તભી તો ચંચલ હૈં તેરે નૈના, દેખો ના...

28 April, 2023 05:32 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ફિલ્મ ‘અભિમાન’નું આ સૉન્ગ સાંભળીને ૭૦ના દસકામાં સેંકડો કપલે પોતાનું ફ્યુચર પ્લાનિંગ કર્યું હતું. બહુ જૂજ સૉન્ગ એવાં હોય છે જેમાં માતૃત્વ-પિતૃત્વ એમ બન્ને લાગણીઓ હોય. આ ગીતમાં એ બન્ને ભાવ છે

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન

સૌથી પહેલાં ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું સોલો સૉન્ગ ‘મિત ના મિલા રે મન કા’ રેકૉર્ડ કરવામાં આવ્યું. રેકૉર્ડિંગ સમયે સચિન દેવ બર્મને કિશોરકુમારને એવી ઇન્સ્ટ્રક્શન આપી કે તું તારી ઓરિજિનલ સ્ટાઇલથી જ આ ગીત ગાશે, મને આ ગીતમાં અમિતાભ બચ્ચન નહીં, કિશોરકુમાર જોઈએ છે. 

આપણે વાત કરીએ છીએ મેલ-ઈગો પર આધારિત ફિલ્મ ‘અભિમાન’ની. ફિલ્મનું મ્યુઝિક સચિન દેવ બર્મનનું અને લિરિક્સ લખ્યા હતા મજરૂહ સુલતાનપુરીએ. ગયા શુક્રવારે કહ્યું એમ, ફિલ્મનાં સાતેસાત ગીત સુપરહિટ. ફિલ્મના મ્યુઝિક માટે સચિન દેવ બર્મનને ફિલ્મ ફેર અવૉર્ડ મળ્યો, પણ ગીતો માટે મજરૂહ સુલતાનપુરીને અવૉર્ડ માટે નામાંકન મળ્યું નહીં એ વાતનું બર્મનદાને બહુ દુઃખ લાગ્યું હતું, જે તેમણે ફંક્શન પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ ખરું. બર્મનદાએ એ સમયે જે શબ્દો કહ્યા હતા એ શબ્દો દરેકેદરેક મ્યુઝિક-ડિરેક્ટરે વાંચવા જેવા છે.
‘માત્ર સારું સંગીત ચાલતું હોત તો ઇન્ડિયન ફિલ્મમાં ગીતો ન હોત. સારા સંગીતમાં આત્મા ભરવાનું કામ શબ્દો કરે છે, માટે સંગીતને માન આપો ત્યારે શબ્દોને પણ એટલું જ માન આપો...’
એસ. ડી. બર્મનના આ શબ્દો એ સમયે તમામ ન્યુઝપેપરોએ પ્રિન્ટ કર્યા હતા અને એ પણ લખ્યું હતું કે મજરૂહ સુલતાનપુરીને અવૉર્ડ મળ્યો નહીં એટલે બર્મનદા નારાજ છે. વાત આગળ વધારતાં પહેલાં આ જ ઘટનાનો પૂર્વાર્ધ પણ કહી દઉં.

બર્મનદાનું જે રીઍક્શન હતું એ જોઈને મજરૂહસાહેબને અવૉર્ડ ન મળ્યાનું દુઃખ નીકળી ગયું! એક ગીતકારને છાજે એ સ્તરનો તેમણે જવાબ આપ્યો હતો.
‘મને ફિલ્મેફૅર ભલે ન મળ્યો, મને બર્મનદા અવૉર્ડ મળી ગયો, જે લેડી બ્લૅક નહીં પણ દૂધ જેવી શ્વેત છે.’
તમને રીકૉલ કરાવી દઉં, ફિલ્મ ફેર અવૉર્ડની ટ્રોફીમાં બ્લૅક લેડીની પ્રતિમા છે. ઍનીવેઝ, આપણે ફરી આવી જઈએ ‘અભિમાન’ની વાત પર.

કહ્યું એમ, ‘અભિમાન’માં સાત ગીતો હતાં. આ સાત સૉન્ગમાંથી એક સૉન્ગ મેલ સિંગરે ગાયું હતું અને બે ફીમેલ વૉઇસમાં સોલો સૉન્ગ હતાં, જ્યારે ચાર ગીત ડ્યુએટ હતાં. આખી ફિલ્મમાં ફીમેલ વૉઇસમાં લતા મંગેશકર સિવાય બીજા કોઈનો અવાજ નથી, પણ મેલ વૉઇસમાં બે ગીત કિશોરકુમારે ગાયાં છે તો એકેક ગીત મોહમ્મદ રફી અને મનહર ઉધાસે ગાયું છે. સચિન દેવ બર્મનના ઓરિજિનલ મ્યુઝિક પ્લાન મુજબ, આખી ફિલ્મમાં બે જ વૉઇસ લેવાના હતા, કિશોરકુમાર અને લતા મંગેશકર, પણ કિશોરકુમારને કારણે આ પ્લાન પડતો મૂકવો પડ્યો. શું કામ એ પડતો મુકાયો એની વાત કરતાં પહેલાં કહેવાનું કે બર્મનદા હંમેશાં એવું માનતા કે રાજેશ ખન્નાને મોહમ્મદ રફી અને મુકેશનો વૉઇસ શોભે છે, જ્યારે અમિતાભ બચ્ચન માટે કિશોરકુમાર પર્ફેક્ટ છે. 
સચિન દેવ બર્મને કિશોરકુમારને મળીને ગીતો પણ સમજાવી દીધાં અને કિશોરકુમાર તૈયાર પણ થઈ ગયા. અલબત્ત રેકૉર્ડિંગ શરૂ થાય એ પહેલાં જ આ પ્લાન પડી ભાંગ્યો.
ફિલ્મ શરૂ થતાં પહેલાં જ એવી વાતો વહેતી થઈ ગઈ કે ‘અભિમાન’ એ કિશોરકુમાર અને તેમની પહેલી વાઇફ રુમા ઘોષની લાઇફ પર આધારિત છે. કિશોરકુમારની જેમ જ રુમા ઘોષ પણ ઍક્ટ્રેસ-કમ-સિંગર હતાં. અમિતકુમાર એ રુમા ઘોષના જ દીકરા. આ મૅરેજ-લાઇફ પણ ઈગોને કારણે જ તૂટી હોવાનું કહેવાય છે. ‘અભિમાન’માં પણ વાત તો એ જ હતી. ઘણાએ આવીને કિશોરકુમારને આવું કહ્યું, પણ કિશોરદાએ વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં. હાં, તેમણે એકાદ વાર એમ જ ઉભડક રીતે હૃષીકેશ મુખરજીને પૂછી લીધું ખરું, પણ નૅચરલી, આ સવાલનો જવાબ કોણ સાચો આપવાનું? એ પછી કિશોરકુમારે તપાસ કરાવી તો તેમને જાણવા મળ્યું કે ફિલ્મની સ્ટોરી રવિશંકર અને અન્નપૂર્ણાદેવીની મૅરેજ-લાઇફ પર આધારિત છે.

રેકૉર્ડિંગ શરૂ થયું. સૌથી પહેલાં ફિલ્મનું કિશોરદાવાળું સૉલો સૉન્ગ ‘મિત ના મિલા રે મન કા’ રેકૉર્ડ કરવામાં આવ્યું. રેકૉર્ડિંગ સમયે સચિન દેવ બર્મને કિશોરકુમારને એવી ઇન્સ્ટ્રક્શન આપી કે તું તારી ઓરિજિનલ સ્ટાઇલથી જ આ ગીત ગાશે, મને આ ગીતમાં અમિતાભ બચ્ચન નહીં, કિશોરકુમાર જોઈએ છે. 
કિશોરકુમારને પહેલી શંકા એ વખતે પડી કે આવું સૂચન કરવાનું કારણ શું?
રેકૉર્ડિંગ પૂરું થયું અને અઠવાડિયા પછી બીજા સૉન્ગ માટે મળવાનું બન્યું. એ સમયે કિશોરદા રેકૉર્ડિંગ માટે તો પહોંચી ગયા, પણ પહોંચીને તેમણે પહેલી ડિમાન્ડ એ કરી કે મને હવે સ્ટોરી સંભળાવવામાં આવે. એ સમયે જે સૉન્ગનું રેકૉર્ડિંગ કરવાનું હતું એ સૉન્ગ હતું, ‘તેરે મેરે મિલન કી યે રૈના...’
આ ગીતની વાત કરતાં પહેલાં એના લિરિક્સ પર એક નજર કરીએ...

‘નન્હા સા ગુલ ખિલેગા અંગના,
સુની બઇયાં સજેગી સજના
જૈસે ખેલે ચંદા બાદલ મેં,
ખેલેગા વો તેરે આંચલ મેં
ચંદનિયા ગુનગુનાયેગી...
તભી તો ચંચલ હૈં તેરે નૈના, દેખો ના...’

કેટલી અદ્ભુત વાત અને કેટલી સહજ અભિવ્યક્તિ. આજનાં ગીતોમાં આ અભિવ્યક્તિ નથી રહી, આ સાદગીનો હવે અભાવ છે. તમારે ગીતના શબ્દોને જાતે ગોઠવવા પડે અને ગોઠવ્યા પછી એનો અર્થ તમારે જાતે શોધવા જવો પડે, પણ એ સમયમાં એવું નહોતું. કર્ણપ્રિય મ્યુઝિક અને અર્થસભર શબ્દોની બોલબાલા હતી.
પહેલા અંતરામાં વાત સંતાનની છે. એક નાનકડું ફૂલ આંગણામાં રમશે, હાથ ખાલી નહીં રહે, હવે એ ફૂલને માએ તેડીને ચાલવાનું બનશે અને એને લીધે માના હાથની બંગડીઓનો ખણખણાટ હવે આખા ઘરમાં સંભળાશે. બાળક માટે પણ કેવી કલ્પના કરી છે. એ કેવી રીતે રમશે એવા વિચાર સાથે મજરૂહસાહેબે લખ્યું છે, એવી રીતે રમશે જેવી રીતે ચંદ્ર આકાશમાં વાદળો સાથે રમતો હોય. દેખાય અને પછી ફરી અલોપ થઈ જાય અને પછી અચાનક આવીને તમારી સામે જોઈને સ્માઇલ કરે.
પહેલા અંતરા પરથી બીજા અંતરા પર આવો કે તરત જ સમજાઈ જાય કે હવે વાતો એ દંપતીની છે, જેણે સાથે મળીને આ સપનું જોયું છે. જરા યાદ કરો કે કિશોરકુમાર અને લતા મંગેશકરે ગાયેલું આ ગીત ૭૦ના દસકાનાં કેટલાં કપલે સાંભળ્યું હશે અને પોતાના બાળકનાં સપનાં જોયાં હશે! 

તુઝે થામે કઈ હાથોં સે,
મિલૂંગા મદભરી રાતોં મેં
જગા કી અનસુની સી ધડકન
બલમવા ભર દૂંગી તેરા મન
નઈ અદા સે સતાયેગી, 
તભી તો ચંચલ હૈં તેરે નૈના, દેખો ના...’

શક્ય છે કે એ જ સપનાનું સર્જન આપણે પણ હોઈએ. આગળની વાત પછી કરીશું, અત્યારે બસ, એક વાર આ સૉન્ગ સાંભળી મમ્મી-પપ્પાની યંગ એજને એન્જૉય કરવાની તક ઝડપી લો.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists