કોરોના અકબંધ છે : પોસ્ટ-કોવિડ પ્રશ્નોની ચર્ચા કેમ કોઈ નથી કરતું?

28 October, 2020 11:32 AM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના અકબંધ છે : પોસ્ટ-કોવિડ પ્રશ્નોની ચર્ચા કેમ કોઈ નથી કરતું?

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ. કોવિડ વિશે આપણે સમયાંતરે વાત કરતા રહીશું અને એ માટેનું એક કારણ પણ છે. જ્યાં સુધી કોવિડ દેશમાંથી જાય નહીં કે પછી કોવિડની ટ્રીટમેન્ટ, મેડિસિન કે પછી વૅક્સિન નથી મળતી ત્યાં સુધી એને જરા પણ બેદરકારીથી લેવાની ભૂલ કોઈએ નથી કરવાની અને એવી ભૂલ કરી પણ ન શકાય.
કોવિડના વાઇરસનો જે આતંક છે એ આતંક એક વખત બીમાર પડનારાઓએ નજીકથી જોયો છે અને એ નજીકથી જોયેલો, પાસેથી કોઈએ આંખેદેખ્યો અહેવાલ તૈયાર કરવાનો પ્રયાસ નથી કર્યો. ડરના ઝરૂરી હૈ. જો ડરશો નહીં તો ચેતશો નહીં, ચેતવણીને ગંભીરતાથી લેશો નહીં અને ચેતવણીને ગંભીરતાથી લેશો નહીં તો કોવિડની સામે અજાણતાં જ જંગ માંડી ચૂકશો. જરા વિચાર તો કરો કે દેશમાંથી આખેઆખી આઇપીએલ ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ ગઈ, ખાલી સ્ટેડિયમ વચ્ચે મૅચ રમાઈ રહી છે. બેસ્ટ કૉમેડી શો અને બેસ્ટ ક્વિઝ શોમાં કપિલ શર્મા અને મહાનાયક અમિતાભ બચ્ચન પણ ઑડિયન્સ વિના પર્ફોર્મ કરતા થઈ ગયા છે અને સલમાન ખાન પોતાના રિયલિટી શોના દરેક એપિસોડના અંતમાં કોરોનાને યાદ કરતાં વારંવાર સલાહ આપે છે, ‘મા-બાપ સે પ્યાર કરો ના, પર ઉનકો દો ના કોરોના...’
આનાથી મોટી ચિંતાની વાત બીજી કઈ હોઈ શકે, શું હોઈ શકે. બીજું એવું કંઈ જેમાં કોરોનાથી ડર ન લાગવો જોઈએ. લાગવો જોઈએ ડર અને એ એવી રીતે લાગવો જોઈએ કે આવે તો એની સામે લડી લેવાની ભાવના પણ અકબંધ રહેવી જોઈએ. કોરોના ઘાતકી છે અને એ કેવો ઘાતકી છે એ મેડિકલ ફીલ્ડના એક્સપર્ટસને પૂછજો. દિલ્હીમાં રહેતા મારા એક ડૉક્ટર-ફ્રેન્ડ સાથે હમણાં વાત થઈ ત્યારે તેની પાસેથી જે ખબર પડી એ ખરેખર ચિંતાજનક વાત હતી. એક વૅક્સિન કંપની સાથે જોડાયેલા એ ફ્રેન્ડના કહેવા મુજબ, કોરોનાને કારણે લંગ્સ પર એટલે કે ફેફસાં પર અસર થાય છે એ એવી ભયાનક છે કે એવું જ લાગે કે પેશન્ટ જાણે સિમેન્ટનું પાણી પી ગયો છે અને ફેફસાંમાં એ સિમેન્ટ ચોંટી ગયો છે. હા, જો કોરોના વકરે તો એવું જ થઈ જાય. બીજી વાત તેણે કહી તે એ કે કોરોનાથી જ નહીં, પણ કોરોના શરીરમાં આવી ગયા પછી એની કેવી અસર ભવિષ્યમાં થવાની છે એને સૌકોઈએ યાદ રાખવાની છે. મેડિકલ એક્સપર્ટ્સ તો આ વાતને ઑબ્ઝર્વ પણ કરી રહ્યા છે અને અમુક કિસ્સામાં એવું બન્યું પણ છે કે કોરોનાએ શરીર છોડી દીધા પછી પણ અંદર વિપરીત અસર ચાલી રહી છે, પોસ્ટ-કોવિડ. આ વિષય પર આપણે ત્યાં ચર્ચા કોઈ નથી કરી રહ્યું કે પછી એ પ્રશ્નને કોઈએ છંછેડવાનો પ્રયાસ પણ નથી કર્યો. આ વિશે જાણવાની જરૂર છે. દેશનાં બે-ચાર શહેરોમાં તો પોસ્ટ-કોવિડ હૉસ્પિટલ પણ શરૂ થઈ છે. કોવિડ દરમ્યાન અને એ પછી ઊભા થનારા માનસિક પ્રશ્નો વિશે પણ ક્યાંય વાત નથી થઈ રહી. જરૂરી નથી કે એ બધાની સાથે બનતું હોય, પણ નબળા મનના માણસ સાથે થઈ રહ્યું છે એ હકીકત છે.

manoj joshi columnists