છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈં તુમ કહીં તો મિલોગે, તો પૂછેંગે હાલ

02 December, 2022 05:01 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

શૈલેન્દ્ર એક એવા ગીતકાર હતા કે તેમના મનમાં ચોવીસે કલાક ગીતો ચાલતાં રહેતાં. શંકર-જયકિશન પર આવેલા ગુસ્સા માટે તેમણે આ બે લાઇન લખી અને આપણને આ અદ્ભુત સૉન્ગ મળ્યું

રાજ કપૂર(ઉપર)ની સાથે ડાબેથી હસરત જયપુરી, જયકિશન, શંકર અને શૈલેન્દ્ર. તસવીર સૌજન્યઃ દિનેશ શૈલેન્દ્ર(ફેસબુક)

એકાદ વર્ષ પસાર થયું અને એક દિવસ શંકર-જયકિશને શૈલેન્દ્રને ફોન કરીને મ્યુઝિક-રૂમ પર આવવા કહ્યું. શૈલેન્દ્ર તો પહોંચ્યા મ્યુઝિક-રૂમ. શંકરે તેમને કહ્યું કે શૈલેન્દ્ર એક સૉન્ગનું મુખડું તૈયાર છે, તમારે હવે બાકીના અંતરા લખવાના છે.

તમે તમારા કામ પ્રત્યે કેટલા વફાદાર છો, કેટલા નિષ્ઠાવાન છો એ તમારી હરકતોથી, વર્તણૂકોથી ખબર પડે. જો હું કોઈ જેવું નિષ્ઠાવાન બનવાનું પસંદ કરું તો મારા એ લિસ્ટમાં સૌથી પહેલું નામ ગીતકાર શૈલેન્દ્રનું આવે.

શૈલેન્દ્રની એક વાત કહું તમને. તેઓ એક એવા ગીતકાર હતા કે તેમના મનમાં સૂર અને સંગીત ચોવીસ કલાક વહેતાં રહે. તેઓ નૉર્મલી પણ વાત કરતા હોય તો એમાંથી તમને પોએટ્રીની આછીસરખી સુગંધ આવ્યા વિના રહે નહીં અને એનું કારણ હતું. તેમના મનમાં બંદિશ વાગતી જ રહે અને વાગતી એ બંદિશ સાથે તેઓ પોતાના શબ્દો ગોઠવ્યા કરે. બૉલીવુડથી જે વાકેફ છે, ૫૦-૬૦ના દસકાના સંગીતથી જે જાણકાર છે તેમને ખબર છે કે શંકર-જયકિશન અને રાજ કપૂરના જો કોઈ ફેવરિટ ગીતકાર કોઈ હોય તો તે શૈલેન્દ્રજી, પણ આ શૈલેન્દ્રજી સાથે એક વખત બન્નેથી અજાણતાં જ અન્યાય થયો અને એ અન્યાયે આપણને એક અદ્ભુત ગીત આપ્યું. આજે આપણે એ ઘટના અને એ ઘટનાથી જન્મેલા સૉન્ગની જ વાત કરવાના છીએ.

એમાં બન્યું એવું કે ૧૯૬૨ના અરસામાં શંકર-જયકિશનને બોલાવીને રાજ કપૂરે કહ્યું કે આપણે એક ફિલ્મ બનાવીએ છીએ, જેનું મ્યુઝિક તમારે તૈયાર કરવાનું છે અને આપણે એ ફિલ્મમાં શૈલેન્દ્રને બદલે બીજા એક ગીતકારને ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. શંકર-જયકિશને હા પાડી, પણ તેઓ એ ભૂલી ગયા કે આજ સુધી તેમણે મૅક્સિમમ શૈલેન્દ્ર સાથે જ કામ કર્યું હતું અને આ ફિલ્મમાં હવે શૈલેન્દ્રને લેવાના નહોતા.

રાજ કપૂરની વિટંબણા પણ તમે જુઓ. તેમને ફૅમિલીમાંથી એક નામ આપવામાં આવ્યું હતું કે આ આપણા રિલેટિવ છે અને આ ગીતકારને બ્રેક આપવાનું પ્રૉમિસ અમે કરી ચૂક્યા છીએ. રાજ કપૂરે આર્ગ્યુમેન્ટ કરવાની કોશિશ કરી, પણ ફૅમિલી સામે વધારે કંઈ ચાલ્યું નહીં એટલે તેમણે ભારે મને હા પાડી દીધી અને શંકર-જયકિશનને પણ કહી દીધું. શંકર-જયકિશને પણ કામ શરૂ કરી દીધું અને કામ આગળ વધતું ગયું. શૈલેન્દ્ર તો પોતાનામાં બિઝી એટલે તેમને એવું કશું મનમાં પણ નહીં કે તેમની ટીમ તૂટી રહી છે, પણ કહે છેને કે રામ રાખે તેને કોણ ચાખે?
એક દિવસ શૈલેન્દ્રને બહારથી ખબર પડી કે રાજ કપૂર માટે શંકર-જયકિશન ફિલ્મ કરે છે અને એ ફિલ્મમાં ગીતકાર તરીકે કોઈ ત્રાહિતને લેવામાં આવ્યો છે. શૈલેન્દ્રને એવો કોઈ વાંધો નહોતો કે શંકર-જયકિશન કોઈ સાથે કામ ન કરે. એવું કોઈ આધિપત્ય તેઓ ધરાવતા પણ નહોતા, પણ તેમને ગુસ્સો એ વાતનો આવ્યો કે આ વાતની જાણ તેમને બહારથી થતી હતી.
ઉશ્કેરાયેલા શૈલેન્દ્ર તો નીકળ્યા ઘરેથી અને ટૅક્સી કરીને સીધા પહોંચ્યા શંકર-જયકિશનના સ્ટુડિયો પર, પણ આપણા બધાના સદ્નસીબે શંકર કે જયકિશન કોઈ સ્ટુડિયોમાં હાજર નહોતા. બન્ને બહાર મીટિંગ માટે ગયા હતા.

શૈલેન્દ્ર થોડી વાર ત્યાં બેઠા, પણ મગજ ફાટ-ફાટ થતું હતું એટલે તેમણે પ્યુન પાસે કાગળ અને પેન માગ્યાં. શંકર-જયકિશન માટે એક નાનકડી ચિઠ્ઠી લખી અને પ્યુનને એ આપીને તેઓ નીકળી ગયા. એ આખી સાંજ શૈલેન્દ્ર ચોપાટી પર રહ્યા. મગજ જરા શાંત પડ્યું એટલે તેઓ ઘરે આવ્યા. સમય પસાર થતો ગયો. શંકર-જયકિશન તેમને ચોખવટ કરવા માટે ફોન કરે, પણ શૈલેન્દ્ર ફોન પર આવે નહીં અને આમ જ વાત આગળ નીકળી ગઈ. શૈલેન્દ્રએ શંકર-જયકિશન સાથે બોલવાનું બંધ કરી દીધું.

એક દિવસ આ ઘટનાની ખબર રાજ કપૂરને પડી અને રાજસાહેબ શૉક્ડ થઈ ગયા. પોતાને કારણે આ આખી ઘટના બની હતી એ તો તેઓ સમજી જ ગયા. બે-ત્રણ વીક તેમણે લીધાં અને પછી એક દિવસ તેમણે સામેથી જ શૈલેન્દ્ર અને શંકર-જયકિશનને ગોરેગામ ચોપાટી પર આવેલી એક રેસ્ટોરાંમાં જમવા માટે બોલાવ્યા. 

રાજ કપૂર પર પણ શૈલેન્દ્રને ગુસ્સો તો હતો જ, પણ વધારે ગુસ્સો તેમને શંકર-જયકિશન પર હતો. શૈલેન્દ્ર એ બન્નેને પોતાના ભાઈથી પણ વિશેષ માનતા. બીજી વાત, રાજ કપૂરનું નામ એ સમયે ખૂબ આદરણીય ગણાતું એટલે રાજ કપૂર બોલાવે અને પોતે ન જાય એ તો ખરાબ કહેવાય એવું સમજીને ત્યાં પહોંચેલા શૈલેન્દ્રને એ નહોતી ખબર કે રાજસા’બે શંકર-જયકિશનને પણ ત્યાં બોલાવ્યા છે.

બધા મળ્યા અને શૈલેન્દ્રએ જરા પણ એવું વર્તન ન દાખવ્યું જેમાં શંકર-જયકિશને માફી માગવી પડે કે રાજ કપૂરે એ લોકોને એવું કહેવું પડે કે તમે લોકો બોલો, વાત કરો. બધા એવી જ રીતે વર્તતા હતા જાણે કશું બન્યું જ નથી. 

થોડી વાર સુધી ડ્રાફ્ટ બિયરની મજા લેવામાં આવી અને એ પછી રાજ કપૂરે પોતાના આ ફેવરિટ મ્યુઝિક-ડિરેક્ટર અને લિરિસિસ્ટ વચ્ચે અનાઉન્સમેન્ટ કરી કે હવેથી પોતે ફિલ્મો નથી બનાવવાના.

શંકર-જયકિશન અને શૈલેન્દ્ર હેબતાઈ ગયા. ત્રણેયના હોઠ પર એક જ પ્રશ્ન હતો.

‘કેમ?’
‘જબ આપ લોગ સાથ મેં કામ નહીં કરનેવાલે હૈં તો મૈં ફિલ્મ બનાકર ક્યા કરું?’

રાજ કપૂરના જવાબથી ત્રણેત્રણ એકબીજા સામે જોવા માંડ્યા અને પહેલ શંકરે કરી. શંકરે બન્ને હાથ ફેલાવ્યા અને શૈલેન્દ્ર કશું બોલ્યા વિના એ બન્ને હાથની વચ્ચે ચાલ્યા ગયા એટલે પછીથી જયકિશન પણ તેમને ભેટી પડ્યા.

વાત અહીં પૂરી નથી થઈ. રાજ કપૂરે એ જ મીટિંગમાં એવું પણ કહ્યું કે પોતે એ જે ફિલ્મ બનાવતા હતા એને પૅક-અપ કરી દીધી છે, મારે એવી રીતે કોઈ કામ નથી કરવું જેને લીધે મારા સાથીઓ નારાજ થાય.

એ પછી તો શૈલેન્દ્રએ પણ સામેથી કહ્યું કે એવું કશું રાખવાની જરૂર નથી. બીજી ચોખવટ અને ખુલાસા થયા, પણ રાજ કપૂર એકના બે ન થયા અને તેઓ પોતાના ડિસિઝન પર અડગ રહ્યા. ઘરેથી નીકળતી વખતે જ તેમણે બે નિર્ણય લઈ લીધા હતા; એક, આ ફિલ્મ કરવી નહીં અને બીજો નિર્ણય, ટીમના ભોગે કોઈને મદદ કરવા જવાનું નહીં. આર્થિક જરૂરિયાત હોય તો પૈસા મોકલી દેવાના, સાથીને જાકારો આપીને એ વ્યક્તિને ટીમમાં સમાવવો નહીં.

એ પછી રાજ કપૂર ક્યારેય ફૅમિલી પ્રેશર વચ્ચે આવ્યા નહીં અને ક્યારેય તેમણે પોતાની ટીમ છોડી નહીં. બહુ લાંબા સમયે તેમણે નાછૂટકે લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કામ કર્યું હતું. એ સંજોગો વિશે વાત ભવિષ્યમાં કરીશું, પણ અત્યારે ફરી પાછા આવીએ આપણે પેલી ચિઠ્ઠી પર. શૈલેન્દ્રએ જે ચિઠ્ઠી લખી હતી એ ચિઠ્ઠી શંકર-જયકિશને સાચવી રાખી હતી અને શંકર તો એ ચિઠ્ઠી પર આફરીન થઈ ગયા હતા. 

એકાદ વર્ષ પસાર થયું અને એક દિવસ શંકર-જયકિશને શૈલેન્દ્રને ફોન કરીને મ્યુઝિક-રૂમ પર આવવા કહ્યું. શૈલેન્દ્ર તો પહોંચ્યા મ્યુઝિક-રૂમ. શંકરે તેમને કહ્યું કે શૈલેન્દ્ર એક સૉન્ગનું મુખડું તૈયાર છે, તમારે હવે બાકીના અંતરા લખવાના છે.
શૈલેન્દ્ર વિચારમાં પડી ગયા કે શંકર કયા અંતરાની વાત કરે છે.

‘કૌન સે અંતરે કી બાત કરતે હૈં આપ?’
શંકરે કશું કહ્યા વિના જ એ અંતરો વગાડવાનું શરૂ કર્યું,
‘છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈં
તુમ કહીં તો મિલોગે, કભી તો મિલોગે
તો પૂછેંગે હાલ...’

આ એ જ લાઇન હતી જે શૈલેન્દ્રએ શંકર-જયકિશન પર ગુસ્સે થઈને લખી હતી અને પ્યુનને આપી હતી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists