સલમાન, જેસિકા લાલ, ગુરમીત ચઢ્ઢા

26 January, 2022 11:57 AM IST  |  Mumbai | Rashmin Shah

હા, આ બધા કેસ તમને યાદ આવે જો તમે વિકાસ સ્વરૂપની ‘સિક્સ સસ્પેક્ટ્સ’ વાંચો તો. રિયલ સ્ટોરીને બેઝ બનાવીને તૈયાર કરવામાં આવેલી આ નૉવેલની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં હજારથી પણ વધારે ટર્ન્સ-ટ્વિસ્ટ છે

સલમાન, જેસિકા લાલ, ગુરમીત ચઢ્ઢા

‘સ્લમડૉગ મિલ્યનેર’ યાદ છેને, એ ફિલ્મે દુનિયાભરમાં દેકારો મચાવી દીધો હતો અને એ. આર. રહમાનથી માંડીને ગુલઝાર સહિતના આપણા અનેક લેજન્ડ સર્જકો થકી ઑસ્કરના મંચને એક નવો જ ચળકાટ આપી દીધો હતો. ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’ જે મની નૉવેલ પર આધારિત હતી એ ‘Q & A’ વિક્રમ સ્વરૂપની નૉવેલ ‘સિક્સ સસ્પેક્ટ્સ’ જ્યારથી પ્રસિદ્ધ થઈ છે ત્યારથી ચર્ચામાં રહી છે. સૌથી પહેલાં તો આ નૉવેલ સાથે એ વિવાદ જોડાયો કે એ જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત છે તો એ પછી એવી વાતો થવા માંડી કે એ સલમાન ખાન પર આધારિત છે. એ પછી એવું પણ કહેવાયું કે એ નૉર્થના અબજોપતિ બિઝનેસ ટાઇકૂન બી. કે. ચઢ્ઢાના દીકરા ગુરમીત ચઢ્ઢા પર આધારિત છે અને દરેક આક્ષેપ સાથે વિક્રમ સ્વરૂપે સ્પષ્ટતા પણ કરી કે એવું નથી અને એમ છતાં કહેવું પડે કે નૉવેલ વાંચતી વખતે તમને સલમાન, જેસિકા અને ગુરમીત ચઢ્ઢા યાદ આવ્યા વિના રહેતાં નથી. વિકાસ સ્વરૂપ કહે છે, ‘અફકોર્સ, યાદ આવવાં જ જોઈએ, કારણ કે એ ઘટનાઓને લીધે જ મને ‘સિક્સ સસ્પેક્ટ્સ’નો આઇડિયા આવ્યો છે પણ આ જે રિયલ કૅરૅક્ટર સાથે જોડાયેલા ઇન્સિડન્ટ્સ છે એ નૉવેલના પહેલા દસ પેજમાં પૂરા થઈ જાય છે અને નૉવેલ તો બીજા ચારસો પેજની છે.’
વિકાસ સ્વરૂપની વાત જરા પણ ખોટી નથી. ‘સિક્સ સસ્પેક્ટ્સ’ની મૂળ કથા આ ઘટનાઓથી ક્યાંય જોજનો દૂર છે અને એ ઘટનાઓના જે તાણાવાણા છે એને ઘડવામાં વિકાસ સ્વરૂપનો પોતાનો અનુભવ પણ પુષ્કળ કામ લાગ્યો છે. હા, તેમનો અનુભવ, કારણ કે વિકાસ સ્વરૂપ માત્ર રાઇટર નથી; તે આઇએએસ ઑફિસર છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં જૉઇન્ટ સેક્રેટરી હતા તો સાઉથ આફ્રિકામાં ઑલરેડી ઇન્ડિયન ઍમ્બૅસૅડરના પદે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત બ્રિટન, અમેરિકા, ટર્કી જેવા દેશોમાં પણ તેમને ઇન્ડિયન એમ્બેસીમાં ડ્યુટી કરી છે.
ઘટનાઓના મૂળમાં | વિકાસ સ્વરૂપને હંમેશાં સત્યઘટનાઓનું અટ્રૅક્શન રહ્યું છે. ‘Q & A’માં તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ને બેઝ બનાવ્યો હતો અને પંદર સવાલો સાથે જોડાયેલી રિયલ પંદર ઘટનાઓને જોડી હતી. ‘Q & A’ સ્વરૂપની પહેલી નૉવેલ હતી જે માત્ર બે જ મહિનામાં તેમણે લખી હતી. આ નૉવેલ દુનિયાની ૩૬ લૅન્ગ્વેજમાં ટ્રાન્સલેટ થઈ તો બીબીસીએ આ નૉવેલ પરથી રેડિયો ડ્રામા પણ તૈયાર કર્યું હતું. ‘Q & A’ પછી વિકાસ સ્વરૂપે જે નવલકથા લખી એ હતી ‘સિક્સ સસ્પેક્ટ્સ’. આ નવલકથા માટે પણ તેમણે પુષ્કળ લેગવર્ક કર્યું અને રાજસ્થાન, ગુજરાત તથા ઉત્તર પ્રદેશમાં સાતેક મહિના જેટલું રહી સાત હજાર કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું.
‘સિક્સ સસ્પેક્ટ્સ’ની તૈયારી માટે વિકાસ સ્વરૂપ સીબીઆઇના રિટાયર્ડ ઑફિસરોને પણ મળ્યા હતા તો યુપી પોલીસની પણ તેમણે હેલ્પ લીધી હતી. નૉવેલ લખાયા પછી વિકાસ સ્વરૂપે એક ઇન્ટરવ્યુમાં મજાકમાં કહ્યું હતું કે હવે મને જો સીબીઆઇમાં ટ્રાન્સફર કરવામાં આવે તો કદાચ એ ડિપાર્ટમેન્ટના ઑફિસર જેટલી જ ત્વરા સાથે હું કામ કરી શકું એમ છું.
ત્રણ નૉવેલ, ત્રણ પ્રોડક્શન| ‘Q & A’ પહેલી નૉવેલ, જેના પર ‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મ બની તો ‘સિક્સ સસ્પેક્ટ્સ’ પરથી પ્રકાશ ઝા ફિલ્મ બનાવવા માગતા હતા પણ એ વાતચીત કોઈ કારણોસર અટકી અને નૉવેલના રાઇટ્સ અજય દેવગને લીધા. અજય દેવગનની ઇચ્છા પહેલેથી જ વેબ-સિરીઝ બનાવવાની હતી અને બનાવી પણ ખરી, જે આવતા વીકે રિલીઝ થવાની છે. વાત કરીએ વિકાસ સ્વરૂપની ત્રીજી નૉવેલ ‘ધી ઍક્સિડેન્ટ્લ એપ્રેન્ટિસ’ની. આ નૉવેલના રાઇટ્સ જાણીતા ફિલ્મ ડિરેક્ટર શ્રીરામ રાઘવને લીધા છે, જેની સ્ક્રિપ્ટ પર અત્યારે કામ ચાલે છે.

આ ઉપરાંત વિકાસ સ્વરૂપ અત્યારે સ્વતંત્ર રીતે એક વેબ-સિરીઝ પર કામ કરે છે, જેના પરથી બીબીસી પ્રોજેક્ટ તૈયાર કરશે. વિકાસ સ્વરૂપની એ વેબ-સિરીઝમાં અજય દેવગન લીડ કૅરૅક્ટર કરે એવા ચાન્સિસ છે.

સ્ટોરી શૉર્ટકટ

‘સિક્સ સસ્પેક્ટ્સ’ વિવેક રાય એટલે કે વિકીના મર્ડરરને શોધવાની આખી જર્ની કહે છે. વિકી યુપીના હોમ મિનિસ્ટરનો દીકરો છે અને મોટા બાપનો બગડેલો ચિરંજીવ છે. તેને ના સાંભળવાની આદત નથી 
અને લાઇફમાં ના સાંભળવી પડે એવું ક્યારેય તેના પપ્પાએ શીખવ્યું પણ નથી. નૉવેલમાં એવા અનેક કિસ્સાઓ છે જે વાંચતી વખતે વિકીની મથરાવટી કેવી છે એ સ્પષ્ટ થતું જાય છે. ત્રીસ વર્ષના વિકીની બર્થ-ડે પાર્ટી છે અને એ પાર્ટીમાં ધુરંધરો આવ્યા છે. પાર્ટીમાં એક જ સેકન્ડ પૂરતી લાઇટ જાય છે અને એ એક સેકન્ડ દરમ્યાન ફાયરિંગનો અવાજ આવે છે.
લાઇટ આવે છે, તપાસ થાય છે અને ખબર પડે છે કે વિકીનું મર્ડર થઈ ગયું છે. પોલીસને આ મર્ડર માટે છ શંકાસ્પદ મળે છે, 
જે છ પાર્ટી દરમ્યાન ગન સાથે હતા. આ છ લોકોમાં એક પૉલિટિશ્યન છે તો એક અમેરિકન ટૂરિસ્ટ છે, એક બૉલીવુડની હિરોઇન સપ્લાય કરતો લોહીનો વેપાર કરનારો છે તો એક નક્સલવાદ સાથે જોડાયેલી વ્યક્તિ પણ છે અને એક એવો સામાન્ય ચોર છે જે મહામુશ્કેલીએ પાર્ટીમાં ઘૂસ્યો છે, એની લાલસા લોકોના મોબાઇલ ચોરવાની છે. 
આ છએ છ વ્યક્તિઓ પાસે મર્ડરનું કારણ છે અને હોમ મિનિસ્ટર ફાધર ઑર્ડર કરે છે કે આ ઇન્ક્વાયરી સીબીઆઇ કરશે. હવે સીબીઆઇના બે ઑફિસર કેસની તપાસ હાથમાં લે છે પણ એ તપાસમાં પણ બન્ને ઑફિસર અલગ-અલગ દિશામાં ચાલે છે, કારણ કે એકની તપાસમાં પ્રામાણિકતા છે તો એક કોઈના ઇશારે તપાસ કરે છે.

columnists Rashmin Shah