જંગલ જંગલ બાત ચલી હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ

13 May, 2022 11:08 AM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

નેવુંના દસકામાં જ્યારે નાના હતા ત્યારે ‘જંગલ બુક’ની પેન્સિલ કે ઇરેઝર મળી જાય તો એવું લાગતું જાણે સ્વર્ગ મળી ગયું અને એમાં પણ જો ‘જંગલ બુક’નાં લેબલ મળી જાય તો-તો સ્કૂલ જવાનો ઉત્સાહ જ બેવડાઈ જાય

નાનપણનું એ ફૂલ આજે પણ મનમાં અકબંધ છે. એ યાદો અને એ યાદો સાથે જોડાયેલી એકેક ચીજ. ‘જંગલ બુક’નાં સ્ટિકર મળી જાય તો આપણી છાતી ગજગજ ફૂલતી. લેબલ આવતાં, સ્કૂલ-બુક પર લગાડવાનાં.

‘જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ
અરે ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ, ફૂલ ખિલા હૈ...
આજે પણ જ્યારે આ ગીત ક્યાંય પણ કાને અથડાઈ જાય ત્યારે ચહેરા પર સ્માઇલ આવી જાય છે. આમ તો હવે આ ગીત સંભળાતું નથી એટલે એ ક્યાંય સાંભળવા મળે એવી શક્યતા નહીંવત્ છે, પણ હા, ક્યારેક અચાનક જ મનમાં આવી જાય અને રવિવારના દિવસે તો એ અચૂક યાદ આવે જ આવે. યાદ પણ આવે અને યાદ આવે એટલે હોઠ પર પણ એ આવે. ૯૦ના દસકામાં આપણા દેશના એકેક બાળકનું આ ફેવરિટ સૉન્ગ હતું. સન્ડેની રાહ મન્ડેથી જોવાતી અને શનિવારની રાતે તો ઊંઘમાં પણ આ જ ગીત વાગતું. સાવ સાચું કહું તો આ ગીતના જે શબ્દોનો પ્રભાવ હતો એની એ ઉંમરે ખબર નહોતી પડી, પણ જેમ-જેમ મોટા થયા, લિટરેચરમાં રસ પડવાનો શરૂ થયો અને શબ્દોની તાકાત ઓળખાવી શરૂ થઈ કે સમજાયું કે ગુલઝારસાહેબે કેવા અદ્ભુત શબ્દો આપ્યા છે. ‘ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ...’ બચપણની આનાથી શ્રેષ્ઠ વ્યાખ્યા બીજી કોઈ હોઈ જ ન શકે, નાનપણનું આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ મળી જ ન શકે.
રવિવારની સવાર થતા સુધીમાં તો બધા ટીવી સામે ગોઠવાઈ જાય. પહેલાં બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી હતાં અને એ ટીવી સામે ગોઠવાયા પછી આખો દિવસ એક જ ગીત હોઠ પર રહે. હસતાં-કૂદતાં, ખાતાં-પીતાં, રમતાં-લડતાં માત્ર ને માત્ર એક જ સૉન્ગ, ‘જંગલ જંગલ બાત ચલી હૈ...’
મને ખાતરી છે કે અત્યારે, આ સમયે પણ અડધોઅડધ લોકોના મનમાં આ ગીત વાગવા માંડ્યું હશે અને એ ચિરપરિચિત અવાજ પણ કાનમાં વાગતો થઈ ગયો હશે, પણ એ સમયે જે સવાલ નહોતો થયો એ સવાલ અત્યારે તમને પૂછવાનું મન થાય છે. જરા વિચારો, આ સૉન્ગના એ સમયના એટલે કે ઓરિજિનલ વર્ઝનમાં કોનો અવાજ હતો? અફકોર્સ કોઈ મોટાનો અવાજ નહોતો. એ રિયલમાં નાના બાળકનો જ અવાજ હતો, પણ એ અવાજ એવો તો પૉપ્યુલર થયો હતો કે ૯૦ના દસકામાં એ અવાજ નેશન ઑફ ધ વૉઇસ બની ગયો હતો. સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે એ અવાજ કયા સિંગરનો હતો અથવા તો કયા સિંગર-સન કે ડૉટરનો હતો?
અમોલ સહદેવ. હા, એ અવાજ અમોલ સહદેવનો હતો. આ વાંચતાં-વાંચતાં આંગળીના ટેરવામાં સળવળાટ થવા માંડે કે જોઈએ તો ખરા કે આ ભાઈએ આઠ વર્ષની ઉંમરે તો બ્યુટિફુલ સૉન્ગ ગાયું, પણ હવે એ શું ગાય છે, બીજા કયાં કયાં ગીતો તેણે ગાયાં તો તમને અટકાવીને કહેવાનું કે બહુ તસ્દી ન લેતા, એ મહાશય હવે પ્રોફેશનલ સિંગર નથી રહ્યા. હા, આઠ વર્ષની ઉંમરે ‘જંગલ બુક’નું ટાઇટલ-સૉન્ગ ગાયા પછી અમોલભાઈ ભણવામાં એવા તો પડી ગયા કે ટેન્થમાં દિલ્હી બોર્ડમાં ટૉપ હન્ડ્રેડમાં પ્રથમ આવ્યા અને એ પછી તેમણે કમ્યુનિકેશન ફીલ્ડમાં માસ્ટર્સ કર્યું અને અત્યારે તેઓ તાતા કમ્યુનિકેશનમાં જૉબ કરે છે. ચાલીસેક વર્ષની ઉંમરના આ મહાશયે પોતાની યુવા અવસ્થામાં અનુ કપૂરના ઝી-ટીવીના શો અંતાક્ષરીમાં ભાગ લીધેલો અને સેકન્ડ આવ્યા હતા. હજી પણ તેઓ ગાય છે, પણ હવે માત્ર મનોરંજન માટે ગાય છે. થોડા સમય પહેલાં આવેલી અક્ષયકુમાર અને નિમ્રિત કૌરની ફિલ્મ ‘ઍરલિફ્ટ’માં અરિજિતનું એક સૉન્ગ બહુ પૉપ્યુલર થયું હતું.
‘તેનુ ઇતના મૈં પ્યાર કરાં, એક પલ વિચ સૌ બાર કરાં...’
આ ગીત અમોલ સહદેવ પાસે પણ ગવડાવવામાં આવ્યું હતું. ફિલ્મમાં અરિજિત અને અમોલ બન્નેનું ગીત રાખવાનું હતું, પણ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ અરિજિતે ગાયેલું સૉન્ગનું વર્ઝન એવું તો પૉપ્યુલર થયું કે નૅચરલી પ્રોડ્યુસરે અમોલના વર્ઝનને રિલીઝ ન કર્યું, પણ મુદ્દો અત્યારે એ છે જ નહીં, મુદ્દો છે ‘જંગલ બુક’ના ટાઇટલ સૉન્ગનો અને અમોલ એ ગીતથી દેશભરમાં જબરદસ્ત પૉપ્યુલર થયો અને તેને પૉપ્યુલર કરવાનું કામ ગુલઝારસાહેબની લાઇન્સ કરી ગયું એ સ્વીકારવું જ રહ્યું.
ગુલઝારસાહેબની લાઇન્સ વાંચો તમે એક વાર.
‘એક પરિંદા હો શર્મિંદા, 
થા વો નંગા 
ઇસ સે તો વો અંડે કે અંદર 
થા વો ચંગા.
સોચ રહા હૈ બાહિર આખિર
ક્યોં નિકલ આયા...’
    દરેકેદરેક બાળકો સાથે આ વાત લાગુ પડે છે અને એ જ વાત ૯૦ના દસકામાં આપણી સાથે પણ લાગુ પડતી હતી. ત્યારે, જ્યારે આ શબ્દો પહેલી વાર સાંભળતા હતા ત્યારે એની તાકાત સમજાતી નહોતી અને આજે જ્યારે તાકાત સમજાય છે ત્યારે પરિસ્થિતિ સાવ જ વિપરીત થઈ ગઈ છે. હવે પાછા જવું છે, પણ જીવનનો એ પહોર થઈ ગયો છે જ્યાંથી સાવ પાછા જવાની દિશા શરૂ થતી હોય છે.
ગુલઝાર અને ડિઝની વચ્ચે એક કૉમન વાત છે. તેમના શબ્દો, તેમનું રાઇટિંગ હોય મોટાઓ માટેનું અને એનું ફલક હોય બાળકો માટેનું. ડિઝનીની ફિલ્મો તમે જુઓ, બધું રાઇટિંગ ઍડલ્ટ્સને અનુલક્ષીને હોય અને તો પણ એ બાળકોને ગમે, ગમે અને ગમે જ. ગુલઝારસાહેબની કલમમાં પણ આ જ તાકાત છે. તેઓ લખે બાળકો માટેનાં સૉન્ગ્સ, પણ એ લખાતાં હોય મોટા માટે. તમે તેમનાં તમામ બાળગીતો એક વાર વાંચી જાઓ, તમને સમજાશે કે તેમના પર ખરેખર કુદરતના હજારો હાથ છે.
તેમણે શું લખ્યું છે ‘જંગલ બુક’ના ટાઇટલ-ટ્રૅકના ઉપર કહ્યો એ અંતરામાં. આજે દરેકેદરેક માણસને મનમાં એમ જ થતું હોય છે કે મેં જન્મ શું કેમ લીધો, આ પૃથ્વી પર આપણે શું કામ આવ્યા. આવી કોઈ આવશ્યકતા હતી જ નહીં અને એ સાચું જ છેને. જો આપણે ન આવ્યા હોત તો આ દુનિયાને કોઈ ફરક પડવાનો નહોતો, એ એમ જ ચાલતી હોત, જેમ અત્યારે ચાલે છે અને એ એટલી જ અધૂરી હોત જેટલી આપણી હયાતીમાં અધૂરી છે. ઍનીવેઝ, વાત અત્યારે મારી અને તમારી નથી. વાત અત્યારે ‘જંગલ બુક’ની છે, જે ‘જંગલ બુક’ જોવા માટે આપણે રીતસર તડપતા હતા. મને આજે પણ યાદ છે કે ઘરે લાઇટ ન હોય તો પપ્પાઓએ દીકરાને લઈને પોતાનાં સગાંવહાલાંઓને ત્યાં ભાગવું પડતું અને એ પણ યાદ છે કે તમારા ઘરે આ સિરિયલ જોવા માટે દર રવિવારે એવાં બાળકોનું ટોળું થઈ જતું જેના ઘરે ટીવી નહોતું.
‘ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ...’
નાનપણનું એ ફૂલ આજે પણ મનમાં અકબંધ છે. એ યાદો અને એ યાદો સાથે જોડાયેલી એકેક ચીજો. ‘જંગલ બુક’નાં સ્ટિકર મળી જાય તો આપણી છાતી ગજગજ ફૂલતી. લેબલ આવતાં, સ્કૂલ-બુક્સ પર લગાડવાનાં. આજના આ ડિજિટલ યુગમાં બચ્ચાંઓએ એ લેબલ જોયાં પણ નહીં હોય, પરંતુ મેં અને તમે એ લેબલની પણ મજા લીધી છે. ‘જંગલ બુક’નાં લેબલ બુક પર લગાડ્યાં હોય એ દિવસથી સ્કૂલ જવાની તાલાવેલી જાગતી. ‘જંગલ બુક’ની પેન્સિલ પણ મળતી અને ‘જંગલ બુક’નું ઇરેઝર પણ મળતું. એ સમયે મર્ચન્ડાઇઝની દુનિયામાં કૉપી રાઇટ્સની બહુ લપ નહોતી અને ઇન્ટરનેટને કારણે દુનિયા હજી ગામડું નહોતી બની એટલે આરામથી કોઈ પણ કંઈ પણ બનાવી શકતું. ‘જંગલ બુક’ આપણી હતી. એના પર કોઈના હક નહોતા અને કોઈના હક નહોતા એટલે જ એનો માલિકી ભાવ દર્શાવતી વખતે પણ છાતી વેંત મોટી થઈ જતી.
વાત પૂરી કરતાં પહેલાં એક વાત કહી દઉં. ‘જંગલ બુક’નું ટાઇટલ સૉન્ગ હંમેશાં લોકપ્રિય રહ્યું છે અને એણે બીજાને પણ લોકપ્રિય કર્યાં છે. હમણાં થોડાં વર્ષો પહેલાં ‘જંગલ બુક’ ફિલ્મ આવી ત્યારે એ ફિલ્મમાં આપણા બધાનું ફેવરિટ ટાઇટલ સૉન્ગ જિયા વાડેકરે ગાયું. જિયા સુરેશ વાડેકરે અને એ પણ જબરદસ્ત પૉપ્યુલર થયું.

નાનપણનું એ ફૂલ આજે પણ મનમાં અકબંધ છે. એ યાદો અને એ યાદો સાથે જોડાયેલી એકેક ચીજ. ‘જંગલ બુક’નાં સ્ટિકર મળી જાય તો આપણી છાતી ગજગજ ફૂલતી. લેબલ આવતાં, સ્કૂલ-બુક પર લગાડવાનાં. 

columnists