કૉલમઃગુસ્સે કો આ જાને દો

09 April, 2019 09:38 AM IST  |  | રુચિતા શાહ

કૉલમઃગુસ્સે કો આ જાને દો

પ્રતીકાત્મક તસવીર

સુઝુકા યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સ, કિનકી યુનિવર્સિટી અને ઇવાટે પ્રીફેક્ચરલ યુનિવર્સિટી. જપાનનાં ત્રણ શહેરોમાં વસેલી ત્રણ અગ્રણી યુનિવર્સિટીના અનુક્રમે હેલ્થ સાયન્સ, સોશિયલ વેલફેર અને ઍપ્લાયડ સોશ્યોલોજી વિભાગના રિસર્ચરોની વાત સાચી માનીએ તો ગુસ્સો કરી લેવામાં સાર છે. ક્રોધ પાપનું મૂળ અને ક્રોધ આદમી કો અંધા બના દેતા હૈવાળી વાતનો છેદ ઉડાડનારી આ વાત પાછળ આ સંશોધકોનું લૉજિક એવું છે કે ખાસ કરીને સંબંધોમાં ગુસ્સો દબાવવાને કારણે મનમાં ને મનમાં ઉદ્ભવતો અભાવ સંબંધોને અંદરથી પોકળ કરવાનું કામ કરે છે. એના કરતાં જો તેને એક્સપ્રેસ કરી દેવામાં આવે તો સંબંધોને વધુ મજબૂત કરવાનું કામ કરે છે. અનએક્સપ્રેસ્ડ ઍન્ગર સંબંધોમાં અસંતોષ વધારવાનું કામ કરે છે. બીજી એક વાત એ રિસર્ચરોએ એ પણ નોંધી છે કે ઘણી વાર સંબંધો કોઈ એક બાબતમાં આવેલા ગુસ્સાને દબાવીને અન્ય બાબતમાં ખોટી રીતે એ ગુસ્સો નીકળે એ તો એના કરતાં પણ વધુ સંબંધોને ડૅમેજ કરનારી બાબત છે.

આ દુનિયામાં કોઈ સર્વગુણ સંપન્ન નથી એટલે જ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક બાબત તો એવી રહેવાની જ, જે તમને અણગમો આપે એવી હોય. તમારામાં પણ એવી કેટલીક બાબતો હશે, જે સામેવાળાને નહીં ગમતી હોય. ગમા-અણગમાની આ ગૂંચવણમાં ત્યાં વાંધો નથી આવતો, જ્યાં સંબંધો માત્ર દેખાવના અને ઉપરછલ્લા હોય, પરંતુ વાત જ્યારે અંગત સંબંધોની હોય ત્યારે આ બાબત બહુ મહત્વનો રોલ લઈ લેતી હોય છે. તમારા પ્રિયપાત્રની નાનીઅમથી ન ગમતી બાબત પણ ક્યારેક મોટું રૂપ લઈ લેતી હોય છે. જ્યારે ગુસ્સો કોઈ જુદી જ વાત પર આવ્યો હોય અને એને વ્યક્ત કોઈક જુદી રીતે કરવામાં આવે?


તકલીફ તો રહેવાનીધારો કે પત્ની ફ્રેન્ડ સાથે કિટી પાર્ટીમાં ગઈ છે. ઘરે તમારાં મમ્મી એકલાં છે અને અચાનક પડી ગયાં. તમારે ઑફિસમાંથી દોડતાં અહીં આવવું પડ્યું. પત્નીનો ફોન લાગ્યો જ નહીં. આ બાબતને કારણે તમે મનોમન ખૂબ ગુસ્સે થયા, પરંતુ જેન્યુઇન કારણ હોવાને કારણે ગુસ્સો વ્યક્ત કરી ન શક્યા અને બીજા દિવસથી જ ïવાઇફની દરેક નાની બાબતને ભૂલ બતાવી તેમના પર ઇરિટેટ થતા રહ્યા ત્યારે તમારું એ બિહેવિયર તમારા સંબંધને કેટલું મદદરૂપ થશે? સાઇકિયાટ્રિસ્ટ કીર્તિ સચદેવા કહે છે, ‘ગુસ્સો એ આપણા સૌમાં રહેલો ઇનબિલ્ટ ઇમોશન છે. ધાર્યું ન થાય ત્યારે ગુસ્સો આવે. ઘણા લોકો ડાયરેક્ટ્લી ટુ ધ પૉઇન્ટ ગુસ્સો વ્યક્ત કરવાને બદલે એને ફેરવી-ફેરવીને પ્રગટ કરવાનું વધુ પસંદ કરે છે. આ રીતે મૂળ વાતનું ઇરિટેશન દબાવી રાખવાથી મનમાં રહેલું ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. હું માનું છું કે વાત જ્યારે ખૂબ જ અંગત સંબંધોની હોય તો એકબીજા સાથે વાત કરીને એનું સૉલ્યુશન લાવવું એ જ ઍડ્વાઇઝેબલ હોય છે. બેશક, થોડો વિચારવાનો સમય લો અને યોગ્ય પદ્ધતિથી તમારા અણગમાની રજૂઆત કરો. જ્યારે આપણે ઇરિટેશનનું મૂળ કારણ ભૂલીને સાવ જુદી જ દિશાની નાની-નાની વાતો પકડીને ગુસ્સો વ્યક્ત કરીએ છીએ ત્યારે એ સંબંધમાં ખારાશ વધારવાનું કામ કરે છે.’

થોડા સમય પહેલાંના એક કેસ વિશે તેઓ કહે છે, ‘એક હસબન્ડ મારી પાસે આવેલા. તેમની પત્ની તેના મિત્ર સાથે વાત કરે એ તેમને નહોતું ગમતું. તેઓ પોતે કંઈ એવા શંકાશીલ સ્વભાવના હોય એવું નહોતું, પરંતુ આ એક બાબત તેમને ઇરિટેટ કરતી હતી. શંકા નહોતી, માત્ર ઇરિટેશન હતું. જો કંઈ કહેવા જાય તો શંકા કરે છે એવું લાગે એટલે એ વિષય પર બોલી નહોતા શકતા. એ અણગમાને મનમાં ને મનમાં દબાવી રાખ્યો, પરંતુ પછી બીજી રીતે પત્ની પર પોતાનો ગુસ્સો કાઢવા માંડ્યા. ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચેની અંટસ એટલી વધી કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ. આ તો એક્સ્ટ્રીમ કેસ છે, પરંતુ આવા ઘણા કેસ અત્યારે જોવા મળી રહ્યા છે. એવા સમયે વખત પહેલાં સાવચેતી કેળવીને મનને દુભાવતી બાબતોની ચર્ચા કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં જ શાણપણ છે. બેશક, તમારા ગુસ્સાની રજૂઆત યોગ્ય રીતે થાય એ જરૂરી છે, પરંતુ એ મનમાં તો દબાયેલો ન જ રાખો.’

આ પણ વાંચોઃ કૉલેજમાં ભણતી છોકરી અબૉર્શન કરાવીને આવે, ઘરનાને અણસાર પણ ન હોય એવું બને

ડર હોય છે ઘણી વાર

કેટલીક વાર ઇમ્મૅચ્યોર સંબંધોમાં નિખાલસ ચર્ચા વાત વણસાવવાનું કામ પણ કરી શકે છે. ડૉ. કીર્તિ કહે છે, ‘દર વખતે એવું નથી હોતું કે તમે તમારી મનની ફીલિંગ્સ શૅર કરી દીધી એટલે પતી ગયું. ઘણી વખત તમે એટલા બધા સ્ટ્રેસમાં હો છો કે નાનીઅમથી વાતમાં બહુ મોટું રીઍક્શન આપી બેસો, જેમાં તમારો ગાઢમાં ગાઢ સંબંધ પણ દાવ પર મુકાઈ જાય છે. આ બાબત એ જ લોકો માટે શક્ય છે, જેમની વચ્ચે બહુ જ ઊંચા ગજાની અન્ડરસ્ટૅન્ડિંગ હોય. જેઓ એકબીજાને સમજતા હોય તેમની સામે તમે દિલ ખોલીને તમારા મનની વાત કરી શકો, તમને કનડગત થઈ હોય એ વાતની ચર્ચા કરીને એનું સૉલ્યુશન કાઢી શકો; પરંતુ જે સંબંધોમાં અન્ડરસ્ટૅન્ડિંગનું લેવલ ઓછું હોય ત્યાં આ પ્રકારની નિખાલસ ચર્ચાઓ ઊલમાંથી ચૂલમાં પાડી શકે એમ છે.’

ભુલાઈ પણ જાય

ઍન્ગર અને ડૅન્જર એ બન્ને એકબીજાની સાથે ચાલનારાં પૈડાં જેવાં છે. જ્યાં ગુસ્સો આવે છે ત્યાં ઑટોમૅટિક ડૅન્જર આવી જાય છે. એનો સ્પેલિંગ જોશો તો પણ તમને ખબર પડી જશે. ડૉ. કીર્તિ ઉમેરે છે, ‘ઘણી વખત કોઈક વાત આપણી ટેરિટરીમાં ન હોય એટલે રીઍક્ટ ન કરી શકાય એવું બનતું હોય છે. એવા સમયે એ ચકાસી લેવું કે તમને જે બાબતથી ઇરિટેશન થઈ રહ્યું છે એનાથી ડાયરેક્ટ્લી તમને કોઈ અસર થઈ રહી છે? જો પ્રત્યક્ષ રીતે એનાથી કોઈ નુકસાન તમને ન થતું હોય તો એ બધી જ બાબતોને ઇગ્નૉર કરવામાં જ શાણપણ છે. આખી દુનિયા પર તમારો કન્ટ્રોલ નથી અને દરેક બાબત તમારી ઇચ્છા પ્રમાણે ન થાય અને એ બાબત સ્વીકારવાની મર્દાનગી દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ.’

આ પણ વાંચોઃ શું છે તમારી સમર હેરસ્ટાઇલ?

એટલે કે એમ પણ કહી શકાય કે દરેક સિચુએશનમાં તમારે તમારાં ઇમોશન્સ પ્રગટ કરવા જરાય જરૂરી નથી. કોઈક વાર તમે ધીરજ કેળવીને શાંતિ રાખો તો એ આખી પરિસ્થિતિ કોઈ પણ વિખવાદ વિના ભુલાઈ જાય છે.

columnists