મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લેવામાં લાભ સંબંધોને છે

25 February, 2021 11:16 AM IST  |  Mumbai | Manoj Joshi

મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લેવામાં લાભ સંબંધોને છે

મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લેવામાં લાભ સંબંધોને છે

જરા વિચાર તો કરો, માણસ દિવસ દરમ્યાન કેટલીવાર પોતાનો મોબાઇલ ચાર્જ કરતો હશે? વિચારો શાંતિથી. જાતને ચાર્જ કરવાનું કે પછી ઍનર્જી સાથે, હકારાત્મકતા સાથે રહેવા માટે પોતાને રિચાર્જ કરવાનું એને યાદ નથી આવતું કે પછી એની જરૂરિયાત તેને નથી લાગતી, પણ એની સામે એને મોબાઇલની બૅટરી ચાર્જ છે કે નહીં એ યાદ પણ રહે છે અને એ ચાર્જ કરવાનું ભૂલતો પણ નથી. બૅટરી પૂરતી સીમિત થઈ ગયેલી માણસની આ યાદશક્તિને જોઈને જ મનમાં એક વાત આવે છે, મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લીધો હોય તો?
હા, ખરેખર. આ પ્રતિજ્ઞા સૌએ લેવી જોઈએ.
મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવો અને જ્યાં એ બંધ થઈ જાય ત્યાંથી પછી એ મોબાઇલને બંધ પરિસ્થિતિમાં જ રાખીને આખો દિવસ પસાર કરી બીજી સવારે નવેસરથી ફરી ચાર્જ કરવાનો. જેનું કામ માત્ર મોબાઇલ પર ચાલે છે એને આ પ્રતિજ્ઞા વાહિયાત લાગે એવું બની શકે, પણ એનો રસ્તો પણ છે તો ખરો જ. જો તમે ધારો તો પહેલાં આવતો એવો સાદો ફોન વાપરવાનું શરૂ કરો તો આખો દિવસ તમારું કામ પણ ચાલે અને મોબાઇલની બૅટરી પણ લાંબી ચાલે. આ પ્રતિજ્ઞા શું કામ લેવી એવો તો કોઈને પ્રશ્ન મનમાં થવાનો નથી. કારણ કે પ્રતિજ્ઞા પોતે જ દેખાડે છે કે મોબાઇલના અતિરેકના લીધે આ નિર્ણય લેવો જોઈએ એ સૂચવવાનો ભાવ છે.
આજે એવી પરિસ્થિતિ સર્જાય છે કે મોબાઇલના કારણે આપણે દુનિયાના બાકીના તમામ પ્રકારનાં કામ, સંબંધ, વ્યવહાર અને લાગણીઓને ભૂલી ગયા છીએ. હવે મોબાઇલને સીમિત સંબંધો પર બાંધીને વ્યવહાર અને લાગણીના એ સંબંધોને નવેસરથી પાસે લઈ આવીએ. મોબાઇલની આભાષી દુનિયા વચ્ચે અટવાયેલા રહીને આપણે પ્રેમને ભૂલવા માંડ્યા છીએ. મોબાઇલની સ્વપ્નીલ દુનિયાના આધારે આપણો ખાલીપો ચાલી ગયો અને એની બહુ સારી અસર પણ થઈ, હકારાત્મકતા પણ દેખાય, પણ જ્યાં ખાલીપો નહોતો ત્યાં ખાલીપો સર્જવાનું કામ પણ આપણે જ કરીને બેસી ગયા. આંખ સામે મા બેઠી છે, બાપ બેઠો છે અને બહેન-દીકરીઓ બેઠાં છે, પણ આપણે એ બધાં વચ્ચે આપણી મોબાઇલની પાંચ ઈંચની સ્ક્રીનમાં જ રત રહીએ છીએ. આજે એ પરિસ્થિતિ સર્જાઈ છે કે એક જ ઘરમાં વસતાં સંબંધોને હવે જો ફરીથી તાજા કરવા હોય તો એ સૌને આપણે ફરીથી મોબાઇલ સાથે જ જોડવાનું કામ કરવું પડે એમ છે. લોહીના સંબંધો હવે મોબાઇલના ઉછીના શ્વાસ પર ચાલતા થઈ ગયા છે.
લોહીના આ સંબંધો વેન્ટિલેશન પર મુકાય એ પહેલાં એને વાજબી રીતે નવું શ્વસન આપવાનું કામ આપણે આ નવા વર્ષથી કરીએ અને બસ, એક જ પ્રતિજ્ઞા લઈએ-મોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવો. માત્ર આ એક કામ કરવાથી બનશે એવું કે મોબાઇલને ચીંદીચોરની જેમ કે પછી મખ્ખીચૂસની જેમ લોકો કરકસર સાથે વાપરતાં થશે, જેને લીધે સમય બચશે અને જે સમય બચશે એ સમય લોહીના સંબંધોમાં ખાતર પુરવાનું કામ કરવા માંડશે.
બસ, આ એક પ્રતિજ્ઞા. એટલિસ્ટ કોશિશ તો કરો એક વીક પૂરતી લઈને. મોબાઇલમાંથી બહાર નીકળીને આજુબાજુના માણસોમાં રહેવાની મજા સાવ જુદી છે.

manoj joshi columnists