ખારેકનું ક, ખ, ગ...

06 August, 2019 02:53 PM IST  |  મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ - કચ્છી કોર્નર

ખારેકનું ક, ખ, ગ...

ખારેક

કચ્છી કોર્નર 

કોઈ ફ્રૂટના જતન માટે આ પ્રકારના ઉત્સવનું પ્લાનિંગ થાય એવું દેશમાં પહેલી વાર બનશે

ગુજરાતની દારૂબંધી જગજાહેર છે છતાં કચ્છના ચાર ખેડૂતોએ કચ્છી કલ્પવૃક્ષ મનાતી ખારેકમાંથી વાઇન બનાવવાનો પ્રોજેક્ટ બનાવીને એ ગુજરાત ગવર્નમેન્ટને ચારેક વર્ષ પહેલાં આપ્યો હતો. ડેટ-વાઇનના આ પ્રોજેક્ટની ફિઝિબિલિટી અને વર્ષેદહાડે અંદાજે ૧૦૦ કરોડથી વધુ કિંમતની ખારેકની નવી ખપત જોયા પછી ગુજરાત ગવર્નમેન્ટને સ્વાભાવિક રીતે આ પ્રોજેક્ટમાં રસ પડ્યો છે, પણ નીતિવિષયક વાત હોવાથી એના પર ફાઇનલ નિર્ણય લેવાનું કામ હવે થશે. હા, ગવર્નમેન્ટે આ ચારેય ખેડૂતોને સજેશન આપ્યું છે કે જો પ્રોજેક્ટ પ્રાઇવેટ કંપનીના સેઝમાં એટલે કે સ્પેશ્યલ ઇકૉનૉમી ઝોનમાં થતો હોય તો ગુજરાત સરકારને પ્રોજેક્ટ સામે નીતિવિષયક કોઈ વિરોધ નથી, પણ જો આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના સીમાંકનમાં કરવો હોય તો એને માટે રાહ જોવી પડશે. ડેટ-વાઇન વિશે વધુ વાત કરતાં પહેલાં ખારેક વિશે થોડું જાણી લેવું જોઈએ. દેશઆખામાં ખારેક માત્ર કચ્છમાં થાય છે અને એમ છતાં આ ખારેક ઍપલ, મૅન્ગો કે ઑરેન્જ જેવા ફ્રૂટની જેમ પૉપ્યુલર નથી થઈ. આ વાતનું ટેન્શન કચ્છીઓને તો છે જ, પણ સાથોસાથ ગુજરાત ગવર્નમેન્ટને પણ છે. ખારેકનું કમર્શિયલ પ્રોડક્શન માત્ર કચ્છમાં થાય છે અને એમ છતાં ખારેકનો પાક લેનારા ખેડૂતને એનું યોગ્ય વળતર નથી મળતું. ભુજ માર્કેટિંગ યાર્ડના સભ્ય ખીમજી જેઠમજીના કહેવા મુજબ અત્યારે ખારેકનો એક કિલોનો ભાવ ૫૦થી ૭૫ રૂપિયાની આસપાસ હોય છે, પણ જો ખારેક પૉપ્યુલર હોય તો ખેડૂતોને આ ભાવથી દોઢી કિંમત સરળતાથી મળે. ગુજરાત હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટના ઑફિસર ડૉ. જયંતી પટેલ કહે છે, ‘કચ્છી ખારેક ફ્રૂટ અને ફ્રૂટ-બેઝ યુઝ માટે પર્ફેક્ટ છે, પણ ખારેકનો ફ્રૂટ તરીકે ખાવામાં ઉપયોગ ઓછો થતો હોવાથી કચ્છમાં થતી ખારેકમાંથી અડધોઅડધ પાકનો ઉપયોગ ખજૂર બનાવવામાં કરવો પડે છે, પણ એ પણ હકીકત છે કે કચ્છી ખારેકમાંથી બનતો ખજૂર અન્ય જાત કરતાં ઊતરતી ક્વૉલિટીનો હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં આ ખજૂરનું ખરીદદાર કોઈ નથી. ખારેકમાંથી ખજૂર બનાવવાને બદલે ખારેકનો સીધો ખાવામાં ઉપયોગ થાય એ માટે લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી છે. આ જ કારણે ગુજરાત ગવર્નમેન્ટ દેશનાં મહત્ત્વનાં શહેરોમાં ખારેક-મહોત્સવ કરવાનું પણ વિચારી રહી છે. આ મહોત્સવમાં ખારેકથી થતા લાભ વિશે સમજાવવા ઉપરાંત ખારેકની અલગ-અલગ વાનગીઓ અને રિયલ ખારેક વેચવામાં આવશે.’
પાંચેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં પહેલી વખત ખારેક-મહોત્સવ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર લાખ રૂપિયાની ખારેક રીટેલમાં વેચાઈ હતી. એ પછી દેશનાં અન્ય શહેરોનું પોટેન્શિયલ ચકાસીને આ ખારેક-મહોત્સવ દેશનાં અન્ય શહેરોમાં કરવાની વિચારણા શરૂ થઈ. કોઈ એક ફ્રૂટ માટે મહોત્સવ થાય અને એ ફ્રૂટને વેચવાના નવા-નવા નુસખા શોધવામાં આવે એવું વિદેશમાં બન્યું હશે, પણ ભારતમાં આવું આ અગાઉ ક્યારેય નથી બન્યું. આવું શા માટે વિચારવામાં આવ્યું અને કયા કારણસર ખારેક માટે મગજમારી શરૂ કરવામાં આવી એ જાણવું હોય તો ખારેકના મૂળમાં ઊતરવું પડે.

રિપીટેડલી કહેવાઈ રહ્યું છે અને કહેવું જરૂરી પણ છે કે ખારેક દેશઆખામાં માત્ર અને માત્ર કચ્છમાં થાય છે. દુનિયાની વાત કરીએ તો મિડલ-ઈસ્ટમાં ખારેક ઊગે છે. એવું માનવામાં આવે છે કે મિડલ-ઈસ્ટથી જ દોઢેક હજાર વર્ષ પહેલાં ખારેક કચ્છ પહોંચી છે. કચ્છના ઇતિહાસકાર કિશોર વીરમજી ‘મિડ-ડે’ને કહે છે, ‘ખારેકનો ઉલ્લેખ ૪૦૦૦ વર્ષ પહેલાંની ઇજિપ્શિયન સંસ્કૃતિમાં પણ થયેલો છે. કચ્છની ખારેકની વાત કરીએ તો ખારેક મુંદ્રા બંદરથી દેશમાં આવી હોવાની ધારણા મૂકવામાં આવે છે. રજવાડાના સમયમાં પણ મુંદ્રાનો વિકાસ બંદર તરીકે કરવામાં આવ્યો હતો. વહાણવટાના એ દિવસોમાં મિડલ-ઈસ્ટથી આવેલા વહાણવટીઓ પોતાની સાથે ખજૂર લાવ્યા હશે, જેના ઠળિયા મુંદ્રામાં પડ્યા, જેમાંથી ખારેકનાં વૃક્ષો થયાં. શરૂઆતમાં કોઈ આ અજાણ્યું ફળ ખાવાની હિંમત નહોતું કરતું, પણ ઊંટને આ ફળ ખાતું જોઈને લોકોએ હિંમત કરી અને પછી ધીમે-ધીમે આ ખારેક ચલણમાં આવી. છપ્પનિયા દુષ્કાળ તરીકે જાણીતા થયેલા ઈસવી સન ૧૮૫૭માં એક ખારેક સામે એક સોનામહોર અપાયાના કિસ્સા ઇતિહાસમાં ટાંકવામાં આવ્યા છે.’

૨૦૧૧માં ખારેકનું તો નહીં, પણ ખારેકના બિયારણનું મૂલ્ય ખેડૂતો માટે સોનામહોર જેવું અને જેટલું જ છે. જૂનાગઢ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર કે. ડી. પટેલ કહે છે, ‘બહુ ઓછાં ફ્રૂટ્સ એવાં છે જેમાં મેલ અને ફીમેલ ઝાડ હોય. પપૈયામાં આ પ્રકારની સેક્સ-જેન્ડર હોય છે. મેલ જેન્ડરના ઝાડ પર ક્યારેય ફ્રૂટ્સ આવતાં નથી, ફ્રૂટ્સ આપવાનું કામ ફીમેલ-જેન્ડરનાં ઝાડ જ કરે છે. જોકે મેલ-ફીમેલ ઝાડ ત્યાં સુધી ઓળખાતાં નથી જ્યાં સુધી એના પર ફ્રૂટ આવવાનું શરૂ ન થાય. ૭૦ના દાયકામાં કચ્છમાં ખારેકના મેલ ઝાડનું વાવેતર વધુ થઈ ગયું, જેની જાણ છેક ચાર વર્ષ પછી એટલે કે ફ્રૂટ આવવાનો સમય થયો ત્યારે થઈ. ખેડૂતોની ચાર વરર્ષની મહેનત માથે પડી અને રોપાને ઉછેરવાની મહેનત પણ. એ અરસામાં પણ ખારેકની ડિમાન્ડ પેલા છપ્પનિયા દુષ્કાળમાં ઊભી થઈ હતી એવી ઊભી થઈ હતી. લોકો ભેટમાં ચાંદીની વસ્તુ આપવાને બદલે ખારેકનાં પૅકેટ આપતા હતા.’

મેલ-ફીમેલ રોપા કે બિયારણ ઓળખવું આસાન નહીં હોવાથી ૮૦ના અરસામાં ગુજરાત સરકારે ગુજરાત હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટની મદદથી કચ્છના મુંદ્રા શહેરમાં ખારેકના ફીમેલ રોપા વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર ફીમેલ રોપાઓ વેચવા પર ધ્યાન આપવામાં આવતું હતું, પણ પછી બાયોટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ધીમે-ધીમે ઉત્તમ ક્વૉલિટીની ખારેક બનાવવા પર ધ્યાન આપવાનું શરૂ થયું. શરૂઆતનાં વર્ષોમાં કચ્છની માર્કેટમાં બુરહાની, અલીઝફા, કીમરી, ખલાલ, મેદજૂલ, ખદ્રોવી, ઝાહીદ જેવી ખારેકની ચાલીસેક ક્વૉલિટી ખારેક થતી હતી, પણ પછી ધીમે-ધીમે કચ્છની જમીનને જે અનુકૂળ હતી એવી ‘બરહી’ અને ‘ખલાલ’ ક્વૉલિટીની ખારેકના રોપા જ ડેવલપ કરવામાં આવ્યા. માર્કેટમાં દેખાતી રેડ અને યલો રંગની ખારેક એ બરહી પણ હોઈ શકે છે અને ખલાલ પણ હોઈ શકે છે. બન્નેના સ્વાદમાં રંગની કોઈ અસર નથી, પણ હા, બાયોટેક્નૉલૉજીની મદદથી હવે જે ક્રૉપ લેવામાં આવે છે એ લાલ રંગની ખારેકનો લેવામાં આવે છે.

દેશી ખારેકમાં પણ રંગ અને ક્વૉલિટીને ખારેક સાથે કાંઈ લેવા-દેવા નથી. બન્નેનો સ્વાદ અને ગુણ લગભગ એકસરખાં હોય છે. આ વાતનો ખુલાસો કરતાં ભુજના ખારેકના વેપારી રમેશભાઈ ખત્રી કહે છે, ‘ખારેક મુસ્લિમ દેશમાંથી આવી હોવાથી અને ખારેકમાંથી બનતો ખજૂર મુસ્લિમનો સૌથી પવિત્ર ખોરાક મનાતો હોવાથી ખારેકની તમામ ક્વૉલિટીનાં નામ અરેબિક રાખવામાં આવ્યાં છે. કચ્છના વાતાવરણને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ‘કિમરી’ ખારેકનું નામકરણ કચ્છમાં જ થયું છે, પણ એનું નામ તો મૂળ સ્ટાઇલ મુજબ અરેબિક જ રાખવામાં આવ્યું છે.’

હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટે અપનાવેલી બાયોટેક્નૉલૉજીને કારણે ચાર વર્ષથી ફ્રૂટ આપવાનું શરૂ કરતી ખારેકની ફીમેલ હવે બેથી ત્રણ વર્ષમાં ફ્રૂટ આપવાનું શરૂ કરી દે છે. ત્રણ વર્ષના મૅચ્યોરિટી પિરિયડ સુધીમાં એટલે કે ત્રણથી પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન ખારેક દર વર્ષે અંદાજે ૫૦ કિલો જેટલો પાક આપે છે, જ્યારે એ પછી ઉત્તરોત્તર વધીને ૨૦૦ કિલો સુધી પહોંચે છે. ખારેકનું એક ઝાડ અંદાજે ૧૦૦ વર્ષ સુધી ફ્રૂટ આપે છે. ખારેકની અને ખારેકના ઝાડની અનેક ખાસિયતો પૈકીની વધુ એક મહત્ત્વની ખાસિયત એ છે કે ખારેકનો રોપો પાંચ વર્ષનો થઈ ગયા પછી એની સંભાળ લેવી નથી પડતી, એ ઝાડ દર વર્ષે રાબેતા મુજબ પાક આપ્યા કરે છે. હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટને કારણે જ પહેલાં જે ઝાડ જૂનથી સપ્ટેમ્બર સુધી એમ પાંચ મહિના ફ્રૂટ આપતું હતું એ હવે નવેમ્બર મહિના સુધી ફ્રૂટ આપવાને સમર્થ બન્યાં છે.

અત્યારે કચ્છના ૨૦,૦૦૦થી વધુ ખેડૂતો ૧૬,૦૦૦ હેક્ટર જમીન પર ખારેકનો પાક લઈ રહ્યા છે. આ વર્ષે ખારેકનું ૧,૨૫,૦૦૦ ટન જેટલું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષે ૧,૪૦,૦૦૦ ટન જેટલું અને ૨૦૦૯માં ૧,૭૨,૦૦૦ ટન જેટલું હતું. છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન ખારેકનો પાક ઘટવાનું શરૂ થયું હોવાથી જ ગુજરાત ગવર્નમેન્ટ હવે ખારેકને એક સ્વતંત્ર અને મેઇન-સ્ટ્રીમના ફ્રૂટ તરીકે ડેવલપ કરવાના પ્રયત્ન કરી રહી છે. ગુજરાત ગવર્નમેન્ટના કૃષિપ્રધાન આર. સી. ફળદુ કહે છે, ‘ખારેકના બીજા ઉપયોગોને પણ અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ, જેથી ખારેકનું માર્કેટ મોટું થાય અને ખારેકની ખપતની સાથોસાથ એનો ભાવ પણ ઊંચો આવે.’

એવું નથી કે ગુજરાત ગવર્નમેન્ટ માત્ર માર્કેટ ઊભી કરવાના ઉધામા મચાવી રહી હોય. ગુજરાત સરકાર ખારેકનું વાવેતર વધે એ દિશામાં પણ પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નના ભાગરૂપે જ ગુજરાત સરકાર ખારેકના ૨૫૦ રોપા પર ખરીદનારાને રોપાદીઠ સબસિડી પણ આપે છે. આર. સી. ફળદુ કહે છે, ‘લાંબા સમય સુધી ક્રૉપ આપતું હોવાથી ખારેકનું ઝાડ એ આમ પેન્શન-પ્લાન જેવું છે, જે કચ્છના ડેવલપમેન્ટ અને કચ્છીઓના વિકાસ માટે બહુ ઉપયોગી છે.’
વાત ખોટી નથી.

વાઇનમાં ગ્રેપ વાઇન બેસ્ટ માનવામાં આવે છે, પણ ખારેક પર રિસર્ચ કરીને ડેટ-વાઇનનું કમ્પોઝિશન તૈયાર કરનારી નાશિકની ગાર્ગી ઍગ્રિકલ્ચર રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટે આપેલા રિપોર્ટ મુજબ ડેટ-વાઇનની ક્વૉલિટી ગ્રેપ-વાઇન કરતાં અવ્વલ દરજ્જાની છે. ગ્રેપ્સમાંથી ફક્ત રેડ અને વાઇટ વાઇન બને છે, પણ ડેટ-વાઇનમાંથી રેડ, બ્રાઉન, સફ્રોન યલો, મિલ્કી વાઇટ જેવા અલગ-અલગ કલર અને ટેસ્ટના વીસેક જેટલા વાઇન બનાવવાનું ટેસ્ટિંગ સક્સેફુલ રહ્યું છે.
ફ્રૂટ તરીકે ખાસ કોઈ વૅલ્યુ ઊભી નહીં કરી શકેલી ખારેકનું સ્ટોરેજ થતું નથી. જેને લીધે દર વર્ષે કચ્છની ખારેકનો ૧૫થી ૨૦ ટકા જેટલો પાક સીઝન પૂરી થયા પછી વેચાણના અભાવે ખજૂરમાં ફેરવી નાખવામાં આવે છે. જો ડેટ-વાઇનનો પ્રોજેક્ટ શક્ય બન્યો તો ખારેકનું સ્ટોરેજ કરવા વેપારીઓ તૈયાર થશે અને ખારેકમાંથી નબળી ક્વૉલિટીના ખજૂરને બદલે ઉચ્ચ ક્વૉલિટીનો ડેટ-વાઇન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

સૌથી લાંબી આવરદાનું ફ્રૂટ
તમામ ફ્રૂટ્સમાં સૌથી લાંબી એજનું જો કોઈ ફ્રૂટ હોય તો એ છે ખારેક. આપણને કાચી ખારેકના શાકની આદત પડી નથી, પણ મુસ્લિમ દેશોમાં કાચી ખારેકની સબ્જી બનાવીને ખવાય છે. ખારેક પાકે અને ફ્રૂટ બને એ પછી એને રેગ્યુલર ખારેકની જેમ એટલે કે અત્યારે ખાઈએ છીએ એ રીતે ફ્રૂટ તરીકે ખાઈ શકાય છે. જો ખારેકને સૂકવી નાખવામાં આવે તો એ ખારેકનો ઉપયોગ ડ્રાયફ્રૂટ તરીકે થાય છે અને પાકીને લચી પડેલી ખારેકને ખજૂર તરીકે ખાવામાં આવે છે. કાચા, પાકી ગયેલા કે સૂકવી નાખેલા ફ્રૂટની યાદીમાં કાજુ જેવાં ફ્રૂટ્સ આવી શકે, પણ આગળનાં ત્રણ સ્વરૂપ ઉપરાંત પાકીને લચી પડેલા ફ્રૂટને ખાવાની બાબતમાં ખારેક એક જ આવે છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ ખારેક અને ખજૂરનું આયુષ્ય લાંબું છે.

kutch columnists Rashmin Shah gujarat