મગજ દોડાવવું હોય તો પેટ ભરેલું રાખો

11 February, 2020 02:24 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મગજ દોડાવવું હોય તો પેટ ભરેલું રાખો

ફાઈલ ફોટો

જીવનનો કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે તમારું પેટ ભરેલું છે, વધુપડતું ભરેલું છે કે ભૂખને કારણે પેટમાં ઉંદરડા દોડે છે? પેટની આ સ્થિતિ મગજના નિર્ણયો પર પણ અસર કરી શકે છે. ખાલી પેટે લેવાયેલા નિર્ણયો મોટા ભાગે ખોટા હોય છે એવું એક રિસર્ચમાં સામે આવ્યું છે. આ સંદર્ભે એક્સપર્ટ્સ શું કહે છે એ જાણીએ.

ખાવાની બાબતમાં આપણે જેટલા શોખીન છીએ એટલા જ બેદરકાર પણ છીએ. આજની દોડધામભરી લાઇફમાં નિરાંતે બેસીને ખાવાનો આપણી પાસે સમય નથી. રસ્તામાં હાલતાં-ચાલતાં વડાપાંઉ, ભેળ, બર્ગર કે ફ્રૅન્કી જેવી વસ્તુ પેટમાં પધરાવી લેવી મુંબઈમાં નવી વાત નથી. ઘણી વાર કામના પ્રેશરમાં જમવાનું સ્કિપ પણ થઈ જાય.

નૅશનલ હેલ્થ સર્વેનો અહેવાલ કહે છે કે કામના ભાર અને બદલાયેલી જીવનશૈલીના કારણે ૩૬ ટકા ભારતીયોનું એક ટંકનું જમવાનું સ્કિપ થઈ જાય છે તેમ જ ૪૦ ટકા ભારતીયો સમયસર જમતા નથી અથવા જે મળે એ ખાઈ પેટ ભરી લે છે. જોકે ભૂખ્યા રહેવાની ભૂલ કરશો તો કામ વધુ બગડશે એવું સ્કૉટલૅન્ડમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે. ભૂખ્યા પેટે જેમ ભજન ન થાય એ જ રીતે ખાલી પેટે આપણું મગજ બહેર મારી જાય એવી પૂરેપૂરી સંભાવના છે.

શું કહે છે રિસર્ચ?

આપણી આગળની લાઇફ કેવી હશે એ આજે લીધેલા નિર્ણય પર નિર્ભર કરે છે. ભવિષ્યની યોજનાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે પેટમાં ઉંદરો દોડતા હશે તો તમે ડિસિઝન મેકિંગમાં થાપ ખાઈ જશો એવું સાઇકોનૉમિક બુલેટિન નામના હેલ્થ મૅગેઝિનમાં પ્રકાશિત અહેવાલમાં જાણવા મળ્યું છે. સ્કૉટલૅન્ડની ડુંડી યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ભૂખની તમારી નિર્ણયાત્મક ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે પરિણામે તમે સાચા નિર્ણયો લઈ શકતા નથી. અભ્યાસમાં ખાલી પેટ અને ભરપેટ વ્યક્તિના એનર્જી લેવલમાં જોવા મળેલા અંતર બાદ સંશોધકો આ નિષ્કર્ષ પર આવ્યા હતા. ખાસ કરીને આર્થિક નિર્ણયો લેતી વખતે પેટ ભરેલું રાખવું જોઈએ એવું તેમનું કહેવું છે.

બ્રેકફાસ્ટ ઇઝ મસ્ટ

ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે વાત કરતાં મહાલક્ષ્મીનાં ન્યુટ્રિશનિસ્ટ ઍન્ડ લાઇફ-સ્ટાઇલ સોલ્યુશન એક્સપર્ટ પલ્લવી પિંગે કહે છે, ‘માત્ર ભૂખ્યા રહેવાથી જ નહીં, ખોટું ખાવાથી પણ તમારો પર્ફોર્મન્સ ખરાબ થઈ શકે છે. જમવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે સાચું ખાવું. ખાલી પેટે જેમ મગજ કામ ન કરે એ જ રીતે ભારી પેટે પણ મગજ ખોટી દિશામાં ફંટાઈ જાય એવું બની શકે છે. વાસ્તવમાં ફૂડ તમારા મૂડને અસર કરે છે. મીલ સ્કિપ કરવું, મોડા જમવું, જન્ક ફૂડનો ઇન્ટેક, બૅલૅન્સ્ડ ડાયટ આ બધાની તમારી બૉડીના મેટાબોલિક રેટ્સ પર જુદી-જુદી અસર જોવા મળે છે. જોકે આ બાબત દરેક વ્યક્તિની જીવનશૈલી પર નિર્ભર કરે છે. મગજને સતેજ રાખવા સવારનો નાસ્તો સ્કિપ ન કરવાની સલાહ છે. મહત્વના નિર્ણયો લેતી વખતે એનર્જી લેવલ હાઈ હોવું જોઈએ. આખા દિવસની એનર્જી તમને સવારના બ્રેકફાસ્ટમાંથી મળી રહે છે. આ બાબત નાના-મોટા સૌકોઈને લાગુ પડે છે. મારા અંગત રિસર્ચ પ્રમાણે જે બાળકો સવારે નાસ્તો કર્યા વગર સ્કૂલમાં જાય છે તેમનો પર્ફોર્મન્સ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ નબળો હોવાનું સામે આવ્યું છે.’

બ્રેઇન માટે પ્રોટીન     

મહત્વના નિર્ણયો લેવાના હોય કે પછી રોજબરોજના કામકાજમાં તમે તમારું બેસ્ટ આપવા માગતા હો તો ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થની કાળજી લેવી જોઈએ એમ જણાવતાં પલ્લવી કહે છે, ‘શારીરિક સ્વાસ્થ્ય માટે પોષક તત્ત્વો પેટમાં જવાં જોઈએ એ જ રીતે મગજને તેજ રાખવા કેટલાંક ખાસ પ્રકારનાં ફૂડ પેટમાં જવાં જોઈએ. પ્રોટીન મગજનો મુખ્ય ખોરાક છે. દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત તેની લાઇફ-સ્ટાઇલ અને શરીરના વજન પર આધાર રાખે છે. સરેરાશ ભારતીયોની જીવનશૈલી પ્રમાણે એક કિલો વજનની સામે ૦.૮-૧ ગ્રામ પ્રોટીનનો ઇન્ટેક હોવો જોઈએ. પ્રોટીનની માત્રા સપ્રમાણ હશે તો બ્રેઇન વ્યવસ્થિત કામ કરશે. મેન્ટલ હેલ્થ માટે પ્રોટીન ઉપરાંત ઑમેગા-૩ની ભૂમિકા પણ મહત્વની છે. આજકાલ બધાને વજન ઘટાડવાની ઉતાવળ છે. પરિણામે તેઓ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ ખાઈને પેટ ભરે છે. આમાં પ્રોટીનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ઑલ્ટરનેટિવ ડાયટ, ક્રશ ડાયટ, ફલાણી ને ઢીંકણી ડાયટમાં કાર્બ્સ પર ભાર મૂકવામાં આવે છે. આખો દિવસ કોબી ખાધા કરો તો શરીરમાં પ્રોટીનની ઊણપ વર્તાય. પ્રોટીન ઓછું થાય એટલે મેન્ટલ હેલ્થ બગડે. મગજ કામ ન કરે એટલે નિર્ણયો ખોટા લેવાઈ જાય એવી શક્યતા વધી જાય. તેથી જ આ પ્રકારની એકેય ડાયટને ફૉલો કરવાની હું સલાહ આપતી નથી. આ બધું સેલિબ્રિટી પ્રમોશન માટે છે. મારા મતે ડાયટ એવી હોવી જોઈએ જે તમારા શરીર અને મગજ બન્ને માટે ફાયદાકારક હોય.’

મગજ રોજ દોડાવો

પેટ અને બ્રેઇન વચ્ચે કો-ઑર્ડિનેશન યોગ્ય રીતે થાય એ માટે બૅલૅન્સ્ડ ડાયટ પર ફોકસ રાખવું જોઈએ. જો એ બગડે તો શરીરમાં એક પ્રકારની સુસ્તી ભરાઈ જાય છે. તમને કામ કરવાનો કંટાળો આવે. ભૂખના લીધે માથું પણ દુખવા લાગે. આ તમામ સમસ્યાનો ઇલાજ હેલ્ધી ડાયટ પાસે છે. આજે મહત્વની મીટિંગ છે કે કોઈ મહત્વની ચર્ચાવિચારણા કરવાની છે એટલે હેલ્ધી ફૂડ ખાઈ લો, બધું બરાબર પાર ઊતરી જશે એવું હોતું નથી એમ સમજાવતાં તેઓ કહે છે, ‘આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. બધાને ખબર છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે, પરંતુ બદામ કંઈ બ્રેઇન ટેસ્ટિંગનો પર્યાય નથી કે આજે નિર્ણય લેવાનો છે તો ખાઈ લો. એ જ રીતે આજે તમે જમ્યા નથી એટલે નિર્ણય ખોટો પડ્યો અને કાલે તમે જમીને નિર્ણય લેશો તો સાચો પડશે એવું કોઈ મશીન નથી બનાવવામાં આવ્યું. શૉર્ટ ટર્મ માટે કોઈ ચોક્કસ ફૂડ ખાવાથી ફાયદો થશે એવું કહી ન શકાય. મગજને હંમેશાં ઍક્ટિવેટ રાખવા કાર્બ્સ, મિનરલ્સ, ફૅટ્સ, પર્યાપ્ત માત્રામાં કૅલરી, વિટામિન્સ અને પ્રોટીન સહિત તમામ આવશ્યક પોષક તત્ત્વો પેટમાં જાય એવી બૅલૅન્સ્ડ ડાયટને ફૉલો કરવાની સલાહ છે. ડાયટની સાથે એક્સરસાઇઝ પણ એટલી જ મહત્વની છે એ ન ભૂલતા.’

સાઇકોલૉજિસ્ટ શું કહે છે?

ખોટા નિર્ણયો માટે ભૂખ જવાબદાર છે એવું તો ન કહી શકાય એવો અભિપ્રાય આપતાં વરલી અને માટુંગાનાં સાઇકોલૉજિસ્ટ નીપા મહેતા સંઘવી કહે છે, ‘મહત્વના નિર્ણયો લેતી વખતે એક પ્રકારનું ટેન્શન હોય છે. કૉર્પોરેટ મીટિંગ્સમાં પ્રેશર હોય ત્યારે ઘણા લોકો જમવાનું ટાળે છે. એ જ રીતે ફૅમિલીમાં કેટલીક બાબતોને લઈને ટેન્શનનું વાતાવરણ હોય ત્યારે જમવાનું સાઇડ પર રહી જાય. ઘણા લોકો સ્ટ્રેસના કારણે જમવાનું સ્કિપ કરે છે તો ઘણા લોકો સ્ટ્રેસમાં હોય ત્યારે ઓવરઈટિંગ કરે છે. દરેકની પર્સનાલિટી જુદી હોય છે. એનો અર્થ એ નથી કે મીલ સ્કિપ કરનારી વ્યક્તિ ડિસિઝન મેકિંગમાં થાપ ખાઈ જાય. હા, ખાલી પેટે આપણને ગુસ્સો આવી જાય, ચીડિયાપણું આવી જાય એવું બની શકે. ભૂખના લીધે તમારી વર્તણૂકમાં ફરક પડી જાય અને એની અસર ડિસિઝન મેકિંગ પર જોવા મળે એવું કદાચિત શક્ય છે. મહત્વના નિર્ણયો લેવા માટે જ નહીં ડે ટુ ડે લાઇફમાં પણ મગજ તો દોડાવવાનું જ છે. ભૂખ કન્ટ્રોલ ન થવાથી વ્યક્તિ બેબાકળી થઈ જાય છે. ફ્રસ્ટ્રેટ થઈ જાઓ પણ એનાથી તમારા પર્ફોર્મન્સ પર અસર પડે એવું સ્પષ્ટપણે કહી ન શકાય. બેસ્ટ એ છે કે મગજને ઍક્ટિવ રાખવા માટે સમયસર જમી લેવું જોઈએ.’

મીલ સ્કિપ કરવું, મોડા જમવું, જન્ક

ફૂડનો ઇન્ટેક, બૅલૅન્સ્ડ ડાયટ આ બધાની તમારી બૉડીના મેટાબોલિક રેટ્સ પર જુદી-જુદી અસર જોવા મળે છે. પેટ અને બ્રેઇન વચ્ચે કો-ઑર્ડિનેશન બરાબર થાય એ માટે બૅલૅન્સ્ડ ડાયટને ફોકસમાં રાખવી જોઈએ. પ્રોટીન અને ઑમેગા-૩ બ્રેઇનનો મુખ્ય ખોરાક છે. મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે જ નહીં, રોજબરોજના કામકાજમાં પણ તમારે મગજ તો દોડાવવાનું જ છે એટલે આ બન્ને વસ્તુ સહિત તમામ પોષક તત્ત્વો પર્યાપ્ત માત્રામાં નિયમિતપણે પેટમાં જવાં જોઈએ.

- પલ્લવી પિંગે, ન્યુટ્રિશનિસ્ટ ઍન્ડ લાઇફ-સ્ટાઇલ સોલ્યુશન એક્સપર્ટ

Varsha Chitaliya columnists health tips