માના કે યે જલવે તેરે, કર દેંગે મુઝે ‌દીવાના જી ભર કે ઝરા મૈં દેખૂં, અંદાઝ તેરા મસ્તાના

25 November, 2022 02:38 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

શમ્મીજીએ રફ સ્કેચ એવા સૉન્ગને સાંભળતાં-સાંભળતાં જ પોતાની આઇકૉનિક સ્ટાઇલથી ડાન્સ શરૂ કરી દીધો હતો

માના કે યે જલવે તેરે, કર દેંગે મુઝે ‌દીવાના જી ભર કે ઝરા મૈં દેખૂં, અંદાઝ તેરા મસ્તાના

‘કશ્મીર કી કલી’નું મ્યુઝિક શંકર-જયકિશન આપવાના હતા અને ઓ. પી. નૈયર હર્ટ થયા. તેમણે ગીતકાર એસ. એચ. બિહારી પાસે ગીત લખાવ્યું અને એ ગીત લઈને તેઓ પહોંચી ગયા શમ્મી કપૂર પાસે. શમ્મીજીએ રફ સ્કેચ એવા સૉન્ગને સાંભળતાં-સાંભળતાં જ પોતાની આઇકૉનિક સ્ટાઇલથી ડાન્સ શરૂ કરી દીધો હતો

શમ્મીજીએ પરમિશન આપી અને ઓ. પી. નૈયરે ‘તારીફ કરું ક્યા ઉસકી...’ ગીત શરૂ કર્યું. શમ્મીજીએ બીજી વાર ગીત સાંભળ્યું અને એ વખતે તેઓ એના પર ડાન્સ કરવા માંડ્યા. ગીત પૂરું થતા સુધીમાં તો શમ્મીજીએ નક્કી કરી લીધું કે ‘કશ્મીર કી કલી’નું મ્યુઝિક નૈયરસાહેબ જ આપશે.

કાશ્મીર સિરીઝનો આ છેલ્લો આર્ટિકલ છે. આમ તો આ જ વીકમાં સબ્જેક્ટ ચેન્જ કરવાનો હતો, પણ કેટલીક ઈ-મેઇલ એવી આવી કે તમે વાતની શરૂઆત ‘કશ્મીર કી કલી’ ફિલ્મના સૉન્ગથી કરી અને પછી એની વાત જ નથી કરી એટલે થયું કે શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરના ફૅન્સને પણ એ દુનિયા યાદ અપાવીને પછી નવી જર્ની શરૂ કરીએ.
જો મારી ભૂલ ન થતી હોય તો ‘કશ્મીર કી કલી’ પહેલી એવી ફિલ્મ છે જેમાં કાશ્મીર અને રોમૅન્સને જોડવામાં આવ્યાં અને એ પછી તો રીતસરની લાઇન લાગી ગઈ. કાશ્મીરમાં યશ ચોપડાએ પણ અનેક ફિલ્મો શૂટ કરી, પણ પછી આતંકવાદી પ્રવૃત્તિઓ વધી એટલે શૂટિંગ માટે પરમિશન મળતી બંધ થઈ ગઈ અને એ બંધ થઈ એટલે ચોપડા સ્વિટ્ઝરલૅન્ડ તો બીજા પ્રોડક્શન હાઉસ કૅમ્પ ફૉરેનના બીજા દેશોમાં જવા માંડ્યા અને કાશ્મીર ધીમે-ધીમે ભુલાવા માંડ્યું. અલબત્ત, એની બ્યુટી આજે પણ એવી જ અકબંધ છે અને હવે તો ગુજરાતી ફિલ્મો પણ કાશ્મીર જઈને શૂટ કરવા વિશે વિચારતી થઈ ગઈ છે તો ધર્મેશ મહેતાએ ‘જયસુખ ઝડપાયો’નું એક સૉન્ગ પણ કાશ્મીર જઈને શૂટ કર્યું હતું.

‘કશ્મીર કી કલી’ ફિલ્મનું ટાઇટલ પહેલેથી જ નક્કી હતું એટલે એ પણ નક્કી હતું કે આ ફિલ્મ કાશ્મીરમાં જ શૂટ થશે. ઘર કે શૉપના પાંચ-પંદર સીન મુંબઈમાં શૂટ કરવા ડિરેક્ટર શક્તિ સામંત તૈયાર હતા, પણ બીજી કોઈ જગ્યાએ તેઓ છૂટછાટ લેવા તૈયાર નહોતા, પણ તેમણે એ છૂટછાટ લેવી પડી હતી. એક સીન માટે એ લોકોએ મસૂરી જવું પડ્યું હતું. સ્નોફૉલના એ સીન માટે મસૂરી ગયા અને કમનસીબી જુઓ તમે, ફિલ્મની લેંગ્થ વધતાં અને બહુ ગેરવાજબી રીતે આવતા એ સીનને કારણે રસક્ષતિ ઊભી થતાં એડિટ ટેબલ પર એ સીન કાપવામાં આવ્યો.

૧૯૬૪માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કુલ નવ સૉન્ગ હતાં. રોમૅન્ટિક-મ્યુઝિકલ એવી આ ફિલ્મનાં એ ૯માંથી ૭ સૉન્ગ મોહમ્મદ રફીએ ગાયાં હતાં તો બે સૉન્ગ આશા ભોસલેએ ગાયાં હતાં. ફિલ્મનું મ્યુઝિક ઓ. પી. નૈયરનું હતું અને સૉન્ગ લખ્યાં હતાં એસ. એચ. બિહારીએ. અનેક સુપરહિટ ગીતો આપનાર બિહારીસાહેબની કરીઅર ખાસ્સી લાંબી ચાલી. દરેક મ્યુઝિક-ડિરેક્ટર સાથે તેમણે ઉમદા ગીતો આપ્યાં, પણ જો વાત ‘કશ્મીર કી કલી’ની કરતા હોઈએ તો કહેવું પડે કે આ ફિલ્મ માટે ઓ. પી. નૈયર તેમના જીવનભર આભારી રહ્યા. 

બન્યું હતું એમાં એવું કે ૬૦ના આ દસકામાં શમ્મી કપૂર પણ આસમાન પર. કપૂરને સાઇન કરવા જે જાય તેણે કપૂરની દરેક વાત માનવી પડે અને શમ્મી કપૂર હતા પણ એવા. જો તેમને મજા ન આવે તો એકઝાટકે તેઓ ફિલ્મ છોડી દે. ‘કશ્મીર કી કલી’ના સબ્જેક્ટ પર શક્તિ સામંત લાંબા સમયથી કામ કરતા હતા. સબ્જેક્ટ તૈયાર થયો એટલે શમ્મી કપૂરને તેમણે સબ્જેક્ટ સંભળાવ્યો. ફિલ્મ શમ્મી કપૂર માટે જ લખાઈ હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. શમ્મીજીએ હા પાડી કે બીજા જ દિવસથી એ લોકોની મીટિંગ શરૂ થઈ. 

રોજ થતી આ મીટિંગમાં શમ્મી કપૂરે જ શક્તિ સામંતને સજેશન આપ્યું કે આપણે આ ફિલ્મમાં મ્યુઝિક-ડિરેક્ટર તરીકે શંકર-જયકિશનને લઈએ. શંકર-જયકિશન અને કપૂર ફૅમિલીને બહુ સારાં ટર્મ્સ. રાજ કપૂર તો તેમની પાસે જ કામ કરાવતા અને રાજ કપૂરના જ કહેવાથી શમ્મી કપૂર મ્યુઝિક-ડિરેક્ટર તરીકે હવે શંકર-જયકિશનને પ્રમોટ કરવા પર આવ્યા હતા. શક્તિ સામંતને કોઈ વાંધો નહોતો અને તેમણે કામ આપી દીધું આ મ્યુઝિક-જોડીને. એ બન્ને લાગી ગયા કામ પર, પણ અહીં આવ્યો સ્ટોરીમાં એક ટર્ન.
ઓ. પી. નૈયરને એવો વિશ્વાસ હતો કે શક્તિ સામંત તેમને જ કામ આપશે, પણ બહારથી ખબર પડી કે સામંતની ફિલ્મ પર તો ઑલરેડી શંકર-જયકિશન કામે લાગી ગયા છે. નૈયર અંદરથી જબરદસ્ત હર્ટ થયા, પણ હવે કરવાનું શું?

કર્યું અને નૈયરે એવું કર્યું કે દુનિયાએ ખરેખર એને લેસન તરીકે સ્વીકારવું પડે અને જીવનમાં અપનાવવું પણ પડે.

બે દિવસની અપસેટનેસ પછી ઓ. પી. નૈયરે પોતાના ખાસ ફ્રેન્ડ અને ગીતકાર એસ. એચ. બિહારીને બોલાવ્યા અને તેમની સાથે મીટિંગ કરી. મીટિંગમાં આખી વાત કરી લીધા પછી ઓ. પી. નૈયરે કહ્યું કે મને એક સૉન્ગ એવું આપો જે સૉન્ગ શમ્મી કપૂર સિવાય બીજા કોઈ પર શૂટ થઈ શકતું ન હોય અને બીજું કોઈ એ સૉન્ગ કરી પણ ન આપે.
એસ. એચ. બિહારીને ફિલ્મ વિશે કશી ખબર નહોતી. માત્ર ટાઇટલ ખબર અને એ ટાઇટલ ઉપરાંત એટલી ખબર કે મ્યુઝિકલ-રોમૅન્ટિક ફિલ્મ છે. એ પણ તેઓ જાણતા નહોતા કે તેમને આ ફિલ્મ મળવાની છે કે નહીં. જો નૈયરને ફિલ્મ મળે તો જ પોતે આ ફિલ્મમાં હશે એ પણ દીવા જેવી વાત હતી. ઘરે કામનો ઢગલો હતો, પણ એ ઢગલાને ભૂલીને, માત્ર દોસ્તી દાવે, માત્ર સંબંધોના નાતે બિહારીબાબુ કામ પર લાગ્યા અને બીજી સવારે તેઓ ઓ. પી. નૈયર પાસે પહોંચ્યા. નૈયરજી પણ તેમની જ રાહ જોતા હતા. એસ. એચ. બિહારીએ મુખડું સંભળાવ્યું,

‘યે ચાંદ સા રોશન ચેહરા, ઝુલ્ફોં કા રંગ સુનહરા
યે ઝીલ સી નીલી આંખેં, કોઈ રાઝ હૈ ઇન મેં ગેહરા
તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હેં બનાયા...’

બિહારીએ ઑલમોસ્ટ ગાઈને જ આ મુખડું સંભળાવ્યું હતું. મુખડામાં આવતી ઝીલવાળી લાઇન ઓ. પી. નૈયરને ગમી ગઈ. કાશ્મીરમાં ઝરણાં અઢળક હોય એ વાતથી પ્રભાવિત થઈને તેમણે બિહારીને કહ્યું કે આગળ વધો, પણ બિહારીએ બૉમ્બ ફોડ્યો.

‘દો અંતરે રેડી હૈ...’
એસ. એચ. બિહારીએ તરત જ પહેલો અંતરો સંભળાવ્યો,
‘એક ચીઝ કયામત સી હૈ, લોગોં સે સુના કરતે થે
તુમ્હેં દેખ કે મૈંને માના, વો ઠીક કહા કરતે થે
વો ઠીક કહા કરતે થે...
હૈ ચાલ મેં તેરી ઝાલિમ, કુછ ઐસી બલા કા જાદુ
સૌ બાર સંભાલા દિલ કો, પર હોકે રહા બેકાબૂ
તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુમ્હેં બનાયા...’
‘આગે ક્યા હૈ?’ કોઈ જાતના રીઍક્શન વિના જ ઓ. પી. નૈયરે બિહારીને પૂછ્યું અને બિહારીએ તરત બીજો અંતરો સંભળાવ્યો,
‘હર સુબહ કિરન કી લાલી, હૈ રંગ તેરે ગાલોં કા
હર શામ કી ચાદર કાલી, સાયા હૈ તેરે બાલોં કા
સાયા હૈ તેરે બાલોં કા...
તૂ બલખાતી એક નદિયા, હર મૌજ તેરી અંગડાઈ
જો ઇન મૌજોં મેં ડૂબા, ઉસને હી દુનિયા પાઇ
તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુમ્હેં બનાયા...’

મુખડું અને બે અંતરા સાથે ઓ. પી. નૈયર કામે લાગી ગયા અને તેમણે ફટાફટ રિધમ બનાવી અને એ જ રાતે તે શમ્મી કપૂરને મળવા ગયા. શમ્મી કપૂરને નૈયરસાહેબ સાથે કોઈ વાંધો તો હતો નહીં. બન્ને બેઠા એટલે નૈયરે કહ્યું કે એક ગીત સંભળાવવું છે.
શમ્મીજીએ પરમિશન આપી અને ઓ. પી. નૈયરે ગીત શરૂ કર્યું. 

‘તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુમ્હેં બનાયા...’ 

રિધમ અને શબ્દો સાંભળીને શમ્મીજીને મજા આવી ગઈ. શમ્મીજીએ બીજી વાર ગીત સાંભળ્યું અને એ વખતે તેઓ એના પર ડાન્સ પણ કરવા માંડ્યા. ગીત પૂરું થતા સુધીમાં તો શમ્મીજીએ નક્કી કરી લીધું કે ‘કશ્મીર કી કલી’નું મ્યુઝિક નૈયરસાહેબ જ આપશે. નૈયરસાહેબના મ્યુઝિકે ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા.
જે પ્રોજેક્ટ હાથમાંથી ચાલ્યો ગયો હતો એ બિહારીસાહેબને કારણે પોતાને પાછો મળ્યો અને એને લીધે જ ઓ. પી. નૈયર આજીવન આભારી રહ્યા. બહુ જૂજ લોકોને ખબર છે કે આ ગીતનો ત્રીજો અંતરો નૈયરસાહેબે લખ્યો હતો અને એ તેમણે એસ. એચ. બિહારીને અર્પણ કર્યો હતો.

‘મૈં ખોજ મેં હૂં મંઝિલ કી, ઔર મંઝિલ પાસ હૈ મેરે
મુખડે સે હટા દો આંચલ, હો જાએં દૂર અંધેરે
હો જાએં દૂર અંધેરે...
માના કે યે જલવે તેરે, કર દેંગે મુઝે દીવાના

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists shammi kapoor