બીટલ્સની બેઠ્ઠી નકલ અને અનાયાસ ભાંડો ફૂટવો

05 August, 2022 06:00 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

અનુ મલિક અતિશય બિઝી હતા એટલે એક સૉન્ગ માટે હવે તેઓ સમય કાઢી શકે એમ નહોતા, પણ મુકેશ ભટ્ટને ભારેખમ વાતાવરણ વચ્ચે એક સૉન્ગ ઍડ કરવું હતું એ પણ નક્કી હતું

બીટલ્સની બેઠ્ઠી નકલ અને અનાયાસ ભાંડો ફૂટવો

આઇકૉનિક ફોટોની વાત પછી આપણે ફરી આવી જઈએ એ જ ટૉપિક પર જેને કારણે આ આખી ગાથા શરૂ થઈ હતી, બૅન્ડ બીટલ્સ. બીટલ્સે અનેક ગીતો એવાં આપ્યાં જે ચિરંજીવ બની ગયાં. આજે પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શૉર્ટ્સમાં બૅકગ્રાઉન્ડમાં આ બીટલ્સનાં ગીતો વાગતાં હોય છે. અફસોસની વાત એ છે કે એ ગીતોની દીવાની કહેવાય એવી યંગ જનરેશન આ બીટલ્સ બૅન્ડ વિશે ખાસ કંઈ જાણતી નહોતી. બે વીક પહેલાંના શુક્રવારના બીટલ્સના પહેલા આર્ટિકલ પછી ઘણા લોકોએ મેઇલ કરીને મને કહ્યું કે બીટલ્સની એવી વાતો અમને ખબર પડી જેના વિશે અમને કંઈ ખબર જ નહોતી, પણ હકીકત એ છે કે બીટલ્સની એ વાતો ઇન્ટરનેટ પર ઑલરેડી હતી જ, આપણે એ જાણવાની તસ્દી લીધી નહોતી. આપણે ઘણું જાણવાની તસ્દી નથી લેતા એટલે બને એવું પણ છે કે આ જ બધા દિગ્ગજોની ટ્યુનની બેઠ્ઠી નકલ કરીને આપણી સામે મૂકી દેવામાં આવે છે અને આપણે એ નકલ કરનારાઓ પર ઓવારી જઈએ છીએ.
બીટલ્સના એક પૉપ્યુલર સૉન્ગની બેઠ્ઠી નકલ અનુ મલિકે કરી હતી, હા, અનુ મલિકે. અનુ મલિકે આપણને અદ્ભુત કહેવાય એવી ટ્યુન પણ આપી છે, જે આજે પણ આપણે સાંભળીએ તો આપણાં એકેક રૂંવાડાં ઊભાં થઈ જાય અને આપણે સિંદબાદની જેમ સોળેસોળ હજાર વહાણ ઓવારી જઈએ, પણ તેમણે જ નકલ પણ કરી છે એ વાત પર તેમનાં ૧૬,૦૦૦ વહાણ લઈ લેવાનું મન થઈ જાય.

બીટલ્સના ગીતની જે ફિલ્મમાં ઉઠાંતરી કરી એ ફિલ્મ એટલે ‘જાનમ’. વિક્રમ ભટ્ટ ડિરેક્ટર. ૧૯૯૨માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાહુલ રૉય, પૂજા ભટ્ટ, પરેશ રાવલ અને વિક્રમ ગોખલે હતાં. ફિલ્મ ટિપિકલ નાઇન્ટીઝની ફિલ્મ જેવી જ ફિલ્મ હતી. અમીરી અને ગરીબી વચ્ચેનો જંગ અને આ જંગમાં આવતો પ્રેમ. અમીરની દીકરી અને ગરીબનો દીકરો. આખી ફિલ્મ તૈયાર થઈ ગઈ, પણ ફિલ્મમાં એક જગ્યા એવી હતી જ્યાં વચ્ચે લાઇટનેસ એટલે કે હળવાશ આપવી જરૂરી લાગી. આપણામાંથી મોટા ભાગના લોકો એ વાત સ્વીકારશે કે વિક્રમ ભટ્ટ, મહેશ ભટ્ટની ફિલ્મનું મ્યુઝિક સુપરહિટ હોય છે. કર્ણપ્રિય ગીત અને અર્થસભર લિરિક્સ, પણ આપણે એ નથી જાણતા કે આનું મોટા ભાગનું શ્રેય જો કોઈને જવું જોઈએ તો એ મુકેશ ભટ્ટને. હા, મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટની મ્યુઝિક-સેન્સ ગજબનાક છે અને એટલે જ મ્યુઝિક-ડિરેક્ટર સાથે જ્યારે પણ મીટિંગ કરવાની આવે ત્યારે મુકેશ ભટ્ટ અચૂક ત્યાં હાજર રહે. 
આ બન્ને ભાઈઓનું ટ્યુનિંગ પણ અદ્ભુત છે. એક ભાઈએ માત્ર ઍડ્મિનિસ્ટ્રેશન પર જ ધ્યાન આપ્યું, તો બીજા ભાઈએ માત્ર અને માત્ર ક્રીએટિવિટીને પકડી રાખી. બેમાંથી કોઈ એકબીજાના કામમાં ચંચુપાત ન કરે. તેમની આ જે ખાસિયત છે એને જો આપણે સ્વીકારીએ તો વિચાર કરો કેવી સરસ સ્ટ્રેન્ગ્થ ઊભી થઈ શકે, પણ આપણે મોટા ભાગે ઇગો-વૉરમાં જ પાછળ પડીએ છીએ. ઇગો-વૉર જો છૂટે તો કેવું સરસ રિઝલ્ટ લાવી શકીએ એનું બેસ્ટ એક્ઝામ્પલ વિશેષ ફિલ્મ્સ છે. ઍનીવેઝ, ‘જાનમ’ની વાત કરીએ.

હળવાશ આપવાના હેતુથી એક ગીત ઉમેરવાની વાત થઈ. સાવ છેલ્લે-છેલ્લે અને એ સમયે અનુ મલિક બીજા કામ પર લાગી ગયા હતા. હતું એમાં એવું કે એકધારી ત્રીસેક મિનિટ સુધી ભારેખમ સીન ફિલ્મમાં ચાલતા હતા અને એ દરમ્યાન હીરો-હિરોઇન બિલકુલ ગાયબ હતાં. મુકેશ ભટ્ટે સિચુએશન ઊભી કરી અને એ સિચુએશન મુજબ ગીત તૈયાર કરવાનું નક્કી થયું. તમને કહ્યું એમ, એ સમયે અનુભાઈ બિઝી એટલે તેમણે અનિચ્છા દર્શાવતાં કહી દીધું કે સૉન્ગ ઉમેરવાની એવી કોઈ આવશ્યકતા નથી, પણ મુકેશ ભટ્ટ પોતાની વાત પકડીને બેસી રહ્યા. અનુ મલિક પાસે બે જ ઑપ્શન હતા. એક, એવું કહી દે કે ગીત કોઈ બીજા પાસે કમ્પોઝ કરાવી લો અને બીજું, પોતે સમય કાઢે, અને સમય તો તેમની પાસે હતો નહીં.
અનુ મલિકે સરળ રસ્તો શોધી કાઢ્યો. 

થોડા સમય પહેલાં જ ઇંગ્લૅન્ડથી પાછા આવેલા અનુ મલિક ત્યાંથી ઘણું બધું મ્યુઝિક લાવ્યા હતા. એમાં બીટલ્સનાં આલબમ પણ હતાં અને એ દિવસોમાં અનુભાઈ બીટલ્સનાં જ ગીતો સાંભળતા હતા. તેમણે રીતસર એ આલબમમાંથી એક સૉન્ગ બહાર કાઢ્યું. ટેમ્પો અને રિધમમાં નામ પૂરતો ચેન્જ કર્યો અને એ ચેન્જ પણ કેવો તો કહે, ઇન્ડિયનાઇઝ કરવાનો. એ સિવાય બીજો કોઈ ચેન્જ નહીં. બસ, તેમણે રફ સ્ક્રેચ તૈયાર કરીને આપી દીધો મુકેશભાઈને અને મુકેશભાઈએ અપ્રૂવ કરી નાખ્યો.
હવે એ સ્ક્રૅચ પહોંચ્યો ગીતકાર ફૈઝ અનવર પાસે. ફૈઝે મુખડું લખ્યું,

પાગલપન છા ગયા
દિલ તુમપે આ ગયા
રોકા મૈંને બહુત
પર યહ ન માના
દિલ હી તો હૈ...’

આ ફૈઝસાહેબની ઓળખાણ આપું. તેમણે ૯૦ના દસકામાં પુષ્કળ કામ કર્યું અને એ પછી તેમણે ‘દબંગ’ અને ‘રાઉડી રાઠૌર’નાં ગીતો લખ્યાં, પણ નેટવર્કમાં ખાસ ધ્યાન આપે નહીં એટલે ફૈઝસાહેબ ધીમે-ધીમે ભુલાતા ગયા. તેમનાં ગીતોમાં સાદગી હોય. ઉર્દૂ જબાન પણ એ ગીતોને ભારેખમ બનાવે નહીં અને એનો પુરાવો છે હમણાં કહી એ બન્ને ફિલ્મો. ફૈઝસાહેબને જે સ્ક્રૅચ મળ્યો હતો એના પર કામ ચાલુ થયું અને બે દિવસમાં તો ફાઇનલ લિરિક્સ પણ હાથમાં આવી ગયા.

અનુ મલિકે અનુરાધા પૌડવાલ અને એ સમયે બહુ ચાલેલા વિપિન સચદેવાને બોલાવીને સૉન્ગ રેકૉર્ડ પણ કરી લીધું અને બીજા વીકે તો શૂટિંગ પણ પૂરું થઈ ગયું. કોઈના ધ્યાનમાં જ નહીં કે આ ગીત બીટલ્સના એક સૉન્ગની બેઠ્ઠી નકલ છે. શૂટ પૂરું થયું અને ફિલ્મનું એડિટિંગ પણ પૂરું થયું. ધ્યાનથી સમજજો, હજી સુધી કોઈને ખબર નથી કે એ ગીત છે એ બેઠ્ઠી ઉઠાંતરી છે. બધા એમ જ આગળ વધતા રહ્યા અને એક દિવસ એવો આવ્યો કે અનુસાહેબનો ભાંડો ફૂટ્યો. એ ફૂટ્યો પણ કેવી રીતે એ ઇન્ટરેસ્ટિંગ છે.
પૂજા ભટ્ટનો બર્થ-ડે આવ્યો અને એ બર્થ-ડે પર તેને ઘણી ગિફ્ટ્સ આવી. આ ગિફ્ટ્સમાં બીટલ્સનું એ જ આલબમ હતું જેમાંથી પેલું ગીત ચોરવામાં આવ્યું હતું. આ ગિફ્ટ બીજા કોઈએ નહીં, પણ આમિર ખાને જ મોકલાવી હતી. બન્ને વચ્ચે ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’ની રિલેશનશિપ તો હતી જ. પૂજા પણ મ્યુઝિકની શોખીન એ વાતની આમિરને ખબર એટલે આમિરે ઇન્ડિયામાં નહીં મળતું બીટલ્સનું આ આલબમ અને બીજાં પણ કેટલાંક મ્યુઝિક આલબમ મોકલ્યાં, પણ કહે છેને કે કરમની કઠણાઈ.

પૂજા ભટ્ટે સૌથી પહેલું બીટલ્સનું જ આલબમ ખોલ્યું અને એમાં એ જ સૉન્ગ સાંભળ્યું જે બિલકુલ પોતાની ફિલ્મ ‘જાનમ’ના સૉન્ગ જેવું જ હતું. પૂજા ભટ્ટે તાત્કાલિક જાણ કરી પપ્પાને અને એ રીતે આખી વાતની યુનિટમાં ખબર પડી ગઈ, પણ ફરી એ જ, કરમની કઠણાઈ. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું હતું અને એમાં આ જ ગીતને પ્રમોટ કરવામાં આવતું હતું. જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થઈ અને ફિલ્મ ઊતરી નહીં ત્યાં સુધી બધેબધા ભગવાનને એક જ પ્રાર્થના કરતા હતા કે બીટલ્સ સુધી આ વાત પહોંચે નહીં અને એ ઇંગ્લૅન્ડની કોર્ટમાં કેસ દાખલ કરે નહીં! 

અનુ મલિકે અનુરાધા પૌડવાલ અને એ સમયે બહુ ચાલેલા વિપિન સચદેવાને બોલાવીને સૉન્ગ રેકૉર્ડ પણ કરી લીધું અને બીજા વીકે તો શૂટિંગ પણ પૂરું થઈ ગયું. કોઈના ધ્યાનમાં જ નહીં કે આ ગીત બીટલ્સના એક સૉન્ગની બેઠ્ઠી નકલ છે. શૂટ પૂરું થયું અને ફિલ્મનું એડિટિંગ પણ પૂરું થયું અને એ દિવસ આવ્યો જે દિવસે અનુસાહેબનો ભાંડો ફૂટ્યો.

columnists