કૉલમ: જે આસાનીથી થાય છે એ આસન

13 June, 2019 12:41 PM IST  |  મુંબઈ | રોજેરોજ યોગ - રુચિતા શાહ

કૉલમ: જે આસાનીથી થાય છે એ આસન

યોગા

ગઈ કાલે આપણે જોયું કે આસનો યોગનો એક ભાગ છે. જોકે આજકાલ યોગ પ્રૅક્ટિસમાં આસનો પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. આસનોને જિમ્નૅસ્ટિક્સની જેમ લેવામાં આવે છે. શરીરને ગમે તે રીતે વાળી શકતા હો અને અઘરાંમાં અઘરાં આસનો પાર પાડી શકતા હો એટલે તમે યોગી છો જ એ હાસ્યાસ્પદ બાબત છે. યોગનો મુખ્ય ગ્રંથ ગણાતા શ્રીપાતંજલ યોગસૂત્રમાં આસનો માટે ત્રણ સૂત્ર છે. પહેલા સૂત્રમાં શ્રી પતંજલિ ઋષિ કહે છે, ‘સ્થિર: સુખમ આસનં’ એટલે કે તમે જે આસનમાં સ્થિરતાપૂર્વક બેસી શકતા હો એ આસન. આ સંદર્ભે વધુ વિગત આપતાં કે. જે. સોમૈયા કૉલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર અને યોગ અને રિસર્ચ કરનારી ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડિરેક્ટર મોહમ્મદ સાબિર શેખ કહે છે, ‘જે સ્થિતિમાં તમે સુખનો અનુભવ કરતા હો અને સ્થિરતાપૂર્વક લાંબો સમય માટે બેસી શકતા હો એ અવસ્થા એટલે આસન. આ સંદર્ભમાં શ્રી પતંજલિ ઋષિ આગળ કહે છે, ‘પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ’ એટલે કે આસન માટે તમારે પ્રયત્ન કરવાની પણ જરૂર ન રહે, ઓછામાં ઓછા એફર્ટ્સ સાથે એ સ્થિતિ પ્રાપ્ત થાય અને આનંદદાયી સ્થિતિ હોય એને આસન કહેવાય.

આ રીતે પ્રયત્નો શિથિલ બની જાય અને સુખ તથા આનંદદાયી અવસ્થા બની જાય એવા આસનને તમે સિદ્ધ કરી દો તો તમારા શરીરનાં અને મનનાં તમામ દ્વંદ્વો દૂર થાય છે. માનસિક અને શારીરિક રીતે જ્યાં કોઈ પણ જાતની કશ્મકશ રહેતી નથી ત્યારે સ્વાભાવિક રીતે જ મન એકાગ્ર બને છે અને યોગનાં આગળનાં અંગો તરફ સહજ રીતે ઝુકાવ વધે છે. યોગસૂત્રમાં આસનની વ્યાખ્યાને અનુરૂપ આસન પર માસ્ટરી મેળવનારી વ્યક્તિ માટે પ્રાણાયામ અને શ્વાસાચ્છ્વાસની ગતિ પર નિયંત્રણ આવશે. પ્રત્યાહાર એટલે કે બાહ્ય બાબતોમાંથી મન અંદરથી તરફ પરોવવું તેના માટે સરળ બનશે અને ફોકસ થઈ જશે. આસનની મુખ્ય વ્યાખ્યા માત્ર યોગસૂત્રમાં જ છે, પરંતુ આસનના લાભ વિશે અન્ય ઘણા ગ્રંથોમાં વર્ણન આવે છે. જેમ કે હઠદીપ પ્રદીપિકામાં આસનના ફાયદામાં વ્યક્તિને સ્થિરતા પ્રાપ્ત થાય, આરોગ્ય વધે અને શરીરમાં હળવાશ આવે એવું કહેવાયું છે. ઘેરણ્ડ સંહિતા નામના ગ્રંથમાં આસન વ્યક્તિમાં દૃઢતા એટલે કે મજબૂતી આપે છે એવું કહેવાયું છે. અન્ય કોઈ પણ કસરત કરતાં આસનો દ્વારા મળતી મજબૂતી વ્યક્તિને વજ્ર સમાન દૃઢ બનાવે છે એવું કહેવાય છે. મારા ગુરુજી પદ્મશ્રી સદાશિવ નિમ્બાલકર કહેતા કે આસન સિદ્ધ કરનારી વ્યક્તિ એટલી દૃઢ બની જાય છે કે વીજળીનો માર પણ તે સહન કરી શકે છે.’

આખી વાતનો સાર એટલો જ કે આપણે જે કોઈ ફૅન્સી અને આંખો પહોળી થઈ જાય એવાં અઘરાં આસનો જોઈએ છીએ એ જ આસનો શરીરને સાજું કરવામાં મદદ કરશે એવું નથી. વ્યાયામ અને સામાન્ય કસરત કરતાં યોગાસનો અહીં જ જુદાં પડે છે. આસન તમને તમારા શરીર સાથે કનેક્ટ થવામાં તમારું શરીર અત્યારે ક્યાં છે, એની મર્યાદા ક્યાં છે, એ કેટલું ફ્લેક્સિબલ અને સ્ટિફ છે એ સમજવામાં મદદ કરે છે. શરીર સાથે તમે કનેક્ટ થાઓ એ આસનો દ્વારા સમજી શકાય છે.


વજ્ર જેવા મજબૂત બનવું હોય તો વજ્રાસન કરો

શરીરને વજ્ર જેવા મજબૂત અને પાવરફુલ બનાવવાનું કામ આ આસન દ્વારા થાય છે, જેથી એનું નામ વજ્રાસન પડ્યું છે. કૈવલ્યધામ, મુંબઈના ડિરેક્ટર રવિ દીક્ષિત કહે છે, ‘લગભગ ત્રણેક દશકના અનુભવ પછી મને સૌથી શ્રેષ્ઠ આસન લાગ્યું હોય તો એ છે વજ્રાસન. એના અગણિત લાભોને કારણે જ માત્ર યોગમાં જ નહીં પણ જુદા-જુદા ધમોર્એ પણ એને પોતાના રૂટીનમાં સમાવી લીધું છે. મુસ્લિમ ભાઈ-બહેનો નમાઝ પઢે ત્યારે વજ્રાસનમાં બેસતાં હોય છે એ તમે જોયું હશે. હિન્દુ અને જૈન પરંપરામાં પણ આ પૉરનો ઉપયોગ ઘણી ક્રિયાઓમાં થાય છે.

આ પણ વાંચો : કૉલમ: કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

જમ્યા પછી જો કોઈ આસન કરી શકાતું હોય તો આ એકમાત્ર આસન છે. તમારા ઍબ્ડોમિનલ અને તમારા પગના કાફ મસલ્સનો આકાર જોશો તો એ પણ લગભગ સરખો છે. ખોરાક ઝડપથી પચાવવાથી લઈને પેટ અને યુરિનરી એરિયાની તો અનેક સમસ્યા માટે આ રામબાણ આસન છે. બૅકપેઇન, સાઇટિકા અને સ્પાઇનલ કૉર્ડને લગતા ઘણા પ્રૉબ્લેમ વજ્રાસનથી સૉલ્વ થાય છે, કારણ કે આ આસનમાં બેસવાથી તમારા શરીરનું પૉર સુધરે છે. તમે ઇચ્છો તોય ખૂંધ વાળીને બેસી ન શકો એટલે શરીરની અંદરની પ્રોસેસને વેગ મળે છે. આ આસન બ્લડ-સર્ક્યુલેશનને વધારતું હોવાથી શરીરના કોઈ પણ હિસ્સામાં પ્રૉબ્લેમ હોય તો પૂરતા બ્લડ ફ્લોને કારણે પૂરતો ઑક્સિજન જે-તે હિસ્સામાં પહોંચવાથી હીલિંગ ઝડપી બને છે. બીજું વજ્રાસનથી શરીરની ૭૨,૦૦૦ નાડીઓ શુદ્ધ થાય છે. ગર્ભવતી મહિલાઓ પણ આ આસન નિ:સંકોચ કરી શકે છે. વેઇટલૉસ માટે પણ આ આસનથી પરિણામ મળતું અમે જોયું છે.’

એક્સપર્ટ ઍડ્વાઇઝ : વજ્રાસન કરવાની તકલીફ પડતી હોય એવા લોકોએ પગની ઉપર અને પગની નીચેના હિસ્સામાં તકિયો અથવા વાળેલી યોગ મૅટ રાખવી જેનાથી આ આસન સરળતાપૂર્વક કરી શકાશે. ૩૦ સેકન્ડથી આ આસનમાં બેસવાની પ્રૅક્ટિસ શરૂ કરવી. પછી ધીમે-ધીમે તમારી આવશ્યકતા મુજબ સમય વધારતા જવો.

આસનો કરતી વખતે પસીનો તો દૂર શ્વાસોચ્છ્વાસની ગતિ પણ વધવી ન જોઈએ એની ચોકસાઈ રાખવામાં આવે એ જરૂરી છે. એ જ આસનની સાચી રીત છે

- મોહમ્મદ સાબિર શેખ

columnists