Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે તમારા શરીરની ઊર્જાને માત્ર હાથથી જ કન્ટ્રોલ કરી શકો છો

તમે તમારા શરીરની ઊર્જાને માત્ર હાથથી જ કન્ટ્રોલ કરી શકો છો

17 June, 2019 10:48 AM IST |
રુચિતા શાહ - રોજેરોજ યોગ

તમે તમારા શરીરની ઊર્જાને માત્ર હાથથી જ કન્ટ્રોલ કરી શકો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોજેરોજ યોગ

શ્રી પતંજલિ યોગસૂત્રમાં આઠ અંગ દ્વારા યોગની પરિભાષા સમજાવવામાં આવી છે. યોગસૂત્રની ખૂબી એ છે કે એમાં શું કરવું એની ગાઇડલાઇન્સ છે, પણ કેવી રીતે કરવું એની કોઈ ખાસ ચર્ચા નથી. આ સંદર્ભે બિહાર સ્કૂલ ઑફ યોગના સંન્યાસી અને મુદ્રાવિજ્ઞાનમાં સારો એવો અભ્યાસ કરનારા સ્વામી તપોનિધિ સરસ્વતી કહે છે, ‘શ્રી પતંજલિ યોગસૂત્ર એક માઇલસ્ટોન છે એમાં વિધિ નથી, આસનની વ્યાખ્યા આપવામાં આવી છે. આસનો કયા કરવા એ નથી કહેવાયુ. એનું કારણ કદાચ એવું હશે કે પતંજલિ યોગસૂત્ર લખાયું ત્યારે સતયુગ હતો. ત્યારે સહજ રીતે લોકો ધ્યાનમાં બેસી શકતા હતા. જોકે સમય વીતતો ગયો એમ દીર્ઘદૃષ્ટા ઋષિઓએ જોયું કે આવનારા સમયમાં લોકોને આ વાતોની વિસ્તારપૂર્વક આવશ્યકતા પડશે અને હઠયોગના વિધિસર ગ્રંથોની રચના થઈ. લગભગ છેલ્લાં ૧૫૦૦ વર્ષના કાળમાં ઉદ્ભવેલા ગ્રંથો છે.’



એમાં જ સૌથી વધુ રિલાયેબલ ગ્રંથ ગણાય છે હઠદીપ પ્રદીપિકા અને ઘેરણ્ડ સંહિતા. આ બન્ને ગ્રંથોમાં ગ્રંથકારનું અંતિમ લક્ષ્ય રાજયોગ એટલે કે પતંજલિએ દર્શાવેલો યોગ જ છે. જોકે ત્યાં સુધી પહોંચવા માટેની જર્નીનું વિગતવાર વિવરણ કરવામાં આવ્યું છે. આજે હવે આપણે એ વિષયની વાત કરવાના છીએ એની ચર્ચા શ્રી પતંજલિ યોગસૂત્રમાં નથી, પરંતુ યોગસૂત્રના બેઝ પર બનેલા શ્રી હઠયોગ પ્રદીપિકા અને ઘેરણ્ડ સંહિતામાં છે. વિષય છે મુદ્રા.


શું છે મુદ્રા?

હાથ, શરીર અને મનને અમુક સ્થિતિમાં રાખવાની પ્રક્રિયા એટલે મુદ્રા. સામાન્ય ભાષામાં કહીએ તો ચિહ્ન, સિમ્બૉલ અથવા આકૃતિ કહી શકાય. મુદ્રાનો સૌથી પહેલો ઉલ્લેખ તંત્રશાસ્ત્રમાં મળે છે. કહેવાય છે કે તંત્રશાસ્ત્રનું જ્ઞાન ભગવાન શિવે તેમની પ્રથમ શિષ્યા પાર્વતીને આપ્યું હતું. બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં પણ મુદ્રાની પેટ ભરીને ચર્ચા કરવામાં આવી છે. મુદ્રા શબ્દની સંધી છૂટી પાડીએ. મુદ્નો અર્થ થાય આનંદ અને દ્રાનો અર્થ થાય ઉત્પન્ન કરવો અથવા જનરેટ કરવો. જે કરવાથી આનંદ ઉત્પન્ન થાય એ મુદ્રા. એનો સંસ્કૃતનો પ્રચલિત શ્લોક છે, ‘મુદમ્ આનંદમ્ દદાતિ ઇતિ મુદ્રા.’ યોગીઓ અને યોગના નિષ્ણાતોએ મુદ્રાને યોગની ખૂબ મહત્ત્વની અને અનિવાર્ય બાબત તરીકે મુલવી છે.


શું કામ પાવરફુલ?

મુદ્રા શરીરમાં શું કામ કરે એ સંદર્ભમાં સ્વામી તપોનિધિ સરસ્વતી કહે છે, ‘આપણા હાથની પાંચ આંગળીઓ પંચ મહાભૂતને રીપ્રેઝન્ટ કરે છે. આ આંગળીઓમાંથી ઊર્જાનું વહન બહારની બાજુમાં થાય છે. ખાસ કરીને અંગૂઠામાંથી. આ અંગૂઠાને જ્યારે તમે કોઈ અન્ય આંગળીઓ સાથે કનેક્ટ કરો એટલે ઊર્જા વિશિષ્ટ દિશામાં વહેવી શરૂ થાય. હાથની આંગળીઓનું ખાસ પ્રકારના પોઝિશનિંગ દ્વારા તમારા શરીરની ઊર્જાનું તમારી ઇચ્છા મુજબ શરીરના નિશ્ચિત ભાગમાં વહન કરાવવાની પ્રોસેસ એટલે મુદ્રા. એનું પરિણામ તાત્કાલિક આવતું મેં મારી નજરે જોયું છે. થોડાંક વર્ષો પહેલાં અમારા પરિવારના એક લગ્નપ્રસંગમાં મારા સગા મામાને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો, મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. બેહોશ થઈ ગયા. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ તે આવે ત્યાં સુધી તેમના બન્ને હાથ અપાન વાયુ મુદ્રામાં અમે રાખ્યા. થોડીક જ મિનિટમાં બેભાન થયેલા મામાએ આંખ ઉઘાડી. એ પછી ડૉક્ટરે તેમની આગળની સારવાર કરી. કહેવાનો અર્થ એટલો જ છે કે દરેક મુદ્રાની એક નિશ્ચિત અસર છે જ. જો એની સાચી જાણકારી હોય અને કટોકટીના સમયે કઈ મુદ્રાનો ઉપયોગ કરવો એ સમજાઈ જાય તો એની અસર થાય જ છે. મુદ્રા ઇન્જેક્શનનું કામ કરે છે. મુદ્રાની શરીરનાં ચક્રો પર પણ અસર થાય છે. કઈ મુદ્રા સમયે કયા ચક્ર પર કૉન્સન્ટ્રેટ કરવું અને કયા ચક્ર પર કઈ મુદ્રાની અસર થાય એ સમજાઈ જાય તો તેની મિરેકલ અસર સો ટકા થાય છે.’

દરેક મુદ્રા તમારા શરીરનાં સ્પેસિફિક ચક્રોને સ્પંદિત કરે છે. તમારા હાથનો ઢોળાવ કઈ બાજુ છે એ રીતે મુદ્રાની અસર બદલાય છે. મુદ્રામાં તમારા હાથ જાણે આખા શરીરનું નિયંત્રણ કરી શકતા હોય એ સ્તર પર હોય છે. અંગૂઠો અને હાથની તર્જની આંગળી એટલે કે અંગૂઠાની બાજુની પહેલી આંગળીના ટેરવાને સાથે રાખો એટલે ધ્યાનમુદ્રા બની જાય. જે વ્યક્તિને ધ્યાનમગ્ન થવામાં શરીરની એનર્જીને જે હિસ્સામાં જરૂર હોય એ હિસ્સામાં લઈ જાય. તમારા હાથ માધ્યમ બની જાય, શરીરના બીજા હિસ્સામાં બદલાવ લાવવા માટે.

કેટલીક ખાસ મુદ્રાઓ

તૈતરિય ઉપનિષદમાં પંચકોષનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચકોષ એટલે માનવ અસ્તિત્વના પાંચ લેયર. મુદ્રા શરીરના બહારથી લઈને આંતરિક સૂક્ષ્મ લેયર સુધી અસર કરે છે. ભારતભરની ઘણીબધી પ્રચલિત યોગ સ્કૂલોમાંથી અભ્યાસ કરનારા અને હવે પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા યોગના જાણકાર દેવાંગ શાહ કહે છે, ‘શરીરના પાંચેય લેયર પર મુદ્રાની અસર છે એટલે બાહ્ય રોગોથી લઈને આધ્યાત્મિક દિશામાં આગળ વધતા તમામ લોકોને મુદ્રાથી લાભ થશે. મુદ્રા દ્વારા શરીરનાં પાંચ તત્ત્વો અને પાંચ પ્રાણ પણ પ્રભાવિત થાય છે. આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે જેના થકી આજે આપણે જીવીત છીએ. દરેક વાયુનું પોતાનું અલાયદું કામ છે. અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. આ પાંચ વાયુ પાંચ પ્રાણ તરીકે ઓળખાય છે જેના પર મુદ્રાનો સૌથી વધુ પ્રભાવ હોય છે જેની ચર્ચા આયુર્વેદમાં પણ કરવામાં આવી છે. યોગનાં કેટલાંક પ્રાચીન પુસ્તકોમાં મુદ્રાને પણ પાંચ વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. હસ્ત મુદ્રા, મન મુદ્રા, કાય મુદ્રા, બંધ અને અધર બંધ. દરેકનો આશય એક જ છે કે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈને ઊર્જાનું ખાસ દિશામાં વહન કરવું.’

યોગના પ્રચલિત ગ્રંથ હઠદીપ પ્રદીપિકામાં ૧૦ મુદ્રા અને ઘેરણ્ડ સંહિતામાં ૨૫ મુદ્રાનું વર્ણન છે જેમાંથી કેટલીક મહત્ત્વની મુદ્રાઓ વિશે આપણે આજે વાત કરીએ.

જ્ઞાન મુદ્રા :વિદ્યાર્થીઓ માટે આ મુદ્રા બેસ્ટ ગણાય છે. બૌદ્ધિકો માટે, બુદ્ધિ કુશાગ્ર કરવી હોય એમના માટે, યાદશક્તિ વધારવા માટે, સાચું જ્ઞાન સહજતાથી સમજવાની ક્ષમતા કેળવવા માટે આ શ્રેષ્ઠ મુદ્રા ગણાય છે જેમાં તમારો અંગૂઠો અને ઇન્ડેક્સ ફિંગર એટલે કે તર્જનીનું ટેરવું એકબીજાને સ્પર્શતું હોય અને તમારી હથેળી ઉપરની તરફ હોય એને જ્ઞાન મુદ્રા કહેવાય. આ મુદ્રામાં તમારા મગજને પ્રાણિક એનર્જી મળતી હોય છે. મગજને પ્રાણિક એનર્જી મળે એટલે નૅચરલી એ તમારા મગજની ક્ષમતા વધારે છે. સત્વ, રજસ અને તમસ ગુણ સાથે પણ મુદ્રાનો સંબંધ હોય છે. જ્ઞાન મુદ્રા સત્વ અને રજસ ગુણ વધારે છે.

ચીન મુદ્રા :આ મુદ્રામાં તમારી પ્રાણિક એનર્જી અને શરીરની આંતરિક ઊર્જા પેટ અને તેનાથી નીચેના હિસ્સામાં ગતિ કરે છે. અંગૂઠો અને તર્જની આંગળીના ટેરવા એકબીજાને સ્પર્શતા હોય, પણ તમારી હથેળી નીચેની તરફ ઝૂકેલી હોય. કમરથી નીચેના ભાગની સમસ્યાઓ અને પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા માટે ચીન મુદ્રા શ્રેષ્ઠ મનાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓથી લઈને પ્રોસ્ટેટની અને પાચનની સમસ્યાઓ હોય એ લોકો આ મુદ્રા કરે તો લાભ થશે. આ મુદ્રામાં શાંતિથી પાંચ મિનિટ બેસશો તો તમને સમજાશે કે ઑટોમેટિકલી તમારી બ્રિધિંગ પેટર્ન પણ ચેન્જ થઈ ગઈ છે. તમારા શ્વાસ પેટના હિસ્સામાંથી લેવાઈ રહ્યા હોય એવો અનુભવ થશે. જેને એબડોમિનલ બ્રિધિંગ કહેવાય છે.

ચિન્મય મુદ્રા : આ મુદ્રામાં તમારી તર્જની અને અંગુઠાનો ટેરવો એકબીજાને સ્પર્શતો હોય અને બાકીની ત્રણ આંગળો હથેળી તરફ વળેલી હોય. હથેળી આકાશની તરફ સમાંતર હોય. આ મુદ્રામાં તમારી પ્રાણિક એનર્જી છાતીના હિસ્સામાં વહેતી હોય છે એટલે તમારા શ્વાસની પ્રક્રિયા પણ ચેસ્ટ તરફની હોય છે. ચેસ્ટને લગતા જે પણ પ્રૉબ્લેમ હોય એ આ મુદ્રા કરવાથી દૂર થઈ શકે છે. હૃદયને લગતી બીમારીઓ, શ્વાસને લગતી સમસ્યાઓ માટે આ મુદ્રા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ પણ વાંચો : યોગ એટલે ખરેખર શું?

આદિ મુદ્રા :હાથના અંગૂઠાને હથેળીમાં રાખીને ઉપર આંગળીઓ મૂકીને મુઠ્ઠી વાળી દેવાની આ મુદ્રાને આદિ મુદ્રા કહેવાય છે. આ મુદ્રામાં તમારી પ્રાણિક ઊર્જા કોલર બોન એટલે કે કંઠ અને તેની ઉપરના હિસ્સામાં વહે છે. ઉપરની દિશામાં શ્વાસોશ્વાસની ગતિ હોય છે જેને ક્લેવિક્યુલર બ્રિધિંગ પણ કહેવાય છે. ગળાને લગતા, નોસ્ટ્રલ પાથ અને શ્વાસનને લગતા રોગો માટે આ મુદ્રા ઉપયોગી ગણાય છે.

(યોગવિજ્ઞાન પર વિશેષ રિસર્ચ કરી રહેલી જાણીતી બૅન્ગલોરની સંસ્થા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનમાં આ મુદ્રાઓ વિશેષ પ્રચલિત છે.)

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 10:48 AM IST | | રુચિતા શાહ - રોજેરોજ યોગ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK