યોગીઓની અલભ્ય સિદ્ધિઓ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે

18 June, 2019 11:44 AM IST  |  | રુચિતા શાહ - રોજેરોજ યોગ

યોગીઓની અલભ્ય સિદ્ધિઓ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે

વિભૂતિપાદ

યોગ એ બોલવાનું કે લખવાનું નહીં, પણ અનુભવોનું વિજ્ઞાન છે. એક્સપેરિયન્શેલ સાયન્સ. ક્યારેક તમે પણ હઠયોગીના અનોખા કિસ્સાઓ સાંભળ્યા જ હશે, જેમાં હાથ લગાવીને સાજા કરી દે કે આવનારા સમયમાં શું થશે એની સચોટ આગાહી કરી દે અથવા વર્ષોથી અન્ન કે જળ વિના પણ પૂરતા ઊર્જાવાન રહ્યા હોય, હિંસક પશુઓને સાથે લઈને જીવતા હોય જેવા કિસ્સાઓ જાણ્યા હશે. જોકે આમાં એકેય ચમત્કાર નથી એવું મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં સ્પષ્ટ કરે છે. આવું તો તમે પણ કરી શકો. જેને અગમ વિદ્યા કે ચૈતસિક શક્તિઓ કહેવાય એ યોગીઓની યોગસાધનાનું એક ચરણ માત્ર છે. યોગસાધનામાં વચ્ચે આવતો માઈલસ્ટોન. સાધનામાં જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમે સાચી દિશામાં છો એની ખાતરીરૂપે કેટલીક સિદ્ધિઓ પ્રગટે. આ સિદ્ધિઓને મનોવૈજ્ઞાનિક પતંજલિ સ્વાભાવિક ગણાવે છે. ચાર અધ્યાયમાં રચાયેલા શ્રી પાતંજલ યોગસૂત્રના ત્રીજા અધ્યાય ‘શ્રી વિભૂતિ પાદ’માં આ અનોખી સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. યોગ વિષયમાં વર્ષોથી રિસર્ચ કરી રહેલા, અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ કરતાં વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેક્ચર આપનારા અને યોગક્ષેત્રની ઘણી અગ્રણી સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. ગણેશ રાવ વિભૂતિ પાદનું વર્ણન કરતાં કહે છે, ‘વિભૂતિ પાદમાં સિદ્ધિઓનું વર્ણન કરતાં પહેલાં મહર્ષિ પતંજલિ અંતરંગ યોગની વાત કરે છે અને યોગના આઠ અંગમાંથી છેલ્લાં ત્રણ અંગનું વર્ણન કરે છે. ‘દેશબંધ ‌ચિત્તસ્ય ધારણા’ એટલે કે કોઈ એક જગ્યા પર ચિત્તને ચોંટાડવું તે ધારણા. આજની ભાષામાં કહીએ તો કૉન્સન્ટ્રેશન. ગ્રંથકાર કહે છે કે તમે તમને ગમતા કોઈ પણ ઑબ્જેક્ટ પર ફોકસ કરો. ધારણા એ અંતરંગ સાધનાનું પહેલું પગથિયું. કૉન્સન્ટ્રેશનને વધુ દૃઢ કરવાની ક્રિયા એટલે ધ્યાન. ‘તત્ર પ્રત્યય એક તાનાત ધ્યાનમ્’ પોતાના તમામ એફર્ટ્સ એ એક જ ઑબ્જેક્ટ પર લગાવીને ચંચળ મનને સતત સ્થિર કરતાં રહેવાના પ્રયત્ન એટલે ધ્યાન. ધીમે ધીમે ધારણામાંથી ધ્યાનની સ્થિતિમાં સાધકની ગતિ થાય. ધ્યાનથી પણ એક સ્ટેપ ઉપર એટલે સમાધિ. તમે તમારી રીતે ધ્યાનમાં સ્થિર થવાનો અનુભવ કેળવતા જાઓ અને તમારું ધ્યાન વધુ લાંબા સમય માટે, ઊંડાણયુક્ત અને તીવ્રતા સાથેનું બને એટલે તમે સમાધિ તરફ મૂવ ઓન થાઓ છો.

જ્યારે તમારું સંપૂર્ણ અસ્તિત્વ વિલીન થઈ ગયું હોય, આખી ધ્યાનની અવસ્થા જાણે સમયથી પર થઈ ગઈ હોય, કોઈ પ્રોસેસ વચ્ચે ન રહે અને માત્ર જેનું ધ્યાન કરી રહ્યા હતા એ ઑબ્જેક્ટ તેના મૂળ સ્વરૂપે તમારી સામે દૃશ્યમાન થાય. તમે ન રહો, તમારી ‌ઇન્દ્રિયો ન રહે, પણ રહે માત્ર તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરેલું એ ઑબ્જેક્ટ તેના પૂર્ણ સ્વરૂપે તમારી સામે પ્રગટ થાય છે.’

એટલે કે તમે જો તમારી સામે પડેલી પ્લાસ્ટિકની બૉટલ કે અખબારના ધ્યાનમાં એકતાન થઈ જાઓ અને સમાધિ અવસ્થામાં પહોંચો તો એ પેપર અથવા પ્લાસ્ટિકની બૉટલ તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય અને એમ થતાં તેને કોઈ રોકી ન શકે. સિદ્ધિઓ પણ આ જ રીતે પ્રગટ થતી હોય છે. ડૉ. ગણેશ કહે છે, ‘મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના ત્રીજા અધ્યાયમાં આવા ૩૦ જુદા જુદા ઑબ્જેક્ટની એટલે કે ધારણાના પ્રદેશની ચર્ચા કરી છે અને એમાંથી ૫૫ સિદ્ધિઓ યોગીઓને મળી શકે એની પણ નોંધ આપી છે. જેમ કે તમે નાભિચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને આંખો બંધ કરીને મેડિટેશન કરો અને સમાધિ સ્ટેજ સુધી પહોંચી શક્યા તો શરીરનું આખેઆખું વિજ્ઞાન તમારી સામે ઉઘાડું પડી જાય અને તમારામાં તેનું જ્ઞાન, તેની પ્રજ્ઞા જાગે. ડૉ. ગણેશ કહે છે, ‘સિદ્ધિઓને મહર્ષિ પતંજલિ સહજ બાયપ્રોડક્ટ ગણે છે સાધનાની. એ મળે તો એના મોહમાં અટવાવાની પણ તેમણે ના પાડી છે. ઘણી વાર સાધકો આ સિદ્ધિઓના મોહમાં અટવાઈને યોગનું પોતાનું અંતિમ ધ્યેય વીસરી જાય છે. સિદ્ધિઓ એ સબીજ સમાધિ અવસ્થા છે, જેમાં હજીયે વ્યક્તિ વૃત્તિઓના ચક્રમાં ફસાઈ શકે. એટલે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ તેનું પહેલું સૂત્ર સાકાર નથી થતું. સબીજ સમાધિમાંથી નિર્બિજ સમાધિ અને એમાંથી ધર્મમેઘ સમાધિ સુધી પહોંચવાની યાત્રા એટલે યોગ, જેમાં વ્યક્તિ તમામ વૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ ગઈ છે, તેના જન્મમરણના ફેરા સમાપ્ત થઈ ગયા છે. તેને પોતાનું અસલી રૂપ સમજાઈ ગયું છે અને તે કૈવલ્ય અવસ્થા પામી ચૂકયો છે.’

મહર્ષિ પતંજલિએ આપેલી કેટલીક સિદ્ધિઓનું વર્ણન

સંસ્કાર સાક્ષાત્કારણાત્ પૂર્વજાતિજ્ઞાનમ્

એટલે કે જો વ્યક્તિ પોતાના સંસ્કારો પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાધિ સુધી પહોંચે તો સંસ્કારોની યાત્રા એટલી પાછળ જાય છે કે ભૂતકાળના તેના સંસ્કારો પણ તેની સામે આવે અને તેને પૂર્વજન્મોનું જ્ઞાન થઈ જાય છે.

બલેશુ હસ્તિ બલાદિની

હાથી જેવાં બળવાન પ્રાણીઓના બળ પર જો તમે ધ્યાન કેન્દ્રિત કરો અને સમાધિ સુધી પહોંચો તો એ બળ યોગીને પ્રાપ્ત થાય છે.

ભુવનજ્ઞાનં સૂર્યે સંયમાત

સૂર્યની ઊર્જા પર ધારણા, ધ્યાન અને સમાધિ અવસ્થા લાવવાથી ત્રણેય ભુવનનું જ્ઞાન થાય છે.

સોપક્રમં નિરુપમં ચ કર્મ તત્ત્સંમાદ પરાન્જ્ઞા નમ રિષ્ટેભ્યો વા

તત્કાળ ફળ આપનારા અને મોડેથી ફળ આપનારા એમ બન્ને કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાધિ સુધી પહોંચવાથી સાધકને મૃત્યુ ક્યારે થશે એનો સમય પહેલેથી જ ખબર પડી જાય છે.

આ પણ વાંચો : તમે તમારા શરીરની ઊર્જાને માત્ર હાથથી જ કન્ટ્રોલ કરી શકો છો

કંઠે ક્ષુ‌‌ત્પિપાસ નિવૃત્તિઃ

કંઠ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાધિ સુધી પહોંચવાની અવસ્થા આવે તો વ્યક્તિનાં ભૂખ અને તરસ સમાપ્ત થઈ જાય. એટલે કે તે ખાધાપીધા વિના પણ વર્ષોવર્ષ જીવી શકે.

yoga international yoga day columnists