ધારણા પણ ન મૂકી શકાય એવી વ્યક્તિને કોરોના શું સૂચવે છે?

24 October, 2020 06:28 PM IST  |  Mumbai | Manoj Joshi

ધારણા પણ ન મૂકી શકાય એવી વ્યક્તિને કોરોના શું સૂચવે છે?

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ પહેલાં સુપરસ્ટાર હૃતિક રોશનની મમ્મીનો રિપોર્ટ કોરોના-પૉઝિટિવ આવ્યો. ક્યાંય બહાર ન નીકળનારાં અને ક્યાંય કોઈના સંપર્કમાં ન આવનારાં પિન્કી રોશન કેવી રીતે કોરોના-સંક્રમિત થયાં એ પ્રશ્ન છે. અત્યારે હોમ-ક્વૉરન્ટીનમાં છે અને કોરોના જોખમી સ્તરે નથી એ સૌથી સારા સમાચાર છે. કોવિડના આ સમયમાં કોરોના વાઇરસે અનેક લોકોને અડફેટમાં લીધા છે અને અડફેટમાં લેવાયેલા આ લોકોમાંથી અમુક લોકો તો એવા છે જેમને કોરોના થઈ કઈ રીતે શકે એ પણ મનમાં શંકા જન્માવી જાય. મોટાં અને જાણીતાં નામોમાં જો સૌથી પહેલું આંચકાજનક કોઈ નામ આવ્યું હોય તો એ નામ હતું અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન.

દેશના વીઆઇપીઓએ પણ જો બચ્ચનપરિવારને મળવું હોય તો એને માટે મહેનત કરવી પડે, ઓળખાણ કામે લગાડવી પડે અને અથાક પ્રયાસ કરવા પડે, પણ એમ છતાં તેમને કોરોના-સંક્રમણ લાગ્યું અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પિન્કી રોશન પણ એવાં જ વ્યક્તિ છે અને સાઉથની દીપિકા પાદુકોણ કહેવાતી તમન્ના ભાટિયા પણ એવું જ નામ છે. આ ઉપરાંત પણ અનેક નામ એવાં છે જે આ કૅટેગરીમાં આવી શકે છે. જેમને મળવું પણ લગભગ અશક્ય હોય એવા લોકો સુધી કોરોના પહોંચી ગયો અને એ જ વાત પરથી આપણે સૌએ સમજવાનું છે કે કોરોના તમારા સુધી આવવામાં ક્યાંય ખચકાટ રાખતો નથી.

જો એ દેશના કેન્દ્રીય પ્રધાનોને પણ થઈ શકે, જો મહાનાયક પણ એની ઝપટમાં આવી જાય અને જો સુપરસ્ટારની મમ્મી પણ આ કોરોનાથી બચે નહીં તો સાહેબ, સાચે જ તમને પૂછવું પડે કે તમે કઈ વાડીના મૂળા છો કે તમને કોરોના પોતાની અડફેટમાં નહીં લે! બિલકુલ લે અને વિનાસંકોચ એ તમને અડફેટમાં લે. કોરોનાથી બચવું એ તમારી પ્રાથમિક ફરજ છે અને આ ફરજ ચૂકનારાઓએ ખરેખર પોતાની જાતને ક્યારેય માફ ન કરવી જોઈએ. બાળકો ઘરમાં બેસી રહે છે, વડીલો પણ ઘરમાં ચૂપચાપ પડ્યા રહે છે અને એ પછી પણ તમે તમારી મૂનસફીના આધારે આગળ વધતા રહો અને ઘરમાં રહેલા વડીલોને, બાળકોને કોરોનાની ગિફ્ટ આપો એ કેવી રીતે ચલાવી શકાય, ના, જરાય નહીં.

આજ સુધી કોરોનાનું સંક્રમણ અમુક અંશે બંધન વચ્ચે હતું, જેનું કારણ હતું કે લાઇફલાઇન એવી લોકલ ટ્રેન શરૂ નહોતી થઈ, પણ હવે એ શરૂ થઈ છે. અત્યારે

મહિલાઓ માટે શરૂ થઈ છે અને આવતા સમયમાં બધા માટે શરૂ થશે. બને કે શરૂઆતના તબક્કે નિશ્ચિત સમયમર્યાદા સાથે એ શરૂ કરવામાં આવે, પણ એ શરૂ થાય એટલે એવું નહીં ધારી લેતા કે બધું ક્ષેમકુશળ રીતે પતી ગયું છે અને કોરોનાએ દેશવટો સ્વીકારી લીધો છે. ના, નથી જ લીધો કોરોનાએ દેશવટો અને એ હજી પણ આપણે ત્યાં છે જ. અનિવાર્ય ન હોય તો બહાર જવાની જરૂર નથી.

columnists manoj joshi