હક ત્યારે માગી શકાય જ્યારે અધિકારભાવ આપ્યો પણ હોય

05 July, 2022 03:27 PM IST  |  Mumbai | Sarita Joshi

આજે આ વાત મોટા ભાગની દીકરી ભૂલી જાય છે અને અહીંથી જ મતભેદની શરૂઆત થાય છે. જીવનમાં મતભેદ ટાળવા અત્યંત જરૂરી છે, પણ એ ટાળવાની કળા હસ્તગત કરવી એ એનાથીય વધારે આવશ્યક છે

લગ્ન પછીનો આ ફોટો ક્યારે પાડ્યો હતો એ મને યાદ નથી, પણ એટલું યાદ છે કે આ ફોટો એક દીકરાની મા બન્યા પછીનો છે.

આજની દીકરીઓને હું કહીશ કે કામ તમારી જવાબદારી છે અને એવી જ રીતે તમારું ફૅમિલી, તમારું ઘર અને ઘર સાથે જોડાયેલી દરેકેદરેક વ્યક્તિ પણ તમારી જવાબદારી છે. એને નિભાવજો. નિભાવવાનું કામ કરશો તો સમય આવ્યે તમે પણ હક સાથે તમારી વાત કહી શકશો.

હા, એક જ વર્ષમાં અમારાં મૅરેજ થઈ ગયાં. આઈ આ લગ્નથી સૌથી વધારે રાજી હતી અને રાજી પણ શું કામ ન હોય. દીકરીને તેનું મનગમતું કામ કરવાની છૂટ આપનાર જમાઈ મળ્યો હતો અને જમાઈ પણ કેવો, તમને કહ્યુંને, હીરો જેવો. સ્વાભાવિક છે કે આઈ ખુશ હતી, હું ખુશ હતી. પદ્‍મા અને મારી બીજી બહેનો-ભાઈઓ બધાં ખુશ હતાં. મને આજે પણ યાદ છે કે એ દિવસોમાં અમારા નાટકની ટૂર કાઠિયાવાડમાં હતી અને કાઠિયાવાડનાં જુદાં-જુદાં શહેરોમાં અમે ફરતાં હતાં.
આજે તો હવે ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે, સુવિધાઓ વધી છે, પણ એ સમયે એવું નહોતું. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીધે આજે કોઈ શહેરમાં ચાર-પાંચ શો કરવા હોય તો પણ આગલા દિવસે કલાકારો અને સેટ પહોંચી જાય છે, પણ એ સમયે એ અઘરું હતું અને ચાર-પાંચ દિવસ પૂરતા શો પણ થતા નહીં. લાંબો સમય શો ચાલતા. મોટા શહેરમાં મહિનો-દોઢ મહિનો તો અમે આરામથી શો કરતાં. એ સમય દરમ્યાન ત્યાં જ રહેવાનું. છેક આઇએનટી સુધી એ ચાલ્યું હતું. હું આઇએનટીનાં નાટકો કરતી ત્યારે અમે મહિનો-મહિનો અમદાવાદ રહેતાં અને એકધારા શો કરતાં.
શું એ દિવસો હતા સાહેબ?!
નાટકોની ટિકિટ માટે લાંબી લાઇન લાગે અને બપોર પડતા સુધી તો શો ઍડ્વાન્સ બુકિંગમાં જ હાઉસફુલ થઈ જાય. અત્યારના શો ઑર્ગેનાઇઝર ચેતન ગાંધીના પપ્પા રાજુભાઈ ગાંધી ત્યારે એ બુકિંગનું અને બધું કામ સંભાળતા. રાજુભાઈનો ઠસ્સો જુઓ, તેનો મિજાજ જુઓ. લોકો રાજુભાઈની ઓળખાણ શોધીને તેમની પાસે ટિકિટ માટે આવતા અને ટિકિટ મળે એટલે જાણે લૉટરી લાગી હોય એવા ખુશ થતા. ખરેખર, શું એ દિવસો હતા. લાઇવ આર્ટની સાચા અર્થમાં કદર થતી અને એ કદર કરનારા કદરદાનો હતા. ઍનીવેઝ, અત્યારે આપણી વાત એ દિવસોને યાદ કરવાની નથી, અત્યારે વાત ચાલી રહી છે મારા એ દિવસોની જે દિવસોમાં હું લગ્નની જવાબદારીઓ સાથે જોડાઈ.
lll
અમારાં લગ્ન ભાવનગરમાં થયાં હતાં. સિવિલ મૅરેજ હતાં એ. તેમના સૌથી મોટા ભાઈની વાઇફ નર્ગિસ એ મૅરેજમાં આવ્યાં હતાં અને અન્ય એક પારસી ફૅમિલી પણ એ લગ્નમાં આવ્યું હતું. સિવિલ મૅરેજ હતાં એટલે બીજા કોઈ પ્રકારની ધામધૂમ તો નહોતી થઈ, પણ સાહેબ, ખુશીની સાચી ધામધૂમ તો મનમાં થવી જોઈએ, પણ આપણે એને બહાર દર્શાવવાના મોહમાં ઘણું બધું ગુમાવી બેસતાં હોઈએ છીએ. હું એ ભૂલ કરવાની ના પાડીશ. તમે મનથી જોડાઓ એ સૌથી વધારે અગત્યનું છે. વિધિ કોઈ પણ હોય, રિવાજ કોઈ પણ હોય, પણ ક્યારેય ભૂલવું નહીં કે લગ્ન એ બે વ્યક્તિનું નહીં, બે પરિવારનું મિલન છે અને એ મિલન જો વાજબી રીતે ન થાય તો એની સીધી આડઅસર બે વ્યક્તિ પર પડવા માંડે.
આજે ઘણા લોકોને હું આ જ કારણસર છૂટાં પડતાં જોઉં છું ત્યારે બહુ દુઃખ થાય છે. કહેવાનું મન થઈ આવે કે દરેક જણ પોતપોતાની મર્યાદા અને સામેની વ્યક્તિની લાક્ષણિકતાને નજર સમક્ષ રાખીને રહેશે તો ક્યારેય એકમેકનો સાથ નહીં છોડે.
lll
લગ્ન થયાં અને એ સાથે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. તમને કહ્યું એમ, રાજકુમારનું ફૅમિલી પારસી કુટુંબ હતું. અનેકાનેક કામો સાથે એ લોકો જોડાયેલા હતા અને હું નાટકો કરતી હતી. લગ્ન પછી પણ મેં નાટક ચાલુ રાખ્યાં હતાં. રાજકુમાર પોતાની મરજીના માલિક હતા. તેઓ અમારી નાટક મંડળી સાથે પણ રહે તો ઘણી વાર મુંબઈ પણ ચાલ્યા જાય અને ત્યાં રહે. તેમને મારાં નાટક સામે કે પછી મારી નાટકોની આ ટૂર સામે કોઈ વાંધો નહોતો.
આ જ દિવસોમાં પદ્‍‍માનો દીકરો હૌશાંગ બીમાર રહેવા લાગ્યો. મને બાળકો બહુ ગમે. હું હૌશાંગને બહુ રમાડતી. બાળકોને પણ મારી સાથે મજા આવે. હું જાતજાતનાં મોઢાં બનાવું, એક્સપ્રેશન આપું એટલે એ બીજી જ મિનિટે હસી પડે અને પછી અમારી વચ્ચે ભાઈબંધી થઈ જાય. તમને યાદ હોય તો દિલ્હીમાં શાલિનીદીદીનાં બાળકોને પણ મારી સાથે સારું બનતું. તેમને તૈયાર કરવાની, સ્કૂલ મોકલવાની અને સ્કૂલથી આવે એ પછી તેમની બીજી જેકોઈ જવાબદારી હોય એ મારી જ ગણાતી અને એ જવાબદારી મેં મારી ઇચ્છાથી લીધી હતી.
હૌશાંગની વાત કરું તો એ દોઢ-બે વર્ષનો થયો હશે. મને અત્યારે વધારે યાદ નથી અને યાદ પણ ક્યાંથી હોય, સાત-સાડાસાત દસકા પસાર થઈ ગયા સાહેબ.
એકદમ ગોરો ગોરો, જરાઅમસ્તો ગાલ ખેંચો તો આખેઆખો લાલચોળ થઈ જાય એવો રતૂંબડો અને આંખો એકદમ કાળી ભમ્મર. હૌશાંગની તબિયત બગડવા માંડી અને એ કાબૂમાં નહોતી આવતી એટલે તેને મુંબઈ લઈ જવાયો. મુંબઈમાં પણ હૌશાંગની તબિયતમાં કોઈ ફરક પડ્યો નહીં. ડૉક્ટર ભગત હતા, બાળકોના સ્પેશ્યલિસ્ટ. તેઓ હૌશાંગની ટ્રીટમેન્ટ કરતા હતા. હૌશાંગને હૉસ્પિટલાઇઝ્‍ડ કરવામાં આવ્યો, ડૉક્ટરે બહુ પ્રયાસ કર્યા પણ વિધિના લેખ, ક્યારેય કોઈ ટાળી શક્યું છે ખરું?!
હૌશાંગને બચાવી શકાયો નહીં અને આમ અનાયાસ પદ્‍માના પહેલા સંતાને અમારી વચ્ચેથી વિદાય લઈ લીધી. એ દિવસોમાં હું મુંબઈ હતી. આજે પણ મને યાદ છે હૌશાંગના અવસાનના થોડા દિવસો પછી મેં ન્યુઝ આપ્યા.
ગુડ ન્યુઝ.
હા, સાહેબ, હું પ્રેગ્નન્ટ થઈ અને ચારે તરફ બધાના ચહેરા ખુશીથી લાલ થઈ ગયા. પદ્‍માને મેં કહ્યું હતું, ‘જો તારો હૌશાંગ ફરી આવવાનો છે!’
મારે એક વાત ખાસ કરવી છે. એ દિવસોમાં મેં મારું નામ સરિતા ખટાઉ કર્યું હતું અને સરિતા ખટાઉના નામે હું નાટકો કરતી અને ફિલ્મોમાં પણ કામ કરવા માંડી હતી. કામ મારી પ્રાયોરિટી હતું, પણ એ પ્રાયોરિટી વચ્ચે મેં ક્યારેય મારા પરિવારને, મારા ઘરને કે પછી મારી જવાબદારીને ટાળી નથી. આજની દીકરીઓને પણ હું આ જ વાત કહીશ. કામ તમારી જવાબદારી છે અને એવી જ રીતે તમારું ફૅમિલી, તમારું ઘર અને ઘર સાથે જોડાયેલી દરેકેદરેક વ્યક્તિ પણ તમારી જવાબદારી છે. એને નિભાવજો. નિભાવવાનું કામ કરશો તો સમય આવ્યે તમે પણ હક સાથે તમારી વાત કહી શકશો, પણ જો શરૂઆતથી જ એવી અપેક્ષા રાખીને બેસશો કે રહેશો કે સામેવાળી વ્યક્તિ બધું સમજે તો એવું નહીં બને.
હશે, આપણે આપણી વાત આગળ વધારીએ.
મને દીકરો આવ્યો. બિલકુલ રાજકુમાર જેવો જ દેખાય. રૂપાળો અને તેમના જેવી જ આંખોવાળો. દીકરાના જન્મના થોડા જ સમય પછી મેં નવેસરથી કામ શરૂ કરી દીધું હતું. કારણ, મને ખબર હતી કે મારા પર મારી આઈ અને ભાઈ-બહેનોની જવાબદારી છે. રાજકુમાર અમારા બધાનું બહુ ધ્યાન રાખતા, પણ મને ક્યારેય ઓશિયાળા થવું નહોતું અને કોઈને ઓશિયાળા કરવા પણ નહોતા એટલે જેવી મને ડૉક્ટરે હા પાડી કે તરત મેં નાટકોમાં કામ શરૂ કરી દીધું હતું.
નાટકોમાં કામ શરૂ કર્યું એ સમયની એક વાત તમને કહું.
નાટકની ટૂર દરમ્યાન અમે એક બંગલામાં ઊતર્યા. ઉતારો કરી લીધા પછી અમને ખબર પડી કે એ બંગલામાં તો મધપૂડો છે. વાત ઈરાની શેઠ પાસે પહોંચી અને ઈરાની શેઠનો જીવ અધ્ધર. બીજા બંગલાની શોધખોળમાં લાગ્યા, પણ એમ કંઈ થોડો આવડો બંગલો આસાનીથી મળી જાય.
ઈરાની શેઠની ચિંતા વધવા માંડી. વધે એ સ્વાભાવિક હતું, કારણ કે મારાં લગ્ન તેમની સગી બહેનના દીકરા સાથે થયાં હતાં. દીકરો મારી સાથે, હું પણ ત્યાં. રાજકુમારે આયા રાખી હતી, જે ચોવીસ કલાક મારી સાથે રહે. બે-ત્રણ દિવસ ગયા, પણ બીજી કોઈ જગ્યા મળી નહીં એટલે ઈરાની શેઠ મારી પાસે આવ્યા,
‘સરિતા, આપણે શો કૅન્સલ કરીએ.’
‘ના...’ મેં તેમને કહ્યું, ‘શો તો થશે જ. તમે ખોટી ચિંતા કરો છો.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi