લાઇફ કા ફન્ડા

11 November, 2019 02:43 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા

આટલું યાદ રાખો
સોળ વર્ષનો એક કૉલેજિયન છોકરો. ઘરમાં ગરીબી, પૈસાની અછતને કારણે માતા-પિતાના રોજના ઝઘડા, દાદીની માંદગી, પિતાને માથે કરજ, ચિંતાથી છૂટવા માટે દારૂની આદત. યુવાન ઘરની પરિસ્થિતિથી સાવ નાસીપાસ થઈ ગયો. તેની ઉંમર પણ એવી કે ન મોટો કે ન નાનો. આમ બધું સમજે. દુખી થાય પણ ન કંઈ કરી શકે કે ન કોઈને કંઈ કહી શકે. એક-બે જગ્યાએ કામ મેળવવાની કોશિશ કરી, પણ એ પણ ઉંમર નાની હોવાથી ન મળ્યું. ખૂબ જ દુખી અને હતાશ થઈ તે કૉલેજના ગાર્ડનની બેન્ચ પર બેઠો હતો. આજે કૉલેજમાં ફી ભરવાનો છેલ્લો દિવસ હતો અને તેની પાસે પૈસા નહોતા.
તે ભણવામાં હોશિયાર હતો અને કામકાજમાં પણ વ્યવસ્થિત એટલે કૉલેજમાં બધા પ્રોફેસર તેને ઓળખતા. તેને આવી રીતે હતાશ થઈને બેઠેલો એક પ્રોફેસરે જોયો એટલે તેની પાસે આવી પ્રોફેસરે પૂછ્યું, ‘શું થયું, કોઈ મુશ્કેલી છે.’ યુવાને માથું ધુણાવી ના પાડી અને હસવાની કોશિશ કરી, પણ તે એમ કરી શક્યો નહીં અને રડી પડ્યો. પ્રોફેસરે કહ્યું, ‘ભાઈ જે તકલીફ હોય તે તું મને કહે.’ યુવાને બધી વાત કરી. ફીના પૈસા નથી. ઘરની પરિસ્થિતિ પણ કહી અને ઉમેર્યું કે મને થાય છે કે ક્યાંક ભાગી જાઉં.’
પ્રોફેસરે કહ્યું, ‘મારા યુવાન દોસ્ત, તું મારી વાત સાંભળ અને સમજ કે જીવનમાં જ્યારે-જ્યારે દુઃખ અને તકલીફ ઘેરી વળે ત્યારે યાદ રાખજે કે ક્યારેય તકલીફોથી ડરવું નહીં અને દૂર ભાગવું નહીં. જીવનમાં મળતી પીડા જ વિકાસની તક આપે છે અને યાદ રાખજે કે જીવનમાં કાંઈ પણ કાયમી નથી. બધું જ સમય સાથે બદલાય છે. તું ભણવામાં ધ્યાન આપ. સમય જતાં તું મોટો થઈશ અને ભણેલો હોઈશ તો સારી નોકરી મળશે અને ઘરમાં મદદરૂપ થઈ શકીશ. તારા મન અને હૃદય પર આ નાની ઉંમરે જે ઘા પડ્યા છે એને તારી કમજોરી નહીં, શક્તિ બનાવ. નક્કી કર કે હું જીવનમાં એટલી મહેનત કરીશ કે ક્યારેય મારા કુટુંબીજનોને આવી પરિસ્થિતિ ફરી ન જોવી પડે. યાદ રાખજે કે દરેક તકલીફ અને અવરોધ તમારા માટે પ્રગતિ માટેનું પગથિયું બની શકે છે. એનાથી ડર્યા વિના આપણે એને ઓળંગીને આગળ વધી જઈએ. બીજાની નકારાત્મકતા તારા પર હાવી ન થવા દેવી. તારા પિતાની દારૂની લત અને રોજના ઝઘડામાંથી તું શીખ કે તારે તારા જીવનમાં શું નથી કરવાનું અને છેલ્લી વાત યાદ રાખજે કે જે થવાનું છે એ થઈને જ રહેશે. તારે બસ ડર્યા વિના, અટક્યા વિના આગળ વધવાનું છે.’ યુવાનને પ્રોફેસરની વાતમાંથી હિંમત મળી.
પ્રોફેસર તેના હાથમાં ફીના પૈસા આપતાં કહ્યું, ‘ચાલ, હતાશા ખંખેરીને આગળ વધવાનું શરૂ કર. પહેલાં ફી ભરી દે. કમાતો થાય ત્યારે મને આપજે. હિંમત રાખ.’ છોકરાની આંખમાં હિંમતની ચમક આવી ગઈ.

columnists