રીબૂટ, રીચાર્જ અને રીઇન્વેન્ટ : આજની પેઢી પાસેથી આ ત્રણ વાત શીખવા જેવી છે

31 December, 2022 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક જનરેશનની પોતાની ખાસિયત છે. મારી દૃષ્ટિએ નિખાલસ અને વિચારોમાં સ્પષ્ટ એવી આજની પેઢી જે રીતે પોતાની એનર્જીને ચૅનલાઇઝ કરી પોતાની બાઉન્ડરી સેટ કરીને મલ્ટિપલ કામ કરે છે એ દરેકે અપનાવવા જેવું છે

રીબૂટ, રીચાર્જ અને રીઇન્વેન્ટ : આજની પેઢી પાસેથી આ ત્રણ વાત શીખવા જેવી છે

આજની જનરેશન સતત પોતાને ઇવૉલ્વ કરવામાં માને છે. કદાચ આ પેઢીનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. આજની પેઢી એક જ કામમાં જાતને પરોવી દેવાને બદલે એકસાથે જુદાં-જુદાં કામ કરીને પણ જાતને ફ્રી રાખે છે. તેમની પાસે પોતાની સ્પેસ પણ છે. કામ કરતાં-કરતાં તે ટ્રાવેલ પણ કરે છે અને કામ કરતાં-કરતાં તે પાર્ટીઓ પણ એન્જૉય કરે છે. 

જીવન બદલાવનું નામ છે અને મેં મારા જીવનમાં સતત બદલાવને પ્રાયોરિટી આપી છે, પણ સાથે જ પોતાના લીધેલા સંકલ્પને વળગી રહેવાનું પણ એટલું જ જરૂરી છે, જે આજના યંગસ્ટર્સમાં હું જોઉં છું. તમને મારી વાત કરું. 

હું ૧૩ વર્ષની હતી જ્યારે મેં નક્કી કરેલું કે હું ફિલ્મમેકર બનીશ. દૂર-દૂર સુધી કોઈ અમારા પરિવારમાં ફિલ્મ-મેકિંગનું બૅકગ્રાઉન્ડ નહોતું. મારા પિતા આઇએએસ ઑફિસર અને મમ્મી સ્કૂલમાં પ્રિન્સિપાલ. દૂરનાં કોઈ આન્ટી હતાં, જે નાના પાયે ગીતો લખતાં. મને ખબર નથી કે મને ફિલ્મોમાં શું રસ જાગ્યો અને એ જમાનો પણ એવો નહોતો જ્યારે કોઈ નાનું બાળક કહે કે હું ફિલ્મમેકિંગ કરીશ. એ સમયે ડૉક્ટર, એન્જિનિયર કે ટીચર બનવાનું જાણે ફિક્સ હતું. જોકે જ્યારે મેં આ વાત ઘરે કરી ત્યારે મારા પેરન્ટ્સે કહ્યું કે તારે જે કરવું હોય એ કરવાની છૂટ, પણ એ પહેલાં તારે અમે જેમ કહીએ એ પ્રમાણે ગ્રૅજ્યુએશન કરવું પડશે. મેં કહ્યું ઓકે, ડીલ પાક્કી. 

એ પછી ગ્રૅજ્યુએટ થાઉં ત્યાં સુધી ઊંધું માથું નાખીને ભણી. ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ. જોકે એ દરમ્યાન પણ મારું ફિલ્મોનું રિસર્ચ તો ચાલુ જ હતું. ભણવાની સાથે હું ફિલ્મ ફેસ્ટિવલ માટે અને લાઇબ્રેરીમાં જઈ રિલીઝ થયેલી ફિલ્મો પર રિસર્ચ કરતી. વાંચન ચાલુ હતું. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી પેરન્ટ્સે પૂછ્યું કે આગળ શું કરવું છે? તેમને એમ કે હું એમબીએ કે એમકૉમની વાત કરીશ, પણ મેં તેમને ડીલ યાદ દેવડાવીને કહ્યું કે આપણી ડીલ હતી એ મુજબ હું ફિલ્મમેકિંગમાં આગળ વધીશ.’ 

આટલાં વર્ષમાં ફિલ્મમેકિંગનું ભૂત મારા માથેથી ઊતરી ગયું હશે એવી તેમની ધારણા હતી. જોકે મારી ડિટરમિનેશનમાં જરાય ફરક નહોતો પડ્યો. મારામાં ફિલ્મો માટેનું ઝનૂન ક્યાંથી આવ્યું હતું એની મને નથી ખબર, પણ એ ઝનૂનને કારણે આજે હું જે છું એ છું. આ જ ઝનૂન મને આજની પેઢીમાં વધુ વિસ્તૃત રીતે દેખાય છે. 

કરીઅરના શરૂઆતના સમય અને આજના જનરેશનના કરીઅરના દૃષ્ટિકોણને પણ જોઉં તો હું રોમાંચિત થઈ જાઉં છું. ૧૯૯૩ની ૨૦ ઑગસ્ટે મારી પહેલી જૉબ શરૂ થઈ. એ સમયે ઝીટીવી પર આવતા ‘આપકી અદાલત’ શો માટે મારે રજત શર્માને હેલ્પ કરવાની હતી. મારી એ ઇન્ટર્નશિપમાં રિસર્ચ માટે મારે અઢળક અખબારોથી લઈને લાઇબ્રેરીઓ ફરી વળવું પડતું. મને યાદ છે કે એ સમયે અમારા કલીગ્સ વચ્ચે ઇન્ટર્નલી કોણ કેટલી રાતો વધારે જાગ્યું અને કોણે કેટલું વધુ ડે-નાઇટ કામ કર્યું એની કૉમ્પિટિશન થતી. બધા જુદા-જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવતા અને બધા એટલા પૅશનેટ હતા કે દિવસ-રાત, ભૂખ-તરસ બધું ભૂલીને કામ કરતા. આજની પેઢી આ બાબતમાં પ્રૅક્ટિકલ છે. 

તે વૈતરુંમાં નથી માનતી, પણ સ્માર્ટ વર્કના ફન્ડામાં બિલીવ કરે છે અને એ મને ખૂબ પૉઝિટિવ અને હેલ્ધી લાગે છે. આજના વર્કિંગ જનરેશને પોતાની પ્રોફેશનલ બાઉન્ડરીઝ બનાવી છે. હું જ્યારે નોકરીએ લાગી ત્યારે મને પૈસાની વાત કરતાં નહોતી આવડતી અને બૉસને કંઈક કહેવું હોય કે રજા માગવી હોય તો સો વાર વિચાર કરતા. જ્યારે આજની પેઢી પોતાના પૅકેજની વાત કૉન્ફિડેન્ટલી કરે છે અને પોતાની એક્સપેક્ટેશનને ખુલ્લા મને વ્યક્ત કરે છે. કયા કામને કેટલો સમય આપવો અને કેટલા સમયમાં કયું કામ કેવી રીતે કરવું એનો ક્લિયર આઇડિયા તેમની પાસે છે. ભલે તેમની પાસે ગૂગલને કારણે ઇન્ફર્મેશન એક ક્લિક પર હોય એ પછી પણ તેમનું પોતાના સ્તરનું રિસર્ચ હોય છે. તેમણે ટેક્નૉલૉજિકલ બદલાવનો બેનિફિટ્સ લીધો છે. તેઓ એક કામમાં જાતને જોતરી નથી નાખતા. એકસાથે ચારપાંચ કામ કરવામાં, પોતાના ગમતા કામ માટે સમય ફાળવવામાં પણ તેઓ એક્સપર્ટ છે. 

વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ લોકો કોવિડ દરમ્યાન ફૉલો કરવા માંડ્યા, પણ હું એક યંગ રાઇટરને ઓળખું છું. શરદ ત્રિપાઠી તેનું નામ. બાલાજી ટેલિફિલ્મ્સમાં ધીરજ શર્માનોતે અસિસ્ટન્ટ હતો. મારી દૃષ્ટિએ એ પહેલો રાઇટર હતો જે સિરિયલો લખતો અને એ ચાલુ કામ સાથે તે આખી દુનિયા ફર્યો. ૨૦૧૩થી તે વર્કેશન જેવા કન્સેપ્ટને ફૉલો કરે છે. આજે પણ રાઇટર છે, મ્યુઝિક વિડિયો ડિરેક્ટ કરે છે. હવે તો તેની પોતાની કંપની છે. આજની પેઢીની આ ખાસિયત છે, મલ્ટિપલ રોલ તે એકસાથે અદા કરી શકે છે.

મારી એક સિરિયલમાં ઍક્ટિંગ કરતી ઍક્ટ્રેસ અશિમા ઍક્ટિંગ ઉપરાંત કેટલાક આઇડિયાઝ પર કામ કરતી. એક કંપનીમાં અમે સાથે શરૂઆત કરી, જે ચિલ્ડ્રન ઇવેન્ટ ઑર્ગનાઇઝ કરે છે. પોતાને શું કરવું છે એ બાબતમાં તેનું વિઝન એકદમ ક્લિયર છે. મારો કઝિન છે, ધનંજય. તેણે એજ્યુકેશન લૉનું લીધું. એલએલબી થયો, પણ તેને ક્રિકેટર બનવું હતું. એ સમયે આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે ક્રિકેટર બની શકે. કરીઅર થોડી સ્ટેબલ થઈ એટલે ૧૦ વર્ષ પહેલાં તેણે માત્ર પોતાના ફ્રેન્ડ્સ માટે ‘વન ટિપ, વન હૅન્ડ’ નામનું પૉડકાસ્ટ શરૂ કર્યું. આજે એ પૉડકાસ્ટ એટલું પૉપ્યુલર છે અને એના ફૉલોઅર્સ એટલા છે કે ઇન્ફ્લુઅન્સર તરીકે તેને મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્વાઇટ કરવામાં આવે છે. 

આજની જનરેશન સતત પોતાને ઇવૉલ્વ કરવામાં માને છે. કદાચ આ પેઢીનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. આજની પેઢી એક જ કામમાં જાતને પરોવી દેવાને બદલે એકસાથે જુદાં-જુદાં કામ કરીને પણ જાતને ફ્રી રાખે છે. તેમની પાસે પોતાની સ્પેસ પણ છે. કામ કરતાં-કરતાં તે ટ્રાવેલ પણ કરે છે અને કામ કરતાં-કરતાં તે પાર્ટીઓ પણ એન્જૉય કરે છે. તેઓ પોતાના લાઇક્સ-ડિસલાઇક્સ, રાઇટ્સ અને રિસ્પૉન્સિબિલિટીને લઈને બોલકી છે. જેનું થોડુંક શ્રેય અમારી પેઢીને પણ જાય કે તેમને મોકળાશ આપવાની શરૂઆત અમારી જનરેશનથી થઈ. એક્સપ્લૉઇટેશન થતું હોય, અબ્યુઝ થતું હોય તો તે બોલે છે. તે વર્ક અને ગોલ-ડ્રિવન છે. એક કામમાં સફળતા ન મળી તો બીજું કામ કરવામાં તેને સંકોચ નથી થતો. તેની અંદર તમને છળકપટ નહીં મળે. બહુ સ્પષ્ટ અને ટ્રાન્સપરન્ટ થઈને પોતાની વાત કહી શકે છે, કારણ કે તેમને લોકો શું કહેશે એનો ભય નથી. ટાઇમ મૅનેજમેન્ટ, વર્ક મૅનેજમેન્ટ, લાઇફ મૅનેજમેન્ટ અને સ્પેસ મૅનેજમેન્ટ એ આજની જનરેશન પાસેથી ખરેખર આપણે શીખવા જેવું છે. હું તો તેમની પાસેથી ખૂબ શીખું છું. 

જેને આપણે જનરેશન ઝેડ કહીએ છીએ એ હજી મોજમસ્તી અને સોશ્યલ મીડિયામાં અટવાયેલી છે. કામની બાબતમાં તે ગંભીર નથી, પરંતુ તે પણ ઇવૉલ્વ થઈ રહ્યા છે. તેની પાસે કામ છે એટલે વર્કને લગતી ઇનસિક્યૉરિટી તેમનામાં નથી એટલે ક્યારેક ડેપ્થનો અભાવ લાગે, પણ એ ટેમ્પરરી છે. ઉંમર સાથે એમાં તે ઇવૉલ્વ થશે. એ જ રીતે હવે ક્રીએટિવ ફીલ્ડમાં આવેલું કૉર્પોરેટ કલ્ચર અત્યારે બનતી ફિલ્મો અને સિરિયલોને વધારે અફેક્ટ કરતું હોય છે. અફકોર્સ, તમે ઇન્ડસ્ટ્રીમાં હો તો બદલાવમાં ઢળી જતા હો પણ કોઈક બાબતમાં નવાઈ લાગે. તમારા સબ્જેક્ટનું નરેશન તમને કોઈ પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશનમાં આપવાનું કહે તો એ કેવી રીતે શક્ય બને. કદાચ આ જ કારણ છે કે આજે જે પણ સિરિયલોના સબ્જેક્ટ જુઓ એ તમને એક જ ફૅક્ટરીમાં બનેલો માલ લાગે, પણ આ જ ઇવૉલ્યુશન જર્ની છે. રિબુટ, રિફ્રેશ અને રિઇન્વેન્ટ આનું જ નામ છે અને આ કરતા રહો તો તમે સતત તાજગી સાથે આગળ વધો. આ આજના સમયની તાસીર છે અને આજની પેઢીમાં તમે ખૂબ સહજતા સાથે આ તમે જોઈ શકો છો.

columnists saturday special