બિસ્કિટવાળા દાદા

04 May, 2022 06:50 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગામદેવીમાં રહેતા ૮૯ વર્ષના તૈયબ કોઠારી વહેલી સવારે બસના ડ્રાઇવરો, રસ્તા પર રહેતા લોકો, સફાઈકામ કરતા કર્મચારીઓ તથા સ્કૂલનાં બાળકોને બિસ્કિટનો પ્રસાદ આપતા જોવા મળી જશે

ચોપાટી પાસે વહેલી સવારે અનોખી સેવા કરી રહેલા ૮૯ વર્ષના દાદા.

ગામદેવીમાં રહેતા ૮૯ વર્ષના તૈયબ કોઠારી નામના દાદા તમને રોજ સવારે ચોપાટી રોડ અને ભવન્સ કૉલેજ પાસે હાથમાં ઝોળી લઈને ફરતા જોવા મળશે. સવારે સાડાપાંચ-પોણાછ વાગ્યામાં તેઓ ઝોળીમાં બિસ્કિટનાં પૅકેટ લઈને નીકળી પડે છે અને ત્યાંથી પસાર થતા સહુકોઈને બિસ્કિટ આપે છે. બેસ્ટની બસો જતી હોય તો એને પણ હાથ દેખાડીને ઊભી રાખે અને ડ્રાઇવરને બિસ્કિટ આપે. અને ત્યાંથી પસાર થતી ઘરકામ કરતી બહેનો, સફાઈકામ કરતા કર્મચારીઓ તથા સ્કૂલમાં જતાં બાળકો મળે તો તેમને પણ ગ્લુકોઝનાં બિસ્કિટ આપે. તેઓ આ બિસ્કિટને પ્રસાદ કહીને લોકોને આપતા હોવાથી લોકો પણ ખૂબ હોંશથી એ લઈ લેતા હોય છે.  
તેઓ ક્યારથી આ સેવા કરે છે અને આવો બિસ્કિટનો પ્રસાદ વહેંચવા પાછળનું કારણ શું? એ અમે જ્યારે તૈયબદાદાને પૂછ્યું તો તેઓ કહે છે, ‘લાંબા સમયથી હું દરરોજ સવારે પોણાછ વાગ્યાની આસપાસ આવું છું અને પોણાસાત વાગ્યાની આસપાસ જતો રહું છું. સવારે લોકોને પ્રસાદ આપવાનું મને ખૂબ ગમે છે. સવારે ઘરેથી કામ પર પહોંચવાની ઉતાવળને લીધે અનેક લોકો કંઈ પણ ખાધા-પીધા વગર નીકળી જતા હોય છે. તેમને આ પ્રસાદ કદાચ થોડો આધાર આપી શકે એ જ મારો આશય છે. દરરોજ ૧૦૦થી ૧૫૦ પૅકેટ લઈને બેસ્ટની બસને હાથ દેખાડીને ઊભી રાખી ડ્રાઇવરને બિસ્કિટનું પૅકેટ આપું છું. આ ઉપરાંત અહીંથી સવારે ઘરકામ કરવા અનેક બહેનો જતી હોય છે તથા સફાઈ કર્મચારીઓ પણ જતા હોય છે. તેમને પણ પ્રસાદ આપું છું. અહીં એક સ્કૂલ પણ છે. એના વિદ્યાર્થીઓ પણ અહીંથી જતા હોય તો તેમને પણ બિસ્કિટનું પૅકેટ આપું છું. મને બધાને પ્રસાદ આપવાનું ખૂબ સારું લાગે છે અને મનમાં એક અનોખી શાંતિ મળે છે..’
આવી સેવા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એનો જવાબ આપતાં આ દાદા કહે છે, ‘ઘણા વખત પહેલાં અહીં મેં સ્કૂલની એક છોકરી જોઈ હતી. તે બહુ થાકેલી દેખાતી હતી. એ વખતે મારી પાસે રહેલું બિસ્કિટનું એક પૅકેટ મેં તે બાળકીને આપ્યું હતું. તેના ચહેરા પર જબરી ખુશી છવાઈ ગયેલી. પછી તો બીજા દિવસે પણ હું પૅકેટ લઈને ગયો અને ત્યાં આસપાસમાં જરૂરિયાતમંદ લોકોમાં એ વહેંચતાં તેઓ પણ એકદમ ખુશ થઈ ગયા હતા. ત્યાર બાદ મેં ધીરે-ધીરે દરરોજ બિસ્કિટનાં પૅકેટ લઈ જવાની શરૂઆત કરી અને પૅકેટની સંખ્યા વધારતો ગયો. મને ખૂબ સારું લાગવા લાગ્યું અને મેં આ સેવા કરવાનું ચાલુ રાખ્યું. અનેક લોકો મને સવારે મળવા આવતા હોય છે. હું મારાથી બનતી સેવા કરું છું. ઉપરવાળો છે જ મદદ કરવા. મારી એક દીકરી અને દીકરો યુએસ છે અને બીજી દીકરી બાંદરા છે. હું અને મારી પત્ની અહીં રહીએ છીએ.’
આ કાકા તેમના સમયે અચૂક અહીં હોય જ છે એવું જણાવીને અહીં કામ પર આવતા સંજય ગોહિલ કહે છે, ‘ક્યારેક અમને કામ પર આવતાં મોડું થઈ જાય, પણ કાકા ઘડિયાળના કાંટાની જેમ સમય પર આવીને ઊભા રહી જતા હોય છે. આ ઉંમરે કાકાની સેવા ભાવના ખરેખર સરાહનીય છે. બિસ્કિટનો થેલો ભરીને લાવે અને ખાલી કરીને જાય. તેમને જોઈને મન ખુશ થઈ જાય એવું પૉઝિટિવ વ્યક્તિત્વ છે.’
બેસ્ટની એક બસના ડ્રાઇવર પ્રશાંત શિંદે પણ દાદાના પ્રસાદના સાક્ષી છે. તેઓ કહે છે, ‘જ્યારે પણ આ રૂટ પરથી સવારે બસ નીકળે ત્યારે કાકા દૂરથી પોતાનો હાથ દેખાડતા હોય છે. તેઓ હકથી હાથ દેખાડીને બિસ્કિટ આપે ત્યારે એવું લાગે કે આપણા ઘરની કોઈ વ્યક્તિ આપણું ધ્યાન રાખી રહી છે. સવારે આવી માનવતા જોવા મળે તો આખો દિવસ ખૂબ સરસ જતો હોય છે.’

columnists