તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના

14 October, 2022 05:26 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

સૌથી છેલ્લે લખાયેલા આ સૉન્ગની સૌથી મોટી બ્યુટી એ કે આ ગીતે દોસ્તીની વ્યાખ્યાને એક નવી જ ચરમસીમા આપી અને એનો જશ ગીતકાર અન્જાનસાહેબના શબ્દોની સાદગી અને મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશનના મ્યુઝિકની તાજગીને જાય છે

અમિતાભ બચ્ચન ઇન યારના ફિલ્મ સોંગ તેરે જૈસા યાર કહાં

રેકૉર્ડ થયેલું સૉન્ગ જો પોતાના પર શૂટ થવાનું હોય તો પોતે એ સ્ક્રીન પર કેવી રીતે કરે એ મનમાં આખું કોરિયોગ્રાફ કરીને તેમણે અમિતાભ બચ્ચન સામે કર્યું અને એ પણ પોતાના ઘરમાં! જુઓ તમે સૉન્ગ, તમને અમિતાભ બચ્ચનના એક્સપ્રેશન અને બૉડી-લૅન્ગ્વેજમાં કિશોરકુમારની ઝલક જોવા મળશે.

વાત ચાલી રહી છે ફિલ્મ ‘યારાના’ની. આ ફિલ્મનાં સૉન્ગ એવાં હિટ થયાં કે આજે પણ એની બોલબાલા છે અને જ્યારે પણ વાત ફ્રેન્ડશિપની આવે ત્યારે તો ‘યારાના’નું સૉન્ગ ‘તેરે જૈસા યાર કહાં...’ અચૂક યાદ આવે. અન્જાને ગીત પણ એવું જ લખ્યું હતું. શબ્દોમાં સાદગી અને એ સાદગીને રાકેશ રોશને મ્યુઝિકલ તાજગી સાથે સૌની સામે મૂક્યું. આ સૉન્ગ સાથે જોડાયેલી કેટલીક વાતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે.

‘યારાના’ ટાઇટલ પરથી જ આમ તો સમજાઈ જાય છે કે ફિલ્મમાં વાત દોસ્તીની છે. ફિલ્મની સ્ટોરીમાં પણ એ જ વાત છે. એક દોસ્ત બીજા દોસ્ત માટે કેવું કરી શકે અને કઈ હદે તે પોતાની જાતને એમાં હોમી દે એની વાત ‘યારાના’માં છે. મારી જનરેશનનું તો ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ ફિલ્મ ન જોઈ હોય, પણ ધારો કે એવું કોઈ હોય તો તેમને માટે અને નવી જનરેશન માટે ‘યારાના’ની સ્ટોરી પર જરા નજર કરી લઈએ.

કિશન અને બિશન બન્ને નાનપણના ફ્રેન્ડ છે, જિગરજાન ભાઈબંધ. કિશનનું જીવનમાં કોઈ નથી, પણ મહેનત કરવામાં તે ક્યાંય કચાશ રહેવા દે એવો નથી, જ્યારે બિશન શ્રીમંત ફૅમિલીમાંથી આવે છે. બન્ને વચ્ચેની આ નાનપણની દોસ્તીને જોઈને બિશનના વિલન મામાના પેટમાં તેલ રેડાય છે અને તે બિશનની મમ્મીને સમજાવીને બિશનને ફૉરેન ભણવા મોકલી દે છે. હવે લાંબો અંતરાલ ઊભો થઈ જાય છે અને બિશન વર્ષો પછી ફરી પાછો ગામમાં આવે છે. ગામ આવ્યા પછી તે કિશનને મળે છે અને ઍક્સિડન્ટ્લી તેને ખબર પડે છે કે કિશન પાસે તો ગોલ્ડન વૉઇસ છે. બિશન હવે કિશનને લઈને શહેરમાં આવે છે અને કિશનની ટૅલન્ટને નવો નિખાર મળે એ માટે કામે લાગી જાય છે. જોકે પહેલાં તો કિશનને તેણે શહેરી રીતરસમ શીખવવાની છે એટલે તે કોમલને લઈ આવે છે, જે કિશનને ટ્રેઇન કરે છે.

આ કોમલ એટલે નીતુ સિંહ અને કિશન એટલે અમિતાભ બચ્ચન. બિશનનું કૅરૅક્ટર અમજદ ખાને કર્યું હતું. અમજદ ખાન વિલન તરીકે જબરદસ્ત પ્રસ્થાપિત થયા પછી ધીમેકથી તેમણે વાઇટ શેડ્સના રોલ લેવાનું શરૂ કરી દીધું હતું અને એમાં તેમને અનેક એવા રોલ પણ મળ્યા જેમાં સૌથી યાદગાર જો કોઈ રોલ હોય તો આ બિશનનું કૅરૅક્ટર. કિશનનું માર્કેટિંગ કરવા માટે જાતને હોમી દેનારા બિશનને એક દિવસ અચાનક ખબર પડે છે કે તેના મામા જીવન અને મામાના દીકરા રણજિતે મોટા ભાગના બિઝનેસમાં ગફલા કર્યા છે અને એને કારણે હવે બૅન્કમાં અકાઉન્ટ ખાલી થઈ ગયાં છે. બિશન લાંબો વિચાર કર્યા વિના પોતાની તમામ પ્રૉપર્ટી ગીરવી મૂકી દે છે અને કિશનનું માર્કેટિંગ મોટા પાયે કરીને તેનો શો પોતે જ ઑર્ગેનાઇઝ કરે છે. અહીં ફરીથી એક ટ્વિસ્ટ આવે છે. 
દોસ્તી માટે બિશન આટલું બધું કરે એ તેની વાઇફને મંજૂર નથી એટલે તે દીકરાને લઈને ઘર છોડીને ચાલી જાય છે. તેના મનમાં એમ છે કે આ માણસ ક્યારેય ઉપકાર યાદ રાખતો નથી, પણ કિશન સૌથી પહેલું કામ એ જ કરે છે. જેવો તેનો શો હિટ થાય છે કે તરત જ એ બધી રકમ બિશનના હાથમાં મૂકી દે છે.

‘મેરી ઝિંદગી સંવારી, મુઝ કો ગલે લગા કે
બૈઠા દિયા ફલક પે, મુઝે ખાક સે ઉઠા કે
યારા તેરી યારી કો, મૈંને તો ખુદા માના
યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના...’

‘યારાના’નું આ સૉન્ગ સૌથી છેલ્લે લખાયું હતું. અન્જાનસાહેબ પાસે રફ સ્કેચ આવી ગયો હતો, પણ તેમને એવા શબ્દો નહોતા મળતા જે આ આખી સ્ટોરીને એક નવો ઉઠાવ આપી જાય અને દોસ્તીની સાચી વ્યાખ્યા બહાર આવે.

અન્જાન પર મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશનને પૂરો ભરોસો હતો, પણ પ્રોડ્યુસર-ડિરેક્ટરનું ટેન્શન વધતું જતું હતું. ફિલ્મનું શૂટિંગ ચાલુ થવામાં હતું. જો તમે જરા યાદ કરશો તો તમને યાદ આવશે કે ‘યારાના’માં બૅક-ટુ-બૅક સૉન્ગ આવે છે અને એમાં આ સૉન્ગ બીજું હતું, પણ અન્જાનસાહેબ તૈયાર નહોતા અને રાજેશ રોશન તેમના પર પ્રેશર કરવા તૈયાર નહોતા. શૂટિંગના પહેલા જ શેડ્યુલમાં આ સૉન્ગ શૂટ કરવાનું હતું, પણ એ રેકૉર્ડ થયું નહીં એટલે નાછૂટકે એને પાછળ લઈ જવાનું નક્કી થયું, પણ પ્રેશર તો અન્જાનસાહેબ પર પણ હતું. એક વહેલી સવારે રાજેશ રોશનના બંગલે ડોરબેલ વાગી. દરવાજો ખૂલ્યો તો સામે અન્જાનસાહેબ પોતે. તરત જ રાજેશ રોશનને બોલાવવામાં આવ્યા. રાજેશ રોશન જાગી તો ગયા હતા, તેમનો મૂડ બન્યો નહોતો, પણ અન્જાને તેમને જે લાઇનો સંભળાવી એણે રાજેશ રોશનનો મૂડ બનાવી દીધો.

‘મેરે દિલ કી યહ દુઆ હૈ, કભી દૂર તૂ ન જાએ
તેરે બિના હો જીના, વહ દિન કભી ન આયે
તેરે સંગ જીના યહાં, તેરે સંગ મર જાના
યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના...’

હા, બીજો અંતરો તેમણે પહેલાં સંભળાવ્યો હતો અને એ પછી પહેલો અંતરો અન્જાનસાહેબે રાજેશ રોશનના ઘરમાં જ ચા પીતાં-પીતાં લખ્યો હતો. મુખડું હજી લખવાનું બાકી હતું, પણ રાજેશ રોશનને વિશ્વાસ આવી ગયો કે હવે કામ પૂરું થઈ જશે એટલે તેમણે તરત એ લાઇનો કિશોરકુમારને મોકલી દીધી અને કિશોરકુમાર પણ ખુશ થઈ ગયા.

કિશોરકુમારે બીજા જ દિવસનો ટાઇમ આપી દીધો. તેમને પણ ખબર હતી કે આ ગીતનું શૂટિંગ કરવાનું છે અને અન્જાનસાહેબને કારણે બધું અટક્યું છે. હવે આવે છે સૌથી અગત્યની વાત. મુખડું પણ લખાઈ ગયું અને રેકૉર્ડિંગ પણ એકદમ પર્ફેક્ટ રીતે પૂરું થઈ ગયું, પણ આ ગીત માત્ર એક ગીત નહોતું. કિશનના કૅરૅક્ટરના દિલનો અવાજ પણ હતો એટલે એ ગાવું કઈ રીતે. ઊભાં-ઊભાં તો ગાવાનું નહોતું. સૉન્ગ સ્ટેડિયમમાં છે, એમાં ઑર્કેસ્ટ્રા પણ છે અને બીજા ડાન્સર પણ છે એટલે હવે એને પોતાના અભિનયમાં કેવી રીતે લાવવું એની મૂંઝવણ અમિતાભ બચ્ચનને આવી અને એ દૂર કરી ધી ગ્રેટ કિશોરદાએ.

રેકૉર્ડ થયેલું સૉન્ગ જો પોતાના પર શૂટ થવાનું હોય તો પોતે એ સ્ક્રીન પર કેવી રીતે કરે એ મનમાં આખું કોરિયોગ્રાફ કરીને તેમણે અમિતાભ બચ્ચન સામે કર્યું અને એ પણ પોતાના ઘરમાં! જુઓ તમે આ સૉન્ગ યુટ્યુબ પર. તમને અમિતાભ બચ્ચનના એક્સપ્રેશન અને બૉડી-લૅન્ગ્વેજમાં કિશોરકુમારની ઝલક જોવા મળશે. નૅચરલી બચ્ચનસાહેબે પોતાની સ્ટાઇલ અને પોતાનાં સિગ્નેચર-સ્ટેપ્સ પણ એમાં ઍડ કર્યાં જ છે, પણ તમને કિશોરદા એમાં દેખાયા વિના તો નહીં જ રહે.

‘યારાના’નાં દરેકેદરેક સૉન્ગ સુપરહિટ હતાં અને એ દરેક સૉન્ગની સાથે કોઈ ને કોઈ સ્ટોરી જોડાયેલી છે, પણ હા, એ પણ કહેવું પડે કે આ ફિલ્મથી અમજદ ખાનને બીજું હિટ સૉન્ગ મળ્યું હતું. અગાઉ ‘કુરબાની’નું ‘લૈલા મૈં લૈલા...’ સૉન્ગમાં પણ અમજદ ખાન હતા અને એ સૉન્ગ હિટ થયું હતું, પણ ‘યારાના’ના સૉન્ગની વાત એ ગીત કરતાં ક્યાંય ચડિયાતી હતી, કારણ કે આ સૉન્ગ માત્ર અમજદ ખાન માટે લખાયું હતું અને એ આખેઆખું અમજદ ખાન પર જ પિક્ચરાઇઝ થયું હતું. આ જ કારણે અમજદ ખાન પોતાની લાઇફની બે મહત્ત્વની ફિલ્મમાં ‘શોલે’ પછી ‘યારાના’નું નામ ગણાવે છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists