ચોરસ રોટલી જોઈને પણ મમ્મી વખાણ કરે એનાથી મોટો અવૉર્ડ બીજો કયો હોય?

05 December, 2022 03:31 PM IST  |  Mumbai | Rashmin Shah

અમદાવાદના શેહઝાદે ફાઇવસ્ટાર હોટેલમાં ડ્યુટી પણ કરી છે અને તે બહુ સારો શેફ પણ છે

શેહઝાદ શેખ

પોતાને આ અવૉર્ડ મળ્યો છે એવી નિખાલસ કબૂલાત કરે છે ‘કુબૂલ હૈ’, ‘અદાલત’, ‘અનામિકા’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘સિંદૂર કી કિંમત’ જેવી અનેક સિરિયલોના સ્ટાર શેહઝાદ શેખ. અમદાવાદના શેહઝાદે ફાઇવસ્ટાર હોટેલમાં ડ્યુટી પણ કરી છે અને તે બહુ સારો શેફ પણ છે

નેવરએવર
મિઝોન પ્લાસ : બેસ્ટ ફૂડ બનાવવાની આ ફૉર્મ્યુલા છે. મિઝોન પ્લાસ એટલે ખાવાનું બનાવતાં પહેલાં એની બધી તૈયારી કરી લો. કુકિંગમાં સૌથી મહત્ત્વનું જો કંઈ હોય તો પ્રી-પ્રેપરેશન છે.

ફૂડ. 

કોઈ આટલું જ બોલે અને મારા મોઢામાં પાણી આવી જાય. ફક્ત ઇન્ડિયન જ નહીં, પણ દુનિયામાં બનતું કોઈ પણ ક્વિઝીન તમે મારા માટે લઈ આવો તો હું એ પ્રેમથી ચાખીશ અને ચાખ્યા પછી એ કેવી રીતે બન્યું, એમાં કઈ સામગ્રીઓ વપરાઈ અને શું કર્યું હોત તો હજુ પણ સ્વાદ બેટર બની શક્યો હોત એ હુંક હી શકું.

દરેક પ્રકારના ક્વિઝીનને હું એન્જૉય કરતો હોઉં છું પણ મારા ફેવરિટ ફૂડનું નામ લેવાનું આવે તો હું મેડિટેરિયન, ઇટાલિયન, થાઈ ફૂડ ગણાવીશ અને અફકોર્સ ઇન્ડિયન ફૂડ તો એ બધામાં સામેલ હોય જ. બાય ધી વે, બહુ ઓછા લોકોને ખબર છે એવી એક વાત કહું. હૉસ્પિટાલિટીની ફીલ્ડનો ચાર વર્ષનો મેં કોર્સ કર્યો છે અને તાજ હોટેલમાં કામ પણ કર્યું છે તો સાથોસાથ મને કુકિંગ પણ અફલાતૂન લેવલનું બનાવતાં ફાવે છે.

પહલા પહલા પ્યાર હૈ... | હું દસેક વર્ષનો હોઈશ ત્યારની વાત છે. અમદાવાદમાં મોટો થયો છું એટલે ગુજરાતી કલ્ચરનો પ્રભાવ નૅચરલી રહેવાનો. એ સમયે મમ્મીને રોટલી બનાવતી જોઈને મને બહુ મજા આવતી. અમારા ઘરે ગુજરાતીઓને ત્યાં બને એવી ફૂલકા રોટી જ બને. એક વખત મેં જીદ પકડી કે હું રોટલી બનાવું અને હું મમ્મીની બાજુમાં ઊભો રહી ગયો. મમ્મીએ કોઈ જાતના વિરોધ વિના મને વેલણ આપ્યું અને મેં ચોરસ, લંબચોરસ રોટલીઓ બનાવી, પણ મમ્મી એવી ખુશ થઈ કે તમે વિચારી પણ ન શકો. મારા જેવી રોટલી દુનિયામાં ક્યારેય કોઈએ બનાવી નહીં હોય એવું સર્ટિફિકેટ પણ તેણે મને આપી દીધું. બસ, આ મારો કુકિંગનો પહેલો અનુભવ, જેણે મારામાં જબરદસ્ત કૉન્ફિડન્સ વધાર્યો. 

મને લાગે છે કે આ જ કારણે હૉસ્પિટાલિટીના ફીલ્ડમાં ગયો હોઈશ. મમ્મીની જે સારી વાતો મારામાં આવી એ પૈકીની આ કુકિંગ પણ એક છે. મારે મન તો એ વર્લ્ડની બેસ્ટ કુક છે. અરે, દુનિયાભરની આઇટમો એ ઘરે બનાવે. મારી મમ્મી હંમેશાં કહે કે પર્ફેક્ટ કુકિંગ ધીરજ માગી લે. મમ્મી ખાવાનું બનાવતી હોય ત્યારે જે સુગંધ અમારા ઘરમાં ફેલાતી હોય એનાથી બેસ્ટ ખુશબૂ મેં આજ સુધીમાં ક્યારેય નથી જોઈ.

લાઇફટાઇમ યાદ રહી ગયું | ઘણી આઇટમો અત્યાર સુધી બનાવી છે અને પ્રોફેશનલ ટચને કારણે દરેક વખતે લોકોએ ખૂબ વખાણ પણ કર્યાં છે. સાચું કહું તો પૅશન્સના કારણે બ્લન્ડર તો ક્યારેય નથી માર્યાં પણ હા, હું સ્કૂલમાં હતો ત્યારે હસવું આવે એવો એક કિસ્સો બન્યો હતો. એ સમયે કઈ ડિશ હતી એનું નામ તો અત્યારે મને યાદ નથી પણ લંચબૉક્સમાં ભરીને હું કંઈક લઈ ગયો હતો. ચાલુ ક્લાસે એ ડબ્બો ખોલ્યો અને કોને ખબર કેવી રીતે પણ એમાં એટલું મરચું હતું કે ડબ્બો ખોલવાથી ચારેય બાજુએ મરચું ફેલાયું હોય એમ બધા ક્લાસમેટ્સ ખાંસી ખાવા માંડ્યા. એ વરાઇટી રિસેસમાં મેં શૅર કરી ત્યારે બધા સિસકારા કરીને અડધા થઈ ગયા. એ એટલું તીખું બન્યું હતું. અમે જૂના ફ્રેન્ડ્સ મળીએ તો એ વાત યાદ કરીને બહુ હસીએ.

હેલ્થ ભી, ટેસ્ટ ભી | સદ્નસીબે મને ભાવતી તમામ આઇટમો નૅચરલી હેલ્ધી હોય છે, પરંતુ ઘણી વાર લોકોને જન્કફૂડ વધુ ભાવતું હોય તો તેમણે નૅચરલી સાથે હેલ્ધી ફૂડ ખાવાની આદત કેળવવી જ જોઈએ. ગુજરાતી ફૂડમાં તળેલી વસ્તુઓ બાદ કરો તો મોટા ભાગનું હેલ્ધી અને કમ્પ્લીટ મીલ છે. અફકોર્સ પ્રોટીનની માત્રા ઓછી હોય છે. જોકે અમદાવાદી છું એટલે ગુજરાતી ફૂડ મારું પ્રિય છે અને જ્યારે પણ ત્યાં જવાનું થાય તો ત્યાંની બહુ પૉપ્યુલર અને ટ્રેડિશનલ રેસ્ટોરાં વિશાલામાં જવાનું નક્કી જ હોય. મમ્મીએ કહ્યું છે એમ, ખાવાનું બનાવવામાં ધીરજ જરૂરી છે અને જો પ્રેમથી, રસપૂર્વક ખાવાનું બનાવશો તો સો ટકા રસોઈમાં પણ રસ ઉમેરાશે. ફાઇવસ્ટારમાં શેફ હતો એટલે આ વાત જાતઅનુભવે કહું છું કે રસોઈ બનાવતી વખતે ઉતાવળ કરવાને બદલે નિરાંતે એમાં પ્રેમ ભેળવજો. ખાનારા સુધી એ પહોંચશે જ પહોંચશે.

columnists Rashmin Shah