સલીમ-જાવેદ એક સુપરસ્ટારથી ભેગા થયા, બીજા સુપરસ્ટારથી છૂટા પડ્યા

18 January, 2020 03:12 PM IST  |  Mumbai | Raj Goswami

સલીમ-જાવેદ એક સુપરસ્ટારથી ભેગા થયા, બીજા સુપરસ્ટારથી છૂટા પડ્યા

સલીમ-જાવેદ

એ બન્ને ખરેખર અદ્વિતીય હતા. તેમના છૂટા પડ્યા પછી મારામાં એ ઇન્ટેન્સિટી ફરી ક્યારેય ન આવી, એ પાવર જતો રહ્યો : અમિતાભ બચ્ચન

અગાઉ આ કૉલમમાં ‘હાથી મેરે સાથી’ ફિલ્મની દિલચસ્પ કહાની લખી હતી ત્યારે અછડતી જાણકારી આપી હતી કે લેખક જોડી તરીકે સલીમ ખાન અને જાવેદ અખ્તરનું નામ આ ફિલ્મથી પડદા પર આવ્યું હતું. આ ફિલ્મના હીરો રાજેશ ખન્નાએ ‘જો સારી પટકથા લખી આપો તો પડદા પર ક્રેડિટ અપાવીશ’ એવી ખાતરી આપી હતી. સાથે ૧૦,૦૦૦ રૂપિયા પણ અપાવ્યા હતા. બન્ને ત્યારે સિપ્પી ફિલ્મ્સના લેખન વિભાગમાં ૭૫૦ રૂપિયામાં કામ કરતા હતા. રાજેશ ખન્ના માટે લખેલી પટકથાથી સલીમ-જાવેદ ભેગા થયા અને બીજા એક સુપરસ્ટાર, અમિતાભ બચ્ચન માટેની પટકથાથી એ છૂટા પડ્યા. એ બન્ને વચ્ચેના કાળમાં હિન્દી ફિલ્મ ઇતિહાસના સૌથી સફળ પટકથા લેખકોની એક એવી કહાની છે જે ખુદ એક સ્વતંત્ર ફિલ્મનો વિષય બની શકે એમ છે. જરૂરિયાતે બન્નેને ભેગા કર્યા હતા અને સફળતાએ જુદા પાડ્યા.

સલીમ અબ્દુલ રશીદ ખાન ઍક્ટર બનવા માટે ઇન્દોરથી મુંબઈ આવેલા. નવ વર્ષની ઉંમરે માતા અને ૧૪ વર્ષની ઉંમરે પિતા (જે ઇન્દોરના ડીઆઇજી હતા)નું અવસાન થયું હતું. તેમના મોટાભાઈએ તેમને ભણાવ્યા અને ખૂબસૂરત ગોળ અને ગોરો ચહેરો હતો એટલે ફિલ્મોમાં કામ કરવા ઉકસાવ્યા. સલીમે ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬), ‘સરહદી લુટેરા’ (૧૯૬૬) અને ‘દીવાના’ (૧૯૬૭) જેવી ફિલ્મોમાં કામ પણ કરેલું. ૨૫ ફિલ્મો કરી, પણ એમાં ઝાઝું ઉકાળી ન શક્યા. ઇન્દોર પાછું જવાય તેમ નહોતું એટલે પ્રિન્સ સલીમના નામથી ફિલ્મો માટે વાર્તા લખવાનું શરૂ કર્યું અને એમાં જ ગુરુ દત્તના દોસ્ત અને લેખક-નિર્દેશક અબ્રાર અલ્વીના સહાયક તરીકે કામ ચાલુ કર્યું.

જાવેદ અખ્તર ગ્વાલિયરમાં શાયરોના પરિવારમાં પેદા થયેલા. પિતા જાંનિસાર અખ્તર ઉર્દૂમાં મોટા ગજાના શાયર અને ફિલ્મોમાં ગીતકાર. માતા સફિયા અખ્તર ગાયિકા અને લેખિકા હતાં. જાવેદના દાદા મુઝ્તર ખૈરાબાદી શાયર. દાદાના મોટાભાઈ બિસ્મિલ ખૈરાબાદી પણ શાયર. જાવેદના પરદાદા ફઝલ-એ-હક ખૈરાબાદી ઇસ્લામિક શાસ્ત્રોના વિદ્વાન હતા. જાંનિસાર અખ્તરે એક શેર લખેલો : લમ્હા લમ્હા કિસી જાદુ કા ફસાના હોગા. એના પરથી જાવેદનું નામ ‘જાદુ’ રાખવામાં આવ્યું હતું. તેમના પર પાકિસ્તાની લેખક ઇબ્ન-એ-સફીની ઇમરાન સિરીઝ અને જાસૂસી દુનિયા સિરીઝનો બહુ પ્રભાવ પડેલો.

૧૯ વર્ષની ઉંમરે ૪ ઑક્ટોબર, ૧૯૬૪ના તે લેખક બનવા મુંબઈ આવેલા. ૧૦૦ રૂપિયામાં તે મામૂલી ફિલ્મોમાં સંવાદ લખતા હતા. ૧૯૬૯માં ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરની ફિલ્મમાં દેવેન વર્માની સાથે સંવાદ લખવા મળેલા, પણ ફિલ્મ ફ્લૉપ ગઈ. સલીમ ખાને જે છેલ્લી ફિલ્મ કરી, સરહદી લુટેરે, એના પ્રોડક્શન વખતે બન્ને એકબીજાને પહેલી વાર મળ્યા. જાવેદને એમાં ક્લૅપર બૉય તરીકે કામ મળેલું અને એમાં નિર્દેશક એસ. એમ. સાગરને કોઈ સંવાદલેખક ન મળ્યો તો જાવેદને લખવા બેસાડી દીધો.

જાવેદ ત્યારે ગીતકાર-શાયર કૈફી આઝમીના સહાયક પણ હતા. સલીમ જેના માટે કામ કરતા હતા તે અબ્રાર અલ્વી અને કૈફી પાડોશી એટલે સલીમ અને જાવેદની ભાઈબંધી થઈ. બન્ને નામ અને દામ માટે પરસેવો પાડતા હતા અને ૧૯૭૧માં તેમણે ટીમ બનાવી. સલીમને વાર્તાલેખનમાં સારી ફાવટ હતી અને જાવેદને સંવાદો અને ઘટનાઓ ઊભી કરવાની આવડત હતી. એમાં અશોકકુમારે નિર્માતા તરીકે બનાવેલી ‘અધિકાર’ (૧૯૭૧) અને નિર્માતા જી. પી. સિપ્પી અને નિર્દેશક રમેશ સિપ્પીની પહેલી જ ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૭૧) બન્નેએ લખી.

‘અંદાઝ’ શમ્મી કપૂર-હેમા માલિનીની ફિલ્મ હતી. શમ્મીનો સિતારો ત્યારે અસ્તાચળમાં જઈ રહ્યો હતો એટલે સિપ્પીએ ૧૦ મિનિટ માટે રાજેશ ખન્નાને ફ્લૅશબૅક રોલ આપ્યો (જે હેમાના બાળકનો પિતા બને છે). અને કેવી કમાલ થઈ! કાકાનું ‘ઝિંદગી એક સફર હૈ સુહાના...’ ગીત તમામ સીટીઓ અને તાળીઓ લઈ ગયું. કાકા એમાં કિશોરકુમારના આ થનગનતા યોડલિંગ ગીત, બ્લૅક ગૉગલ્સ, લાલ કલરની કોટી અને રાજદૂત મોટરસાઇકલ માટે જ આવેલો. એ જમાનામાં પૂરા ભારતમાં આ ગીત જબરદસ્ત વાગતું હતું. આખી ફિલ્મ ઊંચકાઈ ગઈ. કાકા એ પછીની ‘હાથી મેરે સાથી’માં સલીમ-જાવેદને લઈ આવ્યો.

૧૯૭૧થી ૧૯૮૪ સુધી સલીમ-જાવેદનો ડંકો વાગતો રહ્યો. કુલ ૨૨ ફિલ્મો કરી. ૧૦ વખત ફિલ્મફેર નૉમિનેશનમાંથી ૬ અવૉર્ડ મળ્યા. સિનેમાના મહારથીઓ નાસિર હુસેન (યાદોં કી બારાત), પ્રકાશ મહેરા (ઝંઝીર, હાથ કી સફાઈ), રવિ ટંડન (મજબુર), યશ ચોપડા (દીવાર, ત્રિશૂલ, કાલા પથ્થર), યશ જોહર (દોસ્તાના), રમેશ સિપ્પી (સીતા ઔર ગીતા, શોલે), રમેશ તલવાર (જમાના), શેખર કપૂર (મિ. ઇન્ડિયા) અને ચંદ્ર બારોટ (ડૉન) સાથે કામ કર્યું.

સલીમ-જાવેદ આવ્યા એ પહેલાં પટકથા, વાર્તા અને સંવાદ માટે એક જ લેખકની પરંપરા નહોતી. બીજું એ કે તેમને સરખા પૈસા પણ મળતા નહોતા કે ન તો સરખી ક્રેડિટ. આ બધું બદલાઈ ગયું. સલીમ-જાવેદે પટકથાલેખકોને નામ અને દામ અપાવ્યાં. તેઓ રિક્ષાઓ ભાડે કરતા અને ખુદના ખર્ચે ફિલ્મમાં પોસ્ટરોમાં પોતાનું નામ લખતા. સલીમ-જાવેદની સૌથી મોટી ઉપલબ્ધિ ‘વિજય’ છે. અમિતાભને ઍન્ગ્રી યંગ મૅન બનાવીને ટોચ પર લઈ જવામાં સલીમ-જાવેદના આ કિરદારની મોટી ભૂમિકા છે જે કંઈક અંશે તેમના ખુદના સંઘર્ષ, અન્યાય અને અપમાનની લાગણીનું પરિણામ હતો.

અમિતાભ માટે જ લખાયેલી એક પટકથાથી સફળતાની એ યાત્રા ટૂંકાવાઈ ગઈ. સલીમ ખાન સાથે લાંબી મુલાકાત બાદ ‘યહી રંગ, યહી રૂપ’ નામનું પુસ્તક લખનારાં મરાઠી પત્રકાર અનીતા પાધ્યે કહે છે કે સલીમ-જાવેદે ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭)ની પટકથા અમિતાભ માટે લખી હતી. અમિતાભે અદૃશ્ય હીરોની ભૂમિકા કરવાની ના પાડી. સલીમ-જાવેદનું કહેવું હતું કે અમિતાભનો અવાજ ‘હીરો’ સાબિત થશે. અમિતાભનું કહેવું હતું કે લોકો મને જોવા આવે છે. બન્નેને ‘અપમાન’ લાગ્યું. જાવેદને લાગ્યું કે બન્નેએ અમિતાભ માટે હવે કામ જ ન કરવું. સલીમ ખાન સહમત નહોતા. કહે છે કે હોળીની એક પાર્ટીમાં જાવેદે અમિતાભને કહ્યું કે સલીમ ઇચ્છે છે કે અમિતાભ માટે કામ ન કરીએ. સલીમને આ આરોપની ખબર પડી અને બહુ બોલાચાલી થઈ. અંતનો આ આરંભ હતો.

દરમિયાનમાં જાવેદ ખાનને ગીતો લખવાં હતાં અને અમિતાભની જ ફિલ્મ ‘સિલસિલા’ માટે યશ ચોપડાએ ઑફર કરી હતી. જાવેદે સલીમને કહ્યું કે જૉઇન્ટ નામે લખીએ. સલીમને આ મંજૂર નહોતું. મારું જેમાં યોગદાન ન હોય એનો યશ કેવી રીતે લઉં? બ્રેકઅપનો વિચાર જાવેદનો હતો. સલીમ કહે છે, ‘એક આખો દિવસ હું જાવેદના ઘરે હતો. કામ પત્યું અને હું જવાની તૈયારીમાં હતો અને જાવેદે કહ્યું કે મને લાગે છે કે આપણે સ્વતંત્ર કામ કરવું જોઈએ. મને સમજ પડતાં વાર લાગી અને કહ્યું, તેં વિચારીને જ આ કહ્યું હશે અને હું કંઈ પણ કહું તું હવે વિચાર બદલીશ પણ નહીં એવું કહીને હું કાર તરફ ચાલવા લાગ્યો. રોજની ટેવ મુજબ જાવેદ પાછળ આવ્યો અને મેં પાછળ વળીને કહ્યું, હું મારી દરકાર લઈ શકું તેટલો મોટો છું.’

 બ્રેકઅપ થયાની ચોક્કસ ઘડી આ હતી. ૧૯૮૭ની એ સાલ હતી. આમાં ઉંમરની પણ ભૂમિકા હતી. સલીમ ખાન જાવેદ કરતાં દસ વર્ષ મોટા હતા. જાવેદનાં લગ્ન થયાં ત્યારે સલીમ ખાનને એક બાળક આવી ગયું હતું. બન્નેનું મિત્રવર્તુળ અલગ હતું. એમાં એકબીજાના કાનમાં એવું સંભળાતું રહેતું કે ‘તારામાં ખરી પ્રતિભા છે અને પેલો તો ખાલી મફતનું ખાય છે.’ બ્રેકઅપ પછી સલીમ ખાનને પત્ની હેલનના પિતાની સારવારમાં લંડન જવું પડ્યું હતું અને જાવેદ અખ્તરે તો બધાને કહી રાખ્યું હતું એટલે ફિલ્મોની, ગીતોની ઑફરો આવવા લાગી. બે વર્ષમાં તો તેમની પાસે રમેશ સિપ્પી, રાહુલ રવૈલ, યશ ચોપડા અને સુભાષ ઘાઈની ફિલ્મો હતી.

બ્રેકઅપમાં સૌથી વધુ અસર સલીમ ખાનને થઈ હતી અને અત્યાર સુધી આ બ્રેકઅપ વિશે સલીમે જ સૌથી વધુ વાતો કરી છે. તે કહે છે, ‘હું (લંડનથી) પાછો આવ્યો ત્યારે ટેલિફોને મને યાદ અપાવ્યું કે લોકો કેવી આસાનીથી તમને ભૂલી જાય છે. એક સમય હતો જ્યારે હું મારું ડ્રિન્ક બનાવું ત્યારે ફોનને હૂકમાંથી નીચે મૂકી દેતો હતો. અને હવે એવો સમય હતો કે હું વારંવાર એ ચેક કરતો હતો કે ફોન બરાબર ચાલે છે કે નહીં.’

વર્ષો પછી ૨૦૧૪માં રાજીવ મસંદ નામના એક પત્રકારે બન્નેને ભેગા કર્યા ત્યારે સલીમે કહ્યું હતું, ‘દેખિએ કહીં ના કહી યે હોના હી થા. દરેક પૅકેટની એક્સપાયરી ડેટ હોય છે, પણ અમારી પાર્ટનરશિપ જરા વહેલી તૂટી. પાછળ જોઉં છું તો લાગે છે કે હું એને બચાવી શક્યો હોત. ૨૫ વર્ષ પહેલાં, ૧૯૮૭માં ઇતની મૅચ્યોરિટી નહીં થી. અલગ હો ગએ, પર કોઈ ઐસી દુશ્મની નહીં થી. કિસીને કિસી કો બ્લેમ નહીં કિયા, કોઈ ગાલી નહીં દી, પ્રેસ મેં કુછ નહીં કહા. અને એટલે જ આ (ઇન્ટરવ્યુની) તક આવી તો સાથે આવ્યા.’

બન્નેનું બ્રેકઅપ ન થયું હોત તો? એ વખતે પ્રેસમાં એવા તુક્કા લડાવવામાં આવતા હતા કે સલીમ-જાવેદ હવે સાથે નથી તો ‘વિજય’ અમિતાભ બચ્ચનનું શું થશે? ‘રિટન બાય સલીમ-જાવેદ’ નામના પુસ્તકમાં પત્રકાર દીપ્તાકીર્તિ ચૌધરી લખે છે કે અમિતાભ તેમની કારકિર્દીમાં આ બ્રેકઅપના કારણે આવેલા ખાલીપાનો ઈમાનદારીથી એકરાર કરે છે. તે કહે છે, ‘શરમની વાત છે કે એ છૂટા પડી ગયા. એ બન્ને ખરેખર અદ્વિતીય હતા. મીડિયા વખતોવખત કલ્પના કરતું હતું કે સલીમ-જાવેદ વિના મારું શું થશે? ખરેખર તેમના છૂટા પડ્યા પછી મારામાં એ ઇન્ટેન્સિટી ફરી ક્યારેય ન આવી, એ પાવર જતો રહ્યો.’

જાવેદ અખ્તરે હંમેશાં સલીમ ખાન વિશે બોલવાનું ટાળ્યું છે, પણ જેને સર્જનાત્મક સંગાથ કહે છે એવી તેમની આ પાર્ટનરશિપને તે ખૂબસૂરત રીતે સમજાવે છે, ‘બે પ્રકારના લોકોએ સાથે કામ ન કરવું જોઈએ. એક, જે એકસરખા હોય તેમણે, કારણ કે તો પછી બે જણની જરૂર જ ન પડે. અને બે, જે તદ્દન જુદા હોય, એક પણ સમાનતા ન હોય. અમારો સંગાથ કારગત નીવડ્યો એનું કારણ એ હતું કે અમારા વચ્ચે બહુ સમાનતા હતી, પણ સાથે તફાવતોય ઘણા હતા.’

સિનેમા જ નહીં, પતિ-પત્નીથી લઈને ધંધા-રોજગારના જીવનનાં તમામ ક્ષેત્રોમાં આ ‘તફાવતમાં સમાનતા’ જરૂરી હોય છે.

raj goswami columnists weekend guide