મોત આએગી, આએગી એક દિન જાન જાની હૈ, જાએગી એક દિન

30 July, 2021 01:53 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

શંકર-જયકિશન પૈકીના જયકિશન પંચાલની હાજરીમાં રેકૉર્ડિંગ થયું હોય એવું આ છેલ્લું ગીત. આ ગીત રેકૉર્ડ કર્યા પછી જયકિશનને લિવર સિરૉસિસ થયું અને તેમને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા. જોકે એ પછી તેઓ ક્યારેય ઊભા ન થઈ શક્યા

રાજેશ ખન્નાના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે જે ફિલ્મમાં હીરો મરે એ ફિલ્મને ઑડિયન્સ વધાવી લે, સુપરહિટ કરી નાખે

મરીને ક્યાં જવાનું હોય?

આ એક સવાલમાંથી આપણી વાત શરૂ થઈ અને ફિલ્મ ‘અંદાઝ’ના સુપરહિટ ગીત ‘ઝિન્દગી એક સફર હૈ સુહાના...’ની ચર્ચા શરૂ કરી. ગીતકાર હસરત જયપુરીના શબ્દોને શંકર-જયકિશને બહુ સરસ રીતે કમ્પોઝ કર્યા અને કિશોરકુમારે ગીતને ચાર ચાંદ લગાડી દીધા. હા, કિશોરકુમારે, કારણ કે ફિલ્મમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનું વર્ઝન પણ છે અને એમાં પણ આશા ભોસલેવાળું સૉન્ગ તો બાકાયદા આખું સૉન્ગ છે, જ્યારે મોહમ્મદ રફીવાળું વર્ઝન ટુકડે-ટુકડે આવે છે. ગયા વીકમાં રહી ગયેલી એક વાત કહીને આપણે આ ટૉપિકને પૂરો કરીએ, પણ એ પહેલાં આ એક અગત્યનો કિસ્સો.

‘અંદાઝ’ના આ સૉન્ગમાં જે ‘યુડલી યુડલી ઉહૂ...’વાળી યુડલી કિશોરકુમારે પોતાની જાતે ઉમેરી હતી અને શંકર-જયકિશનને સારી લાગી એટલે તેમણે કમ્પોઝિશનમાં એને લઈ પણ લીધી. આ ‘યુડલી યુડલી ઉહૂ...’ને કારણે સૉન્ગનો આખો ટેમ્પો ચેન્જ થાય છે. પહેલેથી ગીત થોડું ફાસ્ટ હતું જ, પણ આ ‘યુડલી યુડલી ઉહૂ...’ને લીધે સૉન્ગની રફતારમાં ગજબનાક ચેન્જ આવ્યો અને સૉન્ગ ઘણું ફાસ્ટ થઈ ગયું. જીવન જીવી લેતા એક માણસની જીવન જીવવા માટેની જે ઝડપ હોય એ ઝડપ આ સૉન્ગમાં પણ એ યુડલીને લીધે ઉમેરાઈ જતી હતી. યુડલીમાં કિશોરકુમારની માસ્ટરી રહી છે જે કહેવાની જરૂર પણ નથી.

નૅચરલી, શંકર-જયકિશને હા પાડી દીધી અને સૉન્ગ રેકૉર્ડ થઈ ગયું; પણ સાહેબ, પછી પ્રૉબ્લેમ આવ્યો ઍક્ટરોને.

રાજેશ ખન્નાની એક વાત કહું તમને. રાજેશ ખન્નાના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે જે ફિલ્મમાં હીરો મરે એ ફિલ્મને ઑડિયન્સ વધાવી લે, સુપરહિટ કરી નાખે. ‘આનંદ’માં રાજેશ ખન્ના છેલ્લે મરે છે અને ફિલ્મ સુપરહિટ થઈ ગઈ હતી. ૧૯૬૯થી ૧૯૭૧ના ગાળામાં રાજેશ ખન્નાએ એકધારી સત્તર સુપરહિટ ફિલ્મો આપી હતી. એવા સમયે પંદર મિનિટના રોલ માટે શું કામ કાકા ફિલ્મના પોસ્ટરમાં પોતાનો ફોટો છપાવીને ફિલ્મને ઍડ્વાન્ટેજ આપે?

કાકાએ ઍડ્વાન્ટેજ આપ્યો, માત્ર એક કારણે. તેમણે મરવાનું હતું અને મરો તો ફિલ્મ સુપરહિટ થાય. મનમાં આ વાત હતી. અફકોર્સ, સ્ટોરી સારી હતી અને સિપ્પી ફિલ્મ્સ સાથે કામ કરવાનું હતું એટલે રાજેશ ખન્નાએ પંદર મિનિટના રોલ માટે હા પાડી અને રેસ્ટ ઇઝ હિસ્ટરી, જે ઘડવાનું કામ ‘ઝિન્દગી એક સફર હૈ સુહાના...’ સૉન્ગ કરી ગયું.

હવે આવીએ પેલા ‘યુડલી યુડલી ઉહૂ...’ પર. એ જે રીતે રેકૉર્ડ થયું હતું એ જોઈને રાજેશ ખન્નાએ ના પાડી દીધી કે પોતે એ યુડલી કૅમેરા સામે કરે તો ખરાબ લાગે. માનવામાં ન આવતું હોય તો તમે પોતે એ યુડલી એક વખત મોટેથી કરીને જુઓ. તમારો ફેસ જોવા જેવો થશે અને એ જોવા જેવો ફેસ બનાવવા ઍક્ટર તૈયાર નહોતા એટલે રમેશ સિપ્પીએ શૂટ જ એ પ્રકારે આખું ગીત કર્યું જેમાં એ યુડલી આવે ત્યારે રાજેશ ખન્નાનો ચહેરો દેખાય નહીં અને પાસિંગ શૉટ્સ જ સ્ક્રીન પર જોવા મળે.

એવું જ બન્યું હેમા માલિની સાથે. હેમા માલિની ગાય છે એ આશા ભોસલેવાળું વર્ઝન ફિલ્મમાં ત્યારે આવે છે જ્યારે તે એટલે કે શીતલ વિડો બની ગઈ છે. રાજેશ ખન્ના સાથે તેને પ્રેમ છે. બન્ને મૅરેજ કરે છે અને પછી રાજેશ ખન્ના એટલે કે રાજથી તેને એક દીકરો થાય છે અને પછી રાજનું મૃત્યુ થાય છે. શીતલ અને તેના દીકરાને રાજની ફૅમિલી સ્વીકારવા તૈયાર નથી એટલે બન્ને પોતાની રીતે એકલા રહીને લાઇફને આગળ વધારે છે. મા-દીકરો એકલા છે અને ઘરમાં રાજનું ફેવરિટ સૉન્ગ, કહો કે રાજની ફિલૉસૉફી દેખાડતું આ સૉન્ગ મા પોતે દીકરાને તૈયાર કરતાં-કરતાં ગાય છે. એ વર્ઝન એટલે આશા ભોસલેવાળું વર્ઝન. આશા ભોસલે એ પણ ‘યુડલી યુડલી ઉહૂ...’ પોતાના ગીતમાં લીધું, પણ મોહમ્મદ રફીએ એ કરવાની ના પાડી દીધી હતી એટલે તેમના સૉન્ગમાં કિશોરકુમારના અવાજમાં રેકૉર્ડ થયેલો યુડલી મૂકવામાં આવ્યો હતો. જોકે અત્યારે એ વાત મહત્ત્વની નથી. વાત મહત્ત્વની છે આશા ભોસલેના યુડલી અને હેમા માલિનીના એ યુડલી સમયના એક્સપ્રેશન્સની.

હેમા માલિનીએ પણ એ યુડલી લિપ્સિંગમાં લેવાની ના પાડી. એ સિચ્યુએશન પણ એવી નહોતી જેમાં તમે પાસિંગ શૉટ્સ કે બીજા કોઈ શૉટ્સ સ્ક્રીન પર દેખાડી શકો. સૉન્ગ શૂટ કરવાનું હતું એના ચોવીસ કલાક પહેલાં હેમા માલિનીએ ના પાડી એટલે રમેશ સિપ્પીએ વધુ એક દિવસનો ગૅપ લીધો અને આખું સૉન્ગ મનમાં બેસાડ્યું અને પછી એ શૂટ કર્યું, જેમાં યુડલી સમયે એક પણ વખત હેમા માલિની સ્ક્રીન પર જોવા મળતાં નથી. તેણે કોરિયોગ્રાફી જ એવી સેટ કરી કે યુડલી આવે ત્યારે દરેક વખતે એવું જ બને કે હેમા માલિનીની પીઠ જ સ્ક્રીન તરફ હોય અને ઑડિયન્સને દેખાય નહીં કે આ સમયે લિપ્સિંગ નથી થતું.

‘ઝિન્દગી એક સફર હૈ સુહાના...’ સૉન્ગ સાથે જોડાયેલા એક અફસોસની વાત પણ કરવી જોઈએ. મ્યુઝિક ડિરેક્ટર શંકર-જયકિશને અઢળક હિટ સૉન્ગ્સ આપણને આપ્યાં, પણ એ યાત્રા પૂરી થઈ આ ગીતની સાથે. હા, શંકર-જયકિશન પૈકીના જયકિશન પંચાલે રેકૉર્ડ કરેલું આ છેલ્લું સૉન્ગ. એ રેકૉર્ડિંગના થોડા સમય પછી જયકિશનને લિવર સિરૉસિસને કારણે હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા, જ્યાં તેમનો દેહાંત થયો. બહુ ઓછા લોકોને ખબર હશે કે શંકર-જયકિશન પૈકીના જયકિશન પંચાલ ગુજરાતી હતા. તેમનો જન્મ નવસારી જિલ્લાના વાંસદામાં થયો હતો અને વાંસદામાં જ તેઓ લાંબો સમય રહ્યા અને પછી કરીઅર બનાવવા માટે મુંબઈ શિફ્ટ થયા. ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘દિલ અપના ઔર પ્રીત પરાયી’, ‘પ્રોફેસર’, ‘બ્રહ્મચારી’, ‘મેરા નામ જોકર’ જેવી અઢળક ફિલ્મોને સુપરહિટ કરવામાં તેમનું મ્યુઝિક મહત્ત્વનો રોલ કરી ગયું હતું. જયકિશન પંચાલને ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અઢળક યાદો અને તેમણે જ સંગીતબદ્ધ કરેલા ગીતની લાઇન સાથે અલવિદા...

મોત આએગી, આએગી એક દિન

જાન જાની હૈ, જાએગી એક દિન

ઐસી બાતોં સે ક્યા ઘબરાના

યહાં કલ ક્યા હો કિસને જાના...

columnists