આ સાડી ક્યાંથી લીધી?

19 January, 2021 12:49 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આ સાડી ક્યાંથી લીધી?

પ્રતીકાત્મક તસવીર

કલાકો સુધી અરીસા સામે ઊભા રહેવાનું કહો તોય મહિલાઓને સમય ઓછો પડે. પોતાની જાતને શણગારવાનો આવો શોખ તેઓ ધરાવે છે. સામાન્ય રીતે પુરુષો એવું ધારી લેતા હોય છે કે મહિલાઓ તેમને ઇમ્પ્રેસ કરવા માટે તૈયાર થાય છે. જોકે ફૅમિલી સાઇકોલૉજીનો અભ્યાસ કહે છે કે મહિલાઓ પુરુષોને પ્રભાવિત કરવા નહીં પણ અન્ય મહિલાના મનમાં ઈર્ષ્યા ઉપજાવવા માટે સજીધજીને નીકળે છે. આ અભ્યાસમાં કેટલો દમ છે એ મહિલાઓને જ પૂછીએ...

સીક્રેટ હૅપિનેસનું કારણ ફ્રેન્ડ્સ પાસેથી મળેલાં કૉમ્પ્લિમેન્ટ્સ : ડૉલી સોલંકી, બોરીવલી

શણગાર એ સ્ત્રીને ઈશ્વર તરફથી મળેલું શ્રેષ્ઠ વરદાન છે અને તેનો હક પણ.  ઉપરવાળાએ મહિલાઓને લાંબા વાળ, અણિયાળી આંખો અને સુંદર અંગો અમસ્તાં નથી આપ્યાં. પતિને રીઝવવા માટે તેઓ સજીધજીને રહે છે, કારણ કે પુરુષને સુંદર પત્ની ગમે છે. જોકે મોટાભાગની સ્ત્રીઓ માત્ર પતિને આકર્ષવા માટે નહીં, અન્ય સ્ત્રીની ઈર્ષ્યાનું કારણ બનવા માટે પોતાની જાતને શણગારે છે એવો અભિપ્રાય આપતાં ડૉલી સોલંકી કહે છે, ‘તૈયાર થયા પછી હસબન્ડ તારીફ કરે એ ચોક્કસ ગમે, પરંતુ આડોશપાડોશની મહિલાઓ અને ફ્રેન્ડ્સ પાસેથી મળતાં કૉમ્પ્લિમેન્ટ્સની વાત જ જુદી છે. આ ડ્રેસ ક્યાંથી લીધો? બ્યુટિફુલ છે એવું ફ્રેન્ડ્સ કહે ત્યારે અંદરખાને ખુશી થાય અને શેર લોહી ચડે. ગર્લ્સ પાર્ટીમાં એક બહેનપણીએ કહ્યું હતું કે ડૉલી આપણને જલાવવા માટે આવા ડ્રેસ પહેરીને આવે છે. ત્યારથી પાર્ટીમાં એ ફ્રેન્ડ આવવાની છે એવી ખબર પડે તો અરીસા સામે વધુ સમય વિતાવું અથવા ડ્રેસ ચેન્જ કરી લઉં. ઘણી વાર એવું થયું છે કે ડ્રેસ લાવ્યા પછી પસંદ ન પડતાં વૉર્ડરોબમાં મૂકી રાખ્યો હોય પણ ફ્રેન્ડ કહે કે તારા પર મસ્ત લાગશે તો અચાનક ડ્રેસ ગમવા લાગે. હસબન્ડ ડ્રેસિંગ સેન્સનાં વખાણ કરે અને ફ્રેન્ડ કરે એમાં તફાવત છે. તમારું રૂપ જોઈને બીજી મહિલા ઈર્ષ્યા કરે એમાં સીક્રેટ હૅપિનેસ મળે છે. આ મહિલાઓનો કુદરતી સ્વભાવ છે. ડ્રેસ ઉપરાંત હેરસ્ટાઇલ, મેકઅપ ટિપ્સ, ઍક્સેસરીઝ જેવી વસ્તુ પણ હટકે હોય તો આનંદ બેવડાઈ જાય છે.’

તૈયાર થઈને હસબન્ડને બતાવવું છે કે હું બ્યુટિફુલ છું : ભાવિકા દેસાઈ, વસઈ

પાર્ટીમાં કે ફૅમિલી ફંક્શનમાં અન્ય મહિલા તમારી સાડી અને જ્વેલરીનાં વખાણ કરે તો એ તમારા ફેવરિટ લિસ્ટમાં આવી જાય. આ મહિલાઓનો વીક પૉઇન્ટ છે એ વાત સાથે સહમત થતાં વસઈનાં ભાવિકા દેસાઈ કહે છે, ‘સુંદર દેખાવાથી લોકો તમારા તરફ આકર્ષાય છે. મહિલાઓ દ્વારા મળતાં કૉમ્પ્લિમેન્ટ્સથી ખુશી મળે છે એ વાત સો ટકા સાચી, પરંતુ હું ફક્ત હસબન્ડને ઇમ્પ્રેસ કરવા માટે થઈને અરીસા સામે ખાસ્સો સમય વિતાવું છું. વાસ્તવમાં બનીઠનીને નીકળવાના અભરખા છે એવું નહીં, પણ હંમેશાં વ્યવસ્થિત રહેવું મને ગમે છે. ટીનએજથી જ નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો અને પ્રસંગોમાં મૅચિંગ પહેરવાનો જબરો શોખ. ડ્રેસની પસંદગીમાં બહુ ચીવટ રાખું. જોકે અમારા સર્કલ અને સોસાયટીમાં બધી બહેનો મસ્ત તૈયાર થઈને નીકળે છે. સામાન્ય રીતે દરેક મહિલા એકબીજાના ડ્રેસઅપનાં વખાણ કરતી હોય એટલે મારી તરફ ફોકસ રહેવું જોઈએ એવો વિચાર ક્યારેય આવ્યો નહોતો. કદાચ કોઈને ઈર્ષ્યા થતી હોય તો ધ્યાન નથી આપ્યું. ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ બેસ્ટ દેખાવા માટે ચોક્કસ કલર અને પૅટર્નનો ડ્રેસ પહેર્યો હોય એવું બન્યું નથી. હવે હસબન્ડને બતાવવું છે કે જુઓ, હું કેટલી બ્યુટિફુલ છું. તૈયાર થયા બાદ હસબન્ડને ગમી જાઉં એ માટે તેમની ચૉઇસને ધ્યાનમાં રાખી શૉપિંગ કરું છું. તેઓ તારીફ કરે ત્યારે સાતમા આસમાનમાં ઊડતા હોઈએ એવી ફીલિંગ આવે. આમ મૅરેજ પછી સજીધજીને રહેવા માટેનાં કારણો બદલાઈ ગયાં છે. હસબન્ડ સિવાય કોઈની કમેન્ટ્સ મહત્ત્વની નથી.’

તમારી સ્ટાઇલને બીજી મહિલા ફૉલો કરે ત્યારે ખુશી મળે : ફોરમ ચિતલિયા, બોરીવલી

સનની બર્થ-ડે પાર્ટીમાં એલિગન્ટ લુક સાથે ગાઉન પહેરીને એન્ટર થતાં જ પાર્ટીમાં હાજર બધી મહિલાઓ કહેવા લાગી કે વાઉ, સુપર્બ ડ્રેસ છે. તારા પર આ કલર ખૂબ ખીલે છે. એ દિવસે હાઇએસ્ટ કૉમ્પ્લિમેન્ટ્સ મળ્યાં હતાં. બીજી મહિલાઓ તમારા લુક્સ અને ડ્રેસઅપનાં વખાણ કરે ત્યારે જે ખુશી મળે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. ડ્રેસ પાછળ ખર્ચેલા પૈસા લેખે લાગ્યા જેવી ફીલિંગ આવે. ફોરમ ચિતલિયા કહે છે, ‘પતિદેવને ડીસન્ટ લુક હોય તોય ગમે છે‍ પણ મહિલાઓ કયો પ્રસંગ છે, પાર્ટી કઈ જગ્યાએ છે, કેવા લોકો આવવાના છે એ બધું ધ્યાનમાં લઈ પોતાની જાતને શણગારે છે. ફંક્શનમાં જતી વખતે તૈયાર થયા બાદ હસબન્ડને પૂછો કે કેવી લાગું છું તો મોટા ભાગે તેમનો જવાબ હોય કે પર્ફેક્ટ છે. આનાથી વધારે તેઓ બોલતા નથી. જ્યારે બીજી મહિલાઓ ડ્રેસ ક્યાંથી લીધો પૂછવાથી લઈને મેકઅપ સુધી બધું નીરખીને જુએ છે. મહિલાઓને ખૂલીને પોતાની તારીફ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોય છે. કૉમ્પ્લિમેન્ટ્સથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. મારું માનવું છે કે વુમન વિધાઉટ મેકઅપ ઇઝ લાઇક અ ફૂડ વિધાઉટ સૉલ્ટ. તમારી સ્ટાઇલ અને ગેટઅપ જોઈને બીજી મહિલાઓ ઇમ્પ્રેસ થઈ જાય, તમારા ફૅશન ટ્રેન્ડને ફૉલો કરે તો દિલ ખુશ થઈ જાય. ક્યાંક ઈર્ષ્યાવાળું ફૅક્ટર પણ કામ કરે છે, કારણ કે દરેક મહિલાને સેન્ટર ઑફ ધ અટ્રૅક્શન બનવું છે.’

ડ્રેસ કરતાં એટિકેટ્સથી ઇમ્પ્રેસ કરવું વધુ ગમે : મનીષા મહેતા, વિલે પાર્લે

મહિલાઓ અન્ય મહિલાને પ્રભાવિત કરવા બનીઠનીને નીકળે છે એ વાત સાચી હોઈ શકે છે. સુંદરતાની કોઈ તારીફ કરે તો કોઈકને અંદરખાને ઈર્ષ્યા થાય એવું શક્ય છે પણ મને આ બાબતો અસર કરતી નથી. તૈયાર થયા બાદ હસબન્ડ કહે કે આજે સરસ દેખાય છે તો એ ફાઇનલ વર્ડ્સ હોય અને સારું નથી લાગતું કહે તો સાડી ચેન્જ કરી લેવાની. કોઈક મારા ડ્રેસનાં વખાણ કરે તો એ મારો ફેવરિટ બની જાય એવું નથી. પોતાના વિચારો રજૂ કરતાં મનીષા મહેતા કહે છે, ‘અન્ય સ્ત્રીઓની જેમ તૈયાર થવું ચોક્કસ ગમે છે, પણ ફૅશનના ઍન્ગલથી અરીસા સામે ઊભા રહેવાનો જરાય શોખ નથી. વાસ્તવમાં સુંદરતાની પરિભાષા બધાની જુદી હોય છે. બ્યુટિફુલ દેખાવા કરતાં પ્રેઝન્ટેબલ દેખાવાનું પસંદ કરું છું. એક સ્ત્રી જ્યારે વ્યવસ્થિત તૈયાર થઈને સોસાયટીમાં પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે ત્યારે તેનામાં સેલ્ફ-કૉન્ફિડન્સ ડેવલપ થાય છે. તમારા વ્યક્તિત્વ અને અંગત પસંદગી પ્રમાણે તૈયાર થશો તો વધુ સુંદર દેખાશો. જોકે ફૅમિલી મેમ્બરને આપણો પહેરવેશ ગમે, તેમનાં કૉમ્પ્લિમેન્ટ્સ મળે એવું ડ્રેસિંગ તો દરેક મહિલાનું હોવું જોઈએ. બહારની વ્યક્તિ સેકન્ડરી છે તેમ છતાં કોઈ આપણા લુક્સનાં વખાણ કરે એ સાંભળવાં ગમે તો ખરું જ. પ્રસંગોમાં કે પાર્ટીમાં મારું ફોકસ જુદું હોય છે. મોંઘા ડિઝાઇનર ડ્રેસ અને સ્ટાઇલથી નહીં પણ એટિકેટ્સ અને વિચારોથી અન્ય મહિલાઓ ઇમ્પ્રેસ થાય એવી મારી ઇચ્છા હોય. સિમ્પલ લુક સાથે લોકો તમારી હાજરીની નોંધ લે એ સાચાં કૉમ્પ્લિમેન્ટ્સ કહેવાય.’

columnists Varsha Chitaliya