પ્રતિષ્ઠાને અસત્યનો નહીં પણ સત્યનો ભય સદાય હોય

23 May, 2022 08:56 PM IST  |  Mumbai | Swami Satchidananda

કુદરતે પુરુષને એક બહુ મોટી સગવડ આપી છે. ભોગજન્ય પરિણામ તેને ચોંટતું નથી. તે છુટ્ટો ને છુટ્ટો જ રહી શકે છે. ત્યજી દીધેલા બાળકની માતાને લોકો શોધે છે, બાપને નહીં.

મિડ-ડે લોગો

આપણે મહાભારતનું ચિંતન કરીએ છીએ. ઇન્દ્રએ મોકલાવેલી મેનકા વિશ્વામિત્રની આગળ પ્રકટી અને વિશ્વામિત્રના તપનો ભંગ થયો. પાળ તૂટી ગઈ. કઠોર બ્રહ્મચર્ય સાથેની તપસ્યાની આ મૂર્ખામી અને મજબૂરી હતી. મૂર્ખામી એટલા માટે કે તેણે કુદરતી વ્યવસ્થા સામે બાથ ભીડી હતી અને મજબૂરી એટલા માટે કે અનિચ્છાએ પણ તપોભંગ થવું પડ્યું હતું. જે લોકો કુદરતી વ્યવસ્થા સામે સતત વિરોધી માર્ગે ચાલે છે તેઓ મૂર્ખામી કરે છે, તે હારવા જ માંડે છે. કુદરત કદી હારતી નથી. કુદરતવિરોધી જીવન જ હારતું હોય છે. જે તપસ્યા કુદરતી વ્યવસ્થાના સથવારે થતી હોય છે એમાં કુદરત માતા બનીને તપસ્વીને સાથ આપતી હોય છે, રક્ષા કરતી હોય છે, સિદ્ધિએ પહોંચાડતી હોય છે; કારણ કે કુદરત માયા પણ છે અને માતા પણ છે. વિરોધીઓ માટે એ માયા છે અને સહયોગીઓ માટે એ માતા છે. કુદરતની વ્યવસ્થાનો સતત વિરોધ અંતે હારીને મજબૂર થઈને કુદરતી માર્ગે આવી જતો હોય છે.    
વિશ્વામિત્ર મજબૂર થયા અને હાર્યા, મેનકા જીતી ગઈ, પણ બધા વિશ્વામિત્રો અને બધી મેનકાઓની કથા પ્રસિદ્ધ થતી નથી. જે પ્રસિદ્ધ થાય છે એ પ્રચાર હોય છે. પ્રચારમાં પરમ તથ્ય નથી હોતું. પ્રચાર લગભગ જાહેરખબર જેવો હોય છે. જે પ્રચારની માયાજાળમાંથી છૂટે એ જ પરમ તત્ત્વને પામે.
મેનકાનો વિજય અને વિશ્વામિત્રનો પરાજય એકાદ ક્ષણ પૂરતો જ નહોતો, એ પરિણામદાયી પણ હતો. પરિણામ હતું ‘શકુંતલા.’ 
હવે શકુંતલાનું શું કરવું?    
બહુ મોટા આબરૂદાર માણસો ગુપ્ત ભોગ તો ભોગવી શકે છે, પણ એના ‘શકુંતલા’ જેવાં પરિણામ સ્વીકારી નથી શકતા. ખરેખર તો મોટી પ્રતિષ્ઠા અને કડવું સત્ય સાથે રહી શકતાં નથી. પ્રતિષ્ઠાને અસત્યનો નહીં, સત્યનો ભય સદા રહેલો હોય છે. સત્ય પ્રગટી ન જાય એનું ટેન્શન તેમને શાંતિ પામવા દેતું નથી, પણ કુદરતે પુરુષને એક બહુ મોટી સગવડ આપી છે. ભોગજન્ય પરિણામ તેને ચોંટતું નથી. તે છુટ્ટો ને છુટ્ટો જ રહી શકે છે. ત્યજી દીધેલા બાળકની માતાને લોકો શોધે છે, બાપને નહીં. વિશ્વામિત્ર સરળતાથી છૂટી પડ્યા, પણ મેનકા સ્ત્રી હતી, તે કેમ છૂટે? હા, તે પણ પ્રસૂતિ પછી છૂટી પડી. તેણે શકુંતલાને ત્યજી દીધી. વિશ્વામિત્રે મેનકાને અને મેનકાએ શકુંતલાને ત્યજી દીધી. જ્યાં ધર્મમાન્ય કે સમાજમાન્ય કામાચાર નથી હોતો અને મોટી પ્રતિષ્ઠા હોય છે ત્યાં આવું જ થતું હોય છે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists swami sachchidananda