ગમ કા બાદલ જો છાએ તો હમ મુસ્કરાતે રહે અપની આંખોં મેં, આશાઓં કે દીપ જલાતે રહે

10 February, 2023 06:05 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘મિસ્ટર ઇન્ડિયા’ માટે આ સૉન્ગ ગાવાની કિશોરકુમારે કેવા સંજોગોમાં હા પાડી એ જાણશો તો તમને પણ સમજાશે કે કોઈ પણ કામ માટે કેવી શિદ્દતથી પાછળ પડેલા રહેવું જોઈએ

ગમ કા બાદલ જો છાએ તો હમ મુસ્કરાતે રહે અપની આંખોં મેં, આશાઓં કે દીપ જલાતે રહે

‘ઝિંદગી કી યહી રીત હૈ...’ સૉન્ગ સૌથી પહેલું મોહમ્મદ અઝીઝે ગાયું, પણ એ રિજેક્ટ થયું. એ પછી ટ્રાય કરવામાં આવી શબ્બીરકુમારની. શબ્બીરકુમારે પૂરી કોશિશ કરી કે તે કિશોરકુમાર જેવું જ ગાય, પણ કોઈ અસર દેખાઈ નહીં અને એ સૉન્ગ પણ રિજેક્ટ થયું અને એ પછી બે-ચાર બીજા સિંગર્સ ટ્રાય થયા, પણ...

‘ઝિંદગી કી યહી રીત હૈ,
હાર કે બાદ હી જીત હૈ
થોડે આંસુ હૈ, થોડી હંસી
આજ ગમ હૈ તો કલ હૈ ખુશી...’

આપણે વાત કરીએ છીએ કલ્ટ એવી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ અને એના મોસ્ટ પૉપ્યુલર, મોટિવેશનલ સૉન્ગ એવા આ ગીતની. તમને ખબર જ છે કે મ્યુઝિક લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું અને ગીતો લખ્યાં હતાં જાવેદ અખ્તરે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થયું અને બે ગીતનું રેકૉર્ડિંગ પણ થઈ ગયું. આ બે સૉન્ગ એટલે એક ‘કાટે નહીં કટતે યે દિન, યે રાત’ અને બીજું સૉન્ગ ‘કરતે હૈં હમ પ્યાર મિસ્ટર ઇન્ડિયા સે.’ આ આખી પ્રોસેસ ચાલતી હતી એ દરમ્યાન જાવેદ અખ્તરના મનમાં ‘ઝિંદગી કી યહી રીત હૈ’ના લિરિક્સ આવ્યા અને તેમણે આખું સૉન્ગ લખ્યું. જાવેદ અખ્તરે આ સૉન્ગ સૌથી પહેલાં ફિલ્મના હીરો અનિલ કપૂરને સંભળાવ્યું અને અનિલ કપૂર સૉન્ગ પર આફરીન થઈ ગયો. તેણે નક્કી કરી લીધું કે કંઈ પણ થાય, આ સૉન્ગ ફિલ્મમાં રાખવું જ રાખવું અને આ સૉન્ગ કિશોરકુમાર પાસે જ ગવડાવવું જોઈએ, પણ જુઓ તમે કેવી કફોડી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

એ જ દિવસોમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કિશોરકુમાર વચ્ચે કોઈ બાબતે મતભેદ થયા અને કિશોરકુમારે નક્કી કરી લીધું કે હવે તે લક્ષ્મી-પ્યારે માટે ગીતો નહીં ગાય. કિશોરકુમારનું તો તમને ખબર જ છે કે તેઓ સ્વભાવે સાવ નાના બાળક જેવા. જો તમારી સાથે બનતું હોય તો તેઓ તમને બધેબધું આપી દે, પણ જો તમારાથી નારાજ થયા તો પત્યું. નાના બાળકની જેમ રૂમમાં જઈને પોતાની રૂમ અંદરથી બંધ કરી દે.

લક્ષ્મીકાંત-પ્યારેલાલે તેમને મનાવવાની કોશિશ કરી, પણ કિશોરદા ભાવ જ ન આપે અને લક્ષ્મી-પ્યારે એ દિવસોમાં એટલા વ્યસ્ત કે તેઓ વધારે સમય આપી શકે એમ નહોતા. એ બન્ને તો લાગી ગયા ફરી પોતાના કામ પર. વાત આવી ‘મિસ્ટર ઇન્ડિયા’ના એ સૉન્ગના રેકૉર્ડિંગની, જેની આપણે વાત કરીએ છીએ. 

કિશોરકુમારે ના પાડી દીધી એટલે લક્ષ્મી-પ્યારેએ વાત કરી અનિલ કપૂર અને બોની કપૂર સાથે કે આ સૉન્ગ માટે આપણે બીજા કોઈ સિંગરને લઈએ, પણ એને માટે અનિલ કપૂર તૈયાર નહીં. તેણે ના પાડી, પણ મ્યુઝિક-ડિરેક્ટરે તેને મહામહેનતે સમજાવ્યો કે આપણે બીજા કોઈને ટ્રાય તો કરીએ અને ટ્રાય કરવામાં પણ આવી.

‘ઝિંદગી કી યહી રીત હૈ’ સૉન્ગ સૌથી પહેલું ગાયું મોહમ્મદ અઝીઝે અને આ ટ્રાયલ હતી એટલે અઝીઝ પાસે સેડ વર્ઝન ગવડાવવામાં આવ્યું, પણ અનિલ કપૂરે (અને જાવેદ અખ્તરે પણ) એ રિજેક્ટ કરી નાખ્યું. ક્યાં ધી લેજન્ડ કિશોરકુમાર અને ક્યાં મોહમ્મદ અઝીઝ. એ પછી ટ્રાય કરવામાં આવી શબ્બીરકુમારની. શબ્બીરકુમારે પૂરી કોશિશ કરી કે તે કિશોરકુમાર જેવું જ ગાય, પણ કોઈ અસર દેખાઈ નહીં અને એ સૉન્ગ પણ રિજેક્ટ થયું. એ પછી તો બીજા બે-ચાર જાણીતા સિંગરને ટ્રાય કરવામાં આવી, પણ બધાનાં વર્ઝન રિજેક્ટ કરવામાં આવ્યાં. એક તબક્કે તો એવો પણ વિચાર કરવામાં આવ્યો કે આ આખું સૉન્ગ ફીમેલ વર્ઝનમાં રેકૉર્ડ કરીએ અને એ નક્કી કર્યા પછી લક્ષ્મીકાંત-પ્યારેલાલે સૉન્ગનાં બન્ને વર્ઝન એટલે કે હૅપી અને સેડ એ બન્ને વર્ઝન કવિતા કૃષ્ણમૂર્તિ પાસે ગવડાવ્યાં પણ ખરાં. એ વર્ઝન બધાને બહુ ગમ્યાં. અનિલ કપૂર ખુશ હતો, પણ એને માટે ના પાડી દીધી સલીમ-જાવેદે!

જો આ વર્ઝન વાપરવું હોય તો સ્ટોરીમાં થોડો ચેન્જ કરવો પડે એમ હતું. સ્ક્રીન પર તમારે અનિલ કપૂરની મમ્મી કે પછી એવું કોઈ ફીમેલ કૅરૅક્ટર લાવવું પડે જેના પર આ સૉન્ગનું પિક્ચરાઇઝેશન થાય. જો એવું થાય તો જ સૉન્ગને જસ્ટિફિકેશન મળે, પણ એને માટે અનિલ કપૂરની મા દેખાડવી પડે, જે શક્ય નહોતું. કારણ કે પહેલેથી એવું એસ્ટૅબ્લિશ્ડ કરવામાં આવ્યું હતું કે અનિલ કપૂર અનાથ છે. જો તેની મા દેખાડીએ તો ફરીથી સ્ટોરીમાં નવા ટર્ન લાવવા પડે અને એવું કરો તો ફિલ્મની લેંગ્થ મોટી થાય. મજાની વાત એ હતી કે ફિલ્મ આમ પણ લાંબી જ હતી.

કવિતા કૃષ્ણમૂર્તિવાળા વર્ઝનને ડ્રૉપ કરવા માટે પણ કોઈ તૈયાર નહોતું એટલે ફાઇનલી નક્કી થયું કે એ સેડ વર્ઝન વાપરવું જે શ્રીદેવી પર ફિલ્માવી શકાય, પણ પ્રશ્ન એ તો ઊભો જ હતો કે અનિલ કપૂરવાળા વર્ઝનનું શું?

બધા રસ્તા વપરાઈ ગયા એટલે કિશોરદાને મનાવવાનું કામ અનિલ કપૂરે પોતાના હાથમાં લીધું અને તે એ કામ પર લાગી ગયો. વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહી દઉં કે આગળ જેટલા પણ સિંગર્સે આ સૉન્ગ ગાયાં એ બધાંને પૂરું પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને આવાં જ કેટલાંક કારણસર આ ફિલ્મ એ સમયની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ હતી. ઍનીવેઝ, અનિલ કપૂરે કિશોરકુમારને ફોન કર્યો. કિશોરદાએ પણ શાંતિથી વાત કરી, પણ વાત જેવી લક્ષ્મીકાંત-પ્યારેલાલના મ્યુઝિકમાં સૉન્ગ ગાવાની આવી એટલે કિશોરદાએ ફોન કટ કરી નાખ્યો. 
આ એક્સપેક્ટેડ જ હતું.

અઢળક ફોન પછી પણ કિશોરકુમાર ફોન પર આવ્યા નહીં એટલે અનિલ કપૂર તેમના બંગલે રૂબરૂ ગયો અને તમે માનશો નહીં, કિશોરકુમારે આ ટૉપિક પર વાત કરવાની કે મળવાની ના પાડી દીધી! 

અનિલ કપૂરને કિશોરદાના સ્વભાવની ખબર જ હતી એટલે તેણે પણ બાળક જેવી જીદ દેખાડવાનું શરૂ કર્યું અને સતત ૬ મહિના સુધી તે દરરોજ કિશોરદાના ઘરની બહાર ગાડી પાર્ક કરીને ઊભો રહી જાય.

‘ગમ કા બાદલ જો છાએ તો હમ મુસ્કરાતે રહે
અપની આંખોં મેં, આશાઓં કે દીપ જલાતે રહે
આજ બિગડે તો કલ ફિર બને,
આજ રૂઠે તો કલ ફિર મને
વક્ત ભી જૈસે એક મીત હૈ
ઝિંદગી કી યહી રીત હૈ...’

એક સવારે કિશોરદાએ બાલ્કનીમાંથી અનિલ કપૂરને રાડ પાડીને પૂછ્યું, ‘ઊંઘ નથી આવતી?’ એટલે અનિલ કપૂરે પણ સરસ જવાબ આપ્યો,
‘બસ, આપ હા બોલો, યહીં ગાડી મેં સો જાઉંગા...’
કિશોરકુમાર ખડખડાટ હસી પડ્યા અને અનિલ કપૂરને મળવા તેઓ નીચે ગયા. એ વહેલી સવારે બન્નેએ સાઇકલ પર ચા લઈને નીકળતા પેલા મરાઠી ભૈયા પાસેથી ચા લીધી અને રસ્તા પર જ પીધી. કિશોરદાએ એ સમયે મિસ્ટર ઇન્ડિયાને એટલું કહ્યું કે ‘હું આ સૉન્ગ ગાઈ લઈશ, પણ મારી એક શરત છે...’
કિશોરકુમારે રાખેલી એ શરત સાંભળીને, સૉરી વાંચીને, ડેફિનેટલી તમે ખડખડાટ હસવાના છો, પણ એને માટે તમારે રાહ જોવી પડશે એક વીકની. મળીએ ત્યારે નેક્સ્ટ ફ્રાઇડે... સ્ટે ટ્યુન્ડ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists anil kapoor mr india kishore kumar