જે ગમતું હોય એનો ગુલાલ કરે એ પુરુષ

15 March, 2021 01:00 PM IST  |  Mumbai | Ruchita Shah

જે ગમતું હોય એનો ગુલાલ કરે એ પુરુષ

જે ગમતું હોય એનો ગુલાલ કરે એ પુરુષ

થોડાક સમય પહેલાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે કે પુરુષોનાં રિસર્ચ પેપર વધુ છપાય છે. આ અભ્યાસનો સંદર્ભ જરા જુદો છે, પરંતુ ઓવરઑલ એક જનરલ નિરીક્ષણ તમે કર્યું હોય તો તમને ખબર હશે કે પુરુષોને જેમાં રસ હોય એમાં તેઓ પૂરેપૂરા ઊંડા ઊતરતા હોય છે અને પ્રયત્ન કરતા હોય છે કે તેમના ગમતા વિષયની બધેબધી જાણકારી સતત તેમને મળતી રહે. ખરેખર આવું હોય છે? જો હા, તો શું કામ?

અમેરિકાની યુનિવર્સિટી ઑફ કોલોરાડોના સંશોધકોએ કરેલો એક સર્વે કહે છે કે પુરુષો મહિલાઓ કરતાં વધુ રિસર્ચ પેપર પબ્લિશ કરે છે, જેનાં કારણોમાં ખાસ કરીને પેરન્ટ્સ બન્યા પછી મહિલાઓ પોતાના કામને સેકન્ડ પ્રાયોરિટીમાં રાખે છે એટલે તેમની પ્રોડક્ટિવિટી ઘટે છે જે પુરુષોના કેસમાં થતું નથી. આ આખી વાતમાં આપણને ઊડીને આંખે વળગે એવી કોઈ વાત હોય તો એ છે પુરુષોનો સંશોધનાત્મક સ્વભાવ. પુરુષોને જે ગમે એમાં તેઓ ઊંડા ઊતરી જતા હોય છે અને એ માટે પ્રયત્નો પણ કરતા હોય છે કે વધુને વધુ તેઓ એ વિશે માહિતગાર રહે. વધુને વધુ એ બાબતને લઈને જાતને અપડેટેડ રાખે. તમે એવા ઘણા પુરુષોને ઓળખતા હશો જેને ક્રિકેટનો શોખ હોય એટલે તે ક્રિકેટને લગતી બધી જ અપડેટ રાખશે. માત્ર જોવા પૂરતી નહીં, પરંતુ ક્યારે કઈ મૅચ રમાઈ હતી અને ક્યારે શું થયું હતું એની આખી જન્મકુંડળી તેમની પાસે હોય. તેઓ ન જન્મ્યા હોય એ સમયની મૅચમાં પણ કોનો બેસ્ટ સ્કોર હતો અને કોણ આઉટ થઈ ગયું હતું અને કોણે કેટલી સેન્ચુરી મારી હતી એ તેમને ખબર હોય. આવું દરેક બાબતમાં હોય. શરત માત્ર એટલી કે તેમને રસ પડવો જોઈએ. અમે પણ એવા જ કેટલાક પોતાના રસના વિષયમાં જન્મજાત વૈજ્ઞાનિકો સાથે આ વિશે વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ પ્રસ્તુત છે તમારી સમક્ષ.
વાત સાચી  | જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એટલા ઊંડા ખૂંપી જવાનું સહજ છે પુરુષો માટે, કારણ કે માહિતી તેમને વધુ ઍટ્રૅક્ટ કરે છે. આ બાબત પુરુષોની પર્સનાલિટીનો હિસ્સો છે એવું કાંદિવલીમાં રહેતા અમિત મહેતા પણ દૃઢતા સાથે સ્વીકારે છે. પોતાનો જ દાખલો શૅર કરતાં તેઓ કહે છે, ‘મને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ અને ટ્રાવેલિંગનો પુષ્કળ શોખ છે. આમ ભલે હું કૉર્પોરેટ કંપનીમાં ફાઇનૅન્સ જોતો હોઉં અને એનું પણ નૉલેજ પાર્ટ ઑફ જૉબ રાખવું પડે પરંતુ સાથે જ ટ્રાવેલિંગની બાબતમાં પણ અજ્ઞાનતા તો ન ચાલે. ક્યાંય પણ જવાનું હોય તો ત્રણ મહિના પહેલાંથી મારું રિસર્ચ ચાલુ થઈ જાય છે. એ રિસર્ચ પછી તમારો ફરવાનો આખો દૃષ્ટિકોણ બદલાઈ જતો હોય છે.’
સફર છે અનંત  | જ્યારે તમે તમારા રસના વિષયમાં ઊંડાણ પામ્યા પછી પણ ઘણી ડગરો ખેડવાની બાકી રહી જતી હોય છે. કદાચ એટલે જ ઘાટકોપરના જતીન શાહ પોતાના ધંધામાંથી પણ થોડોક સમય કાઢીને ટેક્નૉલૉજીની બાબતમાં સતત કંઈક નવું ને નવું શીખતા રહે છે. પોતાના બિઝનેસ સાથે શોખ માટે સમય કેવી રીતે નીકળી જાય છે એ વિશે વાત કરતાં જતીનભાઈ કહે છે, ‘અત્યારે હું જે વેપાર કરું છું એના કરતાં ટેક્નૉલૉજીનો કન્સલ્ટન્ટ હોત તો કદાચ વધારે આગળ નીકળી ગયો હોત. એ સમયે નાનપણમાં કોઈ કહેવાવાળું નહોતું. પૅશનને પ્રોફેશન બનાવવાની આજ જેવી અવેરનેસ નહોતી. બીકૉમ કરીને બિઝનેસમાં લાગ્યા પણ મનમાં તો નવી-નવી ટેક્નૉલૉજી માટેનું ખેંચાણ ચાલુ જ રહ્યું. કેમિકલનું ટ્રેડિંગ કરું છું એમાં પણ ક્યારેક મારી ટેક્નૉલૉજી અમલમાં લાવી દઉં છું. આજે માર્કેટમાં આવતી દરેક નવી કાર અને બાઇકથી લઈને લૉન્ચ
થતા નવા ફોન અને નવા લૅપટૉપ બધા પર આપણી નજર હોય. કઈ ગાડી ભારતના રસ્તા પર ચાલશે અને કઈ નહીં ચાલે એ એનાં ફીચર્સ પરથી જ ખબર પડી જાય. ઘરમાં કે પછી નજીકના મિત્રોમાં કંઈ પણ લેવું હોય તો પહેલો ફોન મને આવે.’
શોખનો શ્રેષ્ઠ ઉપયોગ  | સાયનમાં રહેતા જિગેશ સંઘવી તો એથીય નિરાળા છે. માત્ર દસમું ભણ્યા છે અને અત્યારે મોટાં-મોટાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ તેઓ રિપેર કરી આપે છે. બે-ચાર જગ્યાએ રિજેક્ટ થઈને બગડેલાં મશીનો તેમની પાસે આવે. તેઓ કહે છે, ‘હું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં પહેલી વાર વિડિયો ગેમ રિપેર કરી હતી. એમ કહો કે આ ગૉડ ગિફ્ટ છે. મશીન ખોલું એટલે ખબર પડી જાય કે શું કરીશ તો એ રિપેર થઈ જશે. અત્યાર સુધીના અનુભવમાં એવું એક પણ વાર નથી બન્યું કે મેં મશીન ખોલ્યું હોય અને એ રિપેર ન થયું હોય. દસમા સુધીનો જ અભ્યાસ થયો. ઇલેક્ટ્રૉનિક્સનો જ અભ્યાસ કરવા માટે એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન પણ લીધું હતું, પરંતુ કેટલાક સંજોગોને કારણે ભણવાનું છૂટી ગયું. જોકે એ પછી ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રૉનિક ટેલિકમ્યુનિકેશનનો કોર્સ કર્યો. શરૂઆતમાં રેડિયો, ટીવી, ફ્રિજ અને વૉશિંગ મશીન વગેરેને રિપેર કરતો. આવક ચાલુ થઈ ગઈ હતી. એ સમયે મેડિકલ ઇક્વિપમેન્ટ્સના રિપેરિંગને લગતો એક કોર્સ કર્યો અને પછી એ કામ શરૂ કર્યું.’
મેજર કોઈ ટ્રેઇનિંગ નહીં, નાના-નાના સર્ટિફિકેટ કોર્સ કરીને પણ જિગેશભાઈ આટલું સરસ કામ કરી શક્યા એમાં તેમનું ઑબ્ઝર્વેશન અને સેલ્ફ-સ્ટડી બહુ મહત્ત્વનાં છે. શરૂઆતમાં તો મશીનની મૅન્યુઅલ જ તેમની સ્ટડી બુક હતી. તેઓ કહે છે, ‘એક સમય તો એવો હતો કે દરેક મશીનની મૅન્યુઅલ બુકને ધ્યાનથી જોઈ લઉં. મેડિકલ ઇક્વિપમેન્ટના ફીલ્ડમાં પણ જેટલું છ મહિનાના કોર્સમાં શીખ્યો એના કરતાં અનેકગણું અનુભવોથી શીખ્યો છું.
પૂછી-પૂછીને, મૅન્યુઅલ વાંચીને શીખ્યો છું અને એમાં ઘણી સારી અચીવમેન્ટ્સ પણ છે. તમને એક કિસ્સો કહું. એક કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટરનું મોટું ક્લિનિક હતું જ્યાં હાર્ટ માટે રિસ્ટોરેટિવ ટ્રીટમેન્ટ અપાતી. હાર્ટ બીટ પર કામ કરતું તેમનું એક મશીન બગડી ગયું. બે-ત્રણ એન્જિનિયર્સ જોઈ ગયા પણ તેમની દૃષ્ટિએ એને રિપેર કરવું શક્ય નહોતું. હું એ ડૉક્ટર પાસે મારાં મમ્મીની ટ્રીટમેન્ટ માટે ગયેલો એમાં તેમને ખબર પડી. તેમણે મને માત્ર ઉપરછલ્લું કહેલું કે જુઓને તમારાથી કંઈ થતું હોય તો. મેં મશીન હાથમાં લીધું અને લગભગ એક જ અટેમ્પ્ટમાં એ કામ કરવા માંડ્યું. ત્યારથી એ ક્લિનિકનાં તમામ મશીનની જવાબદારી મને સોંપી દેવામાં આવી.’
કોઈ પણ વસ્તુનું લૉજિક સમજાય તો તમે એને તમારા અનુરૂપ ચલાવી શકો છો એ વાત આ મશીનોના ડૉક્ટર બહુ દૃઢતાથી માને છે.

એક્સપર્ટ શું કહે છે?
કાઉન્સેલર અને સાઇકોથેરપિસ્ટ ચિંતન નાયક આ સંદર્ભે કહે છે, ‘પુરુષોનું જિનેટિક બંધારણ પ્રકૃતિએ એ પ્રકારનું રાખ્યું છે કે તેનામાં ચેઝિંગ સહજ છે. માત્ર માનવજાતમાં જ નહીં પણ જીવમાત્રમાં તમે જોશો તો સમજાશે કે નરને ચેઝિંગમાં થ્રિલ અને ફુલફિલિંગનેસનો અનુભવ થતો હોય છે.
એ લોકો જિનેટિકલી ચેઝર છે. આ તમે તેમની હૉબીમાં, પાર્ટનરને રીઝવવામાં જોયું હશે. જ્યારે મહિલાઓ ચેઝર નથી, પણ રિસ્પૉન્ડર છે. સંશોધનાત્મક વૃત્તિ પુરુષોના ચેઝિંગના ગુણમાં રિફ્લેક્ટ થાય છે. એમાં તેમને થ્રિલ મળે છે, તેઓ એ બાબતને એન્જૉય કરે છે. એટલે તમે જોશો કે જેમાં ચેઝિંગ ન હોય એવી કોઈ હૉબીને તેઓ લાંબા સમય સુધી વળગેલા નહીં રહી શકે.’

મશીન ખોલું એટલે ખબર પડી જાય કે શું કરીશ તો એ રિપેર થઈ જશે. અત્યાર સુધીના અનુભવમાં એવું એક પણ વાર નથી બન્યું કે મેં મશીન ખોલ્યું હોય અને એ રિપેર ન થયું હોય. એમ કહો કે આ ગૉડ ગિફ્ટ છે. - જિગેશ સંઘવી

અત્યારે હું જે વેપાર કરું છું એના કરતાં ટેક્નૉલૉજીનો કન્સલ્ટન્ટ હોત તો આગળ નીકળી ગયો હોત. નાનપણમાં કોઈ કહેવાવાળું નહોતું. પૅશનને પ્રોફેશન બનાવવાની આજ જેવી અવેરનેસ નહોતી. - જતીન શાહ

અમે દુબઈ જવાના હતા. આદત પ્રમાણે ત્રણ મહિના પહેલાં રિસર્ચ ચાલુ થઈ ગયું હતું. મોટા ભાગે લોકો દુબઈ જાય એટલે બુર્જ ખલીફા કે ડેઝર્ટ રાઇડ કરીને પાછા આવે છે, પરંતુ ત્યાં ‘બૅન્ગ બૅન્ગ’ મૂવીમાં દેખાડાયેલી એવી એક યુનિક ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ પણ ચાલે છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. - અમિત મહેતા

ruchita shah columnists