મિટ્ટી કી હૈ જો ખુશબૂ, તૂ કૈસે ભુલાયેગા

12 August, 2022 06:00 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

નાસામાં જૉબ કરતા શાહરુખ ખાનને દેશથી એવી વિચિત્ર ઍલર્જી છે જે તે વર્ણવી શકતો નથી. તેણે પોતાના ગામ આવવું પડે છે અને હવે તેના મનમાં એક જ વાત છે કે જલદી પાછા જવું, પણ અહીં તેને ગાયત્રી જોશી માટે લાગણી છે. એક તરફ વિદેશનો મોહ છે અને બીજી તરફ પ્રેમ પણ છે.

મિટ્ટી કી હૈ જો ખુશબૂ, તૂ કૈસે ભુલાયેગા

આશુતોષ ગોવારીકરની સૌથી અન્ડરરેટેડ ફિલ્મ જો કોઈ હોય તો એ ‘સ્વદેશ’ છે. આ ફિલ્મને કારણે મારા જેવા અનેક એવા યંગસ્ટર્સ કાયમ માટે આ દેશમાં રહી ગયા. જો જોઈ ન હોય તો એક વખત જોઈ લેજો. બૉક્સ-ઑફિસ પર ઍવરેજ રહેલી આ ફિલ્મ આજે પણ ગૂસ-બમ્પ્સ લાવી દે એવી તાકાત ધરાવે છે

આઝાદી પર્વને આમ તો હજી બે દિવસની વાર છે, સોમવારે એ આવશે પણ ખબર નહીં કેમ, અચાનક જ મનમાં એને માટેનો માહોલ બનવા માંડ્યો છે. રાષ્ટ્રધ્વજ લહેરાતા પણ દેખાવા લાગ્યા છે અને આઝાદી કે પછી સ્વાતંત્ર સંગ્રામને લગતાં ગીતો પણ સંભળાવા માંડ્યાં છે. જો એ તમામ ગીતોમાં મારું કોઈ ફેવરિટ સૉન્ગ હોય તો એ છે ‘મેરા રંગ બસંતી ચોલા... ’પણ આ સૉન્ગ આજના સમયમાં કદાચ અનેક લોકોને રિલેટ ન થાય એવું બની શકે. એક તબક્કે મને પણ એ રિલેટ નહોતું થતું. એક ગીત મને બહુ રિલેટ થતું હતું. રિલેટ થતાં એ સૉન્ગની જ આજે આપણે વાત કરવી છે.
ફિલ્મનું નામ ‘સ્વદેશ’, ડિરેક્ટર આશુતોષ ગોવારીકર, મ્યુઝિક-ડિરેક્ટર એ. આર. રહમાન અને ગીતકાર જાવેદ અખ્તર. શાહરુખ ખાન અને ગાયત્રી જોશીની આ ફિલ્મ માટે હું કહીશ કે આશુતોષ ગોવારીકરની આ એવી ફિલ્મ જે આજ સુધી સૌથી અન્ડરરેટેડ રહી છે. ‘સ્વદેશ’ તમે આજે પણ જુઓ તો એ આજે પણ તમારાં રૂંવાડાં ઊભાં કરી દે. આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ જે હતી એ કહું. એ યંગસ્ટર્સ માટે હતી.
દેશ છોડીને ફૉરેન જવા માગતા યંગસ્ટર્સ આ ફિલ્મ સાથે બહુ પ્રૉપર રીતે કનેક્ટ થતા હતા. હવે આ ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ કહું. આ ફિલ્મ યંગસ્ટર્સ માટેની હતી! હા, જે એનો પ્લસ પૉઇન્ટ હતો અને એ જ એનો માઇનસ પૉઇન્ટ પણ બન્યો. યંગસ્ટર્સ ‘સ્વદેશ’ સાથે જબરદસ્ત કનેક્ટ થયા, પણ માત્ર યંગસ્ટર્સ જ થયા, એ સિવાયના લોકોને ફિલ્મની વાત ગળે ઊતરી નહીં, જેને લીધે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ કે પછી કહો કે ફિલ્મને નબળો રિસ્પૉન્સ મળ્યો. આ તો થઈ જનરલ વાત. હવે વાત કરીએ મારી.
‘સ્વદેશ’ રિલીઝ થઈ એ પહેલાંની જરા વાત કરું. એ સમયે મને મનમાં હતું કે ફૉરેન થઈને સેટ થઈ જવું જોઈએ. ખબર નહીં કેમ, પણ સતત એવું મનમાં રહ્યા કરે કે ઇન્ડિયામાં કંઈ દાટ્યું નથી, અહીં કંઈ ઉકાળી લેવાનું નથી. બહેતર છે કે ફૉરેન ચાલ્યા જઈએ અને ત્યાં સરસમજાની નોકરી કરીને ડૉલર કે પાઉન્ડ કમાઈએ. આ જ ટૉપિક પર મનોજ જોષી અત્યારે સરસમજાની સિરીઝ ‘મોહ વિદેશનો’ એ સિરિયલ લખી જ રહ્યા છે એટલે એના પર વધારે વાત કરવાને બદલે પર્સનલ વાત કરું.
એ દિવસોમાં બહુ સહજ રીતે અને સરળતા સાથે ફૉરેનના વિચારો મનમાં બહુ ચાલતા અને આછીઅમસ્તી તપાસ પણ કરી હતી કે ફૉરેન સેટ થવું હોય તો શું કરવું જોઈએ. બહુ બેઝિક કહેવાય એવી એ તપાસ હતી, પણ તપાસ કરી હતી એ એકદમ સાચું અને આ જ દિવસોમાં ‘સ્વદેશ’ રિલીઝ થઈ. 
મૅટર એન્ડ.
બધી તપાસ પડતી મૂકીને આ જ દેશને કર્મભૂમિ બનાવવાનું નક્કી કરી લીધું અને એ પણ એક જ ગીતના આધારે...
‘યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા
તુઝે હૈ પુકારા...
યે વો બંધન હૈ, જો કભી ટૂટ નહીં સકતા
મિટ્ટી કી હૈ જો ખુશબૂ, તૂ કૈસે ભુલાયેગા
તૂ ચાહે કહીં જાએ, તૂ લૌટ કે આયેગા...’
જાવેદ અખ્તરના આ શબ્દોમાં જે તાકાત છે એ તાકાત તેને જ સમજાય જે પોતાના વતનથી દૂર હોય. જે મૉન્સૂનમાં માટીની સુગંધ નથી માણી શકતું, દિવાળીની રજામાં એકબીજાને ‘સાલમુબારક’ નથી કહી શકતું કે પછી નથી એકબીજાના ચહેરા પર ધુળેટીના રંગ લગાડી શકતું. દેશની યાદ કેવી હોય, વતનપ્રેમ કેવો હોય એ જાણવો હોય, સમજવો હોય કે પછી અનુભવવો હોય તો તમારે એક વાર દેશ છોડીને બીજે રહેવાનું શરૂ કરવું પડે. વાટકી લઈને ખાંડ માગવા આવતા પાડોશી તમને અમેરિકા કે કૅનેડામાં જોવા નથી મળતા. તાવ આવ્યો હોય અને તબિયત જોવા આવે એવા પાડોશીઓ પણ તમને વિદેશમાં જોવા નથી મળતા અને એવા પાડોશી પણ તમને વિદેશમાં જોવા નથી મળતા જે પ્રેમ અને લાગણીથી તમારી સામે સવારે સ્મિત કરે. આ જે લાગણી છે, લાગણીની જે હૂંફ છે અને પ્રેમ છે એ તમને સ્વદેશમાં જ જોવા મળે અને એ જ વાતને ‘સ્વદેશ’માં પણ દેખાડવામાં આવી હતી અને બહુ અસરકારક રીતે દેખાડવામાં આવી હતી.
‘નઇ નઇ રાહોં મેં
દબી દબી આહોં મેં
ખોએ ખોએ દિલ સે તેરે, કોઈ યે કહેગા
યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા
તુઝે હૈ પુકારા...’
નાસામાં જૉબ કરતા શાહરુખ ખાનને દેશથી એવી વિચિત્ર ઍલર્જી છે જે તે વર્ણવી શકતો નથી. તેણે પોતાના ગામ આવવું પડે છે અને હવે તેના મનમાં એક જ વાત છે કે જલદી પાછા જવું, પણ અહીં તેને ગાયત્રી જોશી માટે લાગણી થાય છે. એક તરફ વિદેશનો મોહ છે અને બીજી તરફ પ્રેમ પણ છે. શાહરુખ વિદેશના મોહમાં આગળ વધી જાય છે અને ફરી પાછો પોતાની ડ્યુટી પર લાગી જાય છે. ફરી પાછા અમેરિકા જઈ, નાસાની પોતાની નોકરી જૉઇન કર્યા પછી હવે અહીં તેને સતત પોતાનું વતન, પોતાનું ગામ યાદ આવે છે અને એ પણ એકધારું યાદ આવે છે. ગામથી માંડીને ત્યાંની વાતો, ગર્લફ્રેન્ડ, ઉઘાડા પગે ચાલવાની મજા અને ઠંડીગાર નદીના પાણીનો સ્પર્શ પણ તેને યાદ આવ્યા કરે છે અને એ દરમ્યાન બૅકગ્રાઉન્ડમાં આ ગીત વાગ્યા કરે છે.
શાહરુખ ખાન પહેલી વખત કૅરૅક્ટરમાં છે. એ સતત મૂંઝવણમાં છે કે શું કરે. અહીં પૈસો છે, સમૃદ્ધિ છે અને ત્યાં, સ્વદેશમાં લાગણી છે, પ્રેમ છે. કોની સાથે રહેવું જોઈએ અને શું કામ રહેવું જોઈએ. સાહેબ, જાવેદ અખ્તરે એટલી સાદગીથી આ વાત કરી છે કે તમે કલ્પના પણ ન કરી શકો. એટલી સરળતાથી પોતાની વાત કહી છે કે તમે વિચારી પણ ન શકો. માત્ર જાવેદ અખ્તર જ શું કામ. એ. આર. રહમાનની પણ વાત કરવી જ પડે અને કહેવું જ પડે કે રહેમાને જરા પણ એવું નથી દેખાડ્યું કે મ્યુઝિક મહત્ત્વનું છે. ના, જરા પણ નહીં. આ સૉન્ગમાં તેણે મ્યુઝિકને એટલું સહજ રહેવા દીધું છે કે તમારે નાછૂટકે કહેવું પડે કે રહેમાન આ જ કારણે લેજન્ડ છે. તેને પોતાની વાહવાહીની પડી નથી, તેને શબ્દોની વૅલ્યુ છે અને એ વૅલ્યુ છે કે તમારે કહેવું જ પડે કે રહેમાન સર, યુ આર ગ્રેટ.

જાવેદ અખ્તરના શબ્દો સાથે જ આજની વાત પૂરી કરીએ. ફ્રેન્ક્લી સ્પીકિંગ, અત્યારે આ ગીત ચાલુ છે અને આંખમાં આંસુ છે. હું અનેક એવા લોકોને ઓળખું છું જેમણે આ ગીતના આધારે વિદેશ છોડી દીધું છે અને એ પણ હસતા મોઢે, પરંતુ એ બધી વાત કરીશું પછી. અત્યારે વાત કરીએ, જાવેદ અખ્તરના શબ્દોની.
‘તુઝ સે ઝિંદગી, હૈ યે કહ રહી
સબ તો પા લિયા
અબ હૈ ક્યા કમી,
યું તો સારે સુખ જો બરસે
સારે સુખ જો બરસે
પર દૂર તૂ હૈ
અપને ઘર સે
આ લૌટ ચલ તૂ અબ દીવાને
જહાં કોઈ તો તુઝે અપના માને
આવાઝ દે તુઝે બુલાને, વહી દેશ...
યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા
તુઝે હૈ પુકારા...’

columnists Shah Rukh Khan swades