ધર્મ એક સાધન છે અને દરેક સાધનને લક્ષ છે

01 August, 2021 04:57 PM IST  |  Mumbai | Swami Sachidanand

પશુ-પક્ષી, જીવજંતુને કદી મોક્ષના વિચારો નથી આવતા, માત્ર માણસને જ મોક્ષના વિચારો આવે છે. એનું કારણ તેના ચિંતનતંત્રની ઉત્તમતા તથા વ્યાવહારિક જીવનની વેદના છે

પ્રતીકાત્મક તસવીર

સાધનોની સચોટતા, યોગ્યતા અને ઉત્તમતાને માપવાનું ક્ષેત્ર લક્ષ્ય છે. જે સાધનો દ્વારા તમે જે લક્ષ્ય મેળવવા ચાહો છો એ સાધનોથી ખરેખર તમને એ લક્ષ્ય મળે છે ખરું?

જો હા, તો તમારાં સાધન સચોટ છે, યોગ્ય છે. જો એ લક્ષ્ય અપેક્ષાકૃત સરળતાથી મળે છે તો તમારાં સાધન ઉત્તમ પણ કહેવાય, પણ ધારો કે તમારું લક્ષ્ય મળતું જ ન હોય તો તમારાં સાધનોની ત્રુટિઓ સુધારવી જ રહી. જો સાધનોની ત્રુટિઓ સુધારવામાં ન આવે તો વ્યક્તિ દુખી થઈને પણ કાં તો સાધ્યને મેળવી નહીં શકે અને ધારો કે તેણે એ મેળવી લીધું તો એ પ્રાપ્ત કરવામાં ઘણાં કષ્ટ વેઠ્યા પછી પણ એ પરિણામે ઘણું ઓછું મેળવશે. ઉત્તમ સાધક એ કે જે પોતાનાં સાધનોને હંમેશાં વિવેકની કસોટીથી શુદ્ધ અને સ્પષ્ટ રાખે છે. 

ધર્મ પણ એક સાધન છે. ધર્મ દ્વારા જુદાં-જુદાં લક્ષ્યો મેળવવાની વાત આજ સુધી થતી આવી છે. કોઈ કહે છે કે ધર્મથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે તો કોઈકનું કહેવું છે કે ધર્મથી આત્મ-સાક્ષાત્કાર થાય છે. કોઈ કહે કે ધર્મથી સ્વર્ગ મળે છે ને કોઈ કહે કે ધર્મથી સુખી થવાય છે. કોઈ કહે કે ધર્મથી વ્યવસ્થા જળવાય છે તો કોઈનું માનવું છે કે ધર્મથી રાજકીય લાભ મળે છે. ટૂંકમાં કહીએ તો, ધર્મ દ્વારા અનેક હેતુઓ તથા લક્ષ્યો આપવામાં આવ્યાં છે અને હવે આપણે એની જ ચર્ચા કરવાની છે. આ ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો છે ધર્મ દ્વારા મોક્ષનો.

એવું કહેવાતું રહ્યું છે કે ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ અત્યંત પ્રાચીન અને સાથોસાથ અર્વાચીન લક્ષ્ય પણ રહ્યું છે. પશુ-પક્ષી, જીવજંતુને કદી મોક્ષના વિચારો નથી આવતા, માત્ર માણસને જ મોક્ષના વિચારો આવે છે. એનું કારણ તેના ચિંતનતંત્રની ઉત્તમતા તથા વ્યાવહારિક જીવનની વેદના છે. માણસને ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિતંત્ર મળ્યું છે, એટલે તે વિષયવાર અને સમગ્ર રીતે ચિંતન કરે છે. તેનું ચિંતન પરસ્પર વિરોધ અને અવિરોધી દિશાઓમાં પ્રસર્યું છે. બધા જ ચિંતકો બધી વાતો પર એકમત થઈ શક્યા નથી. બધા જ મહાન હોવા છતાં બધાના ચિંતનની ભિન્નતા એમ બતાવે છે કે ચિંતન માટે અભિગમ, દિશાનિર્ધારણનું કામ કરતો હોય છે. તમે નાના હો કે મોટા, પહેલેથી તમારો જે અભિગમ બંધાયો હોય એ પ્રમાણે તમારી વિશિષ્ટ બુદ્ધિશક્તિનો તમે ઉપયોગ કરશો. તમારે શું વિચારવું તથા કઈ દિશામાં વિચારવું એની ભૂમિકા, અભિગમ તૈયાર કરતો હોય છે. આ અભિગમ પૂર્વગ્રહો, પૂર્વસંસ્કારો, વાતાવરણ અને સ્વયંના લાગણીશીલ અનુભવોમાંથી ઘડાતો હોય છે.

columnists