અતશ્રી કોવિડ-કથા:કોરોનાની ત્રીજી લહેર વધારે ભયાનક હોઈ શકે એ યાદ રાખજો

03 March, 2021 10:46 AM IST  |  Mumbai | Manoj Joshi

અતશ્રી કોવિડ-કથા:કોરોનાની ત્રીજી લહેર વધારે ભયાનક હોઈ શકે એ યાદ રાખજો

અતશ્રી કોવિડ-કથા:કોરોનાની ત્રીજી લહેર વધારે ભયાનક હોઈ શકે એ યાદ રાખજો

કોવિડની વાતને જ આજે કન્ટિન્યુ કરવાની છે. કોવિડ માટે હમણાં તાજેતરમાં થયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે આખા જગતમાં માત્ર ૧૦ ટકા લોકો જ એવા છે જેના શરીરમાં કોવિડનાં ઍન્ટિબૉડીઝ છે. આ ઍન્ટિબૉડીઝ જાતે ઊભાં થયાં છે કે પછી ઇમ્યુનિટી વચ્ચે એ ઊભાં થયાં કે પછી કોવિડ થઈ જવાને કારણે થયાં એ પ્રશ્ન અત્યારે અસ્થાને છે. અત્યારે મહત્ત્વની છે ટકાવારી. ૧૦ ટકા. હા, ૧૦ ટકા લોકોમાં જ કોવિડ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ આવી છે. જગતના ૯૦ ટકા લોકો હજી એવા છે જેઓ કોવિડના સંક્રમણ સામે લડી શકવાને અસમર્થ છે.
હવે વાત કરીએ આ ૯૦ ટકા લોકોની. યાદ રહે કે આ ૯૦ ટકામાં જ આપણો સમાવેશ થાય છે અને આ ૯૦ ટકામાં જ આપણી ફૅમિલીનો સમાવેશ થાય છે. ભૂલથી પણ એવું માનવાને જરૂર નથી કે આપણે કોવિડની સામે ઊભા રહેવાને સક્ષમ થઈ ગયા છીએ કે પછી આપણે કોવિડ-પ્રૂફ થઈ ગયા છીએ. ના, જરાય એવું માનવું નહીં અને એવા ભ્રમમાં પણ રહેવું નહીં. કોવિડને હરાવવો, કોવિડને નાથવો એ ચણા ખાવાના ખેલ નથી જ નથી. તમે એક વખત કોવિડનું સંક્રમણ જે ભોગવી ચૂક્યા છે તેને જઈને મળી આવો. જાણો તેની પાસેથી તેણે આંખ સામે મોતની ભૂતાવળ જોઈ લીધી હતી અને જાણો તેની પાસે કે એ ભૂતાવળ કેવી હતી. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે આવતા સમયમાં તમે ઇચ્છો તો એ અનુભવ લેવા જઈ શકો છો. હક છે તમને, પણ સાથોસાથ એવો હક તમને કોઈએ નથી આપ્યો કે તમે તમારા પરિવાર અને આપ્તજનોનો જીવ જોખમમાં મૂકો.
કોવિડની ત્રીજી લહેર માટે મેડિકલ એક્સપર્ટ્સથી માંડીને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સુધ્ધાં એવું કહે છે કે એ બહુ ખતરનાક હોઈ શકે છે અને એ ખતરનાક રસ્તે આગળ વધવામાં સાર નથી. જો તમે સાયન્સ અને મેડિકલ સાયન્સના લેખો વાંચવાના, એવી ડૉક્યુમેન્ટરી જોવામાં રસ ધરાવતા હો તો તમે જોઈ શકો છો કે કોવિડમાં પણ સમયાનુસાર ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફાર બીજા કોઈએ નહીં, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જોયા છે અને એણે નોટિસ કર્યું છે કે સમય જતાં કોવિડમાં ફેરફાર એવા થઈ રહ્યા છે જેને કોવિડ એક વખત થઈ ગયો હોય એ માણસ પણ ફરીથી એની અડફેટમાં ચડી જાય અને જો તે ચડી જાય તો તેના જીવને પણ જોખમ ઊભું થાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જાતે જ જાતને જોખમમાં મૂકવાના રસ્તેથી પાછા વળો. આજે એવી પરિસ્થિતિ છે કે મહારાષ્ટ્ર સરકારે નાછૂટકે પણ લૉકડાઉનના રસ્તે ગંભીરતાથી વિચારણા કરવી પડે છે. પરિસ્થિતિ કાબૂમાં નથી એ વાતનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એક જ છે કે હજી સુધી મુંબઈની લાઇફલાઇન સૌકોઈને માટે ચાલુ નથી થઈ. જે સમયે લોકલ ટ્રેન ચાલુ થશે એ સમયે દુનિયાઆખીને ખબર પડી જશે કે મુંબઈ હવે થાળે પડી રહ્યું છે, પણ લોકલ ચાલુ નથી, અર્થાત્ મુંબઈનો જીવ હજી પણ જોખમમાં છે. મુંબઈ જ્યાં સુધી જોખમમાં હશે ત્યાં સુધી એની લાઇફલાઇનમાં ચડવાની પરમિશન સૌકોઈને નહીં મળે અને એ પરમિશન ન મળે એનો એક જ અર્થ છે ઘરમાં રહો, સુરક્ષિત રહો.

manoj joshi columnists coronavirus covid19