યાદ રહે, જીવન ઉપરવાળો આપે છે, ડૉક્ટર તો એ સાચવવાની કોશિશ માત્ર કરે છે

11 January, 2021 09:34 AM IST  |  Mumbai | Manoj Joshi

યાદ રહે, જીવન ઉપરવાળો આપે છે, ડૉક્ટર તો એ સાચવવાની કોશિશ માત્ર કરે છે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની બાબુ જગજીવનરામ હૉસ્પિટલમાં એક પેશન્ટનું મોત થયું અને એ મોત માટે ડૉક્ટરને જવાબદાર ગણીને તેની સાથે મારામારી કરવામાં આવી, આ મારામારીને કારણે ડૉક્ટરના બે દાંત પડી ગયા. આ ઘટના ગઈ કાલની છે. થોડા સમય પહેલાં રાજકોટમાં આવી જ રીતે પેશન્ટનાં મોત પછી ડૉક્ટરની સાથે પેશન્ટનાં સગાંવહાલાંઓએ મારામારી કરી, પેશન્ટનો કોઈ સગો બ્લૅક કલરની શાહી લઈ આવ્યો અને તેણે ડૉક્ટરના મોઢા પર લગાડીને તેમનું મોઢું કાળું કર્યું. એ પહેલાં કચ્છમાં પણ આવી ઘટના બની હતી અને એક પેશન્ટનાં સગાંઓએ ડૉક્ટરના પગ ભાંગી નાખ્યા હતા. પુણેમાં પણ થોડા સમય પહેલાં આવી જ ઘટના બની હતી અને ડૉક્ટરનાં કપડાં ફાડી નાખ્યાં હતાં, ડૉક્ટરે જીવ બચાવવા અર્ધનગ્ન હાલતમાં ત્યાંથી ભાગવું પડ્યું હતું.

આ શું છે?

એકવીસમી સદીમાં આપણે જીવીએ છીએ ત્યારે કેવી રીતે આવી સત્તર અને અઢારમી સદીનું વર્તન આપણાથી થઈ શકે. ડૉક્ટર જીવ બચાવવાનું કામ કરે છે ત્યારે એ જ ડૉક્ટરની સાથે મારામારી કરીને તેની સાથે ગેરવર્તણૂક કરવાની આ જે ચેષ્ટા છે એ ચેષ્ટા જ તમને અમાનુષ એટલે કે અમાનવીય બનાવે છે. માન્યું કે તમને તમારા સ્વજનને ગુમાવ્યાનું દુઃખ હોય, માન્યું કે તેનું અવસાન તમે સ્વીકારી ન શક્યા હો, પચાવી ન શક્યા હો, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે એ જે કોઈ દુખદ ઘટના ઘટી છે એમાં ડૉક્ટર કસૂરવાર છે. આખા દેશમાં માંડ એક પર્સન્ટ ડૉક્ટર એવા હશે જેને પૈસા સાથે નિસબત હશે, જેને માણસના જીવ કરતાં પણ પૈસો વધારે વહાલો હશે, પણ એનો અર્થ પણ એવો નથી થતો કે જીવ જતો હોય તો પણ ડૉક્ટર શાંતિથી બેસી રહે અને પેશન્ટને મરવા દે. હું હંમેશાં કહેતો હોઉં છું કે બહુ કટોકટીવાળી પળ આવે ત્યારે તમારે તમારી જાતને એ ઘટનામાં મહત્ત્વના સ્થાન પર મૂકીને જોઈ લેવાની. જો તમે એ કામ કરી શકો તો તમને આખી ઘટના વ્યવસ્થિત રીતે સમજાશે અને એ પણ સમજાશે કે તમે જો કોઈનો જીવ લઈ શકો એમ હો તો અને તો જ બીજો કોઈ તમારા સ્વજનનો જીવ લઈ શકે.

તમને ડૉક્ટર પર શંકા હોય, ડૉક્ટર સામે તકલીફ હોય તો એ તકલીફ માટે, એ સમસ્યા માટે અને એની રજૂઆત માટે અનેક રસ્તા છે. આજે તો ડૉક્ટર પણ એટલા સેન્સિબલ થઈ ગયા છે કે તેમને સમજાઈ ગયું છે કે જો એ ભૂલથી પણ આવી ભૂલ કરી બેસશે તો કાયદો તેને છોડશે નહીં, પોલીસ તેને મૂકશે નહીં અને તેણે સજા ભોગવવી પડશે, પણ આ બધા માટે કાયદેસર જે થઈ શકતું હોય એ કરો તો જ હિતાવહ છે. અન્યથા બનશે એવું કે ઇમર્જન્સીમાં કોઈ ડૉક્ટર જોખમ લેવાની હિંમત નહીં કરે. બધાને એ વાતનો ડર રહેશે કે કંઈ પણ અજુગતું બનશે તો વગરકારણે નંદવાઈ જઈશું અને ખોટેખોટી તકલીફો ભોગવવાનો વારો આવશે. જો તમે ઇચ્છતા હો કે તમારા સ્વજનની નાદુરસ્ત તબિયત સમયે તેને કોઈ તકલીફ ન પડે તો મહેરબાની કરીને સ્વજનની જે સારવાર કરી શકે એમ છે એને કનડવાનું છોડી દો. કનડગત ક્યાંક તમને જ અગત્યના સમયે મોંઘી પડી જશે.

columnists manoj joshi