કૉલમ : માંઈ તેરી ચુનરિયા લહેરાઈ...

12 May, 2019 02:40 PM IST  |  | રશ્મિન શાહ -મા તૂઝે સલામ

કૉલમ : માંઈ તેરી ચુનરિયા લહેરાઈ...

માંઇ તેરી ચુનરિયા લહેરાઇ

મા તૂઝે સલામ

દુનિયા સામે લડવાનું પપ્પાએ શીખવ્યું અને પપ્પાનો ડર મમ્મીએ કાઢ્યો : ગીતા ફોગાટ (જાણીતી રેસલર)

અમારા પપ્પા મહાવીર ફોગાટે અમને શીખવાડ્યું કે ક્યારેય કોઈથી ડરવું નહીં અને કોઈની સામે ઝૂકવું નહીં. આ બધાને ખબર છે, પણ કોઈને એ નથી ખબર કે પપ્પાનો અમારા મનમાં જે ડર હતો એ ડર કાઢવાનું કામ અમારી મમ્મી દયા કૌરે કર્યું છે. અમને પપ્પાનો ખૂબ ડર લાગતો. એ સમયે અમને અમારી મમ્મીનો સપોર્ટ મળતો. જો મમ્મી ન હોત તો કદાચ અમે પપ્પાની ટ્રેઇનિંગમાં ટકી શક્યા ન હોત. મમ્મી અમને હંમેશાં કહેતી કે જે કંઈ પણ તમે કરો છો એ તમને સ્ટ્રૉન્ગ બનાવશે, પણ એ રીતે સ્ટ્રૉન્ગ બનવાની સાથે તમારે મનથી પણ સ્ટ્રૉન્ગ બનવાનું છે. જો તમે મનથી સ્ટ્રૉન્ગ નહીં હો તો શરીરથી ગમે એટલા સ્ટ્રૉન્ગ હશો તો પણ કોઈ ફરક નહીં પડે. આજે અમને મમ્મીના આ શબ્દોનો અર્થ સમજાય છે કે અખાડામાં શરીરથી સ્ટ્રૉન્ગ રહેવાનું હોય, પણ સોસાયટીમાં રહેવું હોય, ટકવું હોય અને લોકોની ખોટી ટીકાનો સામનો કરવો હોય તો તમારે મનથી સ્ટ્રૉન્ગ બનવું પડે.

મારી મમ્મી ટિપિકલ હરિયાણવી મહિલા છે. તે આજે પણ ઘૂંઘટ કાઢે છે. અમારી ટ્રેઇનિંગ ચાલતી ત્યારે અમને કે અમારા પપ્પાને કહેવાની તો કોઈની હિંમત નહોતી, પણ એ લોકો અમારી મમ્મીને સંભળાવતા. લોકો તેને ‘બેશરમ’ પણ કહેતા, પણ મમ્મીએ ક્યારેય એવી કોઈ વાતને બાંધી નહીં અને તે મનથી હંમેશાં સ્ટ્રૉન્ગ રહી. તે એકલી રડી લેતી, પણ અમારી સામે આવે ત્યારે એવી જ રીતે ઊભી રહેતી જાણે તે અમારા સપોર્ટમાં હોય. આજે પણ જ્યારે અમે એ દિવસોને યાદ કરીએ છીએ કે મમ્મીએ અમારે માટે ઘણું ગુમાવ્યું, જતું કર્યું ત્યારે અમારી આંખમાં આંસુ આવી જાય છે. અમારા ખાવાપીવાથી લઈને સૂવાના-જાગવાના અને પ્રૅક્ટિસના દરેક સમય પપ્પા નક્કી કરતા અને એ દરેક સમયને સાચવવાનું કામ મમ્મી કરતી. એ દિવસોમાં જો તે અમને સાચવે તો પપ્પા તેના પર ખીજ ઉતારે અને જો તે પપ્પાનું માને તો અમે રોષે ભરાઈએ. આ સંતુલન ખરેખર અઘરું છે. હું કહીશ કે હું ક્યારેય મારી મમ્મી જેવી બની નથી શકવાની.

અમારા જન્મ પહેલાંથી અમારી ફૅમિલીમાં બધા કહેતા કે અમારા ઘરમાં દીકરો જ આવવો જોઈએ. હરિયાણામાં દીકરા-દીકરીનો ભેદભાવ આજે પણ અમુક ઘરોમાં જોવા મળે છે, હું તો વાત કરું છું એ પચીસ વર્ષ પહેલાંની છે. જેમના ઘરમાં દીકરી હોય એ ઘરની માને નીચી નજરે જોવામાં આવતી, દીકરો તો હોવો જ જોઈએ. અમારી માને આ બાબતમાં બધા સંભાળવતા પણ મારી મમ્મીએ ક્યારેય અમારી સામે એવું દેખાડ્યું નથી કે અમારે લીધે તેણે સાંભળવું પડ્યું છે. તેણે એવું પણ લાગવા નથી દીધું કે અમે તેના દીકરા નથી, દીકરીઓ છીએ. આજે પણ તે અમને દીકરા જેટલો જ પ્રેમ કરે છે. અમારી મમ્મી અમને બધી બહેનોને ‘બેટી’ નહીં, ‘બેટા’ કહીને જ બોલાવે છે.

આમ પ્રોફેસર, પણ મારે માટે અલાર્મથી માંડીને બેસ્ટ કુક સુધ્ધાં : અનુરાગ પ્રપન્ના (રાઇટર, ઍક્ટર, ડિરેક્ટર)

મા, આ એક શબ્દમાં મારું આખું વિશ્વ આવી ગયું છે. હું કહીશ કે મારી દરેક ક્ષણમાં મારી મા વિમલા પ્રપન્ના વણાયેલી હોય છે. ૧૯૮૫માં તેમનું અવસાન થયું, પણ એ પહેલાં તે મારી એકેક ક્ષણને જીવતી. સવારે મારા માટે અલાર્મ ક્લૉક એટલે મારી મા. કોઈ કામ હોય અને હું કામસર સવારે પાંચ વાગ્યે જાગ્યો હોઈશ તો પણ મેં મારી માને હંમેશાં મારા કરતાં વહેલી જાગેલી જોઈ છે. હું વહેલો જાગું એટલે ચા-નાસ્તો બધું જ તે આપે. મારે દોડભાગ હોય, જલદી પહોંચવાનું હોય, પણ મારી મા માટે ચા-નાસ્તો એટલા જ મહkવનાં હોય. ઘરે કામવાળી ન હોય ત્યારે ધોબણનો રોલ ભજવતી મારી મા. મારાં કપડાં ધોઈ આપતી, મને જમાડતી, મને જગાડતી અને મને સુવડાવતી પણ મારી મા. દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી, સ્કૂલ કે કૉલેજમાં ન ભણાવાતા હોય એ દરેક પાઠ મને મારી માએ ભણાવ્યા છે. મારે માટે મને ભણાવનારી મારી શિક્ષક પણ મારી મા. ક્યારેક હારીને, નિષ્ફળતા સાથે ઘરે પાછો ફરું ત્યારે મારે માટે મારી કાઉન્સિલર પણ મારી મા.

માથા પર પ્રેમથી હાથ ફેરવીને મા સમજાવતી કે દરેક દિવસ સરખો નથી હોતો અને દરેક દિવસે નિષ્ફળતા પણ મળવાની નથી. બાકી બધા કદાચ મારા દરેક સુખના પ્રસંગોમાં ઊભા રહેતા હશે, પણ મારી મા મારા દરેક દુ:ખના પ્રસંગે મારી સાથે ઊભી રહી છે. મને હંમેશાં વણમાગી સલાહ આપતી અને એ સોનેરી સલાહ આપીને મારી ગાઇડ બની જતી. મારી મા મારા માટે મોટિવેશનલ સ્પીકર પણ હતી. એક પણ રૂપિયો ફી લીધા વિના મને મોટિવેશન આપે અને સપના જોવા તથા જોયેલાં સપનાંઓ સાકાર કરવા માટે પ્રેરણા આપે. મારામાં વિશ્વાસ પણ જગાડે અને મારી આંખોમાં સપનાં પણ પાથરી દે. મારી તબિયત બગડી હોય ત્યારે મારા માટે નર્સ બને મારી મા. મને ઊંઘ ન આવતી હોય તો મારા માટે હાલરડું બની જતી મારી મા.

મારી મા કૉલેજમાં પ્રોફેસર હતી. તે ઘરનાં દરેક કામ કરતી અને કૉલેજમાં પણ જતી. ઘરના દરેક કામને એટલા જ આનંદથી કરતી અને મને હજી પણ યાદ છે કે મેં ક્યારેય મારી માને સૂતેલી નથી જોઈ, ક્યારેય નહીં. હું જાગું એ પહેલાં તે જાગી જ ગઈ હોય છે અને મેં ક્યારેય મારી માને રાતે સૂતાં પણ નથી જોઈ, કારણ કે સૌથી છેલ્લે મારી મમ્મી સૂતી હતી. મારી માને મેં ક્યારેય બીમાર પડતી નથી જોઈ કે મારી માને મેં ક્યારેય થાકેલી નથી જોઈ. મારી માને મેં હંમેશા મારે માટે દોડાદોડી કરતી અને મારી ચિંતા કરતી જ જોઈ છે.

ચિંતા કરતો નહીં, હું બેઠી છું : અરવિંદ વેગડા (સિંગર અને મ્યુઝિશ્યન)

મા વિશે હું શું કહું, તેમના થકી હું આ દુનિયામાં આવ્યો છું. ૯ મહિના પેટમાં રાખીને પછી તેણે મને આ દુનિયા દેખાડી છે. આવી મા વિશે વાત કરવા માટે સાચે જ હું બહુ નાનો કહેવાઉં. મને મારી મમ્મી રતનબહેનની એક ખાસિયત આજે પણ સમજાઈ નથી. હું રાતે ગમે એટલો મોડો શો પતાવીને આવું, ગાડી પાર્ક થાય કે તરત જ તે દરવાજો ખોલવા આવી જાય. હૉર્ન પણ વગાડ્યું ન હોય અને બીજા કોઈ પ્રકારનો અવાજ પણ ન આવ્યો હોય તો પણ તેને ખબર પડી જાય. આ અચરજ હજી સુધી મને સમજાયું નથી.

માને બસ, એક જ ચિંતા હોય કે હું જમ્યો કે નહીં. હું ફૉરેન ટૂર પર હોઉં તો ત્યાં પણ તેનો આ એક જ સવાલ હોય, જમ્યો કે નહીં? બીજું કંઈ પૂછવાનું નહીં, બીજું કંઈ કહેવાનું નહીં. બસ, ખાલી જમવાની ફિકર. મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. એ સમયે હું દસમા ધોરણમાં ભણતો હતો. મને અતિશય તાવ આવ્યો અને હું કોમામાં જતો રહ્યો. મારા પપ્પાને ભયંકર ડાયાબિટીઝ. મારી મમ્મી ખાસ ભણેલી નથી અને એ પછી પણ તે એકલેહાથે પપ્પાને સાચવીને, મારી બે બહેનોનું ધ્યાન રાખીને મને મોતના મુખમાંથી બહાર લાવી. વર્ષો પછી જયારે ‘ભાઈ ભાઈ’નું શૂટિંગ પૂરું કરીને ઘરે આવતો હતો ત્યારે આખા પરિવારનો ઍક્સિડન્ટ થયો. મારી વાઇફને ૯૦ દિવસનો બેડ-રેસ્ટ આવ્યો, દીકરો ૧૫ દિવસ આઇસીયુમાં, મારી દીકરી એક મહિનો બેડ-રેસ્ટ પર અને મને એટલું જ યાદ છે કે ઍક્સિડેન્ટ પછી મારી આંખો ખૂલી ત્યારે મારી સામે મારી મા હતી અને તેણે એટલું જ કહ્યું હતું : ‘ચિંતા કરતો નહીં, હું છું.’

હમણાં મેં તેને પરાણે સ્માર્ટફોન અપાવ્યો. તેને તો ખાસ ગમે નહીં, પણ મેં તેને વિડિયો જોતી કરી. થોડા દિવસ પછી હું જમવા બેઠો એટલે મારી થાળીમાં ગટ્ટા-ગુવારનું શાક આવ્યું. નવી રેસિપી હતી એટલે મેં પૂછ્યું તો મમ્મી મને કહે કે ઓલા યુટ્યુબમાંથી શીખી લીધું, થ્યું કે તારે માટે બનાવું. નવું શીખવા મળે તો પણ દીકરા માટે શીખવું એવું જે વિચારે તેનું નામ મા. મારી મા ધર્મમાં ખૂબ માને છે. આજે પણ ઘરમાં તે ચંપલ કે શૂઝ પહેરીને કોઈને અંદર આવવા દેતી નથી, અમને પણ નહીં. આ એક બાબતમાં તે ખૂબ સ્ટ્રિક્ટ છે. ક્યારેક હું આ બાબતમાં દલીલ કરું તો પણ કહેશે, ‘તારી બરકત માટે તો આવો નિયમ રાખ્યો છે.’ પાછલી જિંદગીમાં પણ જેને સંતાનોની બરકતના જ વિચાર આવતા હોય તેનું નામ મા.

મમ્મી મારી દુનિયા અને હું મમ્મીની દુનિયા : ઐશ્વર્યા મજુમદાર (ખ્યાતનામ પ્લેબૅક સિંગર)

મારા માટે ‘દુનિયા’ શબ્દની શરૂઆત જ મારી મમ્મીથી થાય છે. નામ એનું રીમા. હું નાની હતી ત્યારથી મને કોઈ પણ જાતની જરૂરિયાત ઊભી થાય ત્યારે બીજું કંઈ યાદ ન આવે, મમ્મી જ યાદ આવે અને મને મમ્મી જ જોઈએ. ૮ વર્ષની ઉંમરે મેં પહેલી વાર સિન્ગિંગ રિયલિટી શોમાં ભાગ લીધો અને એ દિવસથી મમ્મી પોતાનું બધું ભૂલીને મારે માટે ભાગતી રહી છે. આખો દિવસ તે ઊભી રહેશે, પાણી પીધા વિના બેસી રહેશે, પણ મારા માટે તે હેરાન થશે અને જરા પણ દેખાડશે નહીં કે તેણે હેરાનગતિ સહન કરી છે. હમણાં એક નૅશનલ ટીવી-ચૅનલના ઇન્ટરવ્યુમાં મેં કહ્યું કે બધાને જીવવા માટે ઑક્સિજનની જરૂર પડે, પણ મને જીવવા માટે ઑક્સિજન અને મમ્મી બન્નેની જરૂર પડે. વાતમાં કોઈ કાવ્યાત્મકતા નથી. મને જેકોઈ ઓળખે છે એ બધાને એ ખબર છે કે મને મમ્મી વિના નહીં ચાલે.

મમ્મી સાથે મારું પહેલેથી એવું ટ્યુનિંગ છે કે મને કોઈ વસ્તુ કે વાત નથી ગમતી તો એના વિશે હું કંઈ કહું એ પહેલાં જ મમ્મીને એની ખબર પડી ગઈ હોય. મારા માટે મમ્મીએ અમદાવાદ છોડ્યું. મમ્મીને મુંબઈ નહોતું ગમતું. તમે માનશો નહીં, મમ્મીને મુંબઈ નથી ગમતું એ મને આટલાં વર્ષો ખબર પડી, પણ મમ્મીએ ક્યારેય મને કહ્યું જ નથી. તેણે એ બધી વાત ગમતી કરી જે મને ગમતી હતી.

આ પણ વાંચો : Happy Mothers Day: સામાન્ય લોકો પણ મનાવી રહ્યા છે મધર્સ ડે

હું ઘણી વાર મારી ફ્રેન્ડ્સના મોઢે સાંભળું કે ‘તેને કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી’ તો મને નવીનતા લાગે, કારણ કે મને તો જન્મથી જ ભગવાને બેસ્ટ ફ્રેન્ડ આપી છે. હું મમ્મી સાથે કોઈ પણ બાબતમાં વાત કરી શકું અને ગમે એ બાબતમાં તેની સાથે હેલ્ધી ફાઇટ કરી શકું. ઘણી વાર સિન્ગિંગમાં કોઈ જગ્યાએ અટકું અને મને રિયલાઇઝ થાય કે મારી શું ભૂલ છે એ પહેલાં તો મમ્મી મને એક્ઝૅક્ટ કહી દે કે હું અહીં ભૂલ કરું છું કે પછી મારે આ જગ્યા સુધારી લેવાની જરૂર છે. મમ્મી દરેક વાતમાં એક્ઝૅક્ટ ઓપિનિયન આપે છે જે મારા માટે બહુ હેલ્પફુલ છે. મારી મમ્મીના હાથે બનાવેલું દરેક ફૂડ મને ભાવે છે, જે હું કદાચ બહાર ન ખાતી હોઉં એ પણ મમ્મીએ બનાવ્યું હશે તો એ મને હંમેશાં ભાવ્યું હશે. મમ્મીની એક પણ વાત એવી નથી જે મને ન ગમતી હોય. હા, મારી મમ્મી પોતાના ડાયેટિંગમાં મારા કારણે થોડું આઘુંપાછું કરી દે તો મને હવે જરા ગુસ્સો આવે છે. મારા પર પણ, પછી થાય પણ ખરું કે હક છે મારો. ભલે જરા હેરાન થઈ લે. પછી નિરાંત હશે ત્યારે અમે બન્ને જોગિંગમાં જઈને વેઇટ રિડ્યુસ કરી લઈશું.

columnists Rashmin Shah