિદાનંદ આશ્રમના મહંત ત્રિકમદાસજી મહારાજ કહે છે કે ‘ગૌશાળા અને પાંજરાપોળો તો અનેક જગ્યાએ જોવા મળશે, પણ જે પશુ કોઈ કામનાં નથી, છતાં જીવે તો એ પણ છે, તેમના પ્રત્યે જીવદયા દાખવવાની ભાવના પણ જરૂરી છે. વળી, રખડતાં ઢોરો એ સાર્વત્રિક સમસ્યા છે. એમાં સૌથી વધુ ઉપદ્રવ આખલાઓનો છે. પાંજરાપોળો માટે પણ જરૂરિયાત સિવાયના આખલાઓનો કાયમી નિભાવ શક્ય નથી, ત્યારે અમે વિચાર કર્યો કે નંદીશાળા એ સૌથી મોટી સામાજિક સેવા બની શકે. બસ, પછી સંવેદના ગૌસેવા ટ્રસ્ટની રચના કરી અમે આ કાર્યનો પ્રારંભ કરી દીધો.’
ગુજરાતની પ્રથમ આ નંદીશાળામાં માત્ર ત્રણ મહિનામાં ૪૦૦ નંદી આવી ગયા હતા. આટલા નંદીઓના નિભાવ માટે અનુદાન મળે ખરું? ખર્ચનું શું? ટ્રસ્ટના દરેક સદસ્યો જાતે જ દર મહિને યથાયોગ્ય રકમ ટ્રસ્ટમાં જમા કરાવે છે અને ચૅરિટી બિગિન્સ ઍટ હોમને જોયા પછી અનુદાનનો ધોધ વરસવો શરૂ થયો છે. ૪૦૦ નંદીઓ માટે દસ લાખ રૂપિયાનું ઘાસ એકત્ર કરી રખાયું છે. તેમને રાખવા માટે ૧૭ લાખના ખર્ચે શેડ પણ બનાવ્યા છે.
નંદીઓ માટે ૨૪ કલાક ડૉક્ટરની સેવા, ચારો, વાડા સફાઈનું કામ નિયમિત થાય છે. રખડતા લવાયેલા નંદીઓના પેટમાંથી પહેલાં તો પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક સહિતનો કચરો કઢાય છે. હિંગવાળી બુંદી, કોપરાખોળ જેવો પૌષ્ટિક આહાર તેમને આપી તેમનું સ્વાસ્થ્ય સુધારણાનું કામ થઈ રહ્યું છે. નંદી એટલે તો ભગવાન શિવનું વાહન. ધાર્મિક રીતે પણ આવા જીવને સાચવવાનું કામ સાચી સેવા જ છે. અહીં નંદીનું વિશાળ મંદિર ઊભું કરવાની પણ સંસ્થાની નેમ છે.

રખડતાં ઢોરો એ સાર્વત્રિક સમસ્યા છે. એમાં સૌથી વધુ ઉપદ્રવ આખલાઓનો છે. પાંજરાપોળો માટે પણ જરૂરિયાત સિવાયના આખલાઓનો કાયમી નિભાવ શક્ય નથી, ત્યારે અમે વિચાર કર્યો કે નંદીશાળા એ સૌથી મોટી સામાજિક સેવા બની શકે.
- ત્રિકમદાસજી મહારાજ, અંજારના સચ્ચિદાનંદ આશ્રમના મહંત

૩પ,૦૦૦ મણ સૂકા ચારાનો ગંજસંગ્રહ, દૈનિક રપ૦ મણ લીલા ચારાની કાયમી વ્યવસ્થા વચ્ચે ‘નિર્ભય’ અહીંનું ગૌવંશ લહેર કરે છે. ૪૦ કે ૪૪ ડિગ્રી ચડેલો તાપમાનનો પારો વૃક્ષો, પાણી છંટકાવ, ઊંચાઈમાં આવેલા સ્થળને કારણે ટકી શકતો નથી.
- ધનજીભાઈ વરસાણી, હરિકૃષ્ણ નિરાધાર ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ

gujarat kutch columnists sunil mankad