ચાણક્યને વાંચવાનું પણ ફરજિયાત કરાવવામાં આવે એ અનિવાર્ય છે

08 July, 2020 04:44 PM IST  |  Mumbai | Manoj Joshi

ચાણક્યને વાંચવાનું પણ ફરજિયાત કરાવવામાં આવે એ અનિવાર્ય છે

હમણાં મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મળવાનું થયું. મળવા માટે ગયો ત્યાં સુધી ખબર નહોતી કે તેમણે મારું ‘ચાણક્ય’ નાટક જોયું હશે, પણ એ સમયે વાતવાતમાં ચાણક્યનો ઉલ્લેખ થયો અને તેમણે સ્પષ્ટતા કરી કે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે મેં એ નાટક જોયું છે. નાટક પરથી વાત ચાણક્યની ચાલી અને ચાણક્યની એ વાતો પરથી તેમણે જ કહ્યું કે હિન્દુસ્તાને ગર્વ લેવો જોઈએ કે ચાણક્ય આપણા દેશમાં થઈ ગયા.
હા, સાવ સાચી વાત અને એ જ વાતના આધારે કહું છું કે ચાણક્યને ખરેખર રાષ્ટ્રીય ગુરુનું સન્માન મળવું જોઈએ. એક સ્પષ્ટતા પણ કરવાની કે આ પ્રકારની કોઈ ડિમાન્ડ સરકાર પાસે કરવામાં આવી નથી રહી. આ મનની લાગણી છે અને એ લાગણી હું વ્યક્ત કરી રહ્યો છું. બીજું એ કે કોઈએ ચાણક્ય માટે માગણી મૂકવી પડે એવી ચાણક્યને કોઈ જરૂરિયાત પણ છે નહીં. જેણે નક્કી કરેલા સિદ્ધાંતો, જેમની નીતિઓ અને જેમની વાતોના આધારે રાષ્ટ્રના સમ્રાટનું ઘડતર થયું હોય તેમને તો આપોઆપ ઇતિહાસે સન્માનનીય સ્થાન આપી દીધું છે એટલે એ પ્રકારની રાષ્ટ્રીય ગુરુતાની આ વાત નથી થઈ રહી. જે વાત થઈ રહી છે એ વાત સમજદારી અને જીવનની જવાબદારીના આધારે થઈ રહી છે. મને લાગે છે કે આજે જે રીતે ઘરમાં ધાર્મિક શાસ્ત્રો વાંચવામાં આવે છે એ જ પ્રકારે ઘરમાં ચાણક્યનું પણ વાંચન થવું જોઈએ, ખાસ કરીને ટીનેજ અને યુથ જનરેશનમાં.
ચાણક્યનાં નીતિસૂત્રોમાં આજની તમામ સમસ્યાઓ સામે લડવાની અને સમસ્યા આવે ત્યારે એની સામે ઊભા રહેવાની ક્ષમતા છે અને એ ક્ષમતાની વચ્ચે જ ચાણક્યનાં આ સૂત્રો રચાયાં છે. હું એને સ્વાનુભવોનું શ્રેષ્ઠ ઉદાહરણ કહીશ. સ્વાનુભવો અથવા તો નજીકની વ્યક્તિઓને થયેલા અનુભવોને અનુભવીને તૈયાર કરવામાં આવેલાં સૂત્રો. ચાણક્યનાં આ સૂત્રોની સૌથી સારી વાત જો કોઈ હોય તો એ છે કે એ સાહિત્ય અત્યારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંતની પણ દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધિથી જ પુરવાર થાય છે કે ચાણક્યની જરૂરિયાત રાષ્ટ્રભરમાં છે. એક નવા સમ્રાટના ઘડતર માટે અને એક સક્ષમ રાષ્ટ્રના નાગરિકોના ઘડતર માટે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ સમ્રાટ બને, જરૂરી એ પણ નથી કે દરેક વ્યક્તિ રાષ્ટ્રસેવાના કામે લાગે અને એ પણ જરૂરી નથી કે એ પ્રકારની કર્તવ્યનિષ્ઠા ધરાવવા માગતી વ્યક્તિ માટે જ ચાણક્ય જરૂરી છે. ચાણક્યની જરૂરિયાત જીવનના રાબેતામુ જબના પ્રશ્નો માટે છે તો સાથોસાથ તેમની જરૂરિયાત જીવનની એ તમામ સમસ્યાઓ માટે પણ છે જે રોજબરોજની જિંદગીમાં દરરોજ સામે અથડાવાની હોય છે. જીવનની એ સમસ્યાઓનો ઉકેલ ચાણક્યએ પોતાનાં નીતિસૂત્રોમાં આપ્યો છે અને અર્થસભર રીતે આપ્યો છે. હું કહીશ કે એટલી વાજબી રીતે એ આપવામાં આવ્યો છે કે સમસ્યાનું ક્ષણિક નિરાકરણ નહીં, પણ આજીવન એનાથી છુટકારો મળી શકે.
આજની વૉટ્સઍપ જનરેશનને આ વાત ન સમજાય એવું બની શકે, પણ જો એવું બને તો એ જનરેશનને સમજાવવાની ફરજ તેના વડીલોની છે અને એ ફરજ નિભાવવા માટે સૌથી પહેલાં ચાણક્યનું વાંચન કરવું જરૂરી છે. ચાણક્ય જો વાંચશો તો જ સમજાશે કે નવી પેઢી માટે એ કેટલું આવશ્યક છે.

manoj joshi columnists