યે રોશની જો ના હો, ઝિંદગી અધૂરી હૈ રાહે વફા મેં, કોઈ હમસફર ઝરૂરી હૈ

23 September, 2022 04:40 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

ફિલ્મ ‘આપ તો ઐસે ન થે’માં વપરાયેલી નઝ્‍મને ફિલ્મમાં કઈ રીતે દર્શાવવામાં આવી છે એ જોયા પછી નિદા ફાઝલીને અફસોસ થયો હતો કે તેમણે નાહકનો ડિરેક્ટર અંબરીષ સંગલ પર શક કર્યો. અફસોસ ગેરવાજબી પણ નહોતો. નઝ્‍મની પૂરી ગરિમા શૂટિંગમાં જાળવવામાં આવી હતી

રાજ બબ્બરની `આપ તો એસે ન થે`

કેટલાક લોકો પોતાને મળેલી અદ્ભુત તકને બહુ ખરાબ રીતે તરછોડી દેતા હોય છે અને કાં તો તેમની આજુબાજુ એવા લોકો આવી જાય છે જેઓ તેમને ગેરવાજબી દિશામાં ખેંચી જાય. ૮૦ના દસકામાં રાજ બબ્બરની બોલબાલા હતી અને ૯૦નો દસકો શરૂ થતા સુધી તો એ સિતારો ઓસરવા માંડ્યો હતો.

‘એક શર્ત હૈ...’ ઑલમોસ્ટ અડધા કલાકના ફોન પછી નિદા ફાઝલીએ જવાબ આપ્યો, ‘પૂરી નઝ્‍મ શૂટ હોને કે બાદ મૈં દેખૂંગા ઔર મૈં તય કરુંગા કિ કહીં પે નઝ્‍મ કી ગરિમા કો અસર નહીં હો રહી...’

શાયર નિદા ફાઝલીની શરત વાજબી હતી. તેમણે એ આખેઆખી નઝ્‍મમાં ક્યાંય માશૂકા જોઈ જ નહોતી અને હવે મ્યુઝિક-ડિરેક્ટર ઉષા ખન્ના અને ફિલ્મ-ડિરેક્ટર અંબરીષ સંગલ એ નઝ્‍મને રોમૅન્ટિક ટ્રૅક બનાવીને વાપરવા માગે છે. નિદાસાહેબને ક્યારેય પૈસાનું વળગણ નહોતું. પંકજ ઉધાસથી માંડીને સ્વર્ગીય જગજીત સિંહ જેવા અનેક દિગ્ગજ ગઝલકાર એ જાણે જ છે તો કેટલાકે તો નિદાસાહેબના સ્ટ્રિક્ટ સ્વભાવનો અનુભવ પણ કરી લીધો છે. એમાં એક ફિલ્મ-ડિરેક્ટર આવીને એવું કહે કે પેલી ભગવાન માટે લખાયેલી, ઇબાદતના ભાવથી લખાયેલી નઝ્‍મ મને આપો. મારે એના પર ઇશ્કી મિજાજ ગીત બનાવવું છે, તો નૅચરલી કોઈને પણ ગુસ્સો આવે અને એમ છતાં તેને કન્વિન્સ કરવામાં આવે તો તે આવી શરત મૂકે જ મૂકે.

ઉષા ખન્નાએ નઝ્‍મની તૈયારી શરૂ કરી અને ગીતનું કમ્પોઝિશન શરૂ થયું. મજા જુઓ તમે, ઉષાજી અને અંબરીષે આ એક જ નઝ્‍મનાં ત્રણ વર્ઝન કર્યાં. એક આપણા ગુજરાતી સિંગર મનહર ઉધાસે ગાયું, તો એક હેમલતાએ ગાયું અને એક વર્ઝન મોહમ્મદ રફીએ ગાયું. અલબત્ત, સૌથી પહેલાં મનહર અને હેમલતાનું વર્ઝન તૈયાર થયું અને એ તૈયાર થયા પછી નિદા ફાઝલીની શરત મુજબ તેમને એ સાંભળવા માટે મોકલવામાં આવી. નિદાસાહેબને ઉષાજી કે સિંગર સામે આમ તો કોઈ વાંધો જ નહોતો. તેમને એ કમ્પોઝિશન બહુ ગમ્યું. હવે વાત આવી મોહમ્મદ રફીના વર્ઝનની, જેનો ઉપયોગ રોમૅન્ટિક ટ્રૅક માટે થવાનો હતો. એ રિધમ પણ ફાસ્ટ હતી અને અંબરીષે એ સૉન્ગ વાપરવાની જે સિચુએશન ડેવલપ કરી હતી એ પણ સાવ જુદી હતી. 
એ જ સૉન્ગ, એ જ શબ્દો અને એ પછી પણ ત્રણેત્રણ લીડ કાસ્ટની લાગણી સાવ જુદી જ તરવરતી હોય. ફિલ્મમાં દીપક પરાશર, રાજ બબ્બર અને રંજિતા લીડ કાસ્ટમાં હતાં. રાજ બબ્બર અને રજિંતાના વર્ઝનમાં ઇબાદતનો ભાવ અકબંધ રહેતો હતો, પણ અહીં, આ સૉન્ગમાં દીપક પરાશરનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાય એવું કરવાનું હતું. આખું સૉન્ગ રેકૉર્ડ થયું અને એ વર્ઝન પણ નિદા ફાઝલીને મોકલવામાં આવ્યું.

મોહમ્મદ રફીના વર્ઝનનો રફ સ્ક્રૅચ સાંભળીને નિદાસાહેબ તો હતપ્રભ રહી ગયા. આખું સૉન્ગ એ પ્રકારે તૈયાર થયું હતું જે સાંભળતાં કોઈને પણ એવું જ લાગે કે આ એક રોમૅન્ટિક સૉન્ગ છે. નિદા ફાઝલીએ ફોન કર્યો ઉષા ખન્નાને,

‘ઇસ મેં એક અંતરા ચાહિયે, ઇશ્કી મિજાજ કે સાથ?’
ઉષાજીએ હા પાડી કે તરત જ નિદાસાહેબે કહ્યું, ‘શામ તક મિલ જાએગા... ઔર વો મૈં બમ્બઈ આ કર દૂંગા.’
એ જ બપોરે નિદાસાહેબ મુંબઈ આવ્યા અને તેમણે સ્ટુડિયોમાં જ બેસીને નવો અંતરો ઉષા ખન્નાને લખી આપ્યો...
‘તેરે બગૈર જહાં મેં કોઈ કમી સી થી
ભટક રહી થી જવાની અંધેરી રાહોં મેં
સુકૂન દિલ કો મિલા આ કે તેરી બાહોં મેં
મૈં એક ખોયી હુઇ મૌજ હૂં, તૂ સાહિલ હૈ...’

મોહમ્મદ રફીના વર્ઝનમાં આ એક અંતરાનો રફ સ્ક્રૅચ તૈયાર કરવાને બદલે સીધું જ રેકૉર્ડિંગ નક્કી થયું અને એ રેકૉર્ડિંગમાં નિદા ફાઝલી પણ હાજર રહ્યા. મોહમ્મદ રફીએ સૉન્ગની લયને જે રીતે પકડી હતી એ જોઈને કોઈ માનવા તૈયાર જ ન થાય કે આ રોમૅન્ટિક સૉન્ગ નથી. ગીત તૈયાર થયું, નિદાસાહેબને પણ બહુ ગમ્યું. જોકે હજી મોટી પરીક્ષા બાકી હતી. નિદાસાહેબે એવી ડિમાન્ડ કરી કે ગીત શૂટ થાય એટલે તેમને દેખાડવાનું અને જો તેઓ અપ્રૂવ કરે તો જ એને ફિલ્મમાં વાપરવાનું. બીજા કોઈ ડિરેક્ટર હોય તો ચીટિંગ કરી લે, પણ ઉષા ખન્ના એવું થવા દે એમ નહોતાં. 

ફિલ્મના શૂટિંગ-શેડ્યુલ પર સતત ઉષા ખન્નાનું ધ્યાન હતું. ગીત શૂટ થયું એટલે મિક્સિંગ માટે ફાઇનલ સૉન્ગ તેમની પાસે મગાવવામાં આવ્યું કે તરત જ તેમણે અંબરીષને કહેવડાવી દીધું કે આપણે પહેલાં નિદાસાહેબને બોલાવી લઈએ, જો તેમને કોઈ પ્રૉબ્લેમ હશે તો આપણો ઍટ લીસ્ટ બીજો ખર્ચો બચી જાય. અંબરીષે સામેથી ફોન કર્યો અને નિદા ફાઝલીને આવવા માટે આમંત્રણ આપ્યું.

હવે અંબરીષ પાસે એક વીક રહ્યું, જેમાં માત્ર આ ત્રણ સૉન્ગનું એડિટિંગ કરવામાં આવ્યું. નિદાસાહેબ આવ્યા એ પહેલાં આ ત્રણ સૉન્ગનો રફ કટ તૈયાર થઈ ગયો અને પછી ટ્રાયલરૂમમાં એ ત્રણેત્રણ સૉન્ગ દેખાડવામાં આવ્યાં.

ત્રણ સૉન્ગનું પિક્ચરાઇઝેશન જોઈને નિદાસાહેબ ખુશ થઈ ગયા એ તો તમે સમજી જ ગયા હશો, જો તેઓ ખુશ થયા હોય તો જ તેમણે એ ફિલ્મમાં રહેવા દીધાં હોય, પણ ના, વાત આટલેથી નથી અટકતી. નિદાસાહેબ એવા તો ખુશ થયા કે તેમણે અંબરીષ સંગલની રાઇટિંગમાં માફી માગી અને એમાં લખ્યું, ‘મારા બિહેવિયર બદલ માફી અને મારા નઝ્‍મનો આટલો આદર સાથે ઉપયોગ કરવા બદલ થૅન્ક યુ વેરી મચ.’

૮૦ના આ દસકામાં રાજ બબ્બર અને દીપક પરાશરની અચાનક જ બોલબાલા નીકળી હતી. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મોથી લોકો કંટાળ્યા હતા. કંઈક નવું જોવું હતું, પણ નવામાં ખાસ કંઈ બહાર આવતું નહોતું. કુમાર ગૌરવ અને સન્ની દેઉલ પણ એકસરખું કરતા હોય એવું જ ઑડિયન્સને લાગતું અને એવામાં આ બે હીરોએ આગેવાની લીધી અને બન્નેની નિકલ પડી. દરેક ત્રીજી ફિલ્મની અનાઉન્સમેન્ટમાં આ બે સ્ટારનાં નામ હોય. 

એક તબક્કે તો આ રેસમાં રાજ બબ્બર એવા તો આગળ નીકળી ગયા કે એવું જ લાગવા માંડ્યું કે હવે નવા સુપરસ્ટાર આ જ છે અને અમિતાભ બચ્ચનનું સ્થાન તેઓ લેશે. બનતું પણ એવું જ હતું. બિગ બીને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી ફિલ્મો રાજ બબ્બરને ઑફર થવા માંડી અને અમિતાભ બચ્ચન નકારે એ ફિલ્મો સીધી રાજસાહેબ પાસે જાય. ઘણી ફિલ્મોમાં તો એવું પણ થયું કે પહેલાં એ ફિલ્મ રાજ બબ્બરને ઑફર થઈ હોય અને એ પછી એ ફિલ્મ બિગ બી પાસે પહોંચી ગઈ હોય. 

આજની આ જનરેશનને તો આ બધું જાણીને નવાઈ લાગશે, કારણ કે તેણે તો આ રાજ બબ્બરને જોયા સુધ્ધાં નથી, પણ હા, હું એટલું કહીશ કે કેટલાક લોકો પોતાને મળેલી અદ્ભુત તકને બહુ ખરાબ રીતે તરછોડી દેતા હોય છે અને કાં તો તેમની આજુબાજુ એવા લોકો આવી જતા હોય છે જેઓ તેમને ગેરવાજબી દિશામાં ખેંચી જાય. ૮૦ના દસકામાં રાજ બબ્બરની બોલબાલા હતી અને ૯૦નો દસકો શરૂ થતા સુધી તો એ સિતારો ઓસરવા માંડ્યો. અલબત્ત, એને લીધે આપણે જે સૉન્ગની વાત કરીએ છીએ એ ‘આપ તો ઐસે ન થે’ની બ્યુટીને નકારી ન શકાય. સરસ ફિલ્મ અને એનાથી પણ સરસ કહ્યું એ એક સૉન્ગ. દિલ ખુશ કરી દે એવા શબ્દો અને મનમાં શાતા પાથરી દે એટલું સરસ મ્યુઝિક...

‘હર એક શય હૈ મોહબ્બત કે નૂર સે રોશન
યે રોશની જો ના હો, ઝિંદગી અધૂરી હૈ
રાહે વફા મેં, કોઈ હમસફર ઝરૂરી હૈ
જહાં ભી જાઉં યે લગતા હૈ તેરી મહેફિલ હૈ
તૂ ઇસ તરહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ...’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists raj babbar