બિચારી ટીવી-ચૅનલ?

22 September, 2019 04:57 PM IST  |  મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ

બિચારી ટીવી-ચૅનલ?

પ્રતીકાત્મક તસવીર

ટીવી-ચૅનલોનાં વળતાં પાણી શરૂ થયાં છે અને શરૂ થયેલાં આ વળતાં પાણીમાં ડિજિટલ પ્લૅટફૉર્મ ટીવી-ચૅનલની કબર પર છેલ્લો ખીલો ઠોકી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ટીવી-ચૅનલ પણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરતી થઈ છે. જોકે આગળ જતાં બની શકે કે ટીવી-ચૅનલ અને ડિજિટલ પ્લૅટફૉર્મનું મર્જર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને એવું સ્ટ્રૉન્ગ બનાવશે કે ઘરમાં જેટલા મેમ્બર હશે એટલા ડિજિટલ પ્લૅટફૉર્મના સબસ્ક્રિપ્શન હશે અને બધાના મનોરંજનની અલાયદી દુનિયા હશે

ઍમેઝૉન પ્રાઇમ અત્યારે દિવાળીની તૈયારી કરી રહ્યું છે. દિવાળીની તૈયારી માટે ઍમેઝૉન પ્રાઇમે ૭ ફિલ્મ સાઇન કરી છે. દિવાળી વેકેશનમાં પ્રાઇમ પ્લૅટફૉર્મ પર ૭ ફિલ્મ રિલીઝ થશે તો સાથોસાથ ઍમેઝૉન ત્રણ નવી વેબ-સિરીઝ પણ લૉન્ચ કરશે. ઍમેઝૉન પ્રાઇમની આવી તૈયારી હોય તો પછી નેટફ્લિક્સ કેવી રીતે પાછળ રહે. નેટફ્લિક્સ ઇન્ડિયાના સૌથી મોટા ફેસ્ટિવલ વેકેશન માટે પાંચ ફિલ્મો સાઇન કરે છે જેમાં બે ફિલ્મનાં તો વર્લ્ડ પ્રીમિયર પ્લૅટફૉર્મ પર કરશે અને ત્રણ નવી વેબ-સિરીઝ રિલીઝ કરશે. આ વાત થઈ બે ઇન્ટરનૅશનલ ડિજિટલ પ્લૅટફૉર્મની, જેને ટક્કર આપતાં ઇન્ડિયાનાં બે પ્લૅટફૉર્મ એટલે કે Zee5 અને AltBalaji પણ આ રેસમાં પાછળ રહેવા માંગતાં નથી. આ બન્ને પ્લૅટફૉર્મે હવે ટાઇઅપ કર્યું છે, જેનો લાભ બન્નેને મળવાનો છે, પણ એમ છતાં ફિલ્મોની બાબતમાં Zee5 આગળ રહેશે, કારણ કે આ દિવાળીએ Zee5 એકસાથે ૧૧ ફિલ્મો પોતાના પ્લૅટફૉર્મ પર લાવવાનું પ્લાનિંગ કરે છે, જે અઘરું છે, પણ Zee5ની પોતાનું પ્રોડક્શન-હાઉસ હોવા ઉપરાંત એ બહારના પ્રોડક્શન-હાઉસ સાથે પણ જોડાયેલું હોવાથી ડિજિટલ રાઇટ્સ કંપની પહેલેથી જ એક્વાયર કરી લે છે એટલે ૧૧ ફિલ્મોને પ્લૅટફૉર્મ પર લાવવાનું કામ આમ પ્રૅક્ટિકલ દેખાઈ રહ્યું છે. ૧૧ ફિલ્મના પ્લાનિંગ સાથે Zee5 ત્રણ વેબ-સિરીઝ માટે તડામાર તૈયારી કરી રહ્યું છે તો સામા પક્ષે એકતા કપૂરે અત્યારથી જ તેના ટાઇમટેબલની અરેન્જમેન્ટ એવી કરી છે કે એ આવતા ત્રણ મહિના સુધી દર મહિને એના પ્લૅટફૉર્મ પર બે વેબ-સિરીઝ મૂકતી રહે અને દિવાળીના દિવસોમાં એકસાથે ત્રણ વેબ-સિરીઝ મૂકે. એકતા કપૂરનું આ પ્લાનિંગ ઑલરેડી એપ્રિલ મહિનામાં જ થઈ ગયું હતું અને એ પ્લાનિંગ મુજબ બધું કામ ચાલતું રહે એ માટે એકતાએ બે ચૅનલની ડેઇલી શૉપ પણ નકારી દીધી.
બિચારી ટીવી-ચૅનલ.
યસ, અત્યારે ચૅનલ બિચારી બની ગઈ છે. એક સમયે જે ચૅનલ પ્રોડક્શન-હાઉસના નામ પરથી મીટિંગો પ્લાન કરતી હતી એ જ એન્ટરટેઇનમેન્ટ ચૅનલ હવે કોઈ પણ પ્રોડક્શન-હાઉસ સાથે મીટિંગ કરવા માટે તૈયાર થઈ જાય છે. ટીવી-ચૅનલોનાં વળતાં પાણી શરૂ થયાં છે અને શરૂ થયેલાં આ વળતાં પાણીમાં ક્યાંક ને ક્યાંક ડિજિટલ પ્લૅટફૉર્મ ટીવી-ચૅનલની કબર પર છેલ્લો ખીલો ઠોકી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ટીવી-ચૅનલ પણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરતી થઈ છે. સોનીએ સોની લિવ નામનું ડિજિટલ પ્લૅટફૉર્મ મૂકી દીધું છે તો ઝી ગ્રુપ ઑલરેડી Zee5 પ્લૅટફૉર્મ ધરાવે છે. સ્ટાર ગ્રુપ હૉટસ્ટાર આપી રહ્યું છે તો કલર્સ ગ્રુપ પાસે વૂટ નામનું ડિજિટલ પ્લૅટફૉર્મ છે અને હવે એ બધા પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મને સ્ટ્રૉન્ગ બનાવવાની દિશામાં છે. ડિજિટલ પ્લૅટફૉર્મ સ્ટ્રૉન્ગ બનતું જતું હોવાથી ટીવીનું ડબલું સાચા અર્થમાં ઇન્ટેલિજન્ટ બનવાની દિશામાં પ્રયાણ કરવા માંડ્યું છે. ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયા કહે છે, ‘સૌથી પહેલાં સમજવું જોઈએ કે ટીવીને ઇડિયટ બૉક્સ કેમ કહેવામાં આવતું હતુ. જો તમે એ સમજી શકો તો જ તમને સમજાશે કે હવે આપણું ઑડિયન્સ ઇડિયટ નથી રહેવાનું.’
ટીવી-ચૅનલો પોતે નક્કી કરતી કે એણે શું દેખાડવું છે. એ જે દેખાડે એ ઑડિયન્સ જુએ અને ઑડિયન્સના હાથમાં રિમોટ સિવાય કોઈ પાવર ન રહે એને કારણે ટીવી ઇડિયટ બૉક્સ અને વ્યુઅર્સ ઇડિયટ પુરવાર થતાં હતાં, પણ હવે માત્ર રિમોટનો જ નહીં, મેન્યૂમાં રહેલી કઈ વરાઇટી ઑડિયન્સ જોવા માગે છે એ નક્કી કરવાનો પાવર ડિજિટલ પ્લૅટફૉર્મે આપી દીધો છે. સંજય ગોરડિયા કહે છે, ‘એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી હવે રેસ્ટોરાંના આલાકાર્ટે જેવી થઈ ગઈ છે. બુફે કોઈને નથી જોઈતું, કારણ એમાં ખબર જ છે, જે સામે આવે એ જ જમવાનું છે, પણ આલાકાર્ટેમાં હાથમાં મેન્યૂ છે, નક્કી તમે કરો કે તમારે શું ખાવું છે. ડિજિટલ પ્લૅટફૉર્મ આલાકાર્ટે છે અને એટલે એ વધારે ને વધારે પૉપ્યુલર થતું જાય છે. નેટફ્લિક્સ આપણે ત્યાં મોડું આવ્યું, પણ એ આવ્યા પછી ડિજિટલ ઇન્ડસ્ટ્રીમાં રીતસરનું ચોમાસું બેસી ગયું.’
નેટફ્લિક્સ મોડું શું કામ આવ્યું એ જરા જાણવું જોઈએ. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના સીઈઓ પાર્થો દાસગુપ્તાના કહેવા પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં ઇન્ડિયન ટીવી વ્યુઅર્સમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને ટીવી ઑડિયન્સ ૭૮૦ મિલ્યનના આંકડાને ક્રૉસ કરી ગયું. આ આંકડો કેવો વિશાળ છે એ સમજવું હોય તો અમેરિકાની વસ્તી જાણવી જોઈએ. અમેરિકાનું પૉપ્યુલેશન ૩૨ કરોડનું છે જ્યારે ઇન્ડિયામાં ૭૮ કરોડ લોકો તો ટીવી જુએ છે.
ટીવી વ્યુઅર્સના આ આંકડાનું પણ પોસ્ટમૉર્ટમ જોવા જેવું છે. આ ઑડિયન્સમાં યંગસ્ટર્સની માત્રા ઉત્તરોત્તર વધતી રહી છે. ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં યંગસ્ટર્સ વ્યુઅર્સની ટકાવારી ૧૧.૩૨ ટકા વધી તો ૨૦૧૭માં એ આંકડો વધીને ૨૧.૪૦ ટકા થયો. આજે ઇન્ડિયન યંગસ્ટર્સ દિવસની ઑલમોસ્ટ ૨૦૦ મિનિટથી વધારે સમય ટીવી પર ફાળવે છે. આ વાત છે અર્બન એટલે કે શહેરી યંગસ્ટર્સની. આવું થવા પાછળનું જો કોઈ સૌથી મહત્ત્વનું કારણ કોઈ હોય તો એ છે સ્માર્ટ મોબાઇલ ફોન. નેટફ્લિક્સના માર્કેટિંગ હેડ (વેસ્ટર્ન એશિયા) ક્રિસ્ટન ડિમેલોના કહેવા મુજબ, ડિજિટલ પ્લૅટફૉર્મનો ટાર્ગેટ યંગ ઑડિયન્સ છે, એ યંગ ઑડિયન્સ જે ઍપ્લિકેશન અને એની ટેક્નૉલૉજીથી વાકેફ છે અને જેને પોતાની મરજી મુજબનું કન્ટેન્ટ જોવું છે. ટીવી પર દેખાડવામાં આવતું કન્ટેન્ટ જોવા તે રાજી નથી, પણ કોઈ ઑપ્શન નહોતો એટલે નાછૂટકે ટીવી અને એના ઑપ્શનમાં સાઇબર કૅફે કે ઇન્ટરનેટનો ઉપયોગ થતો. આ જે વૅક્યુમ હતું એ વૅક્યુમનો બેનિફિટ ડિજિટલ પ્લૅટફૉર્મે લીધો.
ફિલ્મ-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી કહે છે, ‘ટીવીનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એ છે કે એની સામે તમારે બેસવું પડે છે જ્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ તમારી સાથે આવે છે એટલે એને મોબિલિટીનો પણ ઍડ્વાન્ટેજ મળ્યો છે.’
કન્ટેન્ટે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. યંગસ્ટર્સ અને પહેલાંના ટીવી-ઑડિયન્સ વચ્ચેનો ફરક ડિજિટલ પ્લૅટફૉર્મે સહજ રીતે પારખી લીધો.
ટીવી-ઑડિયન્સને મગની દાળના શીરાની રેસિપીમાં રસ હતો, પણ એ જો તેને ફ્રીમાં મળતો હોય તો જ તેને જોવો હતો, જ્યારે યંગસ્ટર્સને ઇન્ટરનૅશનલ કન્ટેન્ટમાં દિલચસ્પી હતી અને એને માટે જો એક કે બે દિવસની પૉકેટ-મની ખર્ચી નાખવાની હોય તો તેમને જરા પણ ચચરાટ નહોતો થતો. આ જ કારણ છે કે અમેરિકા અને ચાઇનાની સરખામણીમાં ઇન્ડિયામાં આજે ડિજિટલ પ્લૅટફૉર્મ સસ્તાં છે અને એ પછી પણ અમેરિકા અને ચાઇનાની સરખામણીમાં આપણે ત્યાં હજી પણ ડિજિટલ પ્લૅટફૉર્મનો એટલો ઉપયોગ થતો નથી. અમેરિકન દિવસમાં ઑલમોસ્ટ ૩૩૦ મિનિટ, ચાઇનીઝ દિવસમાં ૩૦૭ મિનિટ ડિજિટલ પ્લૅટફૉર્મને આપે છે, જ્યારે આપણે ત્યાં સરેરાશ યંગસ્ટર્સ દિવસમાં ૧૧૬ મિનિટ જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર છે. એનું કારણ પણ છે કે હજી આપણે ત્યાં ટીવી અકબંધ રહ્યાં છે પણ હા, એ પણ એટલું સાચું છે કે ટીવી-વ્યુઅર્સમાં ઑલમોસ્ટ ચાળીસી પછીનું ઑડિયન્સ છે, જ્યારે ડિજિટલ પર ચાળીસીથી નાનું ઑડિયન્સ છે. આ જે આંકડાઓ છે એ જોઈને જ એવું માનવામાં આવે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મનું ઑડિયન્સ હજી પણ મોટી સંખ્યામાં વધશે. સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પહલાજ નિહલાની કહે છે, ‘ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ટીવી-ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જાય એવું માનવું વધારે પડતું છે, પણ એવું કહી શકાય કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ઇન્ડિવિજ્યુઅલ ઑડિયન્સ વધશે અને હવે વ્યુઅરશિપમાં પ્રાઇવસી મોડ આવશે. ટીવી ફૅમિલી-ઓરિયેન્ટેડ હતું, પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર્સન-ઓરિયેન્ટેડ છે.’
વાત ખોટી નથી. જાણીતા ઍક્ટર પદ્‍મશ્રી મનોજ જોષી કહે છે કે ‘હવે એ નક્કી થશે કે કયા પ્રોગ્રામ ટીવી પર જોવા અને કયા પ્રોગ્રામ ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા. આગળ જતાં એવું પણ બની શકે કે રિયલિટી શો પૂરતું જ ટીવી સીમિત થઈ જશે. રિયલિટી શોનો જે
હૂક પૉઇન્ટ હોય છે, ક્યુરિયોસિટી છે એ ટીવી જ જાળવી શકે, એ આતુરતા ડિજિટલ પ્લૅટફૉર્મ પર તમે દર્શાવી ન શકો, કારણ કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર બધું એકસાથે આપી દેવાની સિસ્ટમ છે, પણ ટીવી હપ્તાવાર આવે છે એટલે રિયલિટી શોનો ઉત્સાહ એમાં અકબંધ રહી શકે છે. આને કારણે આવતા
સમયમાં ટીવી પર મૅક્સિમમ રિયલિટી શો જ દેખાશે અને ટીવી જો એ કરી શકશે તો જ ટકશે.’
વાત ખોટી નથી. ટીવીના જે દોરની વાત થઈ રહી છે એ દોર આવતા સમયનો છે અને ટીવીએ હંમેશાં દોર સાથે કદમ મિલાવ્યાં છે. એક સમય હતો કે ટીવી એટલે દૂરદર્શન. ‘ચિત્રહાર’, ‘હમલોગ’ અને ‘યે જો હૈ ઝિન્દગી’ જેવા કાર્યક્રમોથી ટીવી થોડું લોકભોગ્ય બન્યું અને એ લોકભોગ્યતાની ચરમસીમા પ્રાઇવેટ ચૅનલોથી આવી. પ્રાઇવેટ ચૅનલના યુગની શરૂઆત ઝી ટીવીએ કરી અને એ પછી સોની ટીવી અને ત્યાર પછી સ્ટાર ગ્રુપે આવીને ટીવી-ઇન્ડસ્ટ્રીની આખી વ્યાખ્યા બદલી નાખી. ટીવીનો એ જે દોર હતો એ પણ અંત સાથેનો દોર હતો. સિરિયલ અમુકતમુક એપિસોડ પછી પૂરી થતી અને વાર્તાનો અંત આવતો, પણ અંત સાથેના એ દોરનો અંત લાવવાનું કામ એકતા કપૂરે કર્યું અને એ સાથે ટીવી પર એકતા કપૂરનો દોર આવ્યો.
એકતા કપૂર યુગે ટીવીના મનોરંજનની વ્યાખ્યા બદલી નાખી અને ટીવી
ફૅમિલી-મેમ્બર બની ગયું હોય એ રીતે લાંબીલચક વાર્તા સાથે આગળ વધવા માંડ્યું. જાણીતા રાઇટર અને સેન્સર બોર્ડના મેમ્બર મિહિર ભુતાના કહેવા પ્રમાણે, ઇન્ડિયન ઑડિયન્સ કૅરૅક્ટરના પ્રેમમાં પડતું હોવાથી આવું બન્યું. તેમને વાર્તા સાથે આગળ વધવાને બદલે એ કૅરૅક્ટર સાથે શું બને છે એ જાણવામાં રસ વધારે રહ્યો એટલે અંત વિનાની વાર્તાઓનો સમયગાળો આવ્યો.
એકતા કપૂરના આ યુગ પછી રિયલિટી શોનો કાળ આવ્યો અને રિયલિટી શોના કાળ દરમ્યાન જ ‘બિગ બૉસ’થી માંડીને ‘ઇન્ડિયન આઇડલ’ જેવા સિન્ગિંગ શો, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા ડાન્સિંગ શો અને ‘રોડીઝ’ જેવા ઍડ્વેન્ચર-બેઝ્‍ડ રિયલિટી શો આવ્યા, જેણે ઑડિયન્સને જકડી રાખવાનું કામ કર્યું તો સાથોસાથ ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા
જ્ઞાનવર્ધક શો પણ આવ્યા, જેણે ઑડિયન્સને ટીવી સાથે આત્મીયતા વધારવાનું કામ કર્યું પણ એ જ સમયગાળામાં ડિજિટલ પ્લૅટફૉર્મનું ધ્યાન ઇન્ડિયા તરફ ગયું અને ઇન્ડિયન માર્કેટને પકડવા માટે એણે તૈયારી શરૂ કરી.
ડિજિટલ પ્લૅટફૉર્મ માટે તમારે ટીવી સામે ચીટકી રહેવાની જરૂર નથી એ એનો મુખ્ય લાભ રહ્યો છે તો સાથોસાથ આ પ્લૅટફૉર્મનો બીજો એક ફાયદો એ પણ રહ્યો કે એણે ઉપલબ્ધિની સીમારેખાઓ તોડી નાખી. નેટફ્લિક્સ આજે દુનિયાના ‍૧૦૯ દેશોમાં છે, ઍમેઝૉન પ્રાઇમ પણ ૧૦૦થી વધારે દેશોમાં છે અને બાકીનાં પ્લૅટફૉર્મ પણ એ તમામ દેશોમાં છે જે દેશોમાં ઇન્ટરનેટની સુવિધા છે. જાણીતા રાઇટર હની ઈરાની કહે છે, ‘ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ઇન્ટરનૅશનલ કન્ટેન્ટ તમારી ભાષામાં જોવાની શક્યતા વધારે ક્લિયર થઈ છે. આજે ચાઇનીઝ કે સ્વિડીશ શો તમને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળી શકે છે, પહેલાં એ શક્ય નહોતું. પહેલાં તમારે સીડી કે ડીવીડી શોધવાં પડતાં.’
ડિજિટલ પ્લૅટફૉર્મે સીડી અને ડીવીડીનું માર્કેટ ખતમ કરી નાખ્યું એવું કહીએ તો પણ કાંઈ ખોટું નથી. જો તમારી પાસે ચાર મુખ્ય પ્લૅટફૉર્મનું સબસ્ક્રિપ્શન હોય તો તમે એવું કહી શકો કે તમારા ઘરમાં ૫૦૦૦થી વધારે ફિલ્મો પડી છે. ડિજિટલ પ્લૅટફૉર્મને લીધે માત્ર ટીવીને જ અસર થઈ છે કે થશે એવું
બિલકુલ નથી. ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પણ બહુ મોટી અસર થઈ છે અને આવતા દિવસોમાં હજી થશે એવું પણ કહી શકાય. ફિલ્મ હવે સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનો કન્સેપ્ટ આવી રહ્યો છે. હમણાં જ
ધર્મા પ્રોડક્શને નેટફ્લિક્સને એના પ્રોડક્શન-હાઉસમાં બનેલી ‘ડ્રાઇવ’ ફિલ્મના વર્લ્ડ પ્રીમિયરના રાઇટ્સ આપ્યા. આ ફિલ્મ હવે થિયેટરમાં નહીં પણ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ફિલ્મને બૉક્સ-ઑફિસના હિટ કે ફ્લૉપનું લેબલ લાગવાનું ન હોવાથી પ્રોડ્યુસરથી માંડીને ઍક્ટર સુધ્ધાં ખુશ છે. જેને પરિણામે એવું બનશે કે આવતા સમયમાં માત્ર ડિજિટલ પ્લૅટફૉર્મને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનશે અને એ ફિલ્મોને ક્યાંય સેન્સર બોર્ડની નડતર પણ નહીં હોય.
ટીવી-ચૅનલ અને ડિજિટલ પ્લૅટફૉર્મનો આ જંગ અત્યારે ભલે જંગના સ્વરૂપમાં દેખાતો હોય, પણ આગળ જતાં આ જંગ બન્નેનું મર્જર બની જશે એવું કહી શકાય અને એ અત્યારે દેખાઈ પણ રહ્યું છે. દરેક ટીવી-ચૅનલ ડિજિટલ પ્લૅટફૉર્મને સ્ટ્રૉન્ગ બનાવવામાં લાગી ગઈ છે. જે આ કામ સરળતા સાથે કરી જશે તેની પાસે આ બન્ને પ્લૅટફૉર્મ પર ટકી રહેવાની ક્ષમતા રહેશે અને જે આ ગાડી ચૂકી ગયું તેને માટે એક જ વાત લાગુ પડશે, ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા...’

columnists Rashmin Shah