શોમાં દેખાતી મહિલા અને ટીવીના શોમાં દેખાડાતી મહિલા

11 December, 2020 05:07 PM IST  |  Mumbai | Jamnadas Majethia

શોમાં દેખાતી મહિલા અને ટીવીના શોમાં દેખાડાતી મહિલા

ફાઈલ તસવીર

એક કરોડ. હા, ૧,૦૦,૦૦,૦૦૦.

નાઝિયા નસીમ, મોહિતા શર્મા અને અનુપા દાસ. આ ત્રણ મહિલા ‘કૌન બનેગા કરોડપતિ’માં એકેક કરોડ રૂપિયા જીતી અને એ જીતને લીધે જ મને થયું કે આ શોનું ટાઇટલ ‘કૌન બનેગા કરોડપતિ’ને બદલે ‘કૌન બનેગા કરોડપત્ની’ હોવું જોઈએ. આ ત્રણ વિનર પરથી વધુ એક વાર પુરવાર થયું કે આ છોકરીઓ છોકરાઓને પહોંચી વળે એવી જ હોય છે. આજકાલની નહીં, પહેલેથી જ તે પહોંચી વળે એવી જ હોય છે. નાનો હતો અને સ્કૂલમાં હતો ત્યારથી હું આ જોતો આવ્યો છું. સ્કૂલમાં પહેલા નંબરે અમિષા શાહ જ આવતી તો કૌસ્તુભા વ્યાસ, મારા જ ક્લાસમાં ભણતી પ્રજ્ઞા રાયચુરા, અંજલિ દેસાઈ કે પછી અનીતા દેસાઈ અને આવી બીજી ઘણી છોકરીઓ અમારા છોકરા કરતાં ક્યાંય આગળ હતી. જ્ઞાનની બાબતમાં ક્યાંય કોઈ જેન્ડર કામ નથી કરતી. આપણે ત્યાં એક ઉક્તિ છે. સિદ્ધિ તેને જ વરે જે પરસેવે નહાય. છોકરીઓ મહેનતમાં ક્યાંય પાછું વળીને જોતી નથી. એવું માનવામાં આવે છે કે શારીરિક ક્ષમતા છોકરાઓની વધુ હોય. આ હું નથી કહેતો પણ આવું માનવામાં આવે છે એટલે લખું છું કે શારીરિક ક્ષમતાઓ છોકરાઓની વધુ હોય; પણ ભણવામાં, મહેનત કરવામાં અને બૌદ્ધિકતામાં છોકરીઓ તેમને ક્યાંય પાછળ છોડી દેતી હોય છે જે પુરવાર પણ થઈ રહ્યું છે અત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’માં. ત્રણ સ્ત્રીઓ કરોડપતિ બની ગઈ અને હજી સુધી એક પણ પુરુષને આ સિદ્ધિ નથી મળી. ત્રણ મહિલાઓ કરોડપતિ બની એ પછી પણ પંદરેક એપિસોડ પસાર થઈ ગયા પણ હજી સુધી કોઈ પુરુષનું નામ આ લિસ્ટમાં નથી ઉમેરાયું.

જે રીતે જીતેલી મહિલાઓએ જવાબ આપ્યા છે, જે પ્રકારનો આત્મવિશ્વાસ તેમણે દેખાડ્યો છે એ અદ્ભુત છે અને એમાં પણ અનુપા દાસ; જે રીતે તેણે એક કરોડના પ્રશ્નનો જવાબ આપ્યો એ રીત હજી પણ મારી આંખ સામે છે. દરેક સવાલના જવાબ આપતી વખતે તેના ચહેરા પર શાંતિ હતી, જે ઘણા માટે શીખવા અને સમજવા જેવી વાત છે. કારણ કે આ ‘કૌન બનેગા કરોડપતિ’ છે, સામે બિગ બચ્ચન બેઠા છે. પરસેવો છૂટી જાય.

અમિતાભ બચ્ચન તમારી સામે હોય ત્યારે કેવી હાલત થાય એની વાત તો તેને જ ખબર હોય જે તેમની સામે બેઠો હોય, તેમના પ્રભાવને અનુભવી શક્યો હોય અને એટલે જ  કહેતો આવ્યો છું કે આ શોમાં કરોડ રૂપિયા જીતવાનું કાર્ય એ ખરેખર કરોડોમાં ઘટતી એક ઘટના જેવી વાત છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર તમે જાઓ અને પગ મૂકો ત્યાં જ તમને નર્વસનેસ આવી જાય અને એમાં પણ જ્યારે સામે હૉટ સીટ પર મેગા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન જાતે પોતે આવીને આંખમાં આંખ પરોવીને તમારી સાથે વાત કરે ત્યારે તો ભલભલા લોકો મેસ્મેરાઇઝ થઈને બધું ભૂલી જાય. ભલભલા મોટા ગજાના અને ખેરખાં કહેવાય એવા કલાકારોને પણ તેમની સાથે કામ કરવાનું આવે ત્યારે ઘણા દિવસ સુધી તે બચ્ચનસાહેબ સામે નર્વસ ફીલ કરતા હોય છે. તેમની સાથેના સીન્સમાં પણ એ નર્વસનેસ દેખાતી હોય છે, પણ અમિતાભજી એટલે જાદુગર છે જાણે. તે તમને એટલા કમ્ફર્ટેબલ કરે, એટલા રિલૅક્સ કરી દે કે ન પૂછો વાત. તેમનાથી તમે હો એના કરતાં વધારે પ્રભાવિત થઈને જ તમે છૂટા પડો. એટલા સહજ, એટલા ડાઉન-ટુ-અર્થ વ્યક્તિ અને હા, એટલા જ્ઞાની, નૉલેજેબલ. અમિતાભ બચ્ચન માટે તો હું કહું એટલું ઓછું છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની સફળતાનાં બે મુખ્ય કારણો છે. કારણ પહેલું, એનું ફૉર્મેટ. જે રીતે એનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, જે પ્રકારે આખું માળખું બનાવવામાં આવ્યું છે એટલું સરળ અને સહજ છે કે લોકો એનાથી પ્રભાવિત થાય. બીજું કારણ એટલે શ્રી અમિતાભ બચ્ચન. એક તો સરળ શો અને એમાં પાછા બચ્ચનસાહેબ જેવા પ્રભાવશાળી સાથી. કઈ રીતે આવો શો નિષ્ફળ જઈ શકે?

આ શો જ્યારે શરૂ થયો ત્યારે લોકોનું માનવું હતું કે એ પુરુષોને વધારે આકર્ષિત કરશે. એક વર્ગ તો એવો પણ હતો કે તે એવું જ માનતો કે આ શો જ પુરુષો માટે બનાવવામાં આવ્યો છે. સ્ત્રીઓ તો ડેઇલી સોપ જ જુએ છે એટલે આ શો પુરુષોમાં જ પૉપ્યુલર થશે. આ માન્યતાઓને તોડીને શોને સૌકોઈએ વધાવી લીધો. હું તો કહીશ કે તમારા ઘરે પણ આખું કુટુંબ સાથે બેસીને આ શો જુઓ. દીકરા-દીકરી, પતિ-પત્ની, માબાપ. દરેકને સાથે બેસીને જોવાની અને સાથે-સાથે રમવાની બહુ જ મજા આવશે. ટીવી પર ઍક્ટિંગ, ડાન્સિંગ, સિન્ગિંગ જેવા રિયલિટીના ઘણા શો છે; પણ યાદ રાખજો, નૉલેજ અને ઇન્ફર્મેશન પણ એક ટૅલન્ટ છે તો ધૈર્ય, શૌર્ય, સમયસૂચકતા, હોશિયારી, હાજરજવાબી, સ્પષ્ટવક્તા હોવું એ પણ એક પ્રકારની ટૅલન્ટ છે અને કેબીસી જ્ઞાનની સાથોસાથ એ કળાને પણ પ્રોત્સાહન આપતો શો છે.

અહીં કહી એ બધી ટૅલન્ટ ફક્ત પુરુષોની જ જાગીર નથી એ સાબિત કરી આપ્યું છે ‘કૌન બનેગા કરોડપતિ’ની આ સિરીઝની સ્ત્રી વિનર, કરોડપતિ સ્ત્રીઓએ. શોનું નામ ભલે પુરુષવાચક લાગતું હોય સાંભળવામાં પણ બધાને ખબર જ છે કે પુરુષો પર, પતિઓ પર વર્ચસ્વ જેમ પત્નીઓનું હોય છે (મારો હજી એક વાહિયાત જોક) એવી જ રીતે આ શો પર પણ વર્ચસ્વ તો આ કરોડપત્નીઓનું જ પુરવાર થઈ રહ્યું છે. આ શો દીકરીઓને નાનપણથી જ સાથે બેસાડીને દેખાડજો અને તેમને જ્ઞાનની આ નદીમાં તરવા દેજો. જ્યારે પણ નાની દીકરીઓ માટેની આ વાત કહું ત્યારે મારી વહાલી ભાણેજ સલોનીને કેવી રીતે ભૂલી શકું? બહુ નાની ઉંમરે અમારી વચ્ચેથી તેણે વિદાય લીધી.

વર્ષો પહેલાં સ્ટારપ્લસ પર ‘કૌન બનેગા કરોડપતિ’ જુનિયર એટલે કે બચ્ચાઓ માટેનું શરૂ થયું ત્યારે મારી બહેન ચંદ્રિકા અને હેમંતકુમારની દીકરી અને રવિની બહેન અમારા બધાની લાડકી સલોની એમાં ગઈ હતી. ધારદાર અને ધાડ-ધાડ-ધાડ દસથી અગિયાર સવાલના જવાબો તેણે એકસાથે આપી દીધાં. અમિતાભ બચ્ચન એકદમ ઇમ્પ્રેસ અને અચંબિત કે આવડી નાની છોકરી અને આમ ફટાફટ જવાબ, કેવી રીતે?

સલોની બહુ ચબી હતી. તેનું નામ પણ અમે ‘રોલુગોલુ’ પાડ્યું હતું. એક જ સવાલના જવાબમાં સલોનીની ત્રણ લાઇફલાઇન ખતમ થઈ ગઈ. બહુ અઘરો સવાલ હતો એ અને અમિતાભ બચ્ચનને પણ એવું જ લાગ્યું હતું કે બચ્ચાઓ માટે જરા વધારે પડતો અઘરો સવાલ મૂકી દેવામાં આવ્યો છે. આ યાદોને તાજી એટલા માટે કરું છું કે એવી કેટકેટલી દીકરીઓ આપણી વચ્ચે છે જેને તમારે આ દુનિયામાં લઈ જવાની છે અને તેને જ્ઞાનની દુનિયાથી વાકેફ કરવાની છે. એનાથી વાકેફ કરવા માટે તેમને અત્યારથી ‘કૌન બનેગા કરોડપતિ’ જોતાં કરજો. હવે તો એમાં એવી-એવી ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી આવે છે કે આમ પણ તમને પ્રેરણા મળતી રહે. આ એક નવો ચીલો શરૂ થયો છે શોમાં જેણે આ દુનિયાને સારી બનાવવામાં, ભારત દેશને વધુ સારો બનાવવામાં, અલગ-અલગ ક્ષેત્રે કૉન્ટ્રિબ્યુટ કર્યું છે એવા લોકોને શોમાં લાવવામાં આવે છે અને એની વાતો પણ દેખાડવામાં આવે છે. નિયમિત શોમાં પણ રોજબરોજની હાડમારી સામે લડનારાઓ હોય છે અને સ્પેશ્યલ શોમાં ઇન્સ્પાયરિંગ કહેવાય એવી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવે છે. જો નાનપણથી આપણાં બચ્ચાંઓને, ખાસ કરીને નાની દીકરીઓને દેખાડવામાં આવે તો તેમની જિંદગીમાં બહુ મોટો ફરક આવશે.

હું કહીશ કે ‘કૌન બનેગા કરોડપતિ’ એક શો નથી, પણ એક સિંચન છે દરેક પ્રકારના ગણતરનું. સંસ્કાર અને સંસ્કૃતિના ગણતરનો આ એક પાયો છે. હું કોઈ દિવસ યોગ્ય ન લાગતી કોઈ પણ કૃતિને અહીં પ્રમોટ જ ન કરું અને આ મારો શો પણ નથી, અફકોર્સ એનો મને અફસોસ પણ છે. આ શો મારે પ્રોડ્યુસ કરવો જોઈતો હતો, પણ હશે. મૂળ વાત આ શો જોવાની છે અને આખા દેશ માટે આ જોવા જેવો શો એટલા માટે છે કે એમાં જે રીતે સ્ત્રીઓને એન્કરેજમેન્ટ આપવામાં આવે છે એ અદ્ભુત છે. આ શોમાં દેખાતી મહિલાઓ અને ટીવીના શોમાં સ્ત્રીઓનાં જે પાત્રો દેખાડવામાં આવે છે એમાં આસમાન-જમીનનો ફરક છે અને એટલે જ સાચી હિરોઇનોને જોવા માટે અને તેમના જેવા બનવા માટે પ્લીઝ આ શો ખાસ જોજો એટલી જ મારી તમને વિનંતી છે. સારું મનોરંજન તમારા સુધી પહોંચાડવું એને હંમેશાં હું મારી ફરજ માનું છું. એ મારું હોય કે કોઈનું પણ હોય. શો રમવા જવાથી જ શ્રીમંત બની શકાય એવું નથી. શો જોઈને પણ તમે જ્ઞાનના કરોડપતિ બની શકો છો. શો જુઓ, આખા કુટુંબ સાથે શો જોઈ અંદરોઅંદર પ્રેમથી રમો અને જ્ઞાનના કરોડપતિ બનવાની સાથોસાથ મનોરંજનના કરોડપતિ પણ બનો.

‘કૌન બનેગા કરોડપતિ’ આ ટાઇટલ આમ તો પુરુષવાચક છે એટલે કંઈ થશે નહીં પણ બાકી હું તેમને સૂચન ચોક્કસ કરીશ કે જ્યારે કોઈ સ્ત્રી જીતે ત્યારે તો પ્લીઝ કહો, કૌન બનેગા કરોડપત્ની...

columnists JD Majethia