કુકિંગ થેરપ્યુટિક છે, પણ એમાં પેશન્સની માત્રા પણ એટલી જ હોવી જોઈએ

16 May, 2023 03:38 PM IST  |  Mumbai | Rashmin Shah

પચાસથી વધુ વેબ-સિરીઝ કરી ચૂકેલી અને હમણાં સોની લિવ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘ગર્મી’માં લીડ કૅરૅક્ટર કરતી અનુષ્કા કૌશિકની સામે જ્યારે પણ ફૂડની વાત આવે ત્યારે તરત જ તેની આંખ સામે એક કિસ્સો આવી જાય

અનુષ્કા કૌશિક

જુઓ એક વાત હું અત્યારે કન્ફેસ કરીશ કે મારા જેવું આળસુ આ દુનિયામાં કોઈ નહીં હોય અને એ સ્વીકારવામાં મને કોઈ વાંધો નથી, કારણ કે આ જ સત્ય છે. હું માનું છું કે કુકિંગ એક થેરપીની ગરજ સારે છે પણ મારામાં પેશન્સ ઓછું છે, જે જનરલી કુકિંગ માટે બહુ જ મહત્ત્વની ક્વૉલિટી હોય એવું મને હંમેશાં લાગ્યું છે. હું ખાવાની શોખીન છું, પણ બનાવવાની નહીં. ખાવાના શોખને કારણે નાનપણથી જ બહુ બધા અખતરાઓ મેં કર્યા છે તો મારે એ પણ કહેવું છે કે કોઈકે બનાવેલી નવી ડિશના એક્સપરિમેન્ટ પણ મારા પર થતા આવ્યા છે. પ્લસ કૉલેજ ટાઇમમાં ડિઝર્ટની બાબતમાં હું એકદમ એક્સપર્ટ રહી છું, ખાવામાં જ. એક સમયે તો એવું હતું કે બ્રેકફાસ્ટ પછી, લંચ પછી, બ્રંચ પછી અને ડિનર પછી એમ દરેકેદરેક મીલ પછી મને ડિઝર્ટ જોઈએ એટલે જોઈએ જ અને હા, જમવામાં તો સાથે ડિઝર્ટ હોય જ પણ જમ્યા પછી પણ મને ડિઝર્ટ જોઈએ. અફકોર્સ, એ સમય ગયો અને હવે હું બહુ રૅરલી ડિઝર્ટ ખાઉં છું. હવે કૅલરી કૉન્શિયસ થયા વિના ચાલે એમ પણ નહોતું. 

મારું ફેવરિટ શું? 

સામાન્ય રીતે મારું ઑલટાઇમ ફેવરિટ ફૂડ નૉર્થ ઇન્ડિયન ફૂડ છે તો સાથોસાથ એ ફૂડ ઉપરાંત એક ફૂડ એવું પણ મારું હોય જે નિયમિત રીતે ચેન્જ થતું રહે. આજકાલ મને ઇટાલિયન ફૂડમાં ભાવે છે. જોકે એ જે સેકન્ડ ઑપ્શન છે એ લાંબા સમય માટે ખાઉં એટલે એ મારા ફેવરિટ લિસ્ટમાંથી નીકળી જાય અને એની જગ્યાએ બીજું કોઈ ફૂડ આવી જાય. બનાવવાની વાત કરું તો મારી ફેવરિટ વરાઇટી છે ચા. યસ, નાનપણથી લઈને આજ સુધી એ એક જ વરાઇટી એવી છે જે હું ખૂબ સરસ બનાવતી રહી છું. આજકાલ તો એ બનાવવાનું પણ બંધ થઈ ગયું છે. ગુજરાતી ફૂડની વાત કરું તો ગુજરાતીઓનાં થેપલાં, ઢોકળાં, ફાફડા અને ખાસ તો ખાખરા મારા ઑલટાઇમ ફેવરિટ છે. થેપલાં હું એમ જ સીધાં ખાઈ શકું, એની સાથે મને કોઈ વરાઇટીની જરૂર ન પડે.

માય બિગેસ્ટ બ્લન્ડર

મને ખાવાનું બનાવવામાં રસ નથી એટલે નૅચરલી જે બનાવું એમાં ગોટાળા થાય. ક્યારેક મૅગીના નૂડલ્સ ઓછા પડે, કારણ કે મેં પાણી વધારે નાખી દીધું હોય તો ક્યારેક પાણી ઓછું હોય અને મૅગીના નૂડલ્સ વધારે થઈ જાય. મૅગી જેવી સામાન્ય કહેવાય એવી વરાઇટી પણ મારાથી ક્યારેક બળી જાય તો ક્યારેક કાચી રહી જાય. એક વાર મેં કેક બનાવેલી એમાં બહુ જ ગોટાળા થયેલા. જોકે મારા બ્લન્ડરમાં જો કોઈ બેસ્ટ બ્લન્ડર હોય તો એ રોટલીનું.

એ સમયે હું નાની હતી. બન્યું એવું કે મમ્મીએ મને રોટલી બનાવતાં શીખવ્યું. મેં શીખવાની જીદ પકડી હતી એટલે મને રસોડાના પ્લૅટફૉર્મ પર બેસાડી દીધી અને કહ્યું કે ચાલો હવે વણો રોટલી. હું એ વણું એ પહેલાં ઉત્સાહમાં એની અનાઉન્સમેન્ટ કરી દીધી. મારો ભાઈ બહાર રમતો હતો તો તેને જઈને પણ કહી આવી કે હું રોટલી બનાવું છું. ભાઈ પણ આ સાંભળીને ખુશ. મારો ઉત્સાહ જોઈને તેણે તો ઑર્ડર પણ આપી દીધો કે મારા માટે ત્રણ રોટલી બનાવજે, પણ પછી એ તો બની જ નહીં. વેલણ પર કેટલું જોર આપીને રોટલી વણવાની એનો અંદાજ જ નહોતો આવતો. શેપની તો ચર્ચા જ ન કરાય, અહીં જાડા અને પાતળા લોટની સમજણનો અભાવ હતો. એ દિવસ અને આજનો દિવસ, હું ક્યારેય રોટલી નથી બનાવતી. 

મમ્મી બેસ્ટ કુક

મારાં મમ્મીના હાથની ભિંડી અને ગોબીની સબ્ઝી તમે ચાખો એટલે દુનિયાની કોઈ પણ ફાઇવસ્ટારનો સ્વાદ ભૂલી જાઓ. અરે, મમ્મીના હાથનાં દાલ મખની, રાજમા-ચાવલ પણ સ્વર્ગની યાદ અપાવી દે એવાં હોય છે. હવે એવું છે કે નવ વર્ષથી ઘરથી દૂર છું એટલે પણ મમ્મીના હાથનું ખાવાનું ખૂબ મિસ કરતી હોઉં છું. જોકે તેઓ મારા માટે કંઈક ને કંઈક બનાવીને નિયમિત મોકલતાં રહે છે એ એક મોટું આશ્વાસન છે. મમ્મીના હાથની એક પણ આઇટમ એવી નથી જે મેં ન ખાધી હોય. તે જે પણ બનાવે એ બેસ્ટ જ હોય, 
આ મારો કૉન્ફિડન્સ છે અને એ જ કારણે મને એ ખાવામાં જરા પણ ખચકાટ નથી થતો. બધાને આવું નથી હોતું. ન ભાવતી સબ્ઝી બધા છોડી દેતા હોય પણ મારા કેસમાં એવું નથી બનતું.

નેવર ફર્ગેટ

રસોઈ બનાવતી વખતે બે ઇન્ગ્રીડિઅન્ટ્સ હોય તો રસોઈ સ્વાદિષ્ટ જ બનશે. એમાંથી એક છે પેશન્સ એટલે કે ધીરજ અને બીજું છે પ્રેમ. જો એ બે ન હોય તો ગમે એટલાં સારાં ઇન્ગ્રીડિઅન્ટ્સ હશે તો પણ એમાં સ્વાદ નહીં હોય.

columnists Rashmin Shah