યૂં હી કટ જાએગા સફર, સાથ ચલને સે

27 May, 2022 03:39 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘હમ હૈં રાહી પ્યાર કે’નું આ પિકનિક-સૉન્ગ હકીકતમાં તો ગીતકાર સમીરે ક્યારનું લખી લીધું હતું અને નદીમ-શ્રવણે એ પોતાની સાથે રાખી લીધું હતું, પણ આઠ ફિલ્મોમાં રિજેક્ટ થયા પછી મહેશ ભટ્ટે સૉન્ગ સાંભળ્યું અને એકઝાટકે હા પાડી દીધી

યૂં હી કટ જાએગા સફર, સાથ ચલને સે

કહે છેને ‘દાને દાને પે ખાનેવાલા કા નામ.’ એવું જ ગીતમાં પણ હોતું હશે. ‘હમ હૈં રાહી પ્યાર કે’નું આ પિકનિક-સૉન્ગ હકીકતમાં તો ગીતકાર સમીરે ક્યારનું લખી લીધું હતું અને નદીમ-શ્રવણે એ પોતાની સાથે રાખી લીધું હતું, પણ આઠ ફિલ્મોમાં રિજેક્ટ થયા પછી મહેશ ભટ્ટે સૉન્ગ સાંભળ્યું અને એકઝાટકે હા પાડી દીધી

આપણે વાત કરીએ છીએ બાળકોની અને બાળકોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘હમ હૈં રાહી પ્યાર કે’ની. બાળકોની માનસિકતા સમજવામાં બહુ સારી રીતે મદદરૂપ થાય એવી આ ફિલ્મ છે. જો તમે એને લેસન તરીકે જુઓ તો આ ફિલ્મ તમને સમજાવશે કે બાળકો સાથે કેવી રીતે રહેવું અને કેવી રીતે તેને સમજાવવાં કે પછી તેમનો ઉછેર કરવો. ફિલ્મમાં વાત ત્રણ બાળકોની છે, જેનાં માતાપિતા ઍક્સિડન્ટમાં ગુજરી જાય છે. હવે તેમની આગળ-પાછળ કોઈ છે નહીં એટલે એ બચ્ચાંઓની જવાબદારી આવી જાય છે મામા પર. મામા કંસ નથી, પણ મામા સિરિયસ છે. તેને કામ સિવાય કશું સૂઝતું નથી અને એટલે જ મામાને બચ્ચાંઓ સાથે ટ્યુનિંગ બનતું નથી. મામાનો કોઈ વાંક પણ નથી, કારણ કે મામા પોતે સિરિયસ વાતાવરણ વચ્ચે જ મોટા થયા છે અને એ વાતાવરણને ભૂલીને પણ મામા પોતાની બહેનનાં આ ત્રણ બચ્ચાંઓને સરસ રીતે સાચવવાની કોશિશ કરે છે. મામા એ બાળકોને હિસ્ટરીની વાતો કરે, મ્યુઝિયમ લઈ જાય અને ફિલ્મો જોવા પણ લઈ જાય, પરંતુ એ દરેક જગ્યાએ ડિસિપ્લિન સાથે રહેવાનું. મામા જ્યારે આ બધું કરે છે ત્યારે તેને પેલા સૉન્ગના શબ્દો ખબર નથી.
યૂં હી કટ જાએગા સફર, સાથ ચલને સે
કે મંઝિલ આયેગી નઝર, સાથ ચલને સે
મામા અને બચ્ચાંઓની લાઇફમાં જૂહી ચાવલા આવે છે અને જૂહી ચાવલા બધાની લાઇફ ચેન્જ કરી નાખે છે. આ જ વાત કહેતી ફિલ્મમાં આમ તો આ પિકનિક-સૉન્ગ છે પણ લાઇફની સાથે પણ આ સૉન્ગ એટલું જ અસરકારક છે. હું તો કહીશ કે આ સૉન્ગની ફિલોસૉફીને જીવનમાં અપનાવવા જેવી છે. ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સામે મુશ્કેલી આવી જાય અને એની જીતના એક નહીં, પણ બબ્બે રસ્તા ઊભા થાય. પહેલો રસ્તો, બસ એમ જ સમય પસાર થઈ જવા દો અને બીજો રસ્તો, સાથે રહીને આગળ વધતા રહો અને સાથોસાથ સમય પણ પસાર થવા દો.
સંગાથ. ગુજરાતીના બહુ ઓછા શબ્દોમાં સાથે હોવાનો અહેસાસ છે અને એવો જ આ શબ્દ છે, જેમાં સાથે હોવાનો અનુભવ પણ છે. આ જ શબ્દ અંગ્રેજીમાં પણ બહુ સરસ છે, ટુગેધરનેસ. તમે આ શબ્દને છૂટો પાડો તો તમને એનો ભાવાર્થ સમજાશે. ટૂ એટલે કે બે અને ગેધર એટલે કે એકત્રિત થવું કે ભેગું કરવું. કેટલી સરસ વાત છે, કેવી સરસ ફીલિંગ્સ છે. સાથે હોવાનો અનુભવ જ તમારો થાક ઓછો કરી નાખે, તકલીફની તીવ્રતાને ઘટાડી દે અને લાગણીઓ વચ્ચે મુશ્કેલીની પીડા પણ ઘટી જાય. 
હમ હૈં રાહી પ્યાર કે, ચલના અપના કામ
પલ ભર મેં હો જાયેગી, હર મુશ્કિલ આસાન
હૌસલા ના હારેંગે, હમ તો બાઝી મારેંગે
યૂં હી કટ જાયેગા સફર, સાથ ચલને સે
કે મંઝિલ આયેગી નઝર, સાથ ચલને સે
નદીમ-શ્રવણનું મ્યુઝિક અને સમીરના શબ્દો. આમિર ખાન, જૂહી ચાવલા અને ત્રણ બચ્ચાંઓનો સંગાથ. આ ગીતમાં જેટલી મોકળાશથી જૂહી ચાવલા બાળકો સાથે ડાન્સ કરે છે એ જોઈને હંમેશાં મારા ચહેરા પર સ્માઇલ આવે. આવો ડાન્સ ત્યારે જ શક્ય બને જ્યારે તમે તમારી અંદરના પેલા મોટા માણસને દૂર ધકેલી દો અને તમારી અંદરના બચ્ચાને બહાર લાવો. મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જૂહી ચાવલાને જ્યારે કોરિયોગ્રાફર ડાન્સ સમજાવતા હતા ત્યારે એ બધું સમજી લીધા અને શીખી લીધા પછી પણ તેણે શૂટિંગ વખતે તો પોતાને મન પડે એવો જ ડાન્સ કર્યો. અમને કોઈને ખબર નહોતી, કોરિયોગ્રાફર તો શૉટ કટ કરવાની તૈયારીમાં હતા, પણ મેં જ તેને રોક્યા. ઍક્ચ્યુઅલી, મારા મનમાં જે વાત નહોતી એ વાત જૂહી સ્ક્રીન પર લાવતી હતી. કોઈ ક્ષોભ નહીં, સંકોચ નહીં, કોઈ શેહ નહીં કે શરમ નહીં અને કોઈ જાતનો આડંબર નહીં અને જે ડાન્સ અમે વિચાર્યો પણ નહોતો એ જૂહીનો ડાન્સ અમે ફિલ્મમાં રાખ્યો. આ આખી વાતની ખબર પડ્યા પછી તો મને એ ડાન્સ બહુ ગમવા માંડ્યો અને હું કહીશ કે એવો ડાન્સ જો તમે પણ તમારા બાળક સાથે કરી શકો તો માનજો કે તમારું પેરન્ટિંગ યથાર્થ પુરવાર થાય છે.’
કેહતી હૈ વાદિયાં, બદલેગા મૌસમ
ના કોઈ પરવાહ હૈ, ખુશિયાં હો યા ગમ
આંધિયોં સે ખેલેંગે, દર્દ સારે ઝેલેંગે
યૂં હી કટ જાયેગા સફર, સાથ ચલને સે
કે મંઝિલ આયેગી નઝર, સાથ ચલને સે
કહે છેને, ‘દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ.’ એવું જ ગીતનું હોય છે. આ ગીત સમીરે લખ્યું અને નદીમ-શ્રવણે એ ગીત પોતાની પાસે રાખી લીધું, પણ તેમને એ ગીત માટે કોઈ જગ્યા નહોતી મળતી. લગભગ આઠેક ફિલ્મો પસાર થઈ ગઈ, પણ ક્યાંય વાત બને નહીં. કાં તો ફિલ્મમાં સિચુએશન ન હોય અને જો સિચુએશન મુજબ ચેન્જ કરવા નદીમ-શ્રવણ અને સમીર તૈયાર હોય તો ડિરેક્ટર રાજી ન હોય. આ દિવસોમાં મહેશ ભટ્ટને ટી-સિરીઝ સાથે બહુ સારો ઘરોબો હતો અને આમિર ખાન પણ મહેશ ભટ્ટ સાથે કામ કરવા માટે તૈયાર રહેતો. તમારે જોવું હોય તો જુઓ તમે ૯૦ના દસકામાં આમિર ખાને મહેશ ભટ્ટ સાથે બે સુપરહિટ ફિલ્મ આપી. એ પછી આ બન્નેને સાથે લેવા માટે બધા પ્રોડ્યુસર તૈયાર હતા, પણ મહેશ ભટ્ટે જ ના પાડી દીધી. ભટ્ટસાહેબે તો એક ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું છે કે આમિર સાથે કામ કરવાનો મારો અનુભવ સારો નથી રહ્યો. હકીકતમાં આમિરમાં રહેલો પેલો મેથડ ઍક્ટર સતત કચકચ કરતો હોય એવું બધાને લાગ્યા કરતું અને એમાં આમિરનો પણ વાંક નથી. પોતે જે કામ કરે છે એ કામ કેવું દેખાવાનું છે કે પછી પોતે જે કામ કરે છે એ કામ હન્ડ્રેડ પર્સન્ટ બેસ્ટ દેખાય એ જોવાનું કામ ઍક્ટર કરે તો ખોટું શું? અલબત્ત, આપણે માટે અત્યારે આ મુદ્દો છે નહીં એટલે આપણે આપણા ટૉપિક પર પાછા આવીએ.
મહેશ ભટ્ટે આમિર ખાનને ‘હમ હૈં રાહી પ્યાર કે’ની સ્ટોરી સંભળાવી અને આમિરે ફિલ્મ કરવાની હા પાડી દીધી. ટી-સિરીઝ પણ રેડી હતું એટલે નદીમ-શ્રવણને ત્યાં મ્યુઝિક માટે સીટિંગ શરૂ થઈ. બધાં સૉન્ગ ફાઇનલ થઈ ગયાં, પણ આ પિકનિકવાળું સૉન્ગ તેમને મળે નહીં, જે સાંભળે એમાં મજા આવે નહીં. બધા રાતે ૧૧ વાગ્યે ઊભા થવાની તૈયારીમાં હતા અને ત્યાં જ નદીમને યાદ આવ્યું ગીત...
‘યૂં હી કટ જાએગા સફર, સાથ ચલને સે
કે મંઝિલ આયેગી નઝર, સાથ ચલને સે
અંતરો સાંભળ્યો, મુખડું સાંભળ્યું અને ભટ્ટસાહેબ રેડી. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આ ગીતને ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ કહે છે, પણ ગીતમાં ફિલ્મનું ટાઇટલ ‘હમ હૈં રાહી પ્યાર કે’ અને એને લગતા જે બધા શબ્દો હતા એ રેકૉર્ડિંગ સમયે એટલે કે ગીત તૈયાર થાય એના બે કલાક પહેલાં સમીરસાહેબે ઉમેર્યા અને મહેશ ભટ્ટે એ સાંભળીને અપ્રૂવલ પણ આપી દીધી. એ શબ્દો એટલે આ બે લાઇન.
હમ હૈં રાહી પ્યાર કે, ચલના અપના કામ
પલભર મેં હો જાએગી, હર મુશ્કિલ આસાન
અલકા યાજ્ઞિક અને કુમાર સાનુએ ગાયેલું આ ગીત સાંભળવા કરતાં એક વાર એ જોજો. ગીતના શબ્દોની જે તાકાત છે એ જ પૉઝિટિવ એનર્જી સાથે એ ગીત સ્ક્રીન પર દેખાય છે અને આવાં સૉન્ગ ભાગ્યે જ બનતાં હોય છે. ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે બાળકોને મોટાં કરવાની બાબતમાં શું ધ્યાન રાખવું અને ગીત જોશો તો ખબર પડશે કે બાળકોને ખુશ રાખવા કેવાં થઈને રહેવું.

જૂહી ચાવલાએ કોરિયોગ્રાફર પાસે ડાન્સનાં સ્ટેપ્સ સમજી લીધાં, પણ તેણે શૂટિંગ વખતે પોતાના મનમાં હતો એવો જ ડાન્સ કર્યો. ડિરેક્ટરને ખબર પણ નહોતી. કોરિયોગ્રાફર તો શૉટ કટ કરવાની તૈયારીમાં હતા, પણ મહેશ ભટ્ટે તેને રોક્યા. ઍક્ચ્યુઅલી, ભટ્ટસાહેબને આવો જ ડાન્સ જોઈતો હતો. ક્ષોભ નહીં, સંકોચ નહીં. શેહ નહીં, શરમ નહીં અને કોઈ જાતનો આડંબર પણ નહીં.

columnists