યોગથી સારો લાઇફ-પાર્ટનર નહીં મળે યાદ રાખજો

04 January, 2023 04:56 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જીવનનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હો, જીવનમાં ખરેખર કંઈક અચીવ કરવાની ઘેલછા હોય, તંદુરસ્તીને લૉન્ગ લાસ્ટિંગ બનાવવા માગતા હો, લાઇફને સમગ્રતા સાથે અનુભવવી હોય તો યોગનો કોઈ પર્યાય નથી

યોગથી સારો લાઇફ-પાર્ટનર નહીં મળે યાદ રાખજો

જીવનનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હો, જીવનમાં ખરેખર કંઈક અચીવ કરવાની ઘેલછા હોય, તંદુરસ્તીને લૉન્ગ લાસ્ટિંગ બનાવવા માગતા હો, લાઇફને સમગ્રતા સાથે અનુભવવી હોય તો યોગનો કોઈ પર્યાય નથી. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ હેલ્થમાં યોગ કઈ રીતે જીવનસાથીની જેમ પડછાયો બનીને તમારો સાથ નિભાવવાની ક્ષમતા ધરાવે છે એ માટે યોગના ચાર પાયાના ફન્ડાને જાણીએ

કૅલેન્ડર બદલાઈ ગયું છે અને હવે તમે ૨૦૨૨ને છેકીને વારે-વારે ૨૦૨૩ લખવાની આદત પાડવાનું શરૂ કરી દીધું હશે. બે-ચાર દિવસમાં ૨૦૨૩ લખવાની ટેવ પડી પણ જશે. જોકે આ વર્ષને સુધારવું અને શણગારવું હોય તો યોગ સાથે દોસ્તી કરી લો અને જુઓ પછી કેવા ચમત્કારોની હારમાળા સર્જાય છે તમારા જીવનમાં. યોગ તમને સર્વાંગી વિકાસ આપે છે એ વિશે આપણે ભૂતકાળમાં ઘણી વાર વાતો કરી છે. માનવમાત્રમાં સતત વિકસિત થવાની એક ઝંખના બાય ડિફૉલ્ટ છે. ગ્રોથ જાણે આપણા જીન્સમાં વણાયેલો શબ્દ છે. જ્યારે ફિઝિકલ ગ્રોથ અટકી જાય છે એ પછી પણ વ્યક્તિ માનસિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે સતત ગ્રો થવાના પ્રયાસો કરતો રહે છે. પરંતુ શરીર સાથ ન આપતું હોય તો? માનસિક રીતે અપાર મૂંઝવણો હોય તો? ભાવનાત્મક દૃષ્ટિએ અસંતુલિત હો તો? સામાજિક ઢાંચામાં અનફિટ હો અને સંબંધોમાં અસ્થિરતા હોય તો? યોગ તમને આ દરેક દૃષ્ટિએ સેન્સ ઑફ સ્ટેબિલિટી આપશે. નવા વર્ષની શરૂઆતનો આજે ચોથો દિવસ છે ત્યારે યોગના અભ્યાસો તમને સમગ્રતા સાથે કેવા લાભ આપી શકે અને તમારી રૂટીન પ્રૅક્ટિસમાં કઈ બાબતોને વિશેષ રીતે સ્થાન આપવું જ જોઈએ એ વિશે વાત કરીએ આજે. 

અવેરનેસ

જીવનમાં કંઈક પણ કરવું હોય તો એના માટે સર્વાધિક બાબત કોઈ હોય તો એના પ્રત્યેની આપણી જાગૃતિ. ધારો કે તમારે પાણી પીવું છે તો એના માટેની સભાનતા અને પાણી જગ્યા પરથી ઊભા થઈને કેટલાં ડગલાં ચાલીને શું કરવાથી મળશે એની પણ જાગૃતિ. સામાન્ય રીતે પાણી પીવા જેવી સામાન્ય ઘટનાઓમાં તો આપણી પાસે જાગૃતિ હોય છે, પરંતુ જીવનના મોટા ટાસ્ક અચીવ કરવા માટે આપણે મૂંઝવણોથી જ ગ્રસિત હોઈએ છીએ. ધારો કે મન કોઈ નેગેટિવ વિચારોના ચકરાવે ચડ્યું છે તો નેગેટિવ વિચારો કયા અને કઈ રીતે એને ટૅકલ કરવા એ નહીં ખબર હોય તો કેવી રીતે એમાંથી બહાર નીકળીને રચનાત્મક રીતે વિચારી શકશો? યોગ તમને તમારા નાનામાં નાના પૉઝિટિવ અથવા નેગેટિવ વિચારો પ્રત્યેની સભાનતા આપે છે. યોગ તમારામાં એ બાબતોને લઈને જાગૃતિ વધારે છે, જેને તમે નોટિસ નહીં કરવાની આદત દાયકાઓથી પાડી છે અને જે વિચારો પોતાની હયાતીનો એહસાસ આપ્યા વિના અંદરખાને તમારા મગજની બહુ જ બધી જગ્યા રોકીને બેઠા છે. યોગ તમને ભય, ઈર્ષ્યા, ક્રોધ, વેર, બદલો જેવાં ઇમોશન્સથી પણ અવગત કરાવે છે અને ધીમે- ધીમે યોગાભ્યાસની વિવિધ પદ્ધતિઓ તમને એમાંથી બહાર નીકળવા માટે પણ પ્રેરિત કરે છે. 

ફ્લેક્સિબિલિટી

સ્ટ્રેચિંગ યોગાસનનો પાયો છે એ તમને ખબર છે, પરંતુ સ્ટ્રેચિંગનો માત્ર ફિઝિકલ લાભ જ નથી. સાઇકોસોમૅટિક સ્તર પર પણ સ્ટ્રેચિંગ ખૂબ ઉપયોગી છે. અફકોર્સ સ્ટ્રેચિંગ કરવાથી બ્લડ-સર્ક્યુલેશન વધે, તમારી નસો અને સ્નાયુઓમાં ખેંચાણ આવતાં એની કાર્યક્ષમતા વધે અને ઓવરઑલ તમારા શરીરની પ્રાણ ઊર્જાના પ્રવાહમાં આવતો વિક્ષેપ પણ દૂર થવાથી તંદુરસ્તી તમારા માટે હાથવગી બને. જોકે વાત આટલે અટકતી નથી. તમારા શરીરની ડ્રેનેજ સિસ્ટમ બરાબર કામ કરે એના માટે પણ સ્ટ્રેચિંગ જરૂરી છે. શરીરમાં સ્ટક થયેલી નેગેટિવ એનર્જીને બહાર ધકેલવામાં પણ સ્ટ્રેચિંગ મદદ કરે છે તો સાથે ઘણી વાર લોકોના માઇન્ડની જડતાને હટાવવા, મેન્ટલી પણ પ્રવાહિતતાનો ગુણ ડેવલપ કરવામાં સ્ટ્રેચિંગનું અદકેરું મહત્ત્વ છે. તમારા શરીરની અને મનની જડતાને દૂર કરો તો જીવન વધુ આનંદદાયક અને જીવનનાં ધ્યેય વધુ અચીવેબલ બને કે ન બને? પ્રશ્નનો જવાબ તમે જાતે જ જાતને આપી દો અને નક્કી કરો કે આગળ તમારે યોગને જીવનમાં સ્થાન આપવું છે કે નહીં.

બૅલૅન્સ

ગૌતમ બુદ્ધે પણ જેની ચર્ચા કરી છે અને ભગવાન કૃષ્ણથી લઈને પ્રભુ મહાવીર સુધીના અનેક મહાન આત્માઓએ સંતુલનને ખૂબ મહત્ત્વ આપ્યું છે. સુખ અને દુઃખમાં સંતુલિત રહેવું, સગવડ અને અગવડ વચ્ચે માનસિક રીતે બૅલૅન્સ અકબંધ રાખવું એ યોગનાં બૅલૅન્સિંગ આસનો અને નાડીશુદ્ધિ જેવા પ્રાણાયામના અભ્યાસથી સરળતાથી કરવું શક્ય છે. ક્યારેય નોટિસ કર્યું છે કે યોગમાં તમે બૅલૅન્સ કઈ રીતે કરો છો? ધારો કે તમે સૌથી સિમ્પલ બૅલૅન્સિંગ આસન એવું વૃક્ષાસન કરવાનું શરૂ કર્યું. તમારે એક પગ પર ઊભા રહેવાનું છે. આ કઈ રીતે થશે? કેટલા ફૅક્ટર ભેગા થશે ત્યારે તમે એક વૃક્ષાસન જેવું જોવામાં સાવ સરળ દેખાય એવું આસન કરી શકશો? સૌથી પહેલાં તો તમારે એક પગ પર સંતુલન લાવવા માટે ધ્યાનને એક દિશામાં ચોંટાડવું પડશે. સાથે જે પગ પર આખા શરીરનું વજન હશે એ પગની મજબૂતી, એની સ્ટ્રેંગ્થ પણ સ્ટ્રૉન્ગ બનાવવી પડશે અને સાથે જ તમારે શ્વાસની ગતિને પણ એવી રીતે લયબદ્ધ રાખવી પડશે કે તમારું સંતુલન અકબંધ રહે. જે પગ જમીન પર નથી એને પણ એ રીતે ગુરુત્વાકર્ષણના કેન્દ્ર સાથે મૅચ કરવો પડશે કે તમે ડગમગાઓ નહીં. એ સીધુંસાદું આસન પણ કરો જ્યારે સાચી રીતે તો યોગ તમને કેટલા આસ્પેક્ટ પર એકસાથે કામ કરાવડાવે છે. મલ્ટિટાસ્કિંગ શીખી જવું એ તો યોગાભ્યાસ સાથે મળતી ઘણીબધી બાય પ્રોડક્ટ છે એમાંનું એક છે. 

સ્થિરતા

યોગાભ્યાસનું આ બહુ જ મહત્ત્વનું પાસું છે જે આજકાલ મોટા ભાગના યોગશિક્ષકો પણ ભૂલી ગયા છે, સ્ટીલનેસ. આખા જીવનનો સાર તમને આ સ્થિરતાના અભ્યાસમાંથી મળશે. એ સિવાય કોઈ આરો પણ નથી. તમે જે કંઈ કરો છો એમાં જો તમારી સ્થિરતા અકબંધ નથી તો તમે ઊંડાણ નહીં પામી શકો. ઊંડાણ વિનાનું જીવન જ ન હોય. યોગ તમને એ ઊંડાણ આપે છે અને સાથે જ એ ઊંડાણને નિષ્પક્ષ થઈને જોવાની દૃષ્ટિ પણ આપે છે. તમે એક આસનમાં તકલીફો વચ્ચે પણ સ્થિર થઈ ગયા થોડીક વાર માટે તો એનો સાઇકોલૉજિકલ લાભ શું થશે એનો અંદાજ છે? તમે તકલીફોમાં પણ સંતુલન જાળવી લીધું અને સ્થિરતાપૂર્વક ઘટનાને એના મૂળ સ્વરૂપે જોઈ શક્યા. તમારા માનસિક રોગો, મૂડ સ્વિંગ્સ એ બધું જ તમારી મેન્ટલ અસ્થિરતાનું પરિણામ છે પણ જો તમે સ્થિર રહેતા શીખી ગયા તો દુનિયામાં એકેય ઘટના, એકેય વ્યક્તિ કે એકેય અવસ્થા એવી છે જે તમને દુખી કરી શકે? સ્થિરતાનો અભ્યાસ તમે યોગ કરતા હો કે ન કરતા હો 
પણ સહુએ શીખવો જ જોઈએ. અત્યારના સમયની આ સૌથી મોટી જરૂરિયાત છે. 

રોગમુક્તિ

માનસિક બીમારીથી લઈને હાર્ટ પ્રૉબ્લેમ, ડાયાબિટીઝ અને કૅન્સર જેવી ગંભીર બીમારીમાં પણ યોગાભ્યાસથી લાભ થયાની વાત એક-બે નહીં પણ ડઝનબંધ વૈજ્ઞાનિક અભ્યાસોમાં સાબિત થઈ છે. છેલ્લા અગિયાર અભ્યસ પરથી જૉન હોપકિન્સ યુનિવર્સિટીએ આર્થ્રાઇટિસના દરદીઓને યોગથી લાભ થયાનું સાબિત કર્યું છે.

માત્ર આટલું તો રોજ કરી જ શકાય

 સવારે દસ મિનિટ માત્ર પાંચ આસનો - બધાં જ બે-બે વાર, એક-એક મિનિટ માટે. 

 ૧-તાડાસન, ૨-અર્ધકટીચક્રાસન, ૩-વૃક્ષાસન, ૪-પશ્ચિમોત્તાનાસન, ૫-વક્રાસન  રોજ સવારે દસ મિનિટ આ પાંચ બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામને આપવાની.

 ૧-કપાલભાતિ,૨-ભસ્ત્રિકા, ૩-નાડીશુદ્ધિ પ્રાણાયામ, ૪-ઉજ્જયી, ૫-ભ્રામરી પ્રાણાયામ રોજ સવારે પાંચ મિનિટ ઓમનું ચૅન્ટિંગ અને પાંચ મિનિટ શ્વસન ધ્યાન.

columnists yoga Varsha Chitaliya