ઝિંદગી રાત ભી હૈ, સવેરા ભી હૈ ઝિંદગી ઝિંદગી હૈ સફર ઔર બસેરા ભી હૈ ઝિંદગી

03 February, 2023 06:22 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘મિસ્ટર ઇન્ડિયા’નું આ સૉન્ગ કિશોરકુમારે એક નવી જ ઊંચાઈ પર મૂક્યું હતું, પણ જૂજ લોકોને ખબર છે કે કિશોરદાએ આ ગીત ગાવાની પહેલાં ના પાડી દીધી હતી અને તેઓ હા પાડે એ માટે અનિલ કપૂરે ૬ મહિના રાહ જોવી પડી હતી

ઝિંદગી રાત ભી હૈ, સવેરા ભી હૈ ઝિંદગી ઝિંદગી હૈ સફર ઔર બસેરા ભી હૈ ઝિંદગી

જિંદગી અત્યારે તમને હસાવે અને બીજી જ મિનિટે તમને રડાવી પણ દે. અચાનક જ કાળમીંઢ અંધકારનો અનુભવ પણ જિંદગી કરાવે. ચારે બાજુએથી ઘેરાઈ ગયા હોઈએ એવો અનુભવ થાય અને એ અનુભવ વચ્ચે જીવ ચૂંથાવાનું શરૂ થાય, પણ બીજી જ ક્ષણે આ જ જિંદગી તમને આશાનો અજવાશ પણ આપી દે.

ટેક્નિકલી જુઓ તો સલીમ-જાવેદની છેલ્લી ફિલ્મ એટલે ‘મિસ્ટર ઇન્ડિયા’ અને રિયલિટીમાં એ વાત જુદી. ‘મિસ્ટર ઇન્ડિયા’ની વાત પણ અચાનક એટલે યાદ આવી કે છેલ્લા થોડા સમયથી આ ફિલ્મની સીક્વલની વાતો શરૂ થઈ છે. ૧૯૮૯માં રિલીઝ થયેલી આ ફિલ્મ એવી તો સુપરહિટ થઈ કે કોઈએ કલ્પના પણ ન કરી હોય. ‘મિસ્ટર ઇન્ડિયા’ સુપરહિટ થયા પછી જો કોઈને સૌથી વધારે અફસોસ થયો હોય તો એ અમિતાભ બચ્ચન હશે એવું કહી શકાય. કારણ કે સલીમ-જાવેદે આ ફિલ્મ સૌથી પહેલાં અમિતાભ બચ્ચનને સંભળાવી હતી, પણ બિગ બીએ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તેમનું ના પાડવાનું કારણ વાજબી હતું. પોતે જેને માટે ઓળખાય છે, જેને માટે લોકો ટિકિટ ખરીદીને આવે છે એ કામ આ ફિલ્મમાં થવાનું નહોતું, હીરો દેખાવાનો નહોતો. જો હીરો એટલે કે પોતે દેખાવાના ન હોય અને માત્ર પોતાનો અવાજ જ સંભળાવાનો હોય તો પછી શું કામ આ ફિલ્મ કરવી જોઈએ એવું ધારીને બિગ બીએ સલીમ-જાવેદને ના પાડી દીધી અને પછી સ્ક્રિપ્ટ આવી અનિલ કપૂર પાસે. 

બહુ ઓછા લોકોને એ પણ ખબર હશે કે અનિલ કપૂરે આ સ્ક્રિપ્ટ પસંદ કરીને અનેક પ્રોડ્યુસર પાસે લઈ ગયો, પણ કોઈ પ્રોડ્યુસર તૈયાર જ થાય નહીં. બે કારણ; એક તો અનિલ કપૂરે ક્યારેય આ પ્રકારના રોલ કર્યા નહોતા અને બીજી વાત, ફિલ્મ નરી ફૅન્ટસી હતી અને ઑડિયન્સ મોટા સ્ટાર વિના ફૅન્ટસી સ્વીકારે નહીં. ફાઇનલી આ ફિલ્મ બનાવવાની તૈયારી બોની કપૂરે દેખાડી અને બોની કપૂરે એ સમયની તેની ગર્લફ્રેન્ડ એવી શ્રીદેવી સાથે ફિલ્મની અનાઉન્સમેન્ટ કરી.

મોટા ભાગના લોકોએ ‘મિસ્ટર ઇન્ડિયા’ની અનાઉન્સમેન્ટ તરફ ધ્યાન સુધ્ધાં આપ્યું નહોતું. બધાના મનમાં એક જ વાત હતી કે આ ફિલ્મ ફ્લૉપ જવાની છે. અરે, ફ્લૉપની બીકે બોની કપૂરને ચાર ડિરેક્ટરે તો ફિલ્મ ડિરેક્ટ કરવાની પણ ના પાડી દીધી અને બોની કપૂરે ‘માસૂમ’ જેવી ક્લાસિક પણ સંપૂર્ણ સોશ્યલ કહેવાય એવી ફિલ્મના ડિરેક્ટર એવા શેખર કપૂરને બોર્ડ પર લીધા અને શેખર કપૂરે જે રીતે આખી ફિલ્મ બનાવી, સિમ્પલી સુપર્બ. ગાયબ થયેલો હીરો સતત દેખાતો પણ રહ્યો અને ગાયબ હોવાની તેની ફીલ પણ બિલકુલ અકબંધ રહી.
ઍનીવેઝ, આપણી વાત ફિલ્મની નથી, આપણી વાત તો ‘મિસ્ટર ઇન્ડિયા’નાં ગાયનોની છે અને એમાં પણ એક એવા ગીતની આપણે વાત કરવાની છે જે તમે ક્યારેય અને ક્યાંય સાંભળો ત્યારે તમારા શરીરમાં જોશ આવી જાય, હા, જોશ. 

૧૯૮૭માં તો આ ગીત એ સ્તરે પૉપ્યુલર થયું હતું કે જરાકઅમસ્તી નબળી વાત આવે કે તરત જ સામેવાળી વ્યક્તિ આ ગીતની બે લાઇન સંભળાવી દે અને એ લાઇનો સાંભળ્યા પછી તરત જ મનમાં તાજગી પણ પ્રસરી જાય. જાવેદ અખ્તરના શબ્દો, લક્ષ્મીકાંત-પ્યારેલાલનું મ્યુઝિક અને સદાબહાર કિશોરકુમારનો સ્વર. ગીતના શબ્દો પણ જાણી લો હવે...

‘ઝિંદગી કી યહી રીત હૈ,
હાર કે બાદ હી જીત હૈ
થોડે આંસુ હૈ, થોડી હંસી
આજ ગમ હૈ તો કલ હૈ ખુશી...’

આ સૉન્ગની પાછળ પણ એવી વાત છે જે સાંભળીને ખરેખર તમને નવાઈ લાગશે. આ ગીત ગાવા માટે કિશોરકુમારે ના પાડી દીધી હતી અને બે જ વ્યક્તિ એવી હતી જે આ સૉન્ગ કિશોરકુમાર જ ગાય એની જીદ લઈને બેઠા હતા. 
એ બે વ્યક્તિ એટલે એક, લિરિસિસ્ટ જાવેદ અખ્તર અને બીજી વ્યક્તિ એટલે મિસ્ટર ઇન્ડિયા મતલબ કે અનિલ કપૂર પોતે. હા, આ બન્ને ઇચ્છતા હતા કે આ ગીત કિશોરકુમાર સિવાય બીજું કોઈ ગાય નહીં અને કિશોરકુમારે ગાવાની ના પાડી દીધી હતી! ફાઇનલી એ સૉન્ગ કિશોરકુમારે જ ગાયું એ બધાને ખબર છે એટલે માત્ર એટલી સ્પષ્ટતા કરવાની કે કિશોરકુમાર હા પાડે એ માટે બધાએ ૬ મહિના રાહ જોવી પડી હતી.
બન્યું શું હતું અને કિશોરકુમારે શું કામ સૉન્ગ ગાવાની ના પાડી દીધી એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે.

બન્યું એમાં એવું કે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થયું અને સૉન્ગ્સનું રેકૉર્ડિંગ પણ શરૂ થયું. કહ્યું એમ ફિલ્મનું મ્યુઝિક લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. ‘કાટે નહીં કટતે યે દિન યે રાત’ અને ‘કરતે હૈં પ્યાર હમ મિસ્ટર ઇન્ડિયા સે’ બન્નેનું રેકૉર્ડિંગ પૂરું થઈ ગયું. આ બન્ને સૉન્ગ કિશોરકુમારે ગાયાં અને ‘કાટે નહીં કટતે’માં કિશોરકુમાર સાથે પહેલી વાર અલીશા ચિનૉયે ગીત ગાયું તો ‘કરતે હૈં હમ પ્યાર’ સૉન્ગમાં કિશોરકુમાર સાથે કવિતા ક્રિષ્નમૂર્તિ હતી. બન્ને સૉન્ગની પ્રોસેસ ચાલતી હતી એ દરમ્યાન જાવેદ અખ્તરના મનમાં ‘ઝિંદગી કી યહી રીત હૈ’ના લિરિક્સ આવ્યા અને તેમણે એ આખું સૉન્ગ તૈયાર કર્યું. હા, આ ગીત મેકૅનિકલ વે પર તૈયાર નહોતું થયું, પણ એ પોએટ્રીના ફૉર્મમાં લખાયું હતું અને એ પછી એમાં માઇનર ચેન્જ થયા અને પછી રેકૉર્ડિંગ થયું. 
જાવેદ અખ્તર અને અનિલ કપૂર વચ્ચે બહુ સરસ દોસ્તી. અખ્તરસાહેબે એ લિરિક્સ અનિલ કપૂરને સંભળાવ્યા અને અનિલ કપૂર એ સાંભળીને એકદમ ચાર્જ થઈ ગયો. ગીતના શબ્દો પણ એવા જ છે, ફિલોસૉફી પણ એ જ સ્તરની છે. તમે પોતે સૉન્ગ સાંભળીને કે પછી એના લિરિક્સ વાંચીને જાણી શકો છો...

‘ઝિંદગી રાત ભી હૈ, 
સવેરા ભી હૈ ઝિંદગી
ઝિંદગી હૈ સફર ઔર 
બસેરા ભી હૈ ઝિંદગી...’

આ પણ વાંચો : પ્રેમ હૈ રાધા કી સાંવરિયા યે હૈ સાત સુરોં કા દરિયા, ઝર ઝર બહતા જાએ...

કેટલી સાચી વાત અને એ પણ કેટલા સરળ અને સાદગીભર્યા શબ્દોમાં. જિંદગીની આ જ તો ખાસિયત છે. એ અત્યારે તમને હસાવે અને બીજી જ મિનિટે તમને રડાવી પણ દે. અચાનક જ કાળમીંઢ અંધકારનો અનુભવ પણ જિંદગી કરાવે. ચારે બાજુએથી ઘેરાઈ ગયા હોઈએ એવો અનુભવ થાય અને એ અનુભવ વચ્ચે જીવ ચૂંથાવાનું શરૂ થાય, પણ બીજી જ ક્ષણે આ જ જિંદગી તમને આશાનો અજવાશ પણ આપી દે. દરેક ક્ષણે એક નવી વાત અને દરેક પળે એક નવો અનુભવ આપે એનું નામ જિંદગી અને એ જ કામ છે જિંદગીનું. જિંદગી તમને દોડાવશે, થકાવશે, પછાડશે અને એનું જ નામ જિંદગી, પણ આ જ જિંદગી સમય આવ્યે તમને સરસમજાનો આરામ પણ આપશે અને તમારો બધો થાક ઉતારવાનું કામ પણ કરશે. જિંદગીની ફરિયાદ કરવાની જરૂર નથી. નહીં કરો ફરિયાદ, કારણ કે આ જિંદગીની દરેક ક્ષણમાં એક નવી વાત છે, એક નવી સફર છે. જો અત્યારે દુઃખની સફર ચાલુ હોય તો આવતી ક્ષણે આ જ જિંદગી તમારે માટે સુખની સફર પણ લાવવાની છે. ફિલ્મનો હીરો અરુણ વર્મા પોતાના ઘરમાં રહેતાં બધાં અનાથ બાળકોને આ જ વાત સમજાવે છે અને એ સમજાવતાં-સમજાવતાં જ અરુણ કહે છે, 

‘એક પલ દર્દ કા ગાંવ હૈ, 
દૂસરા સુખભરી છાંવ હૈ
હર નયે પલ નયા ગીત હૈ
ઝિંદગી કી યહી રીત હૈ
હાર કે બાદ હી જીત હૈ...’

    અનિલ કપૂરના મનમાં ગીતના આ શબ્દો સતત લહેરાતા હતા અને કિશોરકુમાર આ શબ્દોને કેવી નવી ઊંચાઈ આપશે એ પણ તેના મનમાં ચાલતું હતું, પરંતુ કિશોરકુમારે ના પાડી દીધી. કિશોરદાએ શું કામ ના પાડી અને આ સૉન્ગમાં કયા સિંગરને અજમાવવામાં આવ્યો એની વાત હવે કરીશું આપણે આવતા શુક્રવારે, સ્ટે ટ્યુન ટિલ ધૅટ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists anil kapoor mr india kishore kumar