તમે ચાલશો નહીં તો જલદી ચાલ્યા જશો

01 April, 2019 01:22 PM IST  |  | રુચિતા શાહ

તમે ચાલશો નહીં તો જલદી ચાલ્યા જશો

મોહિત મલિક

માનવશરીર જેટલું અદ્ભુત બીજું એકેય મશીન નથી. આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણને એ મશીન ચલાવવાની જવાબદારી મળી છે. આપણું શરીર એટલું ઇન્ટેલિજન્ટ છે કે જો તમે એની થોડીક કૅર કરી લીધી તો બીજું બધું તમારા કહ્યા વિના પણ એ પોતાની રીતે હૅન્ડલ કરી લેશે. જેમ કે જો તમે પ્રૉપર ડાયટ અને પૂરતું હલનચલન કરાવીને બૉડીને ઍક્ટિવ રાખી હશે તો એનાથી તમારી મેન્ટલ હેલ્થને પણ બૂસ્ટ મળશે. તમે મેન્ટલી સ્ટ્રૉન્ગ હશો તો તમારા જીવનના મહત્વના નિર્ણયો સાચી રીતે લઈ શકતા હશો. સાચા નિર્ણયો તમારા જીવનમાં બિનજરૂરી કેઓસ ઊભો નહીં કરે જે તમારી ઇમોશનલ હેલ્થ સુધારશે. ઓવરઑલ સ્વસ્થ હશો તો રોગપ્રતિકારક શક્તિ સારી હશે જે ભવિષ્યમાં આવનારા ઘણા રોગોથી તમારું રક્ષણ કરશે. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે આ આખેઆખી સાઇકલ છે. જો ધ્યાન ન રાખ્યું તો એ વિશિયસ સાઇકલ પણ બની શકે છે.

પહેલેથી જ હતો ફિટ

મને યાદ છે હું દિલ્હીમાં હતો ત્યારની વાત. મારા દાદાજી પોતાની યુવાનીના દિવસોથી રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને રન માટે નીકળી જતા. હું સૂતો હોઉં અને દાદાજી પાછા આવીને મને જગાડે. મેં તેમને છેક સુધી ચાલતા-ફરતા જોયા છે. મેં ક્યારેય તેમને ડિપ્રેસ થઈને માથું પકડીને બેઠેલા નથી જોયા. ફિઝિકલ ઍક્ટિવિટી તમારા શરીરમાં હૅપી હૉમોર્ન્સ પેદા કરે છે એવું તો સાયન્સ પણ કહે છે. મારા દાદાજીમાં મેં આ નજરોનજર જોયું છે. કોઈ પણ જાતની ક્રાઇસિસમાં તે હંમેશાં એનર્જી સાથે એને સૉલ્વ કરવા એમાં લાગેલા હોય. હું કૉલેજ ટાઇમથી જ ક્રિકેટ રમતો હતો. એક સ્પોર્ટ્સમૅન તરીકે તમારે ફિટ રહેવું જ પડે. એ રીતે હં પોતાને લકી માનું છું કે ફૅમિલી ઍટ્મૉસ્ફિયર અને ક્રિકેટના ક્રેઝે મને ઍક્ટર બનતાં પહેલાં જ ફિટનેસ માટે સભાન કરી દીધો હતો. જુઓ, એક વાત ખાસ કહીશ કે તમે માનવજાતના એવોલ્યુશનના તબક્કાને જોશો તો સમજાશે કે સતત કંઈક કરતા રહેવું તેના પ્રોગ્રેસમાં અનિવાર્ય રહ્યું છે. ચલતે રહના, કુછ કરતે રહના ઝરૂરી નહીં, બહોત ઝાદા ઝરૂરી હૈ. ફિટનેસ કો નઝરઅંદાઝ કિયા હીં નહીં જા સકતા. અત્યારે આપણી લાઇફસ્ટાઇલ બગડી છે. આપણે ચાલતા જ નથી. બીજી એક્સરસાઇઝ ન કરી શકો તો કમસે કમ રોજનાં દસ હજાર સ્ટેપ્સ ચાલવાની હૅબિટ તો પાડવી જ જોઈએ. હું બધાને કહેતો હોઉં છું કે ચલતે રહો, નહીં તો જલદી ચલે જાઓગે.

મારું વર્કઆઉટ

પર્સનલી ઍક્ટિંગમાં આવ્યા પછી મારું ફિટનેસ રેજિમ મારા કૅરૅક્ટર પ્રમાણે રહ્યું છે. કૅરૅક્ટર મુજબ વજન વધ-ઘટ કરું અને વર્કઆઉટ પૅટર્ન પણ બદલું. ઘણા ઍક્ટર કોઈ પણ કૅરૅક્ટરમાં હોય, પણ તેમના મસલ્સ બૉડી બિલ્ડર જેવા હોય. હું આ મતનો નથી. કૅરૅક્ટર પ્રમાણે તમારું અપીઅરન્સ હોવું જોઈએ. બેશક, અંદરથી શરીર હેલ્ધી રહે એટલી ઍક્ટિવિટી તો હું કરતો જ હોઉં છું. વૉકિંગ મારા માટે શક્ય નથી બનતું શૂટિંગના કલાકોને કારણે. જોકે અઠવાડિયાના પાંચ દિવસ હું જિમમાં જઈને વર્કઆઉટ કરું છું. અઠવાડિયાના ત્રણ દિવસ ફંક્શનલ ટ્રેઇનિંગ અને બે દિવસ વેઇટ ટ્રેઇનિંગ. (ફંક્શનલ ટ્રેઇનિંગ એટલે તમારા રોજબરોજના કાર્ય માટે શરીરને ઍક્ટિવ કરતી કસરતો. આ કસરતો જિમમાં અને ઘરે જાતે પણ કરી શકાય એવી હોય છે. એમાં મુખ્યત્વે તમારા શરીરના ઉપલા અને નીચલા એમ બન્ને હિસ્સાના સ્નાયુઓને અને જૉઇન્ટ્સને તાલીમ આપવામાં આવે છે તેમ જ તમારા પેટના સ્નાયુઓ પણ મજબૂત થાય એ પ્રકારની મૂવમેન્ટ કરવાની હોય છે.) આ ઉપરાંત મેડિટેશન પણ કરું છું અને જ્યારે શૂટિંગ વચ્ચે સેટ પર સમય મળે ત્યારે યોગ પણ કરી લઉં છું. બ્રીધિંગ એક્સરસાઇઝ પણ કરવાનું હું દરેકને કહીશ. રોજનો કમસે કમ અડધો કલાક તમારે તમારી જાત માટે કાઢવો જ જોઈએ.

ખાવા પર કન્ટ્રોલ

સાચું કહું તો આપણે બધા જ ખૂબ ખાઈએ છીએ. ખરેખર, થોડાક પણ આર્થિક રીતે સંપન્ન હોય એવા લોકોનો ખોરાક પણ ઍવરેજ જરૂરિયાત કરતાં વધારે હોય છે. મારી દૃષ્ટિએ તમે જે ખાઓ છો એટલો શ્રમ જો શરીર ન કરતું હોય અને ખોરાકનો પૂરેપૂરો ઉપયોગ ન થતો હોય તો ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. આ નિયમ મેં પાળ્યો છે. ખોરાકની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી બન્ને મહત્વની છે. જન્ક-ફૂડ, તળેલો, તીખો અને પોષક તત્વ ન હોય એવો ખોરાક શરીરને નુકસાન કરે જ છે. આ નુકસાન વધશે જો ફિઝિકલ ઍક્ટિવિટી નહીં હોય. મારો ખોરાક ઓછો છે. હું દિવસમાં લગભગ છ વાર થોડું-થોડું ખાઉં છું. સવારે ઓટ્સ, એગ વાઇટ્સ, એક ચમચી ભરીને ઘી અને દૂધ હોય. એ પછી બાર વાગ્યે ગ્રીન ટી અને થોડાંક ફ્રૂટ્સ હોય. લંચમાં બાજરાના રોટલા સાથે સારાએવા પ્રમાણમાં ઓછી ઑઇલી પણ ટેસ્ટી સબ્ઝી, દાળ, રાઇસ અને સૅલડ હોય. પંજાબીઓને દહીં ખાવાનું તો કહેવાનું જ ન હોય. ફરી પાછું ચાર વાગ્યે લાઇટ નાસ્તો અને ગ્રીન ટી અથવા બ્લૅક ટી હોય. છ વાગ્યે હું જમી લઉં. એમાં બાજરા-જુવાર અથવા ઓટ્સનો રોટલો, શાક-દાળ હોય. એ પછી હું કાબોર્હાઇડ્રેટ હોય એ પ્રકારનો ખોરાક અવૉઇડ કરું છું. રાતે ભૂખ હોય તો સૂપ અથવા સૅલડ લઉં.

એક વાત કહીશ કે જીભનો ચટાકો બધાને હોય, પરંતુ એટલી શિસ્ત તમારે રાખવાનીં જ છે. હું પીત્ઝા ખાવાનો શોખીન છું. એમાં પણ જોકે મહિનામાં બેથી ત્રણ વાર જ છૂટ રાખી છે. જો તમારે હેલ્ધી લાઇફ જોઇએ તો શરીર માટે સારું શું અને ખરાબ શું એનું ભાન અને એને અનુસાર જીવવાના ગટ્સ તમારે કેળવવા પડશે.

ગુડ મૉર્નિંગ

મિનિમમ આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ. હું સવારે વહેલા ઊઠવાનો હિમાયતી છું. સ્મોકિંગ નથી કરતો. ડ્રિન્ક પણ ભાગ્યે જ લઉં છું. એમાંય ખૂબ જ ઓછી ક્વૉન્ટિટીમાં વાઇન ક્યારેક લઉં. શૂટિંગ લાંબું ચાલ્યું હોય તો અલગ વાત છે. એ સિવાય મોડી રાત સુધી ઉજાગરાઓ અને પાર્ટી વગેરે નથી કરતો. એ બાબતમાં અક્ષયકુમારથી ઇન્સ્પાયર્ડ છું એમ કહી શકો. વહેલા સૂઓ અને વહેલા ઊઠો એનાથી બહેતર કોઈ સારી હૅબિટ નથી. સવાર સારી હોય તો આખો દિવસ સારો જશે એની ખાતરી આપું છું. કુદરતની સાથે ચાલો તો તન, મન અને જીવનથી સુખી રહેશો એ માત્ર બોલવાની વાત નથી પણ હકીકત છે.

આ પણ વાંચો : કૉલમ: અંત અંગે મનની અનંત લીલા...

હું દરેકને કહીશ કે તમારા સંજોગો અને સમય ભલે ગમે એવા હોય, તમે સતત તમારી જાતને કૉન્શિયસલી યાદ અપાવતા રહો કે હું ખુશ છું. હૅપીનેસને જો યાદ કરો તો તમે ઑટોમેટિકલી હૅપી થઈ જાઓ છો. મોસ્ટ ઑફ ધ ટાઇમ, આપણે પાસ્ટ અથવા ફ્યુચરના વિચારો કરીને જાતને સ્ટ્રેસમાં અને ટેન્શનમાં રાખતા હોઈએ છીએ. એવા સમયે વર્તમાનમાં માઇન્ડને આપવામાં આવતું ‘આઇ ઍમ હૅપી’ અથવા ‘આઇ ઍમ બ્લેસ્ડ’નું રિમાઇન્ડર ખરેખર મિરૅકલ પરિણામ આપી શકે એમ છે

- મોહિત મલિક

columnists