સન્માન (મૉરલ સ્ટોરી)

17 September, 2021 07:56 AM IST  |  Mumbai | Rashmin Shah

‘અચ્છા, કાર્યક્રમ એમ?’ ચહેરા પર સ્માઇલ સાથે પપ્પા બોલ્યા. એટલામાં બિલ્ડિંગનો વૉચમૅન પપ્પાને સલામ કરવા આવ્યો. ઢબ્બુએ તેની સામે જ પપ્પાને ફરિયાદ કરી...

સન્માન (મૉરલ સ્ટોરી)

‘હું કાલથી દૂધીનું શાક પણ ખાઈશ બસ, પણ જો તું આવીશ તો.’
ઢબ્બુ મમ્મીને કન્વિન્સ કરવાના પ્રયાસ કરી રહ્યો હતો. આજે પપ્પા ઘરે જલદી આવી ગયા હતા અને ઢબ્બુનું હોમવર્ક, ટ્યુશન બધું પતી ગયું હતું એટલે મહારાજને જલસા હતા. પપ્પા સાથે બિલ્ડિંગના ગાર્ડનમાં વૉક કરવા જવાનો પ્રોગ્રામ બન્યો હતો, પણ મમ્મીનાં બધાં કામ પેન્ડિંગ હતાં અને તે થાકી ગઈ પણ હતી એટલે તે ઘરે રહેવાની હતી. જોકે ઢબ્બુએ મમ્મીને સાથે લેવી હતી અને એટલે એ ભાઈસાહેબ મમ્મીને સાથે લઈ જવા માટે બધા તુક્કા અજમાવી લેવા માગતા હતા. શરૂઆતમાં તો મમ્મીને પણ તેનાં આ મનામણાં જોવાની મજા આવી હતી.
ઢબ્બુએ વધુ એક ટ્રાય મારી. 
‘હવેથી હું ખાતાં-ખાતાં 
વાતો નહીં કરું. એન્જલ પ્રૉમિસ, 
હવે તો આવીશને?’
‘સન્ડેએ આપણે નૅશનલ પાર્ક જવાના જ છીએને, ત્યારે આવીશ...’ મમ્મીને કોઈ અસર નહોતી થઈ, ‘આજે મારે બહુ કામ છે, આજે નહીં...’
‘હા, પણ આજમાં શું પ્રૉબ્લેમ છે?’ ઢબ્બુએ વાત પકડી રાખી, 
‘પછી આઇસક્રીમ ખાવા પણ 
જઈશુંને, ચાલને...’
મમ્મીએ સહેજ આકરી નજરે ઢબ્બુ સામે જોયું, પણ ઢબ્બુ એ 
આકરી નજરથી ડરવાને બદલે વધારે દયામણો થયો.
‘પ્લીઝ... આવું કરવાનું તારા કાનુડાને...’
મમ્મીને અંદરથી તો ખડખડાટ હસવાનું મન થઈ આવ્યું, પણ તેણે માંડ કન્ટ્રોલ કર્યો અને આકરા થઈને કહ્યું...
‘હવે લપ મૂકીશ તું. સોસાયટીના ગાર્ડનમાં તો જવું છે. તું અને પપ્પા જાઓને એક દિવસ એકલા. આપણે જઈએ જ છીએને દર વખતે.’
‘તોય આજે પણ આવ.’
‘ના મારા બાપ...’
ઢબ્બુએ તરત મમ્મીના શબ્દો સુધાર્યા...
‘ના દીકરો... હોં.’ અને 
સુધારા પછી ફરી એ જ વાત, 
‘આવને, પ્લીઝ...’
ઢબ્બુ પોતાની વાત પર અડગ હતો. સોફા પર બેસેલા પપ્પાને હસવું આવી ગયું. મમ્મીએ કંટાળા અને આજીજીભરી નજરે પપ્પા સામે જોયું. હવે પપ્પાએ જ ઢબ્બુને સમજાવવાનો હતો. મા-દીકરાની વાતચીતનો દોર હવે પપ્પાએ પોતાના હાથમાં લીધો.
‘એક કામ કરીએ ઢબ્બુ. આપણે નીચે ગાર્ડનમાં જઈએ. થોડુંક વૉક કરીએ, રમીએ. એટલે પાછળથી 
મમ્મી પોતાનું કામ પતાવીને આવી જશે. ચાલશે?’
પપ્પાનો આ વચગાળાનો રસ્તો ઢબ્બુને માફક આવ્યો. 
ત્યાં મમ્મી બોલી, ‘હા, પણ જો ઢબ્બુ હવેથી દૂધીનું શાક ચૂપચાપ કજિયા કર્યા વિના ખાઈ લેશે તો જ.’
ઢબ્બુએ મોં મચકોડ્યું, પણ પછી માથું ધુણાવીને લિફ્ટ તરફ દોડ્યો.
lll
પાર્કમાં ઢબ્બુએ પપ્પાની આંગળી બરાબર પકડી રાખી હતી અને તે દોડતો જાય એટલે પપ્પાએ પણ પાછળ-પાછળ દોડવું પડે. 
થોડીક વાર તે હીંચકા પર બેઠો અને પપ્પાએ તેને હીંચકા ખવડાવ્યા. 
‘અરે, થોડુંક ફાસ્ટ કરોને. કેમ આટલો સ્લો ધક્કો મારો છો? કંઈ ખાધું નથી કે શું?’ રોજ પોતાના ફ્રેન્ડ્સને કહેતો ડાયલૉગ આજે ઢબ્બુએ પપ્પા પર અજમાવી લીધો. પપ્પાએ ઢબ્બુનો આ ડાયલૉગ નોટિસ કર્યો અને વિચાર્યું પણ કે છોકરાઓ સાથે રમતાં-રમતાં ઘણુંબધું શીખી લેતા હોય છે જે મા-બાપ સામે બહાર પણ નથી આવતું. લસરપટ્ટીમાં, સી સો બધું જ રમ્યો. કલાકની ધમાલ-મસ્તી દરમ્યાન લગભગ રસ્તામાં સ્કૂલની, તેના ફ્રેન્ડ્સની, ટીચર્સની બધી વાતો પૂરી થઈ અને ઢબ્બુભાઈ બરાબર થાક્યા એટલે તેણે પપ્પા સામે એક નવી ફરમાઇશ મૂકી... 
‘આજે આપણે સ્ટોરીનો કાર્યક્રમ પણ અહીં જ પતાવી લઈએ તો કેવું?’
‘અચ્છા, કાર્યક્રમ એમ?’ ચહેરા પર સ્માઇલ સાથે પપ્પા બોલ્યા. એટલામાં બિલ્ડિંગનો વૉચમૅન પપ્પાને સલામ કરવા આવ્યો. ઢબ્બુએ તેની સામે જ પપ્પાને ફરિયાદ કરી... 
‘પપ્પા, આ વૉચમૅન સાવ નકામો છે. આખો દિવસ બેસીને ફોન પર વાતો કરે અને હું ગેટની બહાર જાઉં તો મને વઢે. તમે લોકો આને સોસાયટીમાંથી કાઢી મૂકો. નકામો...’ 
ઢબ્બુની ભાષાનું આ તોછડાપણું પપ્પાને ભારોભાર ખૂંચ્યું. 
‘તારાથી મોટા છેને, આવું બોલાય?’ પપ્પાએ ઢબ્બુને ટોક્યો.
‘જાને દોના સાહબ, બચ્ચા હૈ. ચલતા હૈ. મૈં બાહર જાને સે રોકતા હૂં ઇસ લિએ નારાઝ હૈ.’
વૉચમૅને ઢબ્બુની વાતને ન ગણકારવાનું કહીને ત્યાંથી વિદાય લીધી. થોડીક ક્ષણો પહેલાં જ અન્ય બાળકોની સંગતની અસરનો બીજો દાખલો આજે પપ્પાને મળી ગયો હતો. જોકે ત્યારે કંઈ પણ રીઍક્ટ કર્યા વિના એક બાંકડો શોધીને પપ્પા અને ઢબ્બુ બરાબર બેઠા અને પપ્પાએ વાત શરૂ કરી.
‘એક વિલેજ હતું. ત્યાં એક 
બહુ જ મોટી ફૅમિલી રહે, પણ 
ખૂબ જ ગરીબ...’
‘અચ્છા, કેટલા જણ હતા ફૅમિલીમાં?’
રાબેતા મુજબ પ્રશ્નકુમારનો પ્રશ્ન આવ્યો. મમ્મી હોત તો એક ટપલી તેના માથા પર મારી હોત. પપ્પાને મમ્મી યાદ આવી ગઈ અને તેમણે બાંકડા પરથી ઉપર નવમા માળે ઘરની બાલ્કની પર નજર પણ કરી લીધી. 
‘ટ્વેન્ટી જણ.’ પપ્પાના જવાબથી ઢબ્બુની આંખો પહોળી થઈ ગઈ.
‘પછી?’
‘બધા જૉઇન્ટ ફૅમિલીમાં રહે એટલે પરિવાર મોટો, પણ એકબીજા માટે ખૂબ પ્રેમ. ગરીબી એટલે બધા એક જ ટાઇમ જમે. ઘરમાં ચાર ભાઈ-બહેનો, પણ બધાને ભણાવી શકાય એટલા પૈસા પણ તેમની પાસે નહીં. બધા જ મહેનત કરે અને એકબીજાને સપોર્ટ કરે. ખાવાનું માંડ મળતું હતું એટલે બીજો તો વિચાર પણ ન કરાય. જોકે ફૅમિલીમાં બે ભાઈઓનું પેઇન્ટર બનવાનું ડ્રીમ હતું.’
‘મારે જેમ મોટા થઈને ક્રિકેટર બનવું છે એમ?’
‘હા, એમ જ.’ ઢબ્બુના સવાલનો જવાબ આપીને પપ્પાએ વાતને આગળ વધારી, ‘હવે આવી ગરીબીમાં પેઇન્ટિંગનું ભણવા માટે ઍડ્મિશન કેમ લેવું અને ઍડ્મિશન મળે તો પણ આગળની ફી કેમ ભરવી? પ્રૉબ્લેમ મોટો હતો એટલે બેઉ ભાઈઓ વિચારવા લાગ્યા અને વિચાર કરતાં-કરતાં ભાઈઓને એક આઇડિયા આવ્યો. તેમણે નક્કી કર્યું કે આપણે ટોસ કરીએ.
‘હા, ક્રિકેટ મૅચની શરૂઆતમાં જે ટોસ થાય એવાળું?’‍
‘એક્ઝૅક્ટ્લી, એ જ.’
ઢબ્બુના સવાલોથી ટેવાયેલા પપ્પાની ધીરજ અકબંધ રહી.
lll
ટોસમાં જે જીતે તે ભણવા જશે અને જે હારે તે અહીં કામ કરીને એમાંથી જે પૈસા આવે એનાથી બીજાને ભણવામાં સપોર્ટ કરશે. બધું જ ડિસાઇડ કરીને ટોસ કર્યો. જે ભાઈ જીત્યો તે તો પેઇન્ટિંગની યુનિવર્સિટીમાં ચાર વર્ષ માટે ભણવા જતો રહ્યો. બીજા ભાઈએ ગોલ્ડની માઇનમાં કામ કરવાનું શરૂ કર્યું. આખો દિવસ અને રાત 
તે કામ કરે અને જે પણ પૈસા ભેગા થાય એ ભાઈને ભણવાની ફી ભરવા માટે મોકલે. 
આ બાજુ જે ભાઈ યુનિવર્સિટીમાં ભણી રહ્યો હતો તેનું તો ખૂબ નામ થવા માંડ્યું. તેનાં પેઇન્ટિંગ્સને આખી દુનિયાના લોકો વખાણવા લાગ્યા. તે તો મોટી સેલિબ્રિટી બની ગયો. તેનાં પેઇન્ટિંગ્સની ડિમાન્ડ પણ વધી અને પૈસા પણ ખૂબ આવવા માંડ્યા. ચાર વર્ષમાં ભણીને તે પાછો આવ્યો ત્યારે ઘરમાં બધાએ તેનું સ્વાગત કર્યું. 
તેના માટે બધું ખાવાનું પણ તેનું 
ફેવરિટ જ બન્યું હતું. જોકે તે તો ઘરે આવીને સૌથી પહેલાં તેના ભાઈને 
પગે લાગ્યો અને તેના ભાઈના હાથ પોતાના માથા પર મૂકી દીધા. હવે તેનો ટર્ન હતો કામ કરવાનો અને તેના ભાઈને ભણવા મોકલવાનો. 
lll
‘એકદમ મસ્ત, બન્નેનું ડ્રીમ પૂરું થઈ જશે હવે.’ ઢબ્બુથી સહજ બોલાયું. 
પપ્પાએ તેની આંખોમાં આંખો નાખીને ગંભીર સ્વરે કહ્યું, ‘પણ એવું ન થયું. જ્યારે બીજા ભાઈનો ભણવા જવાનો ટર્ન આવ્યો ત્યારે તેણે સામેથી જ ના પાડી દીધી. પોતાનાં પેઇન્ટિંગ્સને કારણે ફેમસ થઈ ગયેલા ભાઈની વાતોથી જ આ ભાઈ ખુશ થઈ ગયો હતો. જોકે ચાર વર્ષ તેણે પોતે એવી કાળી મજૂરી કરી હતી.’
‘કાળી મજૂરી એટલે.’ 
ઢબ્બુ માટે આ શબ્દ નવો હતો. 
‘કાળી મજૂરી એટલે ખૂબબધું હાર્ડ વર્ક.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘એવી જબરી મહેનત કરી, એટલું ટફ કામ કર્યું કે હવે તેના હાથમાં તાકાત રહી નહોતી. ગોલ્ડની માઇનમાં કામ કર્યું હોવાથી ફિંગર્સ અને નેઇલ્સને પણ ખૂબ ડૅમેજ થયું હતું. હાથમાંથી લોહી નીકળે અને હાથ પણ સૂજી ગયા હતા. હવે તો તેના હાથ પેઇન્ટિંગ માટે બ્રશ પકડી શકે એવી સ્થિતિ નહોતી.’
‘ઓહ.’ ઢબ્બુના મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો.
તેણે આવીને પોતાના ભાઈને કહ્યું, ‘હવે હું ભણવા જઈ શકું અને પેઇન્ટિંગ કરી શકું એ સ્તર પર રહ્યો નથી. મારા હાથ હવે પેઇન્ટિંગનું બ્રશ પકડી શકે એટલા સક્ષમ નથી, પણ હું તારી સક્સેસ અને ડેડિકેશનથી ખૂબ ખુશ છું.’
‘ટોસ જીતીને સક્સેસફુલ થયેલો ભાઈ પણ એકદમ ઇમોશનલ થઈ ગયો હતો, તારી જેમ જ. પણ ખબર છે પછી તેણે શું કર્યું?’ ગંભીર થઈ ગયેલા ઢબ્બુનું ધ્યાન ફેરવવા પપ્પાએ પૂછ્યું.
‘હં?’
તેણે એ પછી જેટલાં પણ પેઇન્ટિંગ્સ બનાવ્યાં એ બધામાં નામ તેના ભાઈનું લખ્યું. પેઇન્ટિંગ તે બનાવે પણ એમાં નામ ભાઈનું જાય. આમ તેણે પોતાના કામથી પોતાના ભાઈના નામને અમર કરી દીધું.
ઢબ્બુના ચહેરા પર સ્માઇલ 
આવી ગયું. 
‘મસ્ત કામ કર્યું તેણે...’
‘તો બોલો આમાં મૉરલ ઑફ ધ સ્ટોરી શું?’ પપ્પાએ ઢબ્બુની સામે જોયું.
‘એકબીજાની હેલ્પ કરવાની અને કોઈની હેલ્પને ક્યારેય ભૂલવાની નહીં.’ 
ઢબ્બુએ જવાબ આપ્યો. જોકે જવાબ આપતી વખતે તેને પણ પોતાની ભૂલ સમજાઈ તો ગઈ હતી. 
‘વેરી ગુડ.’ કહીને પપ્પાએ ઢબુના પેટમાં ગલીપચી કરી અને તેને ખોળામાં લઈને કહ્યું, ‘બેટા, આ દુનિયામાં બધાં જ કામ એકબીજાના સપોર્ટથી થાય છે એટલે ક્યારેય કોઈના કામને નાનું કે મોટું નહીં ગણવાનું અને બધાને ઇક્વલી રિસ્પેક્ટ આપવાની. ઓકે?’
‘એકદમ ઓકે.’ કહીને ઢબુએ પપ્પાને જોરથી હાઈ-ફાઈ આપી.
‘હું વૉચમૅન અંકલને સૉરી કહી આવું?’ ઢબ્બુએ નિર્દોષતા સાથે પૂછ્યું. 
‘યસ, ગો ફાસ્ટ.’ ઢબ્બુના માથા પર હાથ ફેરવતાં પપ્પા બોલ્યા. 
ઢબ્બુ દોડ્યો અને દોડતા દીકરાને વહાલપૂર્વક પપ્પા જોઈ રહ્યા અને મમ્મીને નીચે આવવા માટે ફોન પણ લગાવી દીધો.
‘કીધુંને ના તને, હું નહીં આવું...’
મમ્મીએ એવું ધારી લીધું હતું 
કે ઢબ્બુએ ફોન કર્યો છે અને સામે 
છેડે મોબાઇલ પર રહેલા પપ્પા 
પણ એ સમજી ગયા હતા. તે 
ખડખડાટ હસી પડ્યા અને આ બાજુએ મમ્મી પણ.
‘આ કોના જેવો થયો છે?’ મમ્મીએ પપ્પાને પૂછ્યું અને પછી પોતે જ જવાબ આપી દીધો, ‘તમારા જેવો જ હશે. હું તો આવી નહોતી... લપરી.’

સંપૂર્ણ

columnists Rashmin Shah