વીંટી એકમાત્ર એવું ઘરેણું છે જેમાં માપ-સાઇઝ પર્ફેક્ટ જોઈએ

16 December, 2021 08:23 AM IST  |  Mumbai | JD Majethia

એક સમય હતો જ્યારે મને વીંટીનો બહુ શોખ હતો. વીંટી પહેરવાનું બહુ મન થતું, પણ એ શોખ પૂરો થઈ શકે એમ નહોતો એટલે હું મારી ઇન્કમ ચાલુ થાય એની રાહ જોતો

પ્રતીકાત્મક તસવીર

ગુરુવાર આવે એટલે તમને મારા તરફથી કશુંક નવું વાંચવાનું મન થાય. સવાર પડ્યે પેપર હાથમાં લો ત્યારે તમને થતું હશે કે ચાલો, જોઈએ આજે જેડીભાઈ શું લખે છે! 
સાચું કહું, તમારા કરતાં પહેલાં મારે વિચાર કરવો પડે કે મારે નવું શું લખવું હવે અને શેની વાત કરું તો તમને મજા પડશે. આમ તો આ પ્રક્રિયા છેક રવિવારથી શરૂ થઈ જાય પણ બુધવાર આવતા સુધીમાં એ ચરમસીમા પર પહોંચે. આ જ ચરમસીમા પર મારે આર્ટિકલના વિષયોની પૅટર્ન પણ બદલતી જવી પડે, સિરિયલ ‘વાગલે કી દુનિયા’માં કરતો જતો હોઉં છું એવી જ રીતે. ઑડિયન્સે આ પ્રકારની કૉન્ટેન્ટ જોઈ લીધી, વાર્તા માણી લીધી એટલે હવે આપણે આવું કંઈ કરીએ. વાત આ વિવિધતાની છે અને વિવિધતા આપણને બધાને ગમતી હોય છે. જુદું-જુદું, અલગ-અલગ મળે તો સૌનો એમાં રસ જળવાઈ રહે. સ્વાભાવિક રીતે એ વિષય શોધવા પ્રક્રિયા એકસાથે ચાલતી હોય અને ઘણી વાર તો એવું બને કે એ વિષય શોધવાની પ્રક્રિયા જ વિષય બની જાય.
આજનો આપણો વાતનો વિષય નવો છે અને એ વિષય ક્યાંથી મળ્યો, કેવી રીતે સૂઝ્યો એની વાત કહું તમને. જસ્ટ મથુરાથી પાછો આવ્યો છું અને એક ધોળમાં ઠાકોરજીની મુદ્રિકાની વાત થાય છે. એ વાત પરથી મને મુદ્રિકા એટલે કે વીંટી જેને હિન્દીમાં અંગૂઠી અને ઇગ્લિંશમાં રિન્ગ કહીએ છીએ એની ચર્ચા કરવાનું મન થયું. તમે જુઓ તો વીંટી એક એવું ઘરેણું છે જેના બહુ બધા જુદા-જુદા અર્થ નીકળી શકે. અર્થ જ નહીં, વીંટી જુદી-જુદી રીતે વ્યક્તિને રેપ્રિઝેન્ટ કરી શકે, ઓળખ આપી શકે. એ જે ઓળખ છે એ જોવા જેવી છે, બહુ મજા આવશે.
નાનપણમાં પહેરી હોય એ એકદમ નાની રિન્ગ હોય. મમ્મી-પપ્પાને એ રિન્ગ પરથી ખબર પડતી હોય કે છોકરો કે છોકરી મોટા થઈ રહ્યા. હા, આ રિન્ગ વધતા વજનની ગવાહી પૂરે. વીંટી થોડી ટાઇટ થવા માંડે, નીકળવામાં તકલીફ કરવા માંડે ત્યારે માબાપને ખબર પડે કે ભાઈનું (કે બહેનનું) વજન વધી ગયું છે. પછી શરૂ થાય એ ટાઇટ થયેલી રિન્ગ કાઢવાની પ્રોસેસ. પોતાની ટાઇટ થયેલી વીંટી કાઢવામાં બહુ તકલીફ પડે. મને હજી યાદ છે કે ટાઇટ વીંટી કાઢવા માટે અમે હાથ પર સાબુ ઘસી-ઘસીને હાથની આપણી જે ચામડી હોય એને થોડી મૉઇશ્ચરાઇઝ કરી આંગળીમાંથી વીંટી કાઢતા. વીંટી હાથમાં ફસાઈ જવાનો એક પ્રસંગ પણ મને અત્યારે યાદ આવે છે પણ એ ઘટના આર્ટિકલ પૂરો થવા આવશે ત્યારે કહીશ તમને. બહુ મજાની વાત છે અને તમને હસવું પણ આવશે પણ હસવાને બદલે અત્યારે આપણે આવી જઈએ વીંટીની વાત પર.
વીંટી જેમ વધેલું વજન પુરવાર કરે એવી જ રીતે વીંટી એક ઉંમર પણ નક્કી કરે અને કહે કે તમે ધીમે-ધીમે મોટા થતા જાઓ છો. નાના હોઈએ ત્યારે ગિફ્ટમાં તમને રિન્ગ આવી હશે, તમને ન ખબર હોય તો તમે તમારાં મમ્મી-પપ્પાને પૂછશો તો ખબર પડશે. વીંટી આવે, ઘણાં બાળકોને કડલી પણ આવે અને એટલી આવે કે એ આપણાં મમ્મી-પપ્પા બીજાનાં બાળકોને ગિફ્ટ આપવામાં વાપરે. વીંટીની સૌથી મહત્ત્વનું સ્થાન જો કોઈ હોય તો એ છે સગાઈ. સગાઈમાં રિન્ગ એક્સચેન્જ થાય, જેને રિન્ગ સેરેમની કહેવાય. ભારતમાં હવે એનું મહત્ત્વ થોડું-થોડું વધ્યું છે પણ બહાર, બીજા દેશોમાં તો એ બહુ થાય છે. એની આખી એક પ્રોસેસ હોય અને એ પ્રોસેસ જોવાની મજા બહુ આવે.
છોકરો પોતાનાં ઘૂંટણ પર આવે અને છોકરીને પ્રપોઝ કરે કે તું મારી સાથે લગ્ન કરીશ? એ લગ્ન કરવા તૈયાર થાય એટલે એ રિન્ગ છોકરી હાથમાંથી લે અને મૅરેજ ફાઇનલ થઈ ગયાં એવી બધાને ખબર પડે. ફૉરેનના લોકોમાં સગાઈનો કન્સેપ્ટ છે જ નહીં, આપણા સિવાય બીજે ક્યાંય આ સગાઇનો કન્સેપ્ટ છે જ નહીં. રિન્ગ ઑફર કરે છોકરો, પેલી હા પાડે એટલે તમે સમજો કે સગાઈ થઈ ગઈ. 
સાલ્લા સ્માર્ટ બહુ છે એ લોકો. ખર્ચો બચે અને મોટા પ્રસંગની તૈયારીમાંથી પણ બચી જવાય તો સાથોસાથ સમય પણ બધાનો બચે. અનનેસેસરી બધાને ભેગા કરવાના અને પછી એમાંથી મનદુઃખ પણ થાય અને એને કારણે વાત બગડે પણ ખરી પણ હશે, એ તો દરેકના સ્વભાવની વાત છે એટલે આપણે ટૉપિક ચેન્જ કર્યા વિના મૂળ વિષય પર વાત કરીએ. રિન્ગ સેરેમની. રિન્ગ સેરેમની પછી તમારા હાથની પર્ટિક્યુલર આંગળીમાં જો વીંટી આવી ગઈ તો સામેવાળાને ખબર પડે કે આ એન્ગેજ્ડ છે, હવે આ છોકરો કે છોકરી સાથે આપણે આપણું ઍન્કર ન બાંધી શકીએ. આવી જગ્યાએ રિન્ગ એક સાઇન છે, એવી જ સાઇન જેવી સાઇન સ્ત્રીઓના મંગળસૂત્રની સાઇનની છે, સિંદૂરની સાઇન છે. એવી જ રીતે રિન્ગની સાઇન પુરુષો માટેની સાઇન છે.
વાત કરીએ હવે વીંટી પસંદ કરવાની. વીંટી ચૂઝ કરવાની પ્રક્રિયા બહુ અઘરી છે સાહેબ. ચેઇન કે પછી બીજું કોઈ પણ ઘરેણું તમે ચૂઝ કરી શકો. બ્રેસલેટ હોય, ઘડિયાળ હોય કે પછી મંગળસૂત્ર હોય કે કોઈ પણ બીજું ઘરેણું હોય. એકાદ કડીને વધારી-ઘટાડીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. બંગડીમાં પણ હજી એકાદ સાઇઝ આગળ-પાછળ થઈ શકે પણ વીંટી છેને, અઘરી આઇટમ છે. એ આંગળીમાં ન જાય તો ન જ જાય. ટાઇટ થાય તમને તો બહુ અનકમ્ફર્ટેબલ કરી જાય. 
પહેલાંની વાત છે, બહુ પહેલાંની વાત. કહોને તમે વીસ-ત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એ સમયમાં વીંટી ઓગણીસ-વીસ સાઇઝમાં મોટી પડતી તો ચાલતી. મોટી વીંટી હોય તો લોકો અંદરની બાજુએ દોરો બાંધી લેતા. વીંટીની નીચેનો જે ભાગ હોય જે કોઈને ન દેખાવાનો હોય એ બાજુએ દોરો બાંધીને લોકો વીંટીને મૅનેજ કરી લેતા. મને આવા લોકો બહુ ગમે. પોતાના જીવનમાં જે હોય એને કેવી રીતે ચલાવી લેવું અને કેવી રીતે રસ્તો કાઢવો એ આવડત કહેવાય અને એ આવડત હોવી જોઈએ. એ સમયે લોકોમાં એ આવડત પણ હતી અને લોકો સહજતા સાથે રસ્તો સ્વીકારી પણ લેતા. દોરો બાંધ્યો હોય એ ભાગ કોઈને દેખાવાનો નથી, ચલાવને ભાઈ. બધાને તો ઉપરનો નંગ જ દેખાડવાનો છેને. 
આવું વિચારનારી વ્યક્તિ સાચવીને જીવન જીવે છે અને જીવન એવી જ રીતે જીવવાનું હોય પણ આજકાલ કોઈ દોરો નથી બાંધતા અને દોરો નથી બંધાતો એટલે વીંટીમાં હવે ઓગણીસ-વીસ નથી ચાલતું. એકદમ પર્ફેક્ટ માપ-સાઇઝ જ જોઈએ અને એ માપ-સાઇઝ હોય તો જ વીંટી હાથમાં જામે.
વીંટીની આ વાત પર જ નાનપણમાં એક ફિલ્મ જોઈ હતી એ યાદ આવી ગઈ. ફિલ્મ હતી ‘મુકદ્દર કા સિકંદર’. એમાં મને પહેલી વાર ખબર પડી કે જે વીંટી હોય એના પર લાગ્યો હોય એ સાચો હીરો હોય અને એ હીરો બહુ મોંઘો હોય. ફિલ્મના એક સીનમાં એમાં હિરોઇન રેખા વીંટી ચૂસીને ઝેર પી લે છે. એ સમયે તો અમે એના ઘણાબધા અર્થો કાઢતા પણ પછી ખબર પડી કે હીરો ઝેરી નથી હોતો. એ સાચા હીરાની નીચે એવી જગ્યા હોય જેમાં ઝેર રહી જાય અને એ ઝેર એવું હોય કે એ પાંચ જ સેકન્ડમાં અસર થઈ જાય અને માણસનો જીવ નીકળી જાય. 
‘મુકદ્દર કા સિકંદર’માં મને પહેલી વાર ખબર પડી કે વીંટીનો આવો પણ ઉપયોગ એટલે કે દુરુપયોગ થાય છે. વીંટીની આવી જ બીજી પણ બધી વાતો કરવી છે પણ સ્થળસંકોચ અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અત્યારે વિરામ લઈએ. હવે મળીશું આપણે આવતા ગુરુવારે, આ જ વિષય સાથે.

બહુ પહેલાંની વાત. કહોને તમે વીસ-ત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એ સમયમાં વીંટી ઓગણીસ-વીસ સાઇઝમાં મોટી પડતી તો ચાલતી. મોટી વીંટી હોય તો લોકો અંદરની બાજુએ દોરો બાંધી લેતા. વીંટીની નીચેનો જે ભાગ હોય જે કોઈને ન દેખાવાનો હોય એ બાજુએ દોરો બાંધીને લોકો વીંટીને મૅનેજ કરી લેતા. મને આવા લોકો બહુ ગમે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists