હે ઈશ્વર! મારા મૃત્યુનું કારણ બ્રેઇન-ડેડ હોજો

28 September, 2019 04:30 PM IST  |  મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ

હે ઈશ્વર! મારા મૃત્યુનું કારણ બ્રેઇન-ડેડ હોજો

પ્રતીકાત્મક તસવીર

આવી પ્રાર્થના તમે પણ કરતા થઈ જશો જ્યારે ઑર્ગનની રાહ જોતા દરદીઓને અને તેમના પરિવારજનોની યાતના સાંભળશો. તમારા જીવંત અસ્તિત્વનું સૌથી મોટું પ્રમાણ એટલે સતત, ‌અવિરત અને નિરંતર ધબકી રહેલું તમારું હૃદય. જોકે આ હૃદયમાં જ ખરાબી થઈ જાય અને જ્યારે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે ત્યારે વ્યક્તિ અને તેના પરિવાર પર કેવી ગુજરતી હોય છે? ૨૦૧૫માં ૪૭ વર્ષ પછી મુંબઈમાં સક્સેસફુલ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું હતું, જેના માટે હાર્ટ પુણેના ડોનર પાસે મળ્યું હતું એ પેશન્ટ આજે પણ જીવે છે. એ પછી છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં ૧૨૫ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયાં. એક સમય હતો જ્યારે હૃદયની ખામીને દૂર કરવા માટે મુંબઈના દરદીઓએ ચેન્નઈનો રસ્તો પકડવો પડતો હતો. જોકે હવે એવું નથી. આવતી કાલે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની દુનિયામાં એક ડોકિયું કરીએ

ઑર્ગન ડોનેશનનો અવેરનેસ સેમિનાર પૂરો થયો ત્યાં ૮૦ વર્ષનાં એક માજી ઊભાં થયાં અને કહેવા માંડ્યાં, ‘આમ પણ બધાએ એક વાર મરવાનું તો છે જ. જોકે તમારા શરીરનાં અંગો તમારા પછી કેટલાય માટે જીવનદાન બની શકે છે એ જાણ્યા પછી હવે હું ભગવાનને રોજ પ્રાર્થના કરીશ કે મારું મૃત્યુ બ્રેઇન ડેડ થવાથી થાય જેથી મારાં ઑર્ગન કોઈને કામ લાગે.’
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટમાં મુંબઈના જાણીતા ડૉક્ટર અને ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૧૦૫ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરી ચૂકેલા હાર્ટ-સર્જ્યન ડૉ. અન્વય મુળે આ પ્રસંગ શૅર કરે છે. ભારતમાં આજે પણ દર દસ લાખે માત્ર ૦.૮૬ ટકા લોકો ઑર્ગન ડોનેટ કરે છે. અમેરિકામાં દર દસ લાખે ૩૦ લોકો અને સ્પેનમાં ૩૮ લોકો ઑર્ગન ડોનેટ કરે છે. હજીયે આપણે ઘણા પાછળ છીએ એ કહેવાની જરૂર નથી. આજે પણ અઢળક વાર કન્વિન્સ કર્યા પછીયે ઘણા બ્રેઇન ડેડ પેશન્ટનાં ઑર્ગન ડોનેટ કરવા માટે તેમના પરિવારજનો રાજી થતા નથી. દરેક ઑર્ગનનું પોતાનું મહત્ત્વ છે. જોકે આપણી કથાઓ, દંતકથાઓ અને લાગણીઓનું કેન્દ્રબિન્દુ ગણાતું હૃદય; જેનું બંધ પડવું જીવનને અંત આપી દે છે એનું દાન કદાચ સૌથી વધુ લાગણીસભર બની શકે છે. આજે હાર્ટ- ટ્રાન્સપ્લાન્ટમાં પણ દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે ત્યારે થોડીક અવેરનેસ અને આપણી સતર્કતા કોઈક વ્યક્તિ અને તેના પરિવારના જીવનમાં કેટલાંક અજવાળાં પાથરી શકે છે એ દિશામાં થોડીક વાતો કરીએ.
અત્યારની પરિસ્થિતિ આમ સુધરી પણ છે એ વિશે ડૉ. અન્વય કહે છે, ‘૨૦૧૫માં પેશન્ટને કન્વિન્સ કરવા મુશ્કેલ હતું. પહેલાં ટ્રાન્સપ્લાન્ટ માટે લોકોને તૈયાર કરવા પણ મુશ્કેલ હતા અને હાર્ટ ડોનેટ કરનારા લોકો પણ ઓછા હતા. આજે ફરક આવ્યો છે. દરદીઓને ટ્રાન્સપ્લાન્ટની ગંભીરતા પણ સમજાય છે અને જરૂરિયાત પણ. ઇન્ટરનેટને કારણે એ બાબતમાં ઘણી જાગૃતિ આવી છે. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટથી તમે સારા થઈ શકો છો અને જો તકેદારી સાથે જીવો તો નૉર્મલ અને સ્વાવલંબી જીવન જીવી શકો છો. ૨૦૧૫ની તુલનાએ આજે આ બાબતમાં ઘણો ફરક પડ્યો છે. ઑર્ગન ડોનેશનમાં પણ ભારતમાં ફાંટા પડી ગયા છે. ઉત્તર ભારતમાં ઓછા ડોનરો છે તો દક્ષિણ ભારતમાં વધુ ડોનરો છે. ગુજરાતમાં સૌથી વધુ ઑર્ગન ડોનેશન થાય છે અને એમાંય સુરતમાં ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ન થતી હોવા છતાં સૌથી વધુ ડોનરો છે.’
ડોનરોની સંખ્યા કરતાં રિસિવરની સંખ્યા ખૂબ મોટી હોવાને કારણે આજે પણ અનેક હાર્ટના દરદીઓ અધ્ધર જીવે જીવી રહ્યા છે. ડૉ. અન્વય મુળે કહે છે, ‘ટ્રાન્સપ્લાન્ટ કરતાં વેઇટિંગ લિસ્ટનો ડેથ રેશિયો મોટો છે. કિડની ખરાબ થાય તો તમે ડાયાલિસિસના આધારે પેશન્ટને જિવાડી શકો, પરંતુ હાર્ટમાં એવું
નથી. એવા કેટલાયે દરદીઓ મેં જોયા છે જે હાર્ટની રાહ જોતાં-જોતાં મૃત્યુ પામ્યા હોય.’
અત્યારે મુંબઈમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પહેલા વર્ષનો સક્સેસ રેશિયો ૮૬ ટકા છે. ટ્રાન્સપ્લાન્ટના બીજા વર્ષે પણ દરદી હેમખેમ હોય એવી સંભાવના ૮૦ ટકા છે. અહીં ડૉ. અન્વય કહે છે, ‘મોટા ભાગે ટ્રાન્સપ્લાન્ટ પછી આફ્ટર કૅરમાં દરદી પાછો પડે, પૂરતી દવા ન લે ત્યારે જ જીવને જોખમ ઊભું થતું હોય છે. આફ્ટર કૅર મોંઘી તો છે એ હકીકત છે. ટ્રાન્સપ્લાન્ટનો, સર્જરીનો ખર્ચ તો
કદાચ પહોંચી વળાય. એક ડૉક્ટર તરીકે હું મારી પોતાની ફી ઓછી લઉં, ન લઉં. સંસ્થાઓ પાસેથી દરદીઓને મદદ મળે એવી વ્યવસ્થા કરું, પરંતુ એ પછી મહિને લગભગ ૧૫ હજારની દવાનો ખર્ચ દરદીએ જીવનભર કરવાનો છે. તામિલનાડુ સરકાર દવામાં સબસિડી આપે છે, પરંતુ બીજા એક પણ સ્ટેટમાં આવી સુવિધા
નથી. અમારો હેતુ માત્ર દરદીનું સફળતાપૂર્વક હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નથી પરંતુ તેઓ સારી રીતે જીવે, સમાજને કામ આવે અને એકબીજાનો સપોર્ટ બને, નોકરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એ છે.’

અમેરિકા કરતાં આપણો સક્સેસ રેશિયો સારો છે
ચેન્નઈમાં વર્ષે ૮૦થી ૯૦ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઈના જાણીતા ડૉ. કે. આર. બાલાક્રિષ્નન અને ડૉ. સુરેશ રાવે અત્યાર સુધીમાં ૩૨૦ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે. ડૉ. બાલાક્રિષ્નન અને
ડૉ. રાવ ‘મિડ-ડે’ને કહે છે, ‘ભારતમાં હજી પણ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સ ઓછાં છે. ખૂબ ઓછાં રાજ્ય ઇન ફૅક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તામિલનાડુ જેવાં ચારથી પાંચ રાજ્યો જ છે જ્યાં ફુલ ફ્લેજ્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે. હવે સિનારિયો બદલાઈ રહ્યો છે. નૉર્થમાં હજી જોઈએ એટલો ડોનરો દ્વારા રિસ્પૉન્સ નથી મળી રહ્યો. આપણો ઑર્ગન યુટિલાઇઝ‍્ડ રેટ પણ ખૂબ નીચો છે. છતાં આપણે ત્યાં પાંચ વર્ષનો સર્વાઇવલ રેટ (એટલે કે ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પછી ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ જીવતા દરદીઓની સંખ્યા) ૮૪ ટકા છે, જ્યારે અમેરિકામાં ૮૦ ટકા છે. અનેક અગવડતા પછી પણ આપણે એ બાબતમાં આગળ છીએ. આપણે ત્યાં વર્ષે ૨૦૦ની આસપાસ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થાય છે જે સંખ્યા અમેરિકામાં ચારથી પાંચ હજારની છે.’
ભારતમાં શું બદલાવ લાવવાની જરૂરિયાત છે એ વિશે આ ડૉક્ટર કહે છે, ‘આપણે ત્યાં બધું જ બહારથી મગાવવામાં આવે છે એટલે કૉસ્ટ વધારે છે. લૉજિસ્ટિક્સનો ખર્ચ પણ વધી જાય છે. હવે ડોનર પાસેથી હાર્ટ મળ્યું પરંતુ જો એ સમયસર ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ સુધી ન પહોંચે તો નકામું બની જાય. ઘણી વાર એને ઍર ઍમ્બ્યુલન્સથી લાવવું પડે. જોકે પેશન્ટ માટે એ ખર્ચ બેર કરવાનું અઘરું છે તો ક્યારેક પૈસા આપતાંયે એ ધાર્યું મળતું નથી. બધી જ ઇમ્પોર્ટેડ દવા હોવાને કારણે દવાઓ મોંઘી છે. અહીં તૈયાર થતી દવામાં એ ક્વૉલિટી નથી મળતી એટલે પેશન્ટની હેલ્થને ધ્યાનમાં રાખીને મોંઘી ઇમ્પોર્ટેડ દવાઓ જ લેવી પડે છે. લોકો કહે છે કે સર્જરીમાં ડૉક્ટરની ફી વધારે છે અથવા હૉસ્પિટલનાં બિલ ઊંચાં છે. જોકે એ સમયે એ પણ યાદ રાખવું ઘટે કે એક સર્જરીમાં ૨૫થી ૩૦ લોકોની ટીમ કામે લાગી હોય છે. એમાં પણ કૉસ્ટ છે. છતાં અમારી પાસેથી પૈસાના અભાવે એકેય પેશન્ટને અમે પાછો નથી મોકલ્યો. પોતાની ફીને જતી કરીને, સામાજિક સંસ્થાઓની મદદથી બાકીનો ખર્ચ મેળવીને પણ દરદીનો જીવ બચાવવાનું કામ અમે કર્યું છે. જોકે સરકારે પણ થોડાક બદલાવ લાવવાની જરૂર છે. જેમ કે ટ્રાન્સપ્લાન્ટ પછીની લાઇફ લૉન્ગ દવા માટે સરકાર સબસિડી આપે. લૉજિસ્ટિક કૉસ્ટ ઓછી થાય એવી કોઈ વ્યવસ્થા સરકાર કરે અને ઑર્ગન ડોનેશનની દિશામાં વધુને વધુ અવેરનેસ આવે.’

હૃદયમાં ખામી સાથે બીજી અનેક તકલીફ જન્મી અને જીવવાની આશા સતત ઘટી રહી હતી છતાં ટકી રહ્યો આ યુવાન

અમદાવાદમાં રહેતો મૂળ જબલપુરનો પ્રિયાંક દીક્ષિત પોતાની નાનકડી જિંદગીમાં કેટલી વાર મોતને હાથતાળી આપી આવ્યો છે એ તેને પણ નથી ખબર. સ્પોર્ટ્સ અને ડ્રાઇવિંગના શોખીન પ્રિયાંકને સપનામાં પણ લાગ્યું નહોતું કે સાવ અનાયાસ તે પથારીમાં પટકાશે. તે કહે છે, ‘હું સ્પોર્ટ્સમાં પહેલેથી જ ઍક્ટિવ રહ્યો છું. નૉર્મલી મારી હેલ્થ ક્યારેય ખરાબ થઈ નથી. કૉર્પોરેટ કંપનીમાં મૅનેજર લેવલ પર કામ કરતો હોવાથી ટ્રાવેલિંગ કરવાનું બહુ થતું. દેશનાં ઘણાં શહેરોમાં ટ્રાન્સફર પછી રહ્યો છું. ૨૦૧૦માં ખૂબ થાકી જવું, સોજા ચડવા એવી સમસ્યાઓ અચાનક શરૂ થઈ હતી. એવામાં ઝારખંડથી પટના જઈ રહ્યો હતો ત્યારે ઍરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો અને અચાનક આંખ આડાં અંધારાં આવી ગયાં. વજન પણ ઘટી રહ્યું હતું એટલે ડૉક્ટરને દેખાડ્યું. બધા જ રિપોર્ટ કરાવ્યા તો સમજાયું કે હાર્ટના મસલ્સ સ્ટિફ થઈ ગયા છે, જેને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી નામની કન્ડિશન કહેવાય. હૃદય બ્લડનું પૂરતા પ્રમાણમાં પમ્પિંગ ન કરી શકે. શરીરમાં પાણી ભરાવું શરૂ થયું હતું. એટલે ઍડ્મિટ થવાનો સિલસિલો શરૂ થયો. હાર્ટની કન્ડિશનને જોતાં ટેમ્પરરી ટ્રીટમેન્ટ માટે મારા હૃદયનું પમ્પિંગ પ્રૉપર થાય એટલે સીઆરટી (કાર્ડિયો રીસિન્ક્રનાઇઝેશન થેરપી) ડિવાઇસ લગાવવામાં આવ્યું.’
૨૦૧૧થી ૨૦૧૬ સુધી તો આ ડિવાઇસને કારણે કામ ચાલતું ગયું, પરંતુ પછી એની બૅટરી ખતમ થઈ ગઈ અને બૅટરી સમાપ્તિનો છાતીમાંથી અવાજ પણ આવવા માંડ્યો, કારણ કે ડિવાઇસ હાર્ટ પાસે અંદરના ભાગમાં સર્જરીથી ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું હતું. પ્રિયાંક કહે છે, ‘મારા હાર્ટરેટ અનિયમિતપણે વધી ગયા હતા. એને રિપ્લેસ કરવાનું વિચાર્યું, પરંતુ એમાં પણ કૉમ્પ્લીકેશન્સ આવ્યાં. એ દરમ્યાન મલેરિયા થઈ ગયો. કન્ડિશન વધુ બગડતી ગઈ. મારા ડૉક્ટરે કહી દીધું કે હવે ટ્રાન્સપ્લાન્ટ સિવાય તમને નહીં બચાવી શકાય.’
પ્રિયાંકનાં ફેફસાં પણ ડૅમેજ થઈ ગયાં હતાં. મલ્ટિપલ ઑર્ગનને વધુ નુકસાન થાય એ પહેલાં તેમણે હાર્ટની સર્જરી માટેની તૈયારી કરી. નસીબજોગે ૧૫ દિવસમાં જ તેમને ડોનર મળી ગયો. છ મહિના તેમણે પણ ચેન્નઈ રહેવું પડ્યું. આ આખી પ્રોસેસ દરમ્યાન આર્થિક રીતે તેમને જોરદાર ઘસારો પહોંચ્યો હતો. તેમની સાથે સતત પડછાયાની જેમ સાથે રહેનારી તેમની પત્નીની પણ નોકરી છૂટી ગઈ. પ્રિયાંક કહે છે, ‘મારી પત્ની ન હોત તો કદાચ અત્યારે હું પણ ન હોત. હું જ્યારે સર્જરી માટે ગયો અને લગભગ નવ કલાક પછી ઑપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો. હોશ આવ્યા પછી પહેલી ઇચ્છા મારી પત્નીને જોવાની હતી. મારી અને તેની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. મને નવું જીવન મળ્યું હતું. સર્જરીના પાંચમા દિવસે મેં ચાલવાનું શરૂ કરી દીધું હતું. હવે બહુ જ સામાન્ય જીવન જીવું છું. બેશક, ટ્રાન્સપ્લાન્ટ પછીની દવાઓ અને ખાણીપીણીની સાવધાનીમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નથી કરતો.’

હૃદયની ખરાબીને કારણે બે ડગલાં પણ નહીં ચાલી શકનારા આ ભાઈ ટ્રાન્સપ્લાન્ટ પછી મૅરથૉન દોડે છે

મૂળ કલકત્તાના રુપાયન રૉયને મળો તો તમે કહી ન શકો કે આ મૃત્યુના મુખમાંથી પાછા આવેલા ભાઈ છે. ઇન ફૅક્ટ રુપાયન હસતાં-હસતાં કહે છે કે બે મિનિટ માટે હું મૃત્યુ પામીને આવ્યો છું કારણ કે એ સમય માટે તેનું હાર્ટ તદ્દન કામ કરતું બંધ થઈ ગયેલું. ૨૦૧૬ના એ સમયગાળાની વાત કરતાં આ અનોખો મૅરથૉન રનર કહે છે, ‘હું એલઆઇસીમાં કામ કરતો હતો. જરાક હલનચલન કરું ને હું થાકી જતો. ખૂબ ખાંસી આવતી. મને એમ કે ફેફસાંની કોઈ તકલીફ હશે, કારણ કે ખાંસીમાં લોહી નીકળે. જોકે ધીમે-ધીમે ખાંસી વધી અને લોહી પણ વધુ બહાર નીકળવા માંડ્યું. કૅન્સર, ટીબી જેવી બધી ટેસ્ટ કરી. રિપોર્ટ નેગેટિવ. ડૉક્ટરે હૃદય પર સ્ટેથોસ્કોપ મૂકીને ધબકારા સાંભળ્યા તો કંઈક મર્મરિંગ જેવો અવાજ આવ્યો એટલે કાર્ડિયોલૉજિસ્ટ પાસે મોકલ્યો. એમાં મારી કન્ડિશન પકડાઈ. મને ડાયલેટેડ કાર્ડિયો નામની હૃદયની બીમારી હતી જેમાં હાર્ટના મસલ્સ એટલા ઢીલા પડી જાય કે પમ્પિંગ ન કરી શકે. હાર્ટની ચારેય ચેમ્બરની કાર્યક્ષમતા નૉર્મલ કરતાં ઘણી ઓછી હતી. કલકત્તાના એક બીજા ડૉક્ટરને મળ્યો તો તેઓ કહે કે કોઈ પણ ક્ષણે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે તમારું. આનો કોઈ ઇલાજ નથી. એ સમયે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની આજ જેટલી અવેરનેસ નહોતી. એ થઈ શકે એ જ ઘણાને ખબર નહોતી. ભારતમાં ચેન્નઈમાં જ હાર્ટ- ટ્રાન્સપ્લાન્ટના ઘણા સફળ પ્રયોગો થઈ ચૂક્યા હતા. એક ડૉક્ટરે જ ચેન્નઈમાં ડૉ. બાલાક્રિષ્નનનો રેફરન્સ આપ્યો અને તાત્કાલિક તેમને મળવાની સલાહ આપી. જિંદગીને બચાવવાની આ એક જ આશા હતી. મારો સાળો મારી સાથે ચેન્નઈ આવ્યો. ડૉક્ટર સાથે મારા ફૅમિલી ડૉક્ટરે વાત કરી હતી. મારું ચેકિંગ કર્યા પછી હવે હું પાછો કલકત્તા નહીં જઈ શકું એવું ફરમાન ડૉ. બાલાક્રિષ્નને આપ્યું. થોડીક વાર માટે મને લાગ્યું કે પેશન્ટ ભાગી ન જાય એટલે આ ડૉક્ટરનો પેંતરો હશે. જોકે એવું નહોતું. મારા ફૅમિલી ડૉક્ટર સાથે પહેલેથી જ તેમની વાત થઈ ગઈ હતી. સર્જરીની કૉસ્ટ ખૂબ વધારે હતી. બીજું, ચેન્નઈમાં લગભગ ચારથી છ મહિના રહેવું પડે એવી સ્થિતિ હતી. ડોનર મળે નહીં ત્યાં સુધી મારી કન્ડિશનને કારણે મારે લાઇફ સપોર્ટ પર રહેવાનું હતું.’
રુપાયનને ત્રણ વખત ડોનર મળ્યો એવા ફોન આવેલા. તેને સંપૂર્ણ સર્જરી માટે તૈયાર કરી લીધા પછી ખબર પડી કે એ હાર્ટ કામ નહીં લાગે. તે કહે છે, ‘ડોનર છે એવી ખબર પડે એટલે પેશન્ટ તરીકે આનંદ થાય, કારણ કે હવે તકલીફનો અંત આવશે. એટલું મોટું વેઇટિંગ લિસ્ટ હોય એમાં તમને મૅચ થાય એવું હાર્ટ ક્યારે મળશે એની એન્ડલેસ રાહ જોતા રહેવાની. એટલે જ પહેલો કૉલ આવ્યો ત્યારે અમે બધા ખૂબ જ ઉત્સાહમાં હતા. હૉસ્પિટલમાં પણ બધી તૈયારી કરીને મને સર્જરી માટે તૈયાર કરાયો. જોકે ત્યાં સુધી ખબર મળ્યા કે હાર્ટ એટલી સારી કન્ડિશનમાં નથી. સર્જરી મોકૂફ રખાઈ. આવું બીજી વાર બન્યું. જોકે એ સમયે ડોનરની ફૅમિલી ડૉક્ટરો તથા કાઉન્સેલરના અનેક પ્રયત્ન પછી પણ તૈયાર ન થઈ. લગભગ એક મહિનાના ગાળામાં જ આ ફોન આવ્યા હતા. ત્રીજો ફોન આવ્યો એ સમયે હવે અમે શ્યૉર નહોતા કે ઘરેથી તો જઈએ છીએ, પરંતુ સર્જરી થશે કે નહીં. આ જ રીતે વેઇટિંગમાં આગલા દિવસે એક યુવકનું મૃત્યુ થયું હતું. હું પણ શ્યૉર નહોતો કે હવે કેટલું જિવાશે. મારા દીકરાને વહાલ કરીને તેને છેલ્લી વાર જોતો હોઉં એમ મળીને હું હૉસ્પિટલ પહોંચ્યો. આ વખતે સદ્નસીબે ડોનરની ફૅમિલી તૈયાર થઈ હતી. હાર્ટની કન્ડિશન પણ સારી હતી. મારી સર્જરી થઈ. બે મહિનાના ઇન્તજારનો અંત આવ્યો હતો. સર્જરી સફળ હતી. સર્જરી પછી પણ આફ્ટર ચેકઅપ માટે થોડોક સમય ચેન્નઈમાં જ રહ્યા. ડૉક્ટરો ખૂબ સારા મળ્યા અમને. ખરેખર જીવતા ભગવાન જેવા ડૉ. બાલાક્રિષ્નન અને ડૉ. રાઓની જેટલી તારીફ કરું એટલી ઓછી છે.’
રુપાયનનું ૩૧ જુલાઈ, ૨૦૧૬માં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયું. દર છ મહિને ચેન્નઈ ચેકઅપ માટે જવું પડે છે. જોકે અનાયાસ એક વાર કલકત્તામાં તેનું ધ્યાન એક મૅરથૉનના આયોજન પર પડ્યું. તે કહે છે, ‘શહીદો માટેની દોડ હતી. મારે દોડવું હતું એટલે મેં ડૉક્ટરને ફોન કર્યો. હકીકતમાં ચેન્નઈમાં સર્જરી વખતે મેં ડૉક્ટરને પૂછેલું કે ટ્રાન્સપ્લાન્ટ પછી હું કોઈના સપોર્ટ વિના ચાલી તો શકીશને? ત્યારે તેમણે કહેલું મારે તો તને દોડાવવો છે. મેં એ જ વાત યાદ કરાવડાવી. ડૉક્ટરે મારો બ્લડ રિપોર્ટ અને કેટલાક અન્ય ટેસ્ટના રિપોર્ટ મગાવ્યા. રિપોર્ટ જોઈને તેમણે થોડીક તકેદારીઓ સમજાવીને દોડવા માટે મને લીલી ઝંડી દેખાડી દીધી. મેં ધીમે-ધીમે ટ્રેઇનિંગ શરૂ કરી. હકીકતમાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પછી ઇમ્યુનિટી સિસ્ટમને પૅસિવ કરવી પડે છે, કારણ કે ઇમ્યુનિટી માટે નવું હાર્ટ ફૉરેન પાર્ટિકલ છે અને એ જો સ્ટ્રૉન્ગ રહે તો હાર્ટ પર અટૅક કરે. એટલે સર્જરી પછી જીવનભર માટે ઘણી દવાઓ અને ઘણાં પ્રિકૉશન્સ રાખવાનાં હોય છે, કારણ કે શરીરની કુદરતી રીતે ઇન્ફેક્શન સામે લડતી રોગપ્રતિકારક શક્તિ પર
આપણે જ પાબંદી લગાવી દીધી હોય. એથી કોઈ પણ ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન આપણે જાતે રાખવાનું હોય છે. એ બધું કરીને મેં મારા ગોલ્સ પાર પાડ્યા છે. હું જાતને નસીબદાર ગણું છું. મને ૪૦ વર્ષના ઍક્સિડન્ટમાં બ્રેઇન ડેડ થયેલા દરદીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ખરેખર હું તેનો પણ આભારી છું. ક્યારેક જો મોકો મળશે તો ડોનર
ફૅમિલીને મળીને કહીશ કે તમારો દીકરો ભલે સદેહે હયાત નથી, પરંતુ હું તમારો જ દીકરો છું.’
રૂપાયન અત્યાર સુધીમાં પાંચ કિલોમીટર, ૧૦ કિલોમીટર, ૨૧ કિલોમીટર અને ૨૫ કિલોમીટરની ઘણી રનમાં ભાગ લઈ ચૂક્યો છે અને પોતાની રૂટીન લાઇફ સરસ રીતે જીવે છે.

હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા ત્યાંથી ફરી રિવાઇવ થવાની દાસ્તાન

૧૬ વર્ષની ઉંમરે કારકિર્દીનાં ઊંચાં શિખરો સર કરવાનાં અરમાનો સેવતી બાંદરાની યુવતીને અચાનક હૃદયની તકલીફ શરૂ થઈ. કન્ડિશનનું નામ હતું કાર્ડિયોમાયોપથી, જેમાં હાર્ટના સ્નાયુઓને ખૂબ વધારે મહેનત લાગે બ્લડને પમ્પ કરવામાં. નાનપણમાં સ્પોર્ટ્સ રમનારી અને પહેલા અને બીજા નંબરે વિનર રહેનારી મીનુચરહોમજી અચાનક કેટલીક તકલીફો શરૂ થઈ. થાકી જાય, આંખ આડાં અંધારાં આવે, ચક્કર જેવું લાગે. એ સમયે ડૉક્ટરોને તેની કન્ડિશન પકડાઈ ખરી, પરંતુ તેમની રાય પ્રમાણે દવાથી આ કન્ડિશનને મૅનેજ કરી શકાશે. ચાલીસ વર્ષની વય સુધી તો તે તદ્દન નૉર્મલ લાઇફ જીવી શકશે. જોકે એવું થયું નહીં. ૨૦૧૨માં અચાનક તેને સ્ટ્રોક આવ્યો અને આખું જમણું અંગ પૅરૅલાઇઝ્ડ થયું. આ ઘટનાએ તેને અને તેના પરિવારને ધ્રુજાવી નાખ્યો. પહેલી વખત હવોવીના હાર્ટની સિરિયસ કન્ડિશનનો પરિવારને ડર લાગવા માંડ્યો. જોકે સ્ટ્રોક અટૅકમાંથી તે ઝડપથી રિકવર થઈ. ફરી નૉર્મલ લાઇફ પણ શરૂ થઈ. જોકે અચાનક હેલ્થ બગડી જવાનો ક્રમ વધતો ગયો. ૨૦૧૪માં ઑક્ટોબરમાં ગ્રૅજ્યુએશનની ફાઇનલ પરીક્ષા આપીને પોતાની મમ્મી સાથે લંચ માટે બહાર ગયેલી હવોવી ત્યાં જ ચક્કર ખાઈને પડી ગઈ. તાત્કાલિક તેને બાંદરાની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવી. તેનાં મમ્મી અરમૈટી કહે છે, ‘હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે તેના હાર્ટબીટ પણ બંધ થઈ ગયા હતા. એને રિવાઇવ કરવાની કોશિશ કરવામાં આવી. એટલે સુધી કે લગભગ એક કલાકના પ્રયત્નોમાં તેના બીટ્સ પાછા મળ્યા. એ સમયે ત્યાંના ડૉ. બ્રાયન પિન્ટોએ તાત્કાલિક હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. મુંબઈમાં એ સમયે કોઈ વ્યવસ્થા નહોતી. તેમણે ચેન્નઈ જઈને સર્જરી કરવાનું કહ્યું. ફૉરેનમાં આવી સર્જરીનો ખર્ચ નહીં પહોંચી શકાય. વીસ વર્ષની દીકરીને આમ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી જોઈ ન શકાય એ સ્વાભાવિક હતું. હવોવીને લઈ જઈએ એ પહેલાં હું અને મારો ભાઈ ચેન્નઈ ગયાં. ત્યાં ડૉક્ટરને મળ્યાં. પછી હવોવીને લઈને ગયાં. બધી જ પ્રારંભિક ટેસ્ટ માટે તેને ઍડ્મિટ કરી અને અમે ચેન્નઈમાં ભાડાનું મકાન શોધ્યું.’
ચેન્નઈમાં હવે કેટલો સમય રહેવું પડશે એની તેમને ખબર નહોતી. પોતાની જમીન, શૅર જેવું ઘણું વેચી દેવું પડ્યું એ પછીયે સર્જરીનો, દવાનો, ટેસ્ટનો ખર્ચ પહોંચી વળાય એવું નહોતું. તાતા ટ્રસ્ટે આ દંપતીને ઘણી મદદ કરી. હવોવી સર્જરી માટે તૈયાર હતી અને તેના જીવનની પ્રત્યેક ક્ષણ આકરી પસાર થઈ રહી હતી. તેનું વજન ઘટીને ૪૨ કિલો થઈ ગયું હતું. તેનાં મમ્મી કહે છે, ‘એ ક્ષણો યાદ કરીએ તો કંપારી છૂટી જાય છે. બહુ જ મોટી કશ્મકશ હતી. મારી દીકરીને હાર્ટ મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં પણ મનમાં ગ્લાનિ આવતી હતી, કારણ કે ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટ ત્યારે જ મળે જ્યારે કોઈક બ્રેઇન ડેડ થાય. બહુ આકરી કસોટી હતી એ. હવોવી એ સમયે ચાર ડગલાં પણ માંડ ચાલી શકતી હતી. એવામાં એક દિવસ કૉલ આવ્યો, હાર્ટ મળે એમ છે તમે તરત જ હૉસ્પિટલ આવી જાઓ. અમે લોકો તાત્કાલિક પહોંચ્યા. ૨૭ વર્ષનો એક યુવક ઑર્ગન ડોનર હતો. તેના પરિવારે તેનાં તમામ ઑર્ગન ડોનેટ કરી લીધાં હતાં. ચેન્નઈમાં પીક અવર હતો. હાર્ટ જેટલું જલદી ટ્રાન્સપ્લાન્ટ થાય એટલું એ વધુ સારું રિઝલ્ટ પેશન્ટને આપી શકે. એક કલાકમાં એ પહોંચે એવી સંભાવના નહીંવત હતી, પરંતુ ચેન્નઈમાં ખાસ ગ્રીન કૉરિડોર ઊભો કરીને હાર્ટ તાત્કાલિક અમારી હૉસ્પિટલ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યાંના લોકો ખૂબ કો-ઑપરેટિવ છે. ડૉક્ટરો પણ ખૂબ સારા. સાડાસાતે ઑપરેશન શરૂ થયું. સાડાદસ વાગ્યે ડૉક્ટરે સર્જરી સક્સેસફુલ થવાના ન્યુઝ આપ્યા. ચાર-પાંચ દિવસ આઇસીયુમાં રાખ્યા પછી હવોવીને રેગ્યુલર રૂમમાં શિફ્ટ કરી. એ દિવસ અને ટચવુડ આજના દિવસ સુધી તેને કોઈ તકલીફ નથી આવી. તે બિલકુલ હેલ્ધી છે અને સ્મૂધલી પોતાની લાઇફ જીવી રહી છે.’
હવોવીની સર્જરીને પાંચ વર્ષ થઈ ગયાં છે. તેણે પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. આ ઉપરાંત તેણે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ અને પરિવારના કાઉન્સેલિંગનો કોર્સ પણ કર્યો છે. નવું જીવન મળ્યું છે એની પૂરતી જાળવણી માટે તે સભાનતા સાથે જીવે છે.

columnists weekend guide