તેરી મિટ્ટી મેં મિલ જાવાં...

15 January, 2022 01:15 PM IST  |  Mumbai | Sejal Patel

જીવ હથેળી પર લઈને દેશની સીમાની સુરક્ષા કરવાનું કામ કેટલું ગૌરવપ્રદ અને સંતોષ આપનારું છે એના સ્વાનુભવની વાત કરે છે કેટલાક નિવૃત્ત મુંબઈગરા ગુજરાતી આર્મી મેન

પ્રતીકાત્મક તસવીર

‘કેસરી’ જેવી ફિલ્મનાં આવાં ગીતો ભલભલાના શરીરમાં દેશપ્રેમનો જુવાળ ઊભો કરી દેવા માટે કાફી છે, પણ આ જુવાળનો ઊભરો બહુ લાંબો નથી હોતો. જીવ હથેળી પર લઈને દેશની સીમાની સુરક્ષા કરવાનું કામ કેટલું ગૌરવપ્રદ અને સંતોષ આપનારું છે એના સ્વાનુભવની વાત કરે છે કેટલાક નિવૃત્ત મુંબઈગરા ગુજરાતી આર્મી મેન. ગુજરાતીઓ લશ્કરમાં કેમ ઓછા જોવા મળે છે એનો જવાબ પણ તેમની પાસેથી જાણીએ

મુંબઈ જેવા શહેરમાં ઊછરેલો યુવાન આર્મીમાં જવાનું વિચારે એવું આજેય બહુ ઓછું બને છે. એનો મતલબ એવો નથી કે મુંબઈગરામાં સાહસ નથી, પણ કદાચ મુંબઈનું પાણી જ એવું છે જે હથિયાર ઉઠાવીને લડવાનું નહીં પણ વેપાર વાણિજ્યને લગતાં સાહસો માટે મોકળું મેદાન પૂરું પાડે છે. આજે આપણે મળીશું એવા મુંબઈગરાઓને જેમણે સરહદ પર સામી છાતીએ દુશ્મનની ગોળી ઝીલી છે, જેમણે હજાર સૈનિકોની ટુકડીને લીડ કરી છે, જેમણે દેશની સુરક્ષાવ્યવસ્થાને અંદરથી મજબૂત કરવા માટે ઇન્ટેલિજન્સ ડિફેન્સ સિસ્ટમમાં કામ કર્યું છે.
વિલે પાર્લેમાં ઊછરેલા અને હાલમાં નવી મુંબઈમાં રહેતા રિટાયર્ડ કર્નલ મનીષ કચ્છીએ જુવાનીનાં અમૂલ્ય ૨૫ વર્ષ સૈન્યને આપ્યાં છે અને નૅશનલ આર્મીમાં કર્નલના પદેથી નિવૃત્ત થઈને મુંબઈના કૉર્પોરેટ વર્લ્ડનો પણ સ્વાદ ચાખ્યો છે. કારગિલમાં થયેલા ઑપરેશન વિજયમાં ઇન્ફૅન્ટ્રી આર્મી એટલે કે દુશ્મનની ગોળીઓનો પહેલી હરોળમાં સામી છાતીએ તેમણે સામનો કર્યો છે. દુશ્મનની ગોળીઓ ઝીલવાનું સાહસ ક્યાંથી આવતું હોય છે એ વિશે મનીષભાઈ કહે છે, ‘મિલિટરીમાં ટ્રેઇનિંગ જ એવી મળી હોય છે કે તમે વૉર ફ્રન્ટ પર જઈને આપમેળે બહાદુર થઈ જાઓ. આર્મીનો યુનિફૉર્મ અને હાથમાં ગન આવે એટલે સાવ સીધોસાદો લાગતો સૈનિક પણ બ્રેવહાર્ટ બની જતો હોય છે. શિસ્ત અને હિંમત કેળવવા પર ટ્રેઇનિંગ દરમ્યાન બહુ કામ થયું હોય છે એટલે ભાગ્યે જ કોઈ હશે જે વૉર ફ્રન્ટ પર જઈને ડરી જાય.’ 
મિલિટરી ઇન્ટેલિજન્સ ‌
ઑપરેશન વિજય પછી ભારતે મિલિટરી ઇન્ટેલિજન્સના ડિપાર્ટમેન્ટને રીવૅમ્પ કરીને વધુ મજબૂત, વધુ સઘન અને સક્ષમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો જેથી કારગિલ કે આતંકવાદી હુમલા જેવી ઘટનાઓને નિવારી શકાય. એ વખતે મિલિટરીના જ કેટલાક લોકોને ઇન્ટેલિજન્સ માટે કામ કરવા વૉલન્ટિયર કરવાનું કહેવાયેલું. કર્નલ મનીષ કચ્છીએ એ તક ઝડપી લીધી અને ૨૦૦૦થી ૨૦૧૪ દરમ્યાન લગભગ ૧૫ વર્ષ સુધી તેમણે મિલિટરી ઇન્ટેલિજન્સમાં કામ કર્યું. પાડોશી દુશ્મન દેશોમાંથી થતી સ્લીપરસેલ્સની ઘૂસણખોરીની વાત હોય કે હુર્રિયત અને ઍન્ટિ-નૅશનલ પ્રવૃત્તિને ફન્ડ પૂરું પાડતી એનજીઓનો અંચળો ઓઢીને બેઠેલી સંસ્થાઓની કામગીરી પર ચાંપતી નજર રાખવાનું કામ એમાં આવી જાય. 
કૉર્પોરેટ અને આર્મી
ઇન્ફૅન્ટ્રી આર્મીમાં ૧૦૦૦ સૈનિકોના ટ્રુપને લીડ કરી ચૂકેલા રિટાયર્ડ કર્નલ મનીષભાઈએ નિવૃત્તિ બાદ કૉર્પોરેટ વર્લ્ડમાં પણ કામ કર્યું છે. મિલિટરી અને કૉર્પોરેટ વર્લ્ડના કેટલાક ભેદને વર્ણવતાં મનીષભાઈ કહે છે, ‘મિલિટરીમાં તમને રિયલ ટીમ બિલ્ડિંગનો અનુભવ મળે. તમારી ટીમનો માણસ વધુ મજબૂત થાય, વધુ સાહસી હોય, વધુ તાલીમો મેળવીને તે વધુ સક્ષમ બને એના પર ફોકસ કરવામાં આવે. જ્યારે કૉર્પોરેટ વર્લ્ડમાં જો તમે વધુ કરેજિયસ બનો તો તમારા બૉસને ચિંતા થવા લાગે કે ક્યાંક આ મને રિપ્લેસ નહીં કરી દેને? બની શકે કે કૉર્પોરેટમાં તમારા હાથ નીચે કામ કરતા ૫૦૦ લોકોમાંથી બધાનાં તમને નામ સુધ્ધાં ખબર ન હોય, પણ મિલિટરીમાં હું જ્યારે ૧૦૦૦ જવાનોનું ટ્રુપ લીડ કરતો હતો ત્યારે એ દરેક જવાનનાં નામ-ગામથી માંડીને તેની તમામ પર્સનલ અને પ્રોફેશનલ વિગતોની જાણકારી મારે રાખવાની રહેતી. એ મારી પાર્ટ ઑફ ડ્યુટી હતી. જો હું મારા જવાનો સાથે અંગત બૉન્ડ ધરાવતો હોઉં તો જ અણીના સમયે કોને, શું જવાબદારી સોંપવી જેથી ધાર્યું પરિણામ મળી શકે છે એનો સચોટ નિર્ણય લઈ શકું.’
લાઇફ ચેન્જિંગ અનુભવ
આપણે નિરાંતની ઊંઘ લઈ શકીએ છીએ કેમ કે સરહદ પર કોઈ દિવસ-રાત જાગી રહ્યું છે. ‘અંગત લાઇફસ્ટાઇલ’ને સૅક્રિફાઇસ કરીને લાખો જવાનોએ ચોવીસ કલાક ચોકન્ના રહેવાની શિસ્તબદ્ધતા પસંદ કરી છે. આની કિંમત આપણને ત્યારે જ સમજાય જ્યારે સ્વાનુભવ કર્યો હોય એમ જણાવતાં રિટાયર્ડ કૅપ્ટન પૂર્વેશ ગડા કહે છે, ‘પાંચ વર્ષની મારી મિલિટરી સર્વિસ દરમ્યાન મને આખી જિંદગીના અનુભવો થઈ ગયા. મેં મોટા ભાગની સર્વિસ નૉર્થ-ઇસ્ટ રીજનમાં કરી હતી. ત્યાંનાં જંગલોમાં કલાકો સુધી ખૂબ સીમિત પાણી-ખોરાક વિના ડ્યુટી કરવાનું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. રાજસ્થાનમાં જ્યારે ડ્યુટી પર હતો ત્યારે અમને દિવસમાં માત્ર પાંચ લિટર પાણી જ મળતું. એમાં જ ચલાવવાનું રહેતું. ધોમધખતા તાપમાં પાણીની અછતમાં પણ તમારે ડિસિપ્લિન સાથે ડ્યુટી નિભાવતાં શીખવાનું હોય. સવારે જે જવાન સાથે ધમાલમસ્તી કરી હતી તે તિરંગામાં લપેટાઈને પાછો આવે ત્યારે ક્ષણભર માટે ધ્રૂજી જવાય. મિલિટરીનાં એ પાંચ વર્ષોએ મારો જીવન જોવાનો નજરિયો બદલી નાખ્યો છે અેમ કહું તો ચાલે. આજે એ દિવસો વિશે વિચારું છું તો લાગે છે કે ઓહો આટલું ડિસિપ્લિન્ડ જીવન હું એ વખતે કેટલી આસાનીથી જીવતો હતો!’
કચ્છી જૈન પરિવારમાંથી આવતા પૂર્વેશ ગડા મિલિટરીમાં સેવા આપી શક્યા એ માટે તેમનાં મમ્મીની હિંમતને પણ દાદ આપવી પડે એમ છે. પૂર્વેશના પરિવારમાં આમ તો પહેલેથી એનસીસીનું વાતાવરણ હતું. પૂર્વેશ ટૉપ એનસીસી કૅટેડ હતો એટલે તેને મિલિટરી જૉઇન કરવાની બહુ ઇચ્છા હતી. પૂર્વેશભાઈ કહે છે, ‘હું દસમામાં હતો ત્યારે જ પપ્પાની અણધારી વિદાય થઈ ગયેલી. જ્યારે મેં મિલિટરી જૉઇન કરવાનું વિચારેલું ત્યારે ત્રણેય બહેનોનાં લગ્ન થઈ ગયેલાં અને હું અને મમ્મી એકલાં જ રહેતાં હતાં. મને મનમાં હતું કે છેલ્લે મમ્મી કદાચ ઇમોશનલ ઇશ્યુ કાઢશે, પણ જ્યારે હું મિલિટરીની ટ્રેઇનિંગ માટે સિલેક્ટ થયો ત્યારે સૌથી વધુ ખુશ મારી મમ્મી હતી. કંદમૂળને હાથ પણ ન લગાડતી અને પાક્કા જૈન ધર્મના નિયમો પાળતી મમ્મીએ મને એ દિવસે કહેલું કે ભગવાન મહાવીર સ્વામી લો કે આદિનાથ ભગવાન, આપણા જૈન તીર્થંકરો પણ મૂળે તો ક્ષ‌િ‌ત્રિય જ છે. જો માતૃભૂમિની રક્ષા કાજે ક્ષત્રિયધર્મ નિભાવવો પડે તો એમાં કશું જ ખોટું નથી.’

નૅશનલ આર્મી ડે શું કામ?

સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિન નજીક આવે, કોઈ મોટા ઑપરેશનમાં જવાનો શહીદ થાય ત્યારે આપણને દેશ માટે જીજાન લગાવી દેતા જવાનો યાદ આવે છે. જોકે આજે સૈનિકોને યાદ કરવાનું કારણ થોડુંક જુદું છે. આજે ઇન્ડિયન આર્મી ડે છે અને એ છે આપણા સૈન્યની આઝાદીનો દિવસ. ૧૯૪૭માં આઝાદી મળી એ પછી ૧૯૪૮ની ૧૫મી જાન્યુઆરીએ એમ. કરિયપ્પાને ભારતના સૈન્યના સૌપ્રથમ લેફ્ટનન્ટ જનરલ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં સૈન્યની બાગડોર બ્રિટિશ ફ્રાન્સિસ બૂચરના હાથમાં હતી. એ વખતે થલસેનામાં લગભગ બે લાખ સૈનિકો હતા, જ્યારે આજે આર્મીના ઍક્ટિવ સૈનિકોની સંખ્યા લગભગ સાડાબાર લાખ અને રિઝર્વ સૈનિકોની સંખ્યા લગભગ સાડાનવ લાખ જેટલી છે. 

સૈન્યમાં ગુજરાતીઓ કેમ ઓછા છે?

આમ બધા જ પ્રકારનું સાહસ ધરાવતા ગુજરાતીઓ જ્યારે રણભૂમિની વાત આવે ત્યારે કેમ પાછા પડે છે? સૈન્યમાં જોડાવા માટે જે સાહસ, શિસ્ત કેળવવાની જરૂર પડે એ ગુજરાતીઓમાં ઓછાં છે કે શું? એ સવાલના જવાબમાં મૂળે જૂનાગઢના રિટાયર્ડ કર્નલ મનીષ કચ્છી કહે છે, ‘મને એવું નથી લાગતું કે ગુજરાતી કમ્યુનિટીમાં સાહસની કમી છે. ગુજરાતીઓ જે ક્ષેત્રમાં જાય ત્યાં અવ્વલ થાય છે. એ વેપારધંધો હોય કે પૉલિટિક્સ, તેઓ જે કરે એ દિલથી કરે છે. નૉર્થ ઇન્ડિયામાંથી વધુ સૈનિકો આવે છે, કારણ કે ત્યાં એક્સપોઝર જ એવું છે. જેમ આપણે ત્યાં દીકરો બિઝનેસ કરે એમ ત્યાંની કમ્યુનિટીમાં દીકરો સૈન્યમાં હોય એ વાતે ગૌરવ લેવાય છે. એનો મતલબ એ નથી કે નૉર્થમાં બધા જ લોકો દેશપ્રેમી હોય છે. સૈન્ય તેમના માટે કરીઅર ઑપ્શન હોય છે. જે ગુજરાતીઓ સૈન્યમાં જોડાય છે તે ભારોભાર દેશપ્રેમ અને પૅશનને કારણે જોડાય છે અને બહુ ઓછા ગુજરાતીઓ હોવા છતાં સૈન્યમાં તેમનું યોગદાન અપ્રતીમ હોય છે.’

columnists sejal patel